પ્રાણીજન્ય ઔષધો
February, 1999
પ્રાણીજન્ય ઔષધો
પ્રાણીઓનાં વિવિધ અંગો કે અવયવોમાંથી મેળવાતાં ઔષધો. મોટાભાગની (~90%) ઔષધિઓ વનસ્પતિમાંથી, 5%થી 7% પ્રાણીઓમાંથી અને બાકીની ખનિજ પદાર્થોમાંથી મેળવાય છે. પ્રાણીઓમાંથી મુખ્યત્વે ઇન્સ્યુલિન, ઑક્સિટૉક્સિન જેવા અંત:સ્રાવો (hormones) મળે છે. પ્રાણીઓના વિભિન્ન અવયવોમાંથી પેપ્સિન, પૅન્ક્રિયાટીન, રેનિન, ટ્રિપ્સીન જેવા ઉત્સેચકો (enzymes) મેળવી શકાય છે. તે ઉપરાંત કૉડલિવર ઑઇલ, મધ, કસ્તૂરી જેવા ઔષધીય પદાર્થો તેમજ મીણ સૂકરવસા (lard) સ્યૂટ, લેનોલિન જેવા મલમ બનાવવામાં ઉપયોગી પદાર્થ પણ પ્રાણી જ સ્રોતોમાંથી મેળવવામાં આવે છે. મલમમાં ઔષધિ મેળવીને તેને શરીર ઉપર રક્ષણાર્થે લગાવવામાં આવે છે.
કેટલાંક પ્રાણીઓમાં કે તેમના અવયવો ઉપર બૅક્ટેરિયા કે વાયરસ ઉગાડીને રસી (vaccine) શીરા વગેરે બનાવાય છે. જે રોગપ્રતિકારક રસી તરીકે કે રોગમાં દવા તરીકે વપરાય છે. દા.ત., શીતળાની રસી, પોલિયોની રસી, ત્રિગુણી રસી, એમ. એમ. આર.ની રસી, હડકાયા કૂતરાની રસી, ટિટાનસ ટૉક્સિન, ગૅસ, ગૅન્ગ્રીન પ્રતિઆવિષ (antitoxin), ડિફથેરિયા પ્રતિઆવિષ વગેરે. માનવ લોહી તથા તેનો રક્તકણ, રક્તરસ, ગ્લૉબ્યુલિન, આલ્બ્યુમિન જેવા ઘટકો જુદા જુદા સંજોગોમાં ઔષધ તરીકે વપરાય છે.
(1) કૉડલિવર ઑઇલ : કૉડલિવર ઑઇલ એ કૉડ (ગેડસ મોરહુઆ; કુટુંબ ગેડિસી) નામની માછલીના તાજા કાળજામાંથી મેળવવામાં આવતું તેલ છે. કાળજાને પિત્તાશયથી અલગ કરી બંધ વાસણમાં વરાળ પસાર કરવાથી તેલ છૂટું પડે છે. તેને ગાળી –5° સે.એ ઠંડું પાડી તેમાંથી સ્ટિયરિન છૂટું પાડી ફરીથી ગાળી તેને શીશીમાં પૅક કરવામાં આવે છે. તેમાં વિટામિન ‘એ’ અને ‘ડી’ હોય છે. તે સુકતાનરોગ (ricktes) રોકવા તથા એ રોગને લીધે વાંકા વળી ગયેલા હાથ-પગની સારવાર માટે વપરાય છે. વિટામિન ડી હાડકાં અને દાંતના બંધારણમાં ઉપયોગી છે. બાળકોના શરીરના વિકાસમાં પણ તે ઉપયોગી છે. તે ચામડીને સુંવાળી રાખી તેની સાચવણી કરે છે. (ઍન્ટિકેરોફ્થેલમિક)
(2) હેલિબટ લિવર ઑઇલ : હેલિબટ લિવર ઑઇલ, હિપોગ્લોસસ જિનસની માછલીના કાળજામાંથી મેળવવામાં આવતું તેલ છે. આ તેલમાં વિટામિન એ અને ડી ઉપરાંત ઑલેઇન, પાલ્મિટિન અને કૉલેસ્ટરૉલ હોય છે. તે કૉડલિવર ઑઇલ કરતાં વધુ શક્તિદાયક હોવાથી ઓછી માત્રામાં લેવાય છે. તે પણ ચામડીની જાળવણીમાં તથા શરીરના અને તેમાંયે હાડકાં અને દાંતના વિકાસ માટે વપરાય છે.
(3) શાર્ક લિવર ઑઇલ : શાર્ક લિવર ઑઇલ શાર્ક (હાયપોપ્રિયૉન બ્રેવિશેસ્ટ્રિસ તથા અન્ય) માછલીના તાજા કાળજામાંથી મેળવવામાં આવે છે. તેમાં વિટામિન એ વધુ હોય છે. પણ વિટામિન ડી હોતું નથી. તે કૉડલિવર ઑઇલની જેમ, ચામડીની જાળવણીમાં, શરીર-હાડકાં, દાંત વગેરેના વિકાસમાં તથા ક્ષય વેસ્ટિંગ ડિસીઝ વગેરેમાં ટૉનિક તરીકે વપરાય છે.
(4) વિટામિન B12 તથા આંતર-ઘટક-સાંદ્રભાગ (intrinsic factor concentrate) : પાલતુ પ્રાણીઓનાં જઠર કે આંતરડાંમાંથી આંતર ઘટક મેળવાય છે. તે વિટામિન B12 સાથે આપવાનું હોય છે. તેથી દર્દીનાં આંતરડાં અને જઠરમાં B12નું શોષણ વધે છે. ખાસ કરીને પ્રણાશી રક્તાલ્પતા (pernicious anaemia) (હાડકાંના પોલાણમાં રક્તકણ પેદા ન થવાથી થતા પાંડુરોગ)માં દર્દીને આપવામાં આવે છે.
(5) કાળજાનું ઇંજેક્શન (લિવર ઇંજેક્શન) : સસ્તન પ્રાણીઓના કાળજામાંથી પાણીમાં દ્રાવ્ય અને ગરમીથી અસર ન પામતો ભાગ નિષ્કર્ષિત કરી, શુદ્ધ કરી, ઇંજેક્શન રૂપે વાપરવામાં આવે છે. તે પ્રણાશી રક્તાલ્પતા(વિનાશી પાંડુરોગ)માં રક્તકણ વધારે છે. તેમાં વિટામિન B12, ફૉલિક અને ફૉલિનિક ઍસિડ હોય છે; જે સ્નાયુમાં ઇંજેક્શન દ્વારા અપાય છે.
(6) જઠરનો સાંદ્રભાગ (concentrate) : ડુક્કર જેવાં પ્રાણીઓના જઠરની શ્લેષ્મ ગ્રંથિઓમાંથી જઠરનો સાંદ્ર ભાગ બનાવવામાં આવે છે. તેમાંનો અંતર્ગત ઘટક પ્રણાશી પાંડુરોગમાં લોહીમાં રક્તકણ વધારે છે.
(7) અંત:સ્રાવો (hormones) : અંત:સ્રાવો પ્રાણીઓમાં અંત:સ્રાવી ગ્રંથિઓમાં પેદા થતા હોય છે. તે સીધા લોહીમાં ભળી શરીરનાં વિવિધ અંગો અને સ્નાયુઓને ચોક્કસ કામ કરવા પ્રેરે છે. તે સ્ટીરૉઇડ અથવા એમિનો ઍસિડમાંથી બને છે. તેરમી સદીમાં આદિમાનવ અમુક પ્રાણીઓનાં અંગોનો ભૂકો ચોક્કસ સારવાર માટે વાપરતો હતો. જેમ કે પુરુષની નપુંસકતા દૂર કરવા ડુક્કરના વૃષણનો ભૂકો ખોરાકમાં વાપરવામાં આવતો હતો. સ્ત્રીનું વંધ્યત્વ દૂર કરવા માટે સસલાના ગર્ભાશયનો ખોરાકમાં ઉપયોગ કરાતો હતો. વળી બીજી ખામી માટે બીજા અવયવોનો ઉપયોગ પણ થતો હતો. અત્યારે વપરાતા મોટા ભાગના અંત:સ્રાવો જેવા કે ટેસ્ટૉસ્ટિરોન, પ્રોજેસ્ટેરોન, કૉર્ટિઝોન, એડ્રીનલિન વગેરે રાસાયણિક પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. ઇન્સ્યુલિન જેવા અંત:સ્રાવો પ્રાણીઓના સ્વાદુપિંડમાંથી મેળવાય છે.
(8) એપિનેફ્રિન (એડ્રીનલિન) : એપિનેફ્રિન એ અધિવૃક્ક (adrenal) નામની ગ્રંથિની મજ્જા(અંદરની પેશી)માંથી મેળવાતો અંત:સ્રાવ છે. તે રાસાયણિક પ્રક્રિયા દ્વારા પણ મેળવાય છે. તેનું એલ-ફૉર્મ સક્રિય છે તે દમમાં ઇંજેક્શન દ્વારા અપાય છે. બાહ્ય ઉપચાર તરીકે દ્રાવણ-સ્વરૂપમાં આંખની તકલીફમાં તે વપરાય છે.
(9) એલ-નૉરએપિનેફ્રિન (લેવોર્ટ રેનૉલ અથવા નૉર એડ્રીનલિન) : નૉર એપિનેફ્રિન એ એડ્રીનોકૉર્ટિકલ અંત:સ્રાવ છે. તે ડેક્સ્ટ્રોઝ સાથે નસમાં અપાય છે. તાત્કાલિક ઘટી ગયેલા રક્તદાબને વધારવા માટે તે વપરાય છે. તે રાસાયણિક પ્રક્રિયા દ્વારા પણ મેળવાય છે.
(10) થાઇરૉઇડ : થાઇરૉઇડ એ પાલતુ પ્રાણીઓની થાઇરૉઇડ ગ્રંથિનો સ્વચ્છ-સૂકો પાઉડર છે. તેમાં 0.17%થી 0.23% જેટલું આયોડીન હોય છે. તે મોં દ્વારા કે નસમાં લઈ શકાય છે. થાઇરૉઇડની ઊણપ- (hypothyroidism)માં તે વપરાય છે.
