પ્રાથમિક શિક્ષણ (elementary education; primary education) : ઔપચારિક શિક્ષણનું પહેલું ચરણ. પરંપરાથી લગભગ દરેક સમાજમાં બાળકની 5થી 7 વર્ષની વયે તેનો પ્રારંભ થાય છે અને 11થી 13ની વય સુધી તે ચાલુ રહે છે. આમાં આરંભનાં વર્ષોમાં બાળકને વાચન અને લેખન તથા અંકગણિતમાં આવતી સરળ ગણતરીઓથી પરિચિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પાછલાં વર્ષોમાં ભાષા અને ગણિત સાથે ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર તથા વિજ્ઞાનના વિષયો બાળકના પરિચય માટે ઉમેરવામાં આવે છે.

પ્રાચીન ભારતમાં શિક્ષણનું વિશેષ મહત્વ હતું. શિક્ષણ જેમનું કર્તવ્ય ગણાયું તે બ્રાહ્મણને સમાજમાં સર્વોચ્ચ સ્થાને મૂકીને સમાજે વિદ્યાનું ગૌરવ સ્વીકાર્યું. ત્યારે શિક્ષણના બે હેતુ હતા : એક, પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો અને બીજો સમાજના અંગ તરીકે જીવનવ્યવહારો સુપેરે નિભાવવાનો. શિક્ષણકાર્ય આચાર્યના આશ્રમમાં થતું. આશ્રમ ‘ગુરુકુળ’, ‘આચાર્યકુલ’ ‘ગુરુગૃહ’ આદિ નામે ઓળખાતો. વિદ્યાર્થી ગુરુગૃહે જાય તે સંસ્કાર પ્રાચીન સોળ સંસ્કારોમાં ‘ઉપનયન’ નામે મહત્વનો લેખાતો. બ્રાહ્મણ બાળકનો ઉપનયન સંસ્કાર મોટેભાગે આઠ વર્ષની વયે કરાતો. સામાન્ય રીતે બાર વર્ષ સુધી અધ્યયન ચાલતું. બીજી રીતે, વેદદીઠ સાત વર્ષ પ્રમાણે ત્રણ વેદો માટેનું શિક્ષણકાર્ય 21 વર્ષ સુધી ચાલતું.

સાતમી સદીથી ચાલુ થયેલાં મુસલમાનોનાં આક્રમણોએ ભારતની સુંદર શિક્ષણવ્યવસ્થાનો  સર્વનાશ કર્યો. વિદ્યાપીઠો, મંદિરો, ગ્રંથો, ગ્રંથાલયો અને આચાર્યો સુધ્ધાં ઝનૂનનો ભોગ બન્યાં. ઇસ્લામી શાસનમાં ઇસ્લામ તથા અરબીફારસી ભાષાઓના શિક્ષણને મહત્વ સાંપડ્યું. મક્તબ નામે પ્રાથમિક શાળામાં લેખન, વાચન તથા અંકગણિતનું અને કુરાનનું શિક્ષણ અપાતું.

આધુનિક પ્રકારના પ્રાથમિક શિક્ષણનો આરંભ અંગ્રેજી શાસનમાં ખ્રિસ્તી ધર્મપ્રચારકો દ્વારા થયો. પ્રથમ ચેન્નઈ તથા બંગાળ અને પછી અંગ્રેજી શાસન હેઠળના અન્ય પ્રાંતોમાં તેનો ધીમો પ્રસાર થયો. પ્રારંભનાં 150 વર્ષ સુધી તેની ગતિ મંદ રહી. છેક 1813માં કંપની સરકારે શિક્ષણ માટે નાણાં ખર્ચવાનું સ્વીકાર્યું. શિક્ષણનાં વિષયો તથા પદ્ધતિ પરત્વે પ્રારંભે જ વિવાદ સર્જાયો. પ્રાચ્ય અને પાશ્ચાત્ય – એમ બે જૂથો સામસામે આવી ગયાં. દરમિયાન, 1857ના વિપ્લવને કારણે અન્ય ક્ષેત્રોની જેમ શિક્ષણક્ષેત્રે પણ અરાજકતા પ્રવર્તી. 1882માં વિલિયમ વિલ્સન હંટર આયોગની રચના કરાઈ. શાસનને પ્રાથમિક શિક્ષણ પરત્વે ધ્યાન આપવા આયોગે ભલામણ કરી. શિક્ષણનું માધ્યમ અંગ્રેજી ભાષા રાખવાનું સૂચવ્યું. અનુદાન, સ્ત્રીકેળવણી, ધાર્મિક શિક્ષણ, મુસલમાનો માટે વિશેષ શિક્ષણ – એમ વિવિધ વિષયો પરત્વે આયોગે સૂચનો કર્યાં.