(11) થાઇરૉગ્લૉબ્યુલિન : થાઇરૉગ્લૉબ્યુલિન ભૂંડ વર્ગના પ્રાણીની થાઇરૉઇડ ગ્રંથિમાંથી છૂટો પાડી મેળવવામાં આવે છે. તેમાં 0.7%થી વધુ (કાર્બનિક પદાર્થ સાથે જોડાયેલ) આયોડીન હોય છે. તેમાં થાઇરૉક્સીન અને ટ્રાઇઆયોથાયરોનિન અંત:સ્રાવનું પ્રમાણ 5:2 જેટલું હોય છે. તે થાઇરૉઇડની ઊણપમાં વપરાય છે.
(12) સોડિયમ લિવોથાઇરૉક્સીન : સોડિયમ લિવોથાઇરૉક્સીન એ થાઇરૉક્સીન અંત:સ્રાવના વામસમાવયવ(laevo-isomer)નું સોડિયમ લવણ છે. તે પાલતુ પ્રાણીઓની થાઇરૉઇડ ગ્રંથિમાંથી અથવા રાસાયણિક પ્રક્રિયા દ્વારા મેળવાય છે. તે થાઇરૉઇડની ઊણપમાં વપરાય છે.
(13) ઑક્સિટોસિન ઇંજેક્શન : ઑક્સિટોસિન એ પશ્ચ પીયૂષ (posterior pituitary) ગ્રંથિમાંથી અથવા તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવતો અંત:સ્રાવ છે. તે ખાસ કરીને ઝડપી પ્રસૂતિ કરાવવામાં તથા પ્રસૂતિ પછી થતા લોહીના સ્રાવને રોકવામાં ઉપયોગી છે. તે ગ્લુકોઝ સાથે નસ દ્વારા આપવાથી અથવા ઑક્સિટૉસિન સાઇટ્રેટની ગોળી જીભ નીચે મૂકવાથી ઝડપી સુવાવડ કરાવી શકાય છે. સ્તનમાં દૂધ પૂરતા પ્રમાણમાં પેદા ન થતું હોય તો ઑક્સિટોસિનનો ફુવારો નાક દ્વારા લેવાય છે.
(14) વાસોપ્રેસિન : વાસોપ્રેસિન એ પ્રાણીઓની પશ્ચ પીયૂષ ગ્રંથિમાંથી અથવા તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવતો અંત:સ્રાવ છે. તે વધુ પડતા મૂત્રને ઘટાડવા માટે ઉપયોગી છે. ખાસ કરીને તે ઉદકમેહ(diabetes insipidus)માં ઉપયોગી છે.
(15) એડ્રીનોકૉર્ટિકોટ્રૉફિન (કૉર્ટિકોટ્રૉફિન) : સ્તનવાળા પ્રાણીઓની અગ્રપીયૂષ (anterior pituitary) ગ્રંથિમાંથી મેળવવામાં આવતો અંત:સ્રાવ (ACTH) છે. આ અંત:સ્રાવ એડ્રીનલ કૉર્ટેક્સ નામની ગ્રંથિ ઉપર અસર કરી ગ્લુકૉર્ટિકોસ્ટિરૉઇડ (કૉર્ટિઝોન અને હાઇડ્રોકૉર્ટિઝોન) પેદા કરે છે, જે વાના કારણે સાંધાના દુખાવામાં તથા વાના કારણે આવતા તાવમાં ઉપયોગી છે.
(16) કોરિયૉનિક ગોનાડોટ્રૉપિન (કોરિયૉગોનાડોટ્રૉપિન) : કોરિયૉનિક ગોનાડોટ્રૉપિન એ ગર્ભવતી સ્ત્રીના પેશાબમાંથી મેળવવામાં આવતો અંત:સ્રાવ છે. આ અગ્ર-પીયૂષ ગ્રંથિ જેવો અંત:સ્રાવ, લ્યૂટિનાઇઝિંગ અંત:સ્રાવ જેવો પ્રભાવ દાખવે છે. આ અંત:સ્રાવની મદદથી જો પુરુષમાં વૃષણ નીચે ન ઊતર્યા હોય તો તેને નીચે ઉતારી પુરુષને પુખ્ત બનાવવામાં ઉપયોગી છે સ્ત્રીઓમાં વારંવાર થતા ગર્ભપાતમાં પણ તે ઉપયોગી છે.
(17) મેનોટ્રૉપિન (યુરોગોનાડોટ્રૉપિન) : મેનોટ્રૉપિન એ ગોનાડોટ્રૉપિનનું શુદ્ધ સ્વરૂપ છે. તે માસિક બંધ થયેલ (પોસ્ટ મેનોપૉઝલ) સ્ત્રીઓના પેશાબમાંથી મેળવવામાં આવે છે. મેનોટ્રૉપિન્સમાં પુટકીય ઉત્તેજક (follicular stimulating) અને લ્યૂટિનીકારી (luteinizing) અંત:સ્રાવ લગભગ સરખા પ્રમાણમાં હોય છે. તે સ્ત્રીમાં ફળદ્રૂપતા વધારવા માટે વપરાય છે, પણ તે માટે સ્ત્રીનું અંડાશય કાર્યશીલ હોવું જરૂરી છે.
(18) થાઇરૉટ્રૉપિન : તે બળદ, ઘેટા જેવાં પ્રાણીની અગ્ર-પીયૂષ ગ્રંથિમાંથી મેળવવામાં આવતો થાઇરોટ્રોપિક અંત:સ્રાવ છે. તે હાયઇપોથાઇરૉઇડિઝમમાં થાઇરૉક્સીનના બદલે વાપરી શકાય છે. થાઇરૉઇડની કાર્યક્ષમતા ચકાસવા માટે પણ તે વાપરી શકાય છે. તે(રેડિયોધર્મી આયોડીન)નું શોષણ વધારવા માટે આ વિષાલુ ગલગંડમાં કે થાઇરૉઇડના કૅન્સરમા્ં ઉપયોગી છે.
(19) ગ્લૂકાગોન ઇંજેક્શન : ગ્લૂકાગોન એ સ્વાદુપિંડના આલ્ફાકોષ દ્વારા પેદા થતો પૉલિપેપ્ટાઇડ અંત:સ્રાવ છે. તે પ્રાણીઓના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવે છે. આ અંત:સ્રાવ યકૃતમાં ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનાવે છે. ગ્લૂકાગોનનો ઉપયોગ ગ્લાયકોજન સંગ્રહના રોગના પરીક્ષણમાં થાય છે. મધુમેહની સારવારમાં કોઈ વાર લોહીમાં શર્કરા ઘટી જાય તો પણ તેનો ઉપયોગ કરાય છે.
(20) ઇન્સ્યુલિન ઇંજેક્શન : ઇન્સ્યુલિન એ ડુકકરના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવતો પૉલિપેપ્ટાઇડ પ્રકારનો અંત:સ્રાવ છે. જે ગ્લુકોઝના ચયાપચય (metabolism)માં ઉપયોગી છે. તેનું ઍસિડિક કે તટસ્થ દ્રાવણ ઇંજેક્શન દ્વારા અપાય છે. તે ખૂબ જલદી બે કલાકમાં મહત્તમ અસર કરે છે. તે ડાયાબિટીસ મેલાઇટસમાં લોહીમાં વધી ગયેલા ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. તેનો ઉપયોગ મધુમેહમાં ચેપ લાગ્યો હોય ત્યારે, આઘાત (shock), શસ્ત્રક્રિયાનો સોજો વગેરેમાં થાય છે. મધુમેહના ઇન્સ્યુલિન દિવસમાં બે-ત્રણ વાર લેવાનું હોય છે.
(21) પ્રોટામાઇન ઝિન્ક ઇન્સ્યુલિન સસ્પેન્શન : પ્રોટામાઇન ઝિન્ક ઇન્સ્યુલિન એ ઇન્સ્યુલિનનું ઝિન્ક ક્લૉરાઇડ અને પ્રોટામાઇન સાથેનું ફૉસ્ફેટ બફરમાં બનાવેલું જંતુમુક્ત અવલંબન (suspension) છે. આ ઇન્સ્યુલિન લાંબો વખત સુધી કામ આપે છે.
આ ઉપરાંત ઇન્સ્યુલિનની ગ્લોબિન ઝિન્ક ઇન્સ્યુલિન, આઇસોફેન, ઇન્સ્યુલિન સસ્પેન્શન ઇન્સ્યુલિન ઝિન્ક સસ્પેન્શન જેવી વિવિધ બનાવટો પણ મળે છે.
(22) માનવ ઇન્સ્યુલિન (નોવો-ઇન્સ્યુલિન) : એસ્કેરિયોન કોલાઈ નામના બૅક્ટેરિયામાં માનવ સ્વાદુપિંડના જનીનમાંથી, ઇન્સ્યુલિન પેદા કરતા જનીનની ફેરબદલી કરી, બૅક્ટેરિયા દ્વારા ઇન્સ્યુલિન પેદા કરવામાં આવે છે. આ ઇન્સ્યુલિનમાં અન્ય પ્રાણીઓનાં પ્રોટીન ન હોવાથી તેની આડઅસર ઘણી જ ઓછી હોય છે.
(23) પૅરાથાઇરૉઇડ અંત:સ્રાવ : પૅરાથાઇરૉઇડ એ પ્રાણીઓની પેરાથાઇરૉઇડ ગ્રંથિમાંથી મેળવવામાં આવતો પૉલિપેપ્ટાઇડ અંત:સ્રાવ છે. તે કૅલ્શિયમના ઉપાપચયમાં ભાગ ભજવે છે. તે લોહી અને હાડકાંમાં કૅલ્શિયમનું પ્રમાણ (10 મિગ્રા./100 મિલી.) જાળવવાનું કામ કરે છે. જો કૅલ્શિયમનું પ્રમાણ લોહીમાં ઘટી જાય તો શરીરમાં ધ્રુજારી આવી ધનુર (tetanus) જેવું થઈ મૃત્યુ થાય છે.
(24) કૅલ્શિટોનિન (થાયરોકૅલ્શિટોનિન) : આ અંત:સ્રાવ થાઇરૉઇડ ગ્રંથિના સી-કોષ પેદા કરે છે. આ પૉલિપેપ્ટાઇડ અંત:સ્રાવ લોહીમાં કૅલ્શિયમ અને ફૉસ્ફેટનું પ્રમાણ ઘટાડે છે. તે હાડકાંમાં કૅલ્શિયમનું શોષણ ઓછું થવા દે છે. તે પ્રાણીઓની થાઇરૉઇડ ગ્રંથિમાંથી અથવા રાસાયણિક પ્રક્રિયા દ્વારા મેળવાય છે.
(25) જઠરાંત્ર (gastro intestinal) અંત:સ્રાવો આંતરડાંની આંતરત્વચા કોલિસાઇયટોકાયનીન ગૅસ્ટ્રિન અને સિક્રેટિન નામનો અંત:સ્રાવ કરે છે. આ અંત:સ્રાવો પાચનમાર્ગ તથા સ્વાદુપિંડના આંતરસ્રાવો ઉત્તેજિત કરી પાચનમાં મદદ કરે છે. પ્રાણીઓનાં આંતરડાંમાથી સિક્રેટિન અંત:સ્રાવ મેળવવામાં આવે છે. આ અંતસ્રાવ સ્વાદુપિંડની ખામી જાણવા માટે ઉપયોગી છે. તે સ્વાદુપિંડનું સ્રવણ તથા આંતરડાંમાં બાયકાર્બોનેટનું પ્રમાણ પણ વધારે છે. આમ, પાચન માટે તે જરૂરી છે.
(26) ડીઑક્સિકૉર્ટિકોસ્ટીરૉન : તે એડ્રીનલ નામની ગ્રંથિના કૉર્ટેક્સમાંથી મળતો સ્ટીરૉઇડ અંત:સ્રાવ છે. તે રાસાયણિક પ્રક્રિયાથી મેળવાય છે. તેને મિનરલોકૉર્ટિકોસ્ટીરૉઇડ પણ કહે છે. કારણ કે તે શરીરના પ્રવાહીમાં સોડિયમ અને પોટૅશિયમનું સમતુલન કરે છે અને મૂત્રપિંડને કાર્યશીલ રાખે છે. એડિસનના રોગમાં ડીઑક્સિ- કૉર્ટિકોસ્ટીરૉન અને ગ્લૂકોકૉર્ટિકોસ્ટીરૉઇડ (કૉર્ટિઝોન અને હાઇડ્રોકૉર્ટિઝોન) બંને આપવાં પડે છે.
(27) કૉર્ટિઝોન : કૉર્ટિઝોન એ અધિવૃક્ક નામની અંત:સ્રાવીના બહારની પેશી(કૉર્ટેક્સ)માંથી મેળવવામાં આવતો સ્ટીરૉઇડલ અંત:સ્રાવ છે. તેને ગ્લૂકોકૉર્ટિકોસ્ટીરૉઇડ પણ કહે છે. તે રાસાયણિક પ્રક્રિયાથી મેળવાય છે. વાના કારણે સાંધામાં થતા દુખાવામાં, એડિસનના રોગમાં, કેટલીક જાતની ઍલર્જીમાં અને દમમાં તે ઉપયોગી છે. તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો તે હિતાવહ નથી.
(28) હાઇડ્રોકૉર્ટિઝોન (કૉર્ટિઝોલ) : તે એડ્રીનલ નામની અંત:સ્રાવી ગ્રંથિની બહારની પેશીમાંથી મળતો મુખ્ય ગ્લૂકોકૉર્ટિકોસ્ટીરૉઇડ સ્વરૂપનો સ્ટીરૉઇડ અંત:સ્રાવ છે. કૉર્ટિઝોનની જેમ આ અંત:સ્રાવ પણ વાના કારણે થતા સાંધાના દુખાવામાં, એડિસનના રોગમાં, ઍલર્જીમાં તથા દમમાં વપરાય છે. તે કૉર્ટિઝોન કરતાં થોડો વધુ અસરકારક છે.
પ્રેડ્નિસોન, પ્રેડ્નિસોલોન, બીટામિથાઝોન, ડેક્સામિથાઝોન, ફલુપ્રેડ્નિઝોલોન, મેપ્રેડ્નિઝોન વગેરે રાસાયણિક પદાર્થો પણ કૉર્ટિઝોન જેવી અસર પેદા કરવા માટે વપરાય છે.
(29) ટેસ્ટૉસ્ટીરોન : ટેસ્ટૉસ્ટીરોન એ નર પ્રાણીઓના વૃષણમાં પેદા થતો સ્ટીરૉઇડ અંત:સ્રાવ છે. તે રાસાયણિક પ્રક્રિયા દ્વારા મેળવી ઉપયોગમાં લેવાય છે. તે પુરુષના જાતીય અંગોનો વિકાસ કરે છે તથા જાતીય સુખની ઇચ્છા કરાવે છે. તે ભૂખ અને વજન વધારે છે. મિથાઇલ ટેસ્ટૉસ્ટીરોન વધુ સ્થાયી રાસાયણિક પદાર્થ છે.
(30) એસ્ટ્રિયૉલ, ઍસ્ટ્રાડાઓલ અને એસ્ટ્રોન આ અંત:સ્રાવ માદાના અંડપિંડ(ovary)માં પેદા થતા એસ્ટ્રોજન વર્ગના સ્ટીરૉઇડ અંત:સ્રાવ છે. તે ગર્ભવતી સ્ત્રી કે ગર્ભવતી માદા ખચ્ચરના મૂત્રમાંથી અથવા રાસાયણિક પ્રક્રિયા દ્વારા મેળવાય છે. આ એસ્ટ્રોજન સ્ત્રીની પુખ્તતાના દ્વિતીયક (secondary) જાતીય લક્ષણો માટે જવાબદાર હોય છે. તે બાહ્યજનન અંગો તથા ગર્ભાશયનો અને સ્તનનો વિકાસ કરે છે અને સાચવે છે. ગર્ભાવસ્થામાં ગર્ભાશયના સ્નાયુઓનો પણ તે વિકાસ કરે છે. માસિક બંધ થવાની અવસ્થા(manopose)માં, શસ્ત્રક્રિયા દ્વારા અંડપિંડ કાઢી નાખ્યા હોય ત્યારે, જનનાંગમાં અમુક જાતનો ચેપ લાગ્યો હોય ત્યારે, સ્તનમાં ભરાવો થયો હોય ત્યારે તથા પુરુષમાં પ્રોસ્ટેટના કૅન્સરમાં ઉપયોગી છે. ડાયઇથાઇલ સ્ટીલબેસ્ટ્રૉલ એ સંપૂર્ણ રાસાયણિક પ્રક્રિયાથી બનાવેલ પદાર્થ છે. જે એસ્ટ્રોજેનિક તરીકે વપરાય છે. તે સ્ટીરૉઇડ નથી.
(31) પ્રોજેસ્ટેરોન : સ્ત્રીના અંડપિંડના પીતપિંડ(corpus luteum)માં પેદા થતો આ સ્ટીરૉઇડલ અંત:સ્રાવ ગર્ભાવસ્થાની જાળવણીમાં અગત્યનો છે. તે ગર્ભાશયની શ્લેષ્મત્વચા (endometrium)ને ગર્ભધારણ કરવા માટે તૈયાર કરે છે. તે માતાનું બીજાંડાસન અપરા (placenta) વિકસાવે છે, સ્તનનો વિકાસ કરે છે, અંડનું ઉત્પાદન ઓછું કરે છે, એસ્ટ્રોજનની અસર નાબૂદ કરે છે. આ અંત:સ્રાવ માસિક ના આવતું હોય તો, કષ્ટદાયક માસિક આવતું હોય તો, ગર્ભાશયમાં સોજો કે ગર્ભાશયમાંથી લોહીનો સ્રાવ થતો હોય તો, માસિક પહેલાં બીક લાગતી હોય તો અને કસુવાવડમાં ઉપયોગી છે. તે ગર્ભનિરોધક તરીકે પણ વપરાય છે. તે ગર્ભાશયમાં મૂકવામાં આવતા સાધનને લગાડવામાં આવે છે.
(32) ઉત્સેચકો (enzymes) : ઉત્સેચકો એ કાર્બનિક ઉદ્દીપકો છે. તે પ્રાણીનાં અંગોમાં પેદા થઈ ત્યાં અથવા નળી દ્વારા બીજા અવયવોમાં જઈ ત્યાં ઉદ્દીપકનું કામ કરે છે. તે ઘણી બધી જટિલ રાસાયણિક પ્રક્રિયાઓને શક્ય બનાવે છે. તે કલિલ (લગભગ પારદર્શક જેવું નાના કણોનું અવલંબન) સ્વરૂપમાં હોય છે. તે પાણી અને મંદ આલ્કોહૉલમાં દ્રાવ્ય છે. તે જલદ આલ્કોહૉલથી પ્રક્ષેપિત થાય છે. 35°થી 40° સે.એ સારી રીતે કામ કરી શકે છે. 65° ઉપરના તાપમાને, ભેજની હાજરીમાં તેમનો નાશ થાય છે. 0° સે.એ તેમની કાર્યશક્તિ નહિવત્ હોય છે. કેટલીક ભારે ધાતુઓ ફૉર્માલ્ડિહાઇડ અને મુક્ત આયોડીન ઉત્સેચકોની ક્રિયાશીલતા ઘટાડે છે. તે 13,000થી 8,40,000 જેટલો અણુભાર ધરાવતા પ્રોટીન અણુઓ છે. તે છ પ્રકારના હોય છે : ઑક્સિડોરિડક્ટૉઝ, ટ્રાન્સફરેઝ, હાઇડ્રોલેઝ, લાયસેઝ, આઇસોમરેઝ અને લિગાયેઝ. જૂના વર્ગીકરણ પ્રમાણે તેમના છ વર્ગ આ પ્રમાણે છે : એસ્ટરેજ, કાર્બોહાઇડ્રેઝ, ન્યૂક્લિયેઝ, ન્યૂક્લિઇન ડિએમિનેઝ, એમિડેઝ અને પ્રોટિયોલાયટિક ઉત્સેચકો.