આયોગની એક ભલામણનો તુરત સ્વીકાર થયો અને પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા નગરપાલિકા તથા તાલુકા-જિલ્લા કક્ષાનાં વહીવટી તંત્રોને સોંપાઈ. આ શિક્ષણની યોજનામાં સામ્રાજ્યવાદી હેતુઓ પણ સૂક્ષ્મ રીતે ભળ્યા હોય એ બનવાજોગ છે. પરિણામે રાજ્યનિરપેક્ષ સ્વસ્થ સમાજનિષ્ઠ શિક્ષણપરંપરા ન મળી અને તે કારણે પ્રાથમિક શિક્ષણને તેના ઉદય સાથે જ કેટલીક મર્યાદાઓ વેઠવાની આવી. અંગ્રેજ સરકાર દ્વારા – મૅકોલે (1800–1859) વગેરે દ્વારા સૂચવાયેલી અંગ્રેજી કેળવણી સરકારનાં પોતાનાં પ્રયોજનો સિદ્ધ કરવાનું સાધન બની. સરકારી ધન હિંદુઓને અંગ્રેજી અને પશ્ચિમી સંસ્કૃતિનું શિક્ષણ આપવા માટે ફાળવવામાં આવ્યું. વિલ્સન જેવા પ્રાચ્યવિદોએ આનો વિરોધ કર્યો, જ્યારે રામમોહન રાય (1774–1833) જેવા સુધારાવાદીઓએ ઉમળકાભેર સમર્થન આપ્યું. મૅકોલેએ તેની નોંધમાં લખ્યું : આ રીતે એક એવો વર્ગ ઊભો થશે ‘‘જેના દેહમાં હિંદી રક્ત વહેતું હશે, પણ તેનું મન પશ્ચિમની પ્રેરણા પ્રમાણે વિચારતું હશે…’’ તા. 7 માર્ચ, 1835ના દિવસે કેવળ અંગ્રેજી શિક્ષણ આપવાના નિર્ણયની ઘોષણા થઈ. 1854માં કલકત્તાના હિંદુ વિદ્યાલયને પોતાને હસ્તક લઈને સરકારે પ્રેસિડેન્સી કૉલેજ નામથી તેમાં નવી કેળવણીનો આરંભ કર્યો. મૅકોલેની વાણીનું સત્ય પુરવાર કરવા હિંદુઓએ અંગ્રેજી શિક્ષણમાં ઉત્સાહ દર્શાવ્યો. ર્દષ્ટિવાન નેતાના અભાવે તથા અંગ્રેજોની શંકાશીલતાને કારણે મુસલમાનો દૂર રહ્યા. ખ્રિસ્તી મિશનો ધર્મપ્રચાર અને અંગ્રેજી કેળવણી ક્ષેત્રે સક્રિય બન્યાં. જોકે લાંબા સમય સુધી દેશી પદ્ધતિ તથા સંસ્કૃત પાઠશાળાઓનો પ્રભાવ મંદ પડ્યો નહિ. 1835માં આરંભાયેલી આ શિક્ષણનીતિ 1854માં વધારે ર્દઢ સ્વરૂપે દેશને વ્યાપક રીતે લાગુ પડાઈ. ખ્રિસ્તી મિશનોને વિશેષ પ્રોત્સાહન અપાયું. કારકુનો પેદા કરવાનાં કારખાનાં જેવાં વિદ્યાલયોમાં અપાતા શિક્ષણ વિશે રવીન્દ્રનાથ ઠાકુરે કહેલું, ‘‘એ શિક્ષણમાં બહુલતા કે વિવિધતા નહોતી, કે નહોતું તેમાં વૈજ્ઞાનિક અન્વેષણની ભાવનાનું દર્શન. ત્યારનો શિક્ષિત અંગ્રેજી ભાષા અને સાહિત્યની જ વાત કરી શકતો…’’ માતૃભાષાની ઉપેક્ષાને કારણે પ્રજામાં વિસંવાદ સર્જાયો અને વર્ગભેદ ઊભા થયા. લોકમાન્ય ટિળક, મહર્ષિ દયાનંદ સરસ્વતી, પંડિત મદનમોહન માલવીય તથા આગળ જતાં મહાત્મા ગાંધીજી જેવાને રાષ્ટ્રીય શિક્ષણનો મહિમા સમજાયો અને તેમણે એ ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું.