(33) પેપ્સિન : પેપ્સિન એ પ્રોટીનલયી ઉત્સેચક છે. તે ડુક્કર (સસ સ્ક્રોફા; કુટુંબ : સ્યુઇડી)ના જઠરના ગ્રંથિવાળા ભાગમાંથી મેળવવામાં આવે છે. જઠરના ગ્રંથિવાળા ભાગના ભૂકાને હાઇડ્રોક્લૉરિક ઍસિડ વડે પ્રક્રિયા કરી, દ્રાવણને ગાળી, ઘટ્ટ કરી, પારશ્લેષણ કરી, કાચ ઉપર પાથરી, સૂકવીને બનાવાય છે. તે પીળાશ પડતા રંગથી બદામી સુધીના રંગવાળો પદાર્થ છે. તે જઠરમાં પ્રોટીનના પાચનમાં મદદ કરવા વપરાય છે. સાથે હાઇડ્રોક્લૉરિક ઍસિડ અપાય છે. જમ્યા પછી તે લેવાય છે. સાથે પૅન્ક્રિયાટિન પણ અપાય છે.
(34) પૅન્ક્રિયાટિન : પૅન્ક્રિયાટિન એ અમાયલેઝ, લાયપેઝ અને પ્રોટીએઝ એમ ત્રણ ઉત્સેચકો ધરાવે છે. તે ડુક્કર (સસ સ્ક્રોફા; કુટુંબ : બોવિડી) અને બળદ (બોસટાઉરસ; કુટુંબ : બોવિડી)ના સ્વાદુપિંડમાંથી મેળવાય છે. આ બદામી પાઉડર તટસ્થ કે થોડાક આલ્કલીય માધ્યમમાં કામ કરે છે. બીમાર માણસો માટે પચેલો ખોરાક બનાવવા માટે પૅન્ક્રિયાટિન વપરાય છે. જે બાળકોમાં સ્વાદુપિંડની ઊણપ હોય તેમને માટે પણ પૅન્ક્રિયાટિન વપરાય છે. તે એન્ટરિક કોટેડ મમરી કે ગોળીના સ્વરૂપમાં આપવામાં આવે છે.
(35) પૅન્ક્રિયાલાયપેઝ : તે પૅન્ક્રિયાટિનનું વધુ ઘટ્ટ કરેલ સ્વરૂપ છે. તેમાં લાયપેઝ બારગણું વધુ અને અમાયલેઝ અને પોટીયેમ ચાર-ચારગણું વધુ હોય છે. તે ચરબીનું શોષણ સારી રીતે કરે છે. જેથી મળમાં ચરબીનું પ્રમાણ ઘટાડે છે. તે મુખ્યત્વે સ્વાદુપિંડની ખામીમાં વપરાય છે.
(36) રેનિન : રેનિન વાછરડા(બોસ ટાઉરસ; કુટુંબ : બોવિડી)ની જઠરના ગ્રંથિવાળા પડમાંથી નિષ્કર્ષણ (extraction) કરીને મેળવવામાં આવે છે. તે દૂધને ફાડી નાખે છે. તેથી માંદો માણસ દૂધ જલદી પચાવી શકે છે. તે ચીઝ બનાવવા માટે અને દૂધને ફાડવા માટે ઉપયોગી છે. તે પેપ્સિન અને રેનિનનાં પીણાં બનાવવામાં ઉપયોગી છે.
(37) ટ્રિપ્સિન : એ પ્રોટિયૉલાયટિક ઉત્સેચક છે. તે બળદ(બોસ ટાઉરસ; કુટુંબ : બોવિડી)ના સ્વાદુપિંડમાંથી નિષ્કર્ષણ કરીને મેળવવામાં આવે છે. તે મોં દ્વારા, ચામડી ઉપર લગાવીને કે શ્વાસમાં સૂંઘીને કે સ્થાનિક ઇંજેક્શન દ્વારા મૃત થયેલ પેશીઓને દૂર કરવા કે ચામડી પરના પરુવાળા પરપોટા દૂર કરી સફાઈ કરવા માટે વપરાય છે. ખાસ કરીને ઘા અને વ્રણ(ચાંદા)ને સાફ કરવા માટે તે વપરાય છે.
(38) કિમોટ્રિપ્સિન : કિમોટ્રિપ્સિન એ પ્રોટીનલયી ઉત્સેચક છે. તે બળદના પૅન્ક્રિયાસમાંથી નિષ્કર્ષણ દ્વારા મેળવાય છે. તે મોટાભાગે આંખમાં નાખવાનાં ટીપાંના સ્વરૂપમાં વપરાય છે. તે આંખની છારીને દૂર કરે છે. તે મોટેભાગે ટ્રિપ્સિન સાથે ઘા સાફ કરવા માટે વપરાય છે.
(39) યુરોકાયનેઝ : યુરોકાયનેઝ એ માનવના મૂત્રમાંથી મેળવવામાં આવતો ઉત્સેચક છે. તે થ્રૉમ્બોલાયટિક ઉત્સેચક છે. તેથી જ્યારે ફુપ્ફુસમાં મોટો ગઠ્ઠો (એમ્બોલિઝમ) આવી ગયો હોય ત્યારે તે દૂર કરવા સ્ટ્રેપ્ટોકાયનેઝના બદલે વાપરી શકાય છે. તે માનવમાંથી મેળવવામાં આવતું હોવાથી ઍલર્જીની શક્યતા ઓછી રહે છે.
(40) ફાયબ્રિનોલાયસિન : ફાયબ્રિનોલાયસિન એ સીરમમાં પ્રોટીએઝ તરીકે અને પ્લાઝમામાં પ્રોફાયબ્રિનોલાયસિન સ્વરૂપમાં હોય છે. માણસના લોહીના પ્લાઝમાને સ્ટ્રેપ્ટોકાયનેઝ વડે સક્રિય બનાવીને તે બનાવવામાં આવે છે. તે પ્રોટીનલયી શક્તિ ધરાવે છે. તે મૃત પેશીના અથવા સ્રાવ થયેલ પ્રવાહીના કે લોહીના બનેલ ગઠ્ઠાને કે ઘા, વ્રણ અને દાઝવાથી થયેલ પ્રોટીનયુક્ત ગઠ્ઠાવાળા ભાગને દૂર કરવા વપરાય છે. તે પ્રાથમિક રીતે હૃદયવાહિકા તંત્રમાં લોહીનો ગઠ્ઠો હોય તો દૂર કરવા વપરાય છે. ખાસ કરીને હૃદયની અને પ્રમસ્તિષ્ક ધમનીમાંના લોહીના ગઠ્ઠાને તેમજ શિરામાં કે ફુપ્ફુસમાં થયેલ લોહીના ગઠ્ઠાને દૂર કરવા પણ વપરાય છે.
(41) ડિઑક્સિ રિબોન્યૂક્લિએઝ : આ ન્યૂક્લિયોલાયટિક ઉત્સેચક છે. તે બળદ જેવા પ્રાણીના સ્વાદુપિંડમાંથી શુદ્ધ સ્વરૂપમાં મેળવવામાં આવે છે. આ ઉત્સેચક ડિઑક્સિરિબોન્યૂક્લિક ઍસિડના મોટા અણુઓના ઘણાબધા નાના ટુકડા (પૉલિન્યૂક્લિયોટાઇડ્સ) બનાવે છે. તે પરુવાળી સુષુપ્ત પેશીઓને માટે ઉપયોગી છે. તેનો ઉપયોગ ફાયબ્રિનોલાયસિન સાથે કરવામાં આવે છે.
(42) જિલેટીન : એ એક જાતનું પ્રોટીન છે. તે કોલેજન નામના પ્રોટીનનું હાઇડ્રોલિસિસ કરીને ગાય, બળદ, ઘેટાં, ભુંડ વગેરેની ચામડી, સફેદ સંયોજક સ્નાયુ (પેશી) અને હાડકાંમાંથી બનાવવામાં આવે છે. જો હાડકામાંથી બનાવવાનું હોય તો હાઇડ્રોક્લૉરિક ઍસિડ વડે પ્રથમ કૅલ્શિયમ દૂર કરવાનું હોય છે. પછી ઉપર્યુક્ત સ્નાયુ, ચામડી વગેરેનું ઊકળતા પાણીની મદદથી નિષ્કર્ષણ કરી તેને દબાણથી વરાળ આપવાની હોય છે. જેથી કૉલેજનનું જળવિભાજન થઈ જિલેટીન બને. દ્રાવણને ગાળી, સાંદ્ર કરી ઠારી ટુકડા કરી જલદીથી સૂકવવામાં આવે છે. તે પીળાશ પડતા પાઉડર કે ચાદર(sheet)ના સ્વરૂપમાં મળે છે.
તે ગરમ પાણી, એસેટિક ઍસિડ ગ્લિસરીનમાં દ્રાવ્ય છે. જિલેટીનમાં ઓગણીસ એમિનો ઍસિડ હોય છે. પણ ટ્રિપ્ટોફેન હોતો નથી. તથા બીજા અગત્યના એમિનો ઍસિડ ઓછા પ્રમાણમાં હોવાથી તે પૂરતું પોષણક્ષમ પ્રોટીન નથી. જિલેટીનનો મુખ્ય ઉપયોગ કૅપસ્યૂલ બનાવવામાં, ટીકડીને પડ ચડાવવા માટે, અવલંબનકારક તરીકે ગ્લિસરીન સાથે ગુદામાર્ગની ગોળી (suppository) બનાવવામાં ઉપયોગી છે. ઝિન્ક-જિલેટીન મલમ ચામડીને રક્ષણ આપવા લગાવાય છે. આ ઉપરાંત બૅક્ટેરિયા માટેનું સંવર્ધન માધ્યમ બનાવવામાં તથા બજારુ ખોરાકમાં ઉપયોગી છે.