1901માં સિમલામાં વાઇસરૉય કર્ઝને એક ગુપ્ત શિક્ષણ સંમેલન બોલાવ્યું. તેમાં કોઈ ભારતીય પ્રતિનિધિ નહોતો. સંમેલને 152 ઠરાવો કર્યા, જેની કશી માહિતી પ્રજાને અપાઈ નહિ. કર્ઝને પ્રાથમિક શિક્ષણ માટે સર્વગ્રાહી યોજના પ્રસ્તુત કરી, પણ પ્રજામાં શંકાકુશંકા થતાં તેને આવકાર સાંપડ્યો નહિ. કર્ઝને પ્રાથમિક શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાનો આગ્રહ રાખ્યો. જોકે પાઠ્યક્રમ, પરીક્ષા, શાળાસંચાલન, અનુદાન આદિ બધી વ્યવસ્થા પર સરકારે પોતાનો અંકુશ રાખ્યો. 1911માં ગોપાલકૃષ્ણ ગોખલેએ પ્રાથમિક શિક્ષણ નિ:શુલ્ક અને ફરજિયાત કરવાની માગણી કરી. બ્રિટિશ શાસને તેનો અસ્વીકાર કર્યો. ફરી એક વાર યુદ્ધના કારણે શિક્ષણને વિસારે પાડવામાં આવ્યું. યુદ્ધ પછી ધીરે ધીરે શાસન સ્થિર થતાં પ્રાંતોએ પ્રાથમિક શિક્ષણ વિશે ધારા ઘડવા માંડ્યા, પરંતુ આ કાર્ય યંત્રવત્ રહ્યું. પરદેશી શાસનની નિષ્ઠાના અભાવે અનિવાર્ય શિક્ષણ કાગળ ઉપર જ રહ્યું. 1918થી 1927 સુધીના શિક્ષણ સંબંધી તપાસ કરી ભલામણો કરવા નિમાયેલી હર્ટોગ સમિતિએ તેની રીતે ભલામણો સાથેનો વૃત્તાંત આપ્યો. 1938માં પાયાની કેળવણીનો પ્રસ્તાવ આવ્યો. 7થી 11ની વય સુધી અનિવાર્ય શિક્ષણ, માતૃભાષાનું માધ્યમ, હિંદીનું શિક્ષણ, કાંતણ-વણાટ-કૃષિ તથા સુતારીકામનું શિક્ષણ અને સાથે સાથે ભાષા, ગણિત, ઇતિહાસ અને ભૂગોળનું શિક્ષણ અપાય તેવી યોજના વિચારાઈ. 1945માં થોડા ફેરફાર સાથે ‘નઈ તાલીમ’ આવી. તેનું સંચાલન હિંદુસ્તાની તાલીમ સંઘને સોંપવામાં આવ્યું. આ જ સમયે, 1945માં, સાર્જન્ટ યોજના અમલમાં આવી. 6થી 14વર્ષની વયનાં માટે શિક્ષણ ફરજિયાત કરવાનું સૂચવાયું. 5 અને તેથી ઓછી વયનાં બાળકો માટે બાલમંદિર(પૂર્વ-પ્રાથમિક)નું સૂચન કરવામાં આવ્યું.