(43) અવશોષણીય જિલેટીન સ્પંજ : તે પાણી અને લોહી ચૂસી શકે તેવા સ્પંજ (વાદળી) જેવો જંતુમુક્ત પદાર્થ છે. તે જિલેટીનમાંથી બનાવવામાં આવે છે. કેશવાહિની કે શિરામાંથી લોહી નીકળતું હોય તો ત્યાં આઇસોટૉનિક દ્રાવણથી સંતૃપ્ત કરેલ જિલેટીનની વાદળી 10થી 15 સેકન્ડ પકડી, છોડી દેવાથી લોહીનો સ્રાવ અટકાવી શકાય છે. તેની સાથે થ્રૉમ્બિનનું દ્રાવણ પણ વાપરી શકાય છે. ઑપરેશન (વાઢકાપ) કર્યા પછી, ઘા ઉપર લગાવી લોહીનો સ્રાવ અટકાવવામાં તે ઉપયોગી છે.
(44) અવશોષણીય જિલેટીન ફિલ્મ : તે જિલેટીનમાંથી બનાવવામાં આવતી સેલોફેન જેવી પટ્ટી છે. તેનો ઉપયોગ મગજના ઑપરેશન(ન્યુરોસર્જરી)માં, ગળાના ઑપરેશનમાં કે આંખની સર્જરીમાં કરાય છે. તેને મીઠાવાળા દ્રાવણમાં બોળી, કાપી ઘા ઉપર લગાવાય છે. તેથી લોહીનો સ્રાવ બંધ થાય છે.
(45) સૂક્ષ્મ તંતુકી (માઇક્રોફિબ્રીલર) કૉલેજન : તે પાણીમાં અદ્રાવ્ય, તંતુવાળો, પ્રોટીનયુક્ત પદાર્થ છે. તે પ્રાણીઓની અંદરની ત્વચાના કૉલેજનમાંથી બનાવવામાં આવે છે. જ્યારે લિગાચર (દોરી બાંધી) કે બીજી કોઈ મદદથી લોહીની નળીમાંથી નીકળતું લોહી બંધ ના કરી શકાતું હોય ત્યારે સૂકો પાઉડર તેના ઉપર લગાવાય છે. તે લોહીને વહેતું અટકાવે છે.
(46) અવશોષણીય સર્જિકલ સ્યુચર (કેટગર, સર્જિકલગર) : સ્તનવાળાં તંદુરસ્ત પ્રાણીઓના આંતરડાંના કૉલેજનમાંથી વણીને જંતુમુક્ત દોરી બનાવવામાં આવે છે, જે શરીરની અંદરના અવયવોમાં વાઢકાપ કરી હોય તો સાંધવામાં (ટાંકા લેવામાં) ઉપયોગી થાય છે. આ ટાંકા ચામડીમાં શોષાય તેવા અથવા ના શોષાય તેવા પણ હોઈ શકે છે. સિન્થેટિક પૉલિમર પણ ટાંકા લેવામાં ઘણી વાર વપરાય છે.
(47) હિપેરિન સોડિયમ (હિપેરિન) : તે લોહીના જામી જવાના સમયગાળાને વધારનાર પદાર્થ છે. તે પાલતુ પ્રાણીઓનાં ફેફસાં, આંતરડાંની અંદરની ત્વચા વગેરેમાંથી નિષ્કર્ષણ કરી મેળવવામાં આવે છે. તે લોહીની નળીમાં ફાઇબ્રિનના ગઠ્ઠા (ક્લૉટ) બનવા દેતું નથી. તેનો ઉપયોગ અમુક દર્દીમાં થાય છે, જેની લોહીને જામવાની ક્રિયા ધીમી કરવાની જરૂર હોય.
(48) પ્રોટામિન સલ્ફેટ : તે શુદ્ધ કરેલ સાદા પ્રોટીનનું મિશ્રણ છે. તે માછલીઓના શુક્રાણુઓ કે શુક્રપિંડમાંથી મેળવવામાં આવે છે. તે હિપેરિનને તટસ્થ કરે છે. મુખ્યત્વે હિપેરિનના મારક (antidote) તરીકે વપરાય છે.
(49) રસી (વૅક્સિન, શિરા, પ્રતિઆવિષ, આવિષ) : રસી એ જીવતા, મરેલા કે સુષુપ્ત બૅક્ટેરિયા, વાઇરસ કે રિકેટ્સિયા છે. અથવા તો તેમની મદદથી પ્રાણીના લોહીમાં ચેપ ફેલાવી મેળવેલા ઍન્ટિબૉડી (રોગપ્રતિકારક પદાર્થ) છે. ટાઇફૉઇડ, કૉલેરા, પ્લેગ, ટાયફસ વગેરેની રસી એ મૃત સૂક્ષ્મજીવાણુ છે, જ્યારે ઓરી, રુબેલા, પોલિયો, લાપોટિયું વગેરેની રસી એ જીવતા સૂક્ષ્મજીવાણુ છે. ડિફ્થેરિયાની રસી પ્રાણીઓને ચેપ લગાડી તેના લોહીમાંથી સીરમ છૂટું પાડી મેળવેલ પ્રતિદ્રવ્ય હોય છે. આ બધી રસીઓને લગભગ 0°થી 8° સુધીના ઠંડા તાપમાનમાં સાચવવાની હોય છે.
(50) હડકવાની રસી (રેબિસ વૅક્સિન) : હડકવાની રસી લૂઇ પાશ્ચરે બનાવી હતી અને તેનો ઉપયોગ 1885માં કર્યો હતો. થોડાં વર્ષો પહેલાં હડકવાની રસી બનાવવા હડકવાના વાઇરસને સસલાના મગજમાં ઉગાડી મેળવાતી હતી. તેમાં માયલીન નામના પદાર્થની અશુદ્ધતા રહેતી હતી, જે કોઈ વાર પક્ષાઘાતની બીમારી લાવનારી થતી હતી. હવે હડકવાની રસી બતકના ગર્ભ ઉપર હડકવાના વાઇરસને ઉગાડીને મેળવાય છે. તેને ‘એવિયાનાઇડ્ઝ વૅક્સિન’ પણ કહે છે. હડકાયું કૂતરું કરડ્યા પછી આ રસી 14 દિવસ સુધી આપવાની હોય છે. જો રખડતું કૂતરું કરડ્યું હોય તો, પ્રથમ દિવસે હડકવા માટેનું ઇમ્યૂનોગ્લૉબ્યુલિન પણ સાથે આપવામાં આવે છે.
(51) પીળા તાવની રસી (યલો ફીવર વૅક્સિન) : પાલતુ મરઘડા(ફાઉલ)ના ગર્ભ ઉપર યલો ફીવરના વાઇરસને ઉગાડી, તેનું ક્ષીણન કરી આ રસી બનાવાય છે. આ રોગનો ફેલાવો એઇડીસ મચ્છર કરે છે. આ રોગ કૅરેબિયન આયર્લૅન્ડ અને મધ્ય અમેરિકામાં દેખાય છે.
(52) ફ્લૂની રસી (ઇન્ફ્લુએન્ઝાના વાઇરસની રસી) : તે મરઘીના ગર્ભ ઉપર ઉગાડેલા ઇન્ફ્લુએન્ઝાના એ અને બી ટાઇપના વાઇરસ છે, જેને નિષ્ક્રિય બનાવેલા હોય છે. તેની રસી ચામડી નીચે 6થી 8 અઠવાડિયાંના ગાળામાં ઇંજેક્શન દ્વારા બે વાર લેવાની હોય છે.
(53) પોલિયોની રસી (પોલિયોમાયેલિટિસ વૅક્સિન) : ત્રણ પ્રકારના પોલિયોના વાઇરસને વાંદરાના મૂત્રપિંડની પેશીઓ ઉપર પોષણયુક્ત પ્રવાહીની મદદથી ઉગાડી વાઇરસને છૂટા પાડી, ફૉર્માલ્ડિહાઇડ વડે મારી નાખી આ રસી તૈયાર કરવામાં આવે છે. તે ચામડી નીચે કે સ્નાયુમાં આપવામાં આવે છે.
(54) પોલિયોની મોં દ્વારા અપાતી રસી : ત્રણ જાતના પોલિયો-વાઇરસને વાંદરાના મૂત્રપિંડની પેશીઓ ઉપર પોષણયુક્ત પ્રવાહીમાં ઉગાડીને તેમનું ક્ષીણન કરીને આ રસી બનાવવામાં આવે છે. અહીં વાઇરસ જીવતા હોય છે. આ રસીને 10° સે. પર રાખવામાં આવે છે. તેનાં ટીપાં મોં દ્વારા અપાય છે.
(55) ઓરીની રસી (મીઝલ્ઝ વૅક્સિન) : રુબિયેલા (ઓરી) અને રુબેલા(જર્મન ઓરી)ના વાઇરસને મરઘીના ગર્ભ ઉપર કે માણસના ડિપ્લોઇડ કોષની પેશી ઉપર ઉગાડી, તેમનું ક્ષીણન કરી આ રસી બનાવવામાં આવે છે. તે 15 મહિનાથી વધુ ઉંમરના બાળક્ધો ઇંજેક્શન દ્વારા, ચામડી નીચે આપવામાં આવે છે, જેથી ઓરી સામે પ્રતિકાર કરવાની શક્તિ મળે.
(56) લાપોટિયાની રસી (મમ્પસ વૅક્સિન) બી-લેવલ જેરી લીન સ્ટ્રેઇન નામના વાઇરસને મરઘીના ગર્ભ ઉપર ઉગાડી, તેમનું ક્ષીણન કરી આ રસી બનાવાય છે. તે 10 વર્ષ સુધી રક્ષણ આપે છે. તે એક વરસથી નાના બાળકને અપાતી નથી. ખાસ કરીને કિશોરો અને પુખ્ત વયના માણસોને તે અપાય છે.
(57) એમ.એમ.આર.ની રસી (મીઝલ્ઝ, મમ્પસ, રુબેલાની રસી) : તે મીઝલ્ઝ, મમ્પસ અને રુબેલા – ત્રણેય જાતના જીવતા ક્ષીણન કરેલા વાઇરસની બનાવેલ ત્રણ જાતની ભેગી રસી છે. તે ચામડી નીચે આપવાથી ઓરી, લાપોટિયું અને રુબેલા (જર્મન ઓરી) સામે પ્રતિકારશક્તિ આપે છે.
(58) ટાયફસની રસી : ટાયફસની રસી રિકેટ્સિયામાંથી બનાવવામાં આવે છે. ટાયફસના રિકેટ્સિયા(રેકેટ્સિયા પ્રોવાઝેકી)ને પાળેલી મરઘીના વિકસતા ગર્ભ ઉપર ઉગાડી તેમને રસાયણથી મારી નાખી આ રસી બનાવવામાં આવે છે. તે ખાસ કરીને, એશિયા ખંડમાં, પર્વતોમાં મુસાફરી કરવાની હોય તો પ્રતિકારશક્તિ મેળવવા, સાવચેતી રૂપે લેવાની હોય છે.
(59) ટાઇફૉઇડની રસી : સાલ્મોનેલા ટાયફોસા નામના બૅક્ટેરિયાને યોગ્ય કૃત્રિમ, પોષણયુક્ત આહાર ઉપર ઉગાડી, તેમને મારી નાખી, આ રસી બનાવાય છે. તે 3 વરસ સુધી પ્રતિકારશક્તિ આપે છે.
(60) કૉલેરાની રસી : વિબ્રિયો કૉલેરા નામના બૅક્ટેરિયાને યોગ્ય જાતના કૃત્રિમ પોષણયુક્ત આહાર ઉપર ઉગાડી, તેમને મારી નાખી, તેમને અવલંબન બનાવી આ રસી બનાવાય છે. તે દર છ મહિને લેવાતી કૉલેરા સામે પ્રતિકારશક્તિ મળી રહે છે.
(61) પ્લેગની રસી : યેરસિનિયા પેન્સિસ નામના બેસિલાઇ બૅક્ટેરિયાને કૃત્રિમ પોષણયુક્ત આહાર ઉપર ઉગાડી, તેમને મારી નાખી, તેમને અવલંબન બનાવી આ રસી બનાવાય છે. તે પ્લેગ સામે પ્રતિકાર કરવાની શક્તિ આપે છે.
(62) ઉટાંટિયાની રસી (પર્ટુસિસ વૅક્સિન) : બોર્ડેટેલા પર્ટુસિસ નામના બૅક્ટેરિયાને કૃત્રિમ પોષણયુક્ત આહાર (મીડિયા) ઉપર ઉગાડી, તેમને મારી નાખી તેમનું અવલંબન (સસ્પેન્શન) બનાવી આ રસી બનાવાય છે. તે ઉટાંટિયા સામે રોગપ્રતિકારક શક્તિ આપે છે.
(63) ત્રિગુણી (tripal) રસી (ડીપીટીની રસી) ડિફ્થેરિયા અને ટિટનસ ટૉક્સૉઇડની રસી સાથે ઉટાંટિયા(પર્ટુસિસ)ની રસી મેળવી ત્રિગુણી (ટીપીટી) રસી બનાવાય છે. તે 1 વર્ષથી નાનાં બાળકોને ડિફ્થેરિયા, ધનુર અને ઉટાંટિયા સામે રક્ષણ આપે છે.
(64) બીસીજીની રસી (ક્ષયની રસી) : માયક્રો-બૅક્ટેરિયમ ટ્યૂબરક્યુલોસિસ, વેરાઇટી બોવીસના કાલ્મેટી ગુઇરીન જાતના બૅક્ટેરિયાને કૃત્રિમ પોષણયુક્ત આહાર (મીડિયા) ઉપર ઉછેરી, તેમનું ક્ષીણન કરી, આ રસી બનાવાય છે. તે ક્ષય સામે પ્રતિકાર કરવાની શક્તિ આપે છે.
(65) મેનિનજોકોકલ પૉલિસેકેરાઇડ રસી : નેઇસેરિયા મેનનજાયટિડિસ સીરો ગ્રૂપ એ અને સીરો ગ્રૂપ સી નામના બૅક્ટેરિયાના કૅપ્સ્યૂલની બહુશર્કરામાંથી આ રસી બનાવવામાં આવે છે. 2 વરસથી વધુ ઉંમરનાં બાળકોને આ રસી મગજમાં ચેપ ન લાગે તે માટે આપી શકાય છે.
(66) ન્યુમોકોકસ રસી (બહુગુણી-polyvalent) : સ્ટ્રૅપ્ટોકોકસ ન્યુમોનિયા નામના બૅક્ટેરિયાને કૃત્રિમ પોષણયુક્ત માધ્યમ ઉપર ઉછેરી તેના બહુશર્કરાયુક્ત પ્રતિજનને શુદ્ધ કરીને આ રસી બનાવાય છે. તે 2 વરસથી મોટાં બાળકને ન્યુમોનિયા સામે રક્ષણ મેળવવા અપાય છે.
(67) ડિફ્થેરિયા પ્રતિઆવિષ : તંદુરસ્ત ઘોડાને ડિફ્થેરિયા આવિષ કે આવિષાભ વડે ચેપ લગાડી તેના લોહીમાં પ્રતિ આવિષ પેદા કરવામાં આવે છે. પછી ઘોડાનું લોહી કાઢી, તેમાંથી સીરમ છૂટું પાડી, ગ્લૉબ્યુલિન મેળવવામાં આવે છે. જેમાં ડિફ્થેરિયાના પ્રતિઆવિષ પ્રતિદ્રવ્યો હોય છે. આ રસી ડિફ્થેરિયાની સારવારમાં વપરાય છે.
(68) ધનુરનું પ્રતિઆવિષ : તંદુરસ્ત ઘોડાને ટીટનસ આવિષ કે આવિષાભ વડે ચેપ લગાડી તેનું લોહી મેળવી, તેના સીરમમાંથી ટીટનસ પ્રતિઆવિષ બનાવવામાં આવે છે. જે દર્દીને ધનુરનો ચેપ લાગ્યો હોય તેને તે સારવારમાં અપાય છે. ચેપ લાગ્યા પહેલાં પણ તે આપી શકાય છે.
(69) બૉટ્યુલિઝમ પ્રતિઆવિષ : ક્લૉસ્ટ્રિડિયમ બૉટ્યુલિઝમ બૅક્ટેરિયાના પ્રકાર એ, બી અને ઈના આવિષ વડે તંદુરસ્ત ઘોડાને ઇંજેક્શન આપી ચેપ લગાડી, પ્રતિઆવિષ પેદા કરવામાં આવે છે. પછી તે ઘોડામાંથી લોહી મેળવી, તેમાંથી આ પ્રતિઆવિષ મેળવવામાં આવે છે. તે ખાસ કરીને બૉટ્યુલિઝમ (ફૂડ પૉઇઝનિંગ = ખોરાકની ઝેરી અસરથી થતા ઝાડા-ઊલટી)ની સારવારમાં વપરાય છે.
(70) પ્રતિસર્પવિષ (ક્રીટાલાઇડ) પૉલિવેલન્ટ : તંદુરસ્ત ઘોડાને ચાર પ્રકારના ક્રોટાલસ સ્પીસીઝના સાપના ઝેરનાં ઇંજેક્શન આપી, તેને પ્રતિરક્ષિત થવા દઈ, તે ઘોડાનું લોહી કાઢી તેના સીરમમાંથી પ્રતિસર્પવિષ મેળવવામાં આવે છે. આ પ્રતિસર્પવિષ પૉલિવેલન્ટ ઉપર્યુક્ત ચાર સ્પીસિઝના સાપ કરડે તો તેની ઝેરી અસર દૂર કરવા નસમાં ઇંજેક્શન દ્વારા અપાય છે.
આ જ રીતે નાગ કે અન્ય સાપના ઝેર વડે પણ ઘોડાને પ્રતિરક્ષિત કરી, તેના ઝેરની સારવાર માટેનું પ્રતિસર્પવિષ મેળવી શકાય છે.
(71) બ્લૅક વિડો સ્પાઇડર ઍન્ટિવેનમ : બ્લૅક વિડો કરોળિયાના ઝેરથી તંદુરસ્ત ઘોડાને પ્રતિરક્ષિત કરી તેનું લોહી મેળવી, તેમાંથી સીરમ છૂટું પાડી, ઍન્ટિવેનમ બનાવાય છે. આ ઍન્ટિવેનમ કાળો કરોળિયો કરડે તો તેના ઝેર સામે રક્ષણ મેળવવા ઇંજેક્શન દ્વારા અપાય છે.
(72) લાપોટિયાની રસી (મમ્પસ ઇમ્યૂન ગ્લૉબ્યુલિન) : તંદુરસ્ત માણસને લાપોટિયાની રસીથી વધુ પડતો પ્રતિરક્ષિત કરી તેના લોહીના સીરમમાંથી ગ્લૉબ્યુલિન છૂટું પાડી આ રસી બનાવાય છે. જે લાપોટિયાની સારવારમાં વપરાય છે. લાપોટિયું ન થાય તે માટે પણ આ રસી વાપરી શકાય છે.
(73) ઉટાંટિયાની રસી (પર્ટુસિસ ઇમ્યૂન ગ્લૉબ્યુલિન) : તંદુરસ્ત માણસને ઉટાંટિયાની રસી આપી, પ્રતિરક્ષિત કરી, તેનું લોહી મેળવી, લોહીમાંથી સીરમ છૂટું પાડી તેમાંથી ગ્લૉબ્યુલિન મેળવાય છે. આ રસી ઉટાંટિયાના દર્દીની સારવારમાં વપરાય છે. ઉટાંટિયું ન થાય તે માટે પણ આ રસી ઉપયોગી છે.
(74) ધનુર્ની રસી (ટીટનસ ઇમ્યૂન ગ્લૉબ્યુલિન) : તંદુરસ્ત માણસને ટીટનસ આવિષાભ પ્રતિરક્ષિત કરી, તેનું લોહી મેળવી સીરમ છૂટું પાડી ગ્લૉબ્યુલિન મેળવાય છે. આ રસી ધનુરના દર્દી માટે વપરાય છે. વળી ધનુર્ ન થાય તે માટે પણ તે ઉપયોગી છે.