1947માં દેશ સ્વતંત્ર થતાં શિક્ષણક્ષેત્રે નવેસરથી વિચારવાનો તથા કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત થયો. બ્રિટિશ શાસને અંગ્રેજીપ્રેમી, પશ્ચિમી સંસ્કૃતિના પ્રેમી, વફાદાર, શાસનમાં સહાયક કારકુનો ઊભા કરવાની ર્દષ્ટિએ શિક્ષણતંત્ર ગોઠવેલું. 1950માં સ્વતંત્ર ભારતના સંવિધાનમાં 14 વર્ષની વય સુધીનાં સઘળાં બાળકો માટે નિ:શુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનું ધ્યેય 1960 સુધીમાં સિદ્ધ કરવાનું ઠરાવાયું. કેન્દ્રીય શાસન વ્યાપક શિક્ષણનીતિ ઘડે, સંકલનકાર્ય કરે, અનુદાન પૂરું પાડે, ઉચ્ચ શિક્ષણ–સંશોધન–વિજ્ઞાન–પ્રૌદ્યોગિકી આદિનાં ધોરણો ઠરાવે તથા રાજ્ય શાસન પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે વ્યવસ્થા કરે તેવો અભિગમ રખાયો. 1976ના સંવૈધાનિક સુધારાથી શિક્ષણક્ષેત્ર કેન્દ્ર અને રાજ્ય બંને માટેનું કાર્યક્ષેત્ર બન્યું. મહત્વની વિદ્યાપીઠો તથા વિશિષ્ટ શિક્ષણસંસ્થાઓ સીધી કેન્દ્રની દેખરેખ તળે મુકાઈ. કેન્દ્ર શાસને કેન્દ્રીય વિદ્યાલયો તથા નવોદય વિદ્યાલયો ઉપરાંત ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રવ્યાપી વ્યવસ્થા ઊભી કરી. પ્રાથમિક શિક્ષણ માટે કેન્દ્રની પરામર્શ સમિતિ જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. શિક્ષણક્ષેત્રે દેશને ઝડપથી ઊંચો લાવવાની ભાવના તથા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો છતાં શિક્ષણમાળખું જનાભિમુખ કરવાને બદલે પરદેશી ઢાંચામાં જ ચાલુ રાખવામાં આવ્યું. પરિણામે, ઉચ્ચ શિક્ષણ, વિજ્ઞાનશિક્ષણ, પ્રૌદ્યોગિકીનું શિક્ષણ, સંશોધન આદિ ક્ષેત્રો માટે અબજો રૂપિયા ફાળવાયા અને આ બધાં કરતાં વધારે મહત્ત્વના પ્રાથમિક શિક્ષણ પર કાપ મુકાયો અને સમય જતાં તે કાપમાં વધારો થતો ગયો. 1991ના વસ્તીગણતરીના આંકડા પ્રમાણે, દેશમાં અક્ષરજ્ઞાન 52.21 % છે. પુરુષોમાં 64.13 % અને સ્ત્રીઓમાં 39.29 % છે. બિહાર જેવા રાજ્યમાં અક્ષરજ્ઞાન 22.89 % છે. રાજસ્થાનમાં ગ્રામીણ સ્ત્રીઓમાંથી માત્ર 11.59 % જ લખી-વાંચી શકે છે.