(75) હડકવાની સારવારની રસી (રેબિસ ઇમ્યૂન ગ્લૉબ્યુલિન) : તંદુરસ્ત માણસને હડકવાની રસીથી પ્રતિરક્ષિત કરી, તેનું લોહી મેળવી, તેમાંથી સીરમ છૂટું પાડી, ગ્લૉબ્યુલિન મેળવીને આ રસી બનાવાય છે. હડકાયું કૂતરું કરડ્યાની સારવારમાં પ્રથમ એક ડોઝ રેબિસ ઇમ્યૂન ગ્લૉબ્યુલિન રસીનો આપી, પછી બાકીના 14 ડોઝ, રોજ હડકાયા કૂતરાની રસી આપવાની હોય છે.
(76) હીપેટાઇસિસ બી ઇમ્યૂન ગ્લૉબ્યુલિન : જે લોહીના દાતાઓના સીરમમાં હીપેટાઇટિસ બી વાઇરસનાં પ્રતિદ્રવ્યો વધુ હોય, તેમાંથી ગ્લૉબ્યુલિન છૂટું પાડી, આ રસી મેળવવામાં આવે છે. જેને હીપેટાઇટિસ બી વાઇરસનો ચેપ લાગ્યો હોય તેની સારવારમાં રસી વપરાય છે.
(77) આર.એચ. (ડી) ઇમ્યૂન ગ્લૉબ્યુલિન : જે માણસના લોહીમાં આર.એચ. (ડી) પ્રતિદ્રવ્ય હોય, તેના લોહીના ગ્લૉબ્યુલિનને આર.એચ. (ડી) ઇમ્યૂન ગ્લૉબ્યુલિન તરીકે વાપરવામાં આવે છે. જે માતાનું લોહી આર.એચ. નેગેટિવ હોેય અને તે આર.એચ. પૉઝિટિવવાળા બાળકને જન્મ આપે તો પ્રથમ સુવાવડ પછી માતાને ત્રણ દિવસમાં આર.એચ. (ડી) ઇમ્યૂન ગ્લૉબ્યુલિન ઇંજેક્શન આપી માતાનું રક્ષણ કરવામાં આવે છે. જેથી બીજી પ્રસૂતિવેળા માતા સલામત રહી શકે.
(78) ઇમ્યૂન ગ્લૉબ્યુલિન : ઇમ્યૂન ગ્લૉબ્યુલિનમાં ઘણી બધી જાતનાં પ્રતિદ્રવ્યો હોય છે. લગભગ 1000 વ્યક્તિઓનું લોહી ભેગું કરીને તેના સીરમમાંથી ગ્લૉબ્યુલિન છૂટું પાડી તે ઔષધ તરીકે વપરાય છે. તેથી શીતળા, ઓરી, હીપેટાઇટિસ બી જેવા રોગો થતાં પહેલાં ઇમ્યૂન ગ્લૉબ્યુલિન અપવામાં આવે છે. ગેમા-ગ્લૉબ્યુલિનની ઊણપના કારણે રોગનો ચેપ વારંવાર લાગતો હોય તો પણ ઇમ્યૂન ગ્લૉબ્યુલિન મહિનામાં એક વાર ઇંજેક્શન દ્વારા અપાય છે.
(79) ઍન્ટિહીમોફિલિક ફૅક્ટર : તે માનવ-લોહીમાંથી મેળવવામાં આવે છે. તેને ફૅક્ટર-8 કહે છે. આ ફૅક્ટર પ્રોથ્રૉમ્બિનમાંથી થ્રૉમ્બિન બનાવી લોહીને ગંઠાવવામાં જરૂરી હોય છે.
(80) માનવ આલ્બ્યુમિન : તે માનવ લોહીમાંથી મેળવવામાં આવતું પ્રોટીન છે. તે લોહીનું પ્રમાણ જાળવવા માટે વપરાય છે.
(81) પ્લાઝ્મા પ્રોટીન ફ્રૅક્શન : માનવલોહી, પ્લાઝ્મા અથવા સીસમમાંથી બનાવેલ પ્રોટીનયુક્ત જીવાણુરહિત પ્રવાહીને પ્લાઝ્મા પ્રોટીન ફ્રૅકશન કહે છે. તેમાં 4.5%થી 5.5% જેટલું પ્રોટીન હોય છે. તેમાં આલ્બ્યુમિન અને ગ્લૉબ્યુલિન મુખ્ય હોય છે. તે દાઝી ગયેલા દર્દી માટે કે સ્નાયુઓ કચડાઈ ગયા હોય તેવી ઈજામાં કે જ્યાં પ્રવાહનો વ્યય વધુ થયો હોય અને રક્તકણોનો વ્યય ઓછો થયો હોય ત્યાં લોહીના કદની જાળવણી માટે પ્લાઝ્મા પ્રોટીન દર્દીને અપાય છે.
(82) આયોડિનેટેડ 125I આલ્બ્યુમિન ઇંજેક્ષન અને આયોડિનેટેડ 131I આબ્લ્યુમિન ઇંજેક્શન : માનવ-લોહીના આલ્બ્યુમિનમાં 125I કે 131I દાખલ કરી, તેનું જંતુરહિત સમપરાસારી પ્રવાહી બનાવવામાં આવે છે. આ પ્રવાહી ખાસ કરીને શરીરમાંના લોહીનું કદ માપવા અને હૃદયની કાર્યક્ષમતા ચકાસવા માટે વપરાય છે. ફુપ્ફુસની કાર્યક્ષમતા માપવા માટે પણ તે વપરાય છે.
(83) થ્રૉમ્બિન : ગાય કે બળદ જેવાં પ્રાણીઓના લોહીમાંથી પ્રોથૉમ્બિન મેળવી તેની થ્રૉમ્બોપ્લાસ્ટિન સાથે પ્રક્રિયા કરી થ્રૉમ્બિન મેળવાય છે. તે લોહી, પ્લાઝ્મા, ફાઇબ્રિનોજન વગેરેને ગંઠાવવામાં મદદ કરે છે. જે જગ્યાએથી લોહી નીકળતું હોય ત્યાં તે પાઉડર કે દ્રાવણ સ્વરૂપમાં લગાવાય છે. ખાસ કરીને દાંત, ગળા અને નાકની શસ્ત્રક્રિયામાં કે પ્લાસ્ટિક સર્જરીમાં લોહીનો સ્રાવ અટકાવવા તે વપરાય છે.
(84) કટલ ફિશ શેલ (સમુદ્ર બિસ્કિટ) : સમુદ્રની મૃદુ માછલી (સેપિયા ઑફિસિનાલિસ; કુટુંબ સેપિડે)ના બહારના આવરણને કટલ ફિશ શેલ કહે છે. તે પ્રાણીને બાહ્ય રક્ષણ આપે છે. તે દરિયાકિનારેથી મેળવવામાં આવે છે. તેમાં 83% જેટલો કૅલ્શિયમ કાર્બોનેટ હોય છે, જે ટૂથપાઉડરમાં તથા ઍસિડિટી ઘટાડવા અને મરડા તથા ઝાડામાં પણ વપરાય છે.
(85) માયાફળ (ગોલ્સ) : ડાયર્સ યૉક (કવરકસ ઇન્ફૅક્ટોરિયા; કુટુંબ : ફેગાસી)ના ઝાડની ડાળી ઉપર ગોલ વાસ્પ (આલ્ડેરિયા ડોલોટિન્કટોરિયા; કુટુંબ : સાયપીડી) નામના કીટક ગોળ રચના બનાવે છે, તેને માયાફળ કહે છે. તે 12થી 20 મિમી. વ્યાસનું ભૂરાથી લીલાશ પડતા રંગનું હોય છે. તે સપાટી ઉપર બુઠ્ઠા, નાના કાંટા જેવું હોય છે. તેમાં મુખ્યત્વે ટેનિન હોય છે, જે ગેલોટેનિક ઍસિડનું બનેલ હોય છે. તેનો ઉપયોગ પ્રોટીનને અવક્ષિપ્ત કરી ત્વચાને રક્ષણ આપવા સ્થાનિક સંકોચક (એસ્ટ્રિન્જન્ટ) તરીકે સપોઝેટરી અને મલમમાં વપરાય છે. તે રંગ, શાહી વગેરે બનાવવામાં પણ વપરાય છે.
(86) કૅન્થેરાઇડ્સ (બ્લિસ્ટરિંગ બીટલ) : કૅન્થેરાઇડ્સ (કૅન્થેરિસ વેસિકેટોરિયા; કુટુંબ : મેલોઇડી) એ સાંધાવાળી જીવાત છે. તે ચળકતા લીલાશ પડતા રંગનાં, 1.5થી 2.5 સેમી. લાંબા, 3થી 6 મિમી. પહોળાં જીવડાં છે. તેમાં 0.5%થી 0.8% જેટલો કૅન્થેરિડિન નામનો પદાર્થ હોય છે. તેનો ઉપયોગ પશુઓ માટે પ્રતિપ્રકોપક તરીકે (ચામડી લાલ બનાવી, દુખાવો દૂર કરવા) તથા ઓછી માત્રામાં મૂત્રલ તરીકે અને જાતીય ઉત્તેજક (ઍફ્રોડાયાસિક) તરીકે વપરાય છે. તે વાળ વધારવા માટે પણ વપરાય છે.
(87) માયલાબ્રિસ (ચાઇનીઝ બ્લિસ્ટરિંગ બીટલ) : માયલાબ્રિસ (માયલાબ્રિસ પુસ્ટુલાસા અને તેની અન્ય સ્પીસિઝ; કુટુંબ : મેલોઇડી) એ જીવાત છે. તે 10થી 20 મિમી. લાંબા, 5થી 10 મિમી. પહોળાં, કાળાં શરીર ઉપર રંગીન પટ્ટા ધરાવતાં જીવડાં છે. તેમાં 1%થી 2% જેટલું કૅન્થેરિડિન હોય છે, જે ચામડી ઉપર લગાવી પશુઓનો દુખાવો દૂર કરવામાં તથા થોડીક માત્રામાં મૂત્રલ અને ઍફ્રોડાયાસિક (જાતીય ઉત્તેજક) તરીકે વપરાય છે. તે વાળ વધારવા પણ વપરાય છે.