પ્રાથમિક શિક્ષણ નિ:શુલ્ક અને ફરજિયાત ઘોષિત કરતા ધારા બધાં રાજ્યોએ પસાર કરી દીધા છે. પાટિયા અભિયાન (operation black board) જેવી યોજનાઓથી પ્રાથમિક શાળાઓને સગવડો સુધારવાની તક મળી. મધ્યાહ્ન ભોજન યોજના, અનૌપચારિક શિક્ષણવ્યવસ્થા આદિ યોજનાઓથી પ્રાથમિક શિક્ષણની ઊણપો દૂર કરવા પગલાં લેવાયાં છે;

સારણી 1 : અક્ષરજ્ઞાન (ગુજરાત) (1991)

અક્ષરજ્ઞાનનો દર 61% (52)*
અક્ષરજ્ઞાનનો દર (સ્ત્રી) 49% (39)
અક્ષરજ્ઞાનનો દર (પુરુષો) 73% (63)
અક્ષરજ્ઞાનનો દર (ગામડાં)  53% (44)
અક્ષરજ્ઞાનનો દર (નગર) 77% (72)

*કૌંસમાં સરખામણી માટે ભારતના દર જણાવ્યા છે.

સારણી 2 : પ્રાથમિક શિક્ષણ (ભારત)

વર્ષ ધોરણ શાળાઓ વિદ્યાર્થીઓ
1950 1થી 5 2,09,000 1,91,50,000
1993 1થી 5 5,73,000 10,53,70,000

સારણી 3 : પ્રાથમિક શિક્ષણ (ગુજરાત)

વર્ષ શાળાઓ વિદ્યાર્થીઓ
1961 18,512 22,47,000
1996 33,119 73,04,000

નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986માં ઘોષિત કરાઈ તેમાં થોડા તજ્જ્ઞોના જ નહિ પણ શિક્ષકો, માતાપિતાઓ, વિધાનસભ્યો, સમાજના અન્ય અગ્રણીઓ આદિનાં સૂચનો પણ ધ્યાનમાં લેવાયાં. પંદર વર્ષના શિક્ષણમાં 10 + 2 + 3 એમ વિભાજન કરાયું. પહેલાં ચાર વર્ષ પ્રાથમિકનાં, તે પછીનાં 3 વર્ષ ઉચ્ચ પ્રાથમિકનાં, ત્યારબાદના ત્રણ માધ્યમિકના ગણાયાં. સમગ્ર દેશ માટે સમાન અભ્યાસક્રમ રખાયો. તેમાં 70% સામાન્ય તથા 30% રાજ્યની સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ રાખવાનું વિચારાયું. તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘નવોદય વિદ્યાલય’ની યોજના વિચારાઈ. સ્ત્રીઓ માટે શિક્ષણ નિ:શુલ્ક કરાયું. વ્યાવસાયિક તથા પ્રૌદ્યોગિક શિક્ષણ ઉપલબ્ધ કરાયું. શિક્ષકો માટે ક્ષમતાવર્ધક કાર્યક્રમ ઘડાયો. પૂર્વપ્રાથમિક શિક્ષણનું મહત્વ સ્વીકારાયું. શાળાએ ના જઈ શકતાં બાળકો માટે મુક્ત શાળા (open school) અને મુક્ત વિશ્વવિદ્યાલય(open university)ની યોજનાનો આરંભ કરાયો. કેટલાંક ક્ષેત્રોમાં વ્યવસાય અને પદવીનું બંધન દૂર કરાયું. અધ્યયન પર ભાર મુકાયો. પરીક્ષા-પદ્ધતિના સ્થાને સતત સર્વગ્રાહી મૂલ્યાંકન-પદ્ધતિનું સૂચન કરાયું.

આ પ્રમાણે સમયાંતરે શિક્ષણક્ષેત્રે પરિવર્તનો ચાલુ રહ્યાં; જેમ કે, સંગણક(computer)નું શિક્ષણ ઉમેરાયું. ક્ષમતાકેન્દ્રી અભિગમની વાત પણ આવી.