(88) કોચિનિયલ : કોચિનિયલ (ડેકટિલોપિયસ કોકસ; કુટુંબ : કોકસિડી) એ નારી જાતિનાં, સંપૂર્ણ વિકાસ પામેલ જીવડાં છે. તે લાલ, સફેદ કે કાળાશ પડતા રંગનાં હોય છે. 3.5થી 5 મિમી. લાંબાં અને 2.5થી 4.5 મિમી. પહોળાં હોય છે. તેમાં 50% કારમિનિક ઍસિડ નામનો લાલ રંગ હોય છે. જે ટૂથપેસ્ટ તથા ટિન્ક્ચરને લાલ રંગનાં બનાવવામાં વપરાય છે. તેમાંથી કાર્માઇન નામનો લાલ રંગ પણ બને છે.
(89) મધ : મધ એ મધમાખી (એપિસ મેલિફેકા; કુટુંબ : એપીડી)ના મધપૂડામાંથી મેળવવામાં આવતું ઘટ્ટ, પીળાશ પડતા રંગનું ગળ્યું પ્રવાહી છે. તેને સુગંધીદાર વાસ હોય છે. તેમાં 70%થી 80% જેટલી શર્કરા, ડેક્સ્ટ્રોઝ અને લેવ્યુલૉઝ હોય છે. તે મૃદુ રેચક તરીકે, માંદા માણસના પોષક આહાર તરીકે કડવી દવા, સાથે ગળપણ તરીકે તથા કેટલીય આયુર્વેદિક દવાઓમાં અનુપાન તરીકે વપરાય છે.
(90) મીણ : મીણ એ મધમાખી (એપિસ મેલિફેકા; કુટુંબ : એપીડી)ના મધપૂડાને શુદ્ધ કરી મેળવેલ પોચો ઘન પદાર્થ છે. તે પીળો અથવા સફેદ (બ્લીચ કરેલો) અને સુગંધવાળો પદાર્થ છે. તેમાં 80% મિરિસન (મિરિસિલ પાલ્મિટેટ) અને 15% મિરિસિલ અને સેરિલ આલ્કોહૉલ હોય છે. તે પ્લાસ્ટર્સ, મલમ, પૉલિશ વગેરે બનાવવામાં ઉપયોગી છે.
(91) લાખ : લાખ એ લાખના જંતુ (લેસિફેર લાક્કા; કુટુંબ : કોકસિડી)ના શરીરમાંથી બહાર નીકળતો રેઝિનસ નામનો લાલાશ પડતા રંગનો ઘન પદાર્થ છે. તેમાં 70%થી 85% રેઝિનસ પદાર્થ હોય છે. ગોળી અને કૅપ્સ્યૂલ આંતરડાંમાં જઈ ઓગળે તેવું પડ ચડાવવા (ઍન્ટરિક કોટેડ) માટે તે વપરાય છે. માઇક્રોસ્કોપની સ્લાઇડ ઉપર કવરસ્લિપની રિંગ બનાવવામાં તથા પૉલિશ બનાવવામાં વપરાય છે.
(92) સ્યુએટ (ઘેટાની ચરબી) : ઘેટા(ઓવિસ-એરિસ–કુટુંબ : બોવિડી)ના પેટ અને અન્ય ભાગમાંથી મેળવેલ શુદ્ધ ચરબીને સ્યુએટ કહે છે. તે લીસો, મલમ જેવો પદાર્થ છે. તેમાં સ્ટિયેરિન અને પાલ્મિટિન હોય છે. તે મલમ બનાવવામાં તથા ચામડીને સુંવાળી રાખવામાં વપરાય છે.
(93) લાર્ડ (ડુક્કરની ચરબી) : ડુક્કર(સસ સ્ક્રોફા; કુટુંબ : સ્યુઇડી)ના પેટ અને અન્ય ભાગમાંથી મેળવેલ શુદ્ધ ચરબીને લાર્ડ કહે છે. તેમાં સ્ટિયેરિન પાલ્મિટિન, ઓલિન વગેરે હોય છે. તે મલમ બનાવવામાં તથા ચામડીને મુલાયમ બનાવવામાં ઉપયોગી છે.
(94) સ્પરમેસેટી : સ્પર્મ વહેલ (ફાયસેટર કેરોડોન; કુટુંબ ફાયસેટેરિડા) નામની માછલીના માથામાંથી મેળવેલ મીણને સ્પરમેસેટી કહે છે. તે સફેદ, અર્ધપારદર્શક, સ્ફટિકમય પદાર્થ છે. તેને થોડીક વાસ અને સ્વાદ હોય છે. તેમાં 80% સિટિલ પાલ્મિટેટ અને સિટિલ મિરિસ્ટેટ હોય છે. તે કોલ્ડક્રીમ અને મલમ બનાવવામાં ઉપયોગી છે. તેમાંથી સેટિલ આલ્કોહૉલ મેળવાય છે. જે પાયસીકારક તરીકે કામ આપે છે. સ્પરમેસેટીને લાખ સાથે વાપરીને ઍન્ટેરિક કોટેડ ગોળી બનાવી શકાય છે.
(95) કસ્તૂરી : નર મૃગ(મોસ્ચસ મોસ્ચીફેરા; કુટુંબ : સેપિડી)ની ડૂંટીની નીચેના ભાગમાંથી કસ્તૂરી મેળવવામાં આવે છે. તેમાં લાંબો સમય ચાલે તેવી તીવ્ર વાસ હોય છે. તેમાં મસ્કોન નામનો પદાર્થ હોય છે. તે અત્તર બનાવવાના ઉપયોગમાં તથા ઉત્તેજક તરીકે વપરાય છે.
(96) ઊનની ચરબી (wool fat) (હાઇડ્રસ લેનોલિન) : ઘેટાં (ઓવિસ એરિસ; કુટુંબ : બોવિડી)ના ઊનમાંથી વુલ ફૅટ મેળવવામાં આવે છે. તે પીળાશ પડતો મલમ જેવો, વિશિષ્ટ વાસવાળો પદાર્થ છે. તેમાં કૉલેસ્ટરૉલ અને આઇસોકૉલેસ્ટરૉલના લેનોસેરિક લેનોપાલ્મિટિક ઍસિડ, કાર્નુબિક ઍસિડ, મિરિસ્ટિક ઍસિડ સાથેના એસ્ટર હોય છે. તેની પાણી સંગ્રહ કરવાની શક્તિ સારી હોય છે. તેથી પાણી ચૂસી શકે તેવો મલમ બનાવવામાં તે ઉપયોગી થાય છે. જે મલમ ચામડી દ્વારા દવાનું શોષણ વધારે છે. આ ઉપરાંત તે ચામડીને મુલાયમ રાખે છે.
ઘેટાંના ઊનની ચરબી(wool fat)માંથી જે આલ્કોહૉલ મેળવવામાં આવે છે તેમાં કૉલેસ્ટરૉલ અને આઇસોકૉલેસ્ટરૉલ મુખ્ય હોય છે. તે પીળા રંગનો બરડ પદાર્થ છે. તેનો ઉપયોગ વુલફૅટની જેમ પાણી ચૂસે તેવો મલમ બનાવવામાં થાય છે. આ મલમને કારણે ચામડી દ્વારા દવાનું શોષણ સારી રીતે થાય છે.
આ ઉપરાંત તંદુરસ્ત માનવીના શરીરમાંથી મેળવેલું લોહી તથા લોહીમાંના રક્તકણો વધુ પડતા રક્તસ્રાવ અને પાંડુરોગમાં ઉપયોગમાં લેવાય છે. ઘેટાના ઊનનો ઉપયોગ દ્રાવણ ગાળવા માટે તથા ઘા પર ડ્રેસિંગ કરવા તથા વિવિધ પ્રકારના પાટા બનાવવામાં થાય છે. રેશમના તારની પણ ચાળણી બનાવી શકાય છે. ઑપરેશન વખતે કપાયેલ નસને બાંધવા માટે પણ આવા તાર વપરાય છે.
જળો (હીરુડો, મેડિસિનાલિસ) લોહી ચૂસવા (સોજો ઘટાડવા) માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેની લાળમાં હીરુડિન નામનો પદાર્થ હોય છે જે લોહીને ગંઠાવા દેતો નથી. આ હિરુડિન લોહીના જામી ગયેલા ગઠ્ઠા દૂર કરવા માટે વપરાય છે.
દેશી વૈદ્યક અથવા આયુર્વેદ એટલે એમાં નિર્દોષ ઔષધિ જ હોય એવી વ્યાપક માન્યતા છે. જેમ કે મૃદુ વનસ્પતિઓમાંથી જ ઔષધો મેળવવામાં આવે છે એવી માન્યતા છે. જોકે તેમાં દૂધ વિશેષત: ગાયનું દૂધ, દહીં, માખણ, છાશ, ઘી, ગોમૂત્ર, ગાયનું છાણ, છાણની રાખ આદિ મહત્વનાં ઔષધો છે, જે વનસ્પતિમાંથી મેળવેલાં નથી. આ ઉપરાંત વિવિધ પ્રકારના પ્રાણીજ પદાર્થો પણ દેશી વૈદ્યકમાં મહત્વનાં ઔષધો છે. દા.ત., અસ્થિ કે હાડકાં, ઉંદરની લીંડીઓ, કસ્તૂરી, કબૂતરની અઘાર, કરોળિયાનું જાળું કે બાવું, કૂકડીની અઘાર, કેશ કે વાળ, ગાંડૂળ અથવા ભૂનાગ, ગધેડાંની લાદ અને દાંત, ગોરોચન, ઘૃત (વિવિધ), ઘોડાનાં લાદ અને વાળ, પ્રેદુબાજાર (બકરીના પેટમાં થતી ગાંઠ), બીરબહોટી કે ગોકળગાય, ભેંસનું છાણ, મધ, મૂત્ર (વિવિધ), મીણ, મોરનાં પીછાં, વાઘનો મેદ, સમુદ્રફીણ, સર્પની કાંચળી, સસલાનું લોહી, સાબરસિંગ, હરિણશૃંગ, હસ્તિદંત આદિ.
કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