પ્રાથમિક શિક્ષણનાં ત્રણ સ્વરૂપો જોઈ શકાય છે. એક, શાળામાં શિક્ષક દ્વારા પાઠ્યક્રમ પ્રમાણે નિશ્ચિત સમયપત્રક અનુસાર અપાતું શિક્ષણ. આ ઔપચારિક સ્વરૂપ છે. તેમાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે. શિક્ષકનો અભિગમ વ્યક્તિલક્ષી હોય છે. વિદ્યાર્થીને તે નામથી બોલાવે છે. વ્યક્તિગત સમસ્યાઓમાં માર્ગદર્શન આપે છે. નબળા વિદ્યાર્થી પર વિશેષ ધ્યાન આપે છે. માતાપિતા સાથે પણ સંપર્કમાં રહે છે ને ઘટતાં સૂચનો કરે છે. સંબંધ ધરાવતા બીજા વિષયોથી પરિચિત રહેવા ઇચ્છે છે. પોતાનો વિદ્યાર્થી સારું પરિણામ લાવે તેથી ગૌરવ અનુભવે છે. પ્રાથમિક શિક્ષણનું બીજું સ્વરૂપ તે સ્વયંશિક્ષણનું છે. બાલસહજ કુતૂહલ બાળકને નવું નવું જાણવા પ્રેરે છે અને બાળક તેની રીતે વિશ્વની વિરાટતાનું અવગાહન કરવા મથે છે. ક્ષમતાકેન્દ્રી પદ્ધતિનો આધાર આ જિજ્ઞાસા છે. પ્રાથમિક શિક્ષણનું ત્રીજું સ્વરૂપ માતાપિતા દ્વારા અપાતું શિક્ષણ છે. એમાં કેટલાક ભેદ જોઈ શકાય છે. માતાપિતા શાળાકીય શિક્ષણમાં સહાય કરે છે; જેમ કે, ગૃહકાર્યમાં સહાય કરે છે; આંક કે ઘડિયા બોલાવે છે. બાળકના પ્રશ્નોના ઉત્તર આપે છે. બીજી બાજુ, સહજ ભાવે ધાર્મિક, નૈતિક અને વ્યાવહારિક શિક્ષણ અપાય છે. પ્રાર્થના, ભજન, સ્તુતિ, સ્તોત્ર આદિના પાઠમાં બાળકને સાથે રખાય છે. આમ થાય, આમ ના થાય, ખોટું ના બોલાય……. આદિ ટકોર બાળકના મનમાં નૈતિક મૂલ્યો સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવે છે.

આમ છતાં પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રે હજુ ઘણું કરવાપણું છે. અંગ્રેજોએ એમના સ્વાર્થમાં અંગ્રેજીને મહત્વ આપ્યું; સ્વતંત્રતાનાં 50 વર્ષ પછી પ્રાથમિક તબક્કે પણ અંગ્રેજી માધ્યમનો મોહ ઘણા ત્યજી શકતા નથી. વિશ્વમાં ભારત એક જ આવો દેશ છે. ઉચ્ચ શિક્ષણ, સંશોધન, પ્રૌદ્યોગિકી શિક્ષણ આદિ પાછળ જે નાણાં ખર્ચાય છે તેની સરખામણીમાં પ્રાથમિક શિક્ષણ સાવ ઉપેક્ષિત છે. सा विद्या या विमुक्तये ! (મુક્તિ અપાવે તે વિદ્યા.) એ પ્રાચીન સૂત્ર ગાંધીજીએ વિદ્યાપીઠની સ્થાપના વખતે સ્વીકારેલું. શિક્ષણશાસ્ત્રીઓ ભાર વિનાના ભણતરની વાતો કરે છે, પણ અકળ કારણોસર વિદ્યાર્થીને માથે પાઠ્યપુસ્તકાદિનો તથા માતાપિતાના માથે શિક્ષણખર્ચનો ભાર વધતો જણાય છે. ગુજરાતના એક શિક્ષણવિદના મતાનુસાર પશ્ચિમી સંસ્કારોનું અનુકરણ શિક્ષણક્ષેત્રે વધતું જાય છે તેના માટે આજની શિક્ષણપદ્ધતિ જવાબદાર છે. નોબેલ પુરસ્કારવિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનના મતે પ્રાથમિક શિક્ષણ દેશના વિકાસની ચાવી છે.

બંસીધર શુક્લ