પ્રાણ (જ. 12 ફેબ્રુઆરી 1920, દિલ્હી; અ. 12 જુલાઈ 2013) : હિંદી ફિલ્મના અભિનેતા. પૂરું નામ પ્રાણકિશન સિકંદ. અભિનયકલા પ્રત્યે સમર્પણની ભાવના ધરાવતા પ્રાણની અભિનય-કારકિર્દી છ દાયકા જેટલી સુદીર્ઘ છે. લાહોરમાં છબિકાર તરીકે નોકરીનો આરંભ કરનાર પ્રાણનો સંપર્ક ભાગ્યવશાત્ સંવાદલેખક વલીસાહેબ સાથે થયો, જેમણે પ્રાણને પંચોલી સ્ટુડિયોમાં જોડાવા નિમંત્રણ આપ્યું; અને પ્રાણની અભિનયયાત્રા પંજાબી ફિલ્મ ‘યમલા જટ’થી સને 1939માં શરૂ થઈ. ત્યારબાદ પંજાબી ફિલ્મ ‘ચૌધરી’ અને હિંદી ફિલ્મ ‘ખજાનચી’માં તેમણે નાની ભૂમિકાઓ ભજવી. 1942ની હિંદી ફિલ્મ ‘ખાનદાન’માં નૂરજહાં સામે નાયકની ભૂમિકા અદા કરી. 1947માં દેશના ભાગલા પડ્યા ત્યાં સુધી દસેક ફિલ્મમાં અભિનય કર્યો. 1948માં મુંબઈ આવ્યા. મિત્ર શ્યામની ભલામણથી ‘ઝિદ્દી’ ફિલ્મમાં ભૂમિકા કરી. 54 સપ્તાહ ચાલેલી આ ફિલ્મે પ્રાણના અભિનયને એક નવી દિશા ચીંધી. ત્યારબાદ મુખ્યત્વે ખલનાયક તરીકે ભૂમિકાઓ ભજવી તેઓ મશહૂર થયા. તેમણે ચોર, બદમાશ, ડાકુ, ઠગ જેવી ભૂમિકાઓ ભજવી છતાં, તેમાં એકવિધતા દેખાતી નથી. ખલનાયકની ભૂમિકા ભજવતાં સિગારેટના ધુમાડાનાં વલયો કાઢવાં, આંખ ઊંચીનીચી કરવી, અટકી-અટકી અવાજ બદલી બોલવું, ખલનાયકી સાથે કૉમેડીનું મિશ્રણ કરવું  આવી આવી વિવિધ અદાઓ અપનાવી તેઓ ખલનાયક તરીકે પણ પ્રેક્ષકોનું આકર્ષણકેન્દ્ર બની રહ્યા અને સિનેસૃષ્ટિમાં છવાઈ ગયા.

પ્રાણ

ખલનાયકની ભૂમિકા ઉપરાંત ‘આહ’ ફિલ્મમાં સહૃદયી મિત્ર-ડૉક્ટર, ‘મધુમતી’માં ક્રૂર ઠાકુર, ‘જિસ દેશમેં ગંગા બહતી હૈ’માં રાકા ડાકુ, ‘શહીદ’માં કહરસિંહ, ‘ઉપકાર’માં મલંગચાચા, ‘અધિકાર’માં બન્નેખાં ભોપાલી, ‘જંજીર’માં પઠાણ શેરખાન, ‘મજબૂર’માં માયકલ, ‘શંકરદાદા’માં ફકીર, ‘કસૌટી’માં નેપાલી વગેરે પાત્રોની ખલનાયકીથી જુદી ને વિશિષ્ટ યાદગાર ભૂમિકાઓ પણ ભજવી. ઐતિહાસિક ફિલ્મ ‘હલાકુ’માં મંગોલીનું પાત્ર યાદગાર બની રહ્યું. ‘જંગલ મેં મંગલ’માં વિવિધ પ્રકારની ત્રણ ભૂમિકાઓ પણ કરી. ‘ઉપકાર’, ‘આંસુ બન ગયે ફૂલ’, તેમજ ‘બેઇમાન’માં તેમની વિશિષ્ટ ભૂમિકાઓ માટે તેમને ફિલ્મફેર ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. સાડાત્રણસોથી પણ વધુ હિંદી તેમજ અન્ય ભાષાની ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો. તેલુગુ ફિલ્મ ‘થંડરપાપા રાયડુ’માં ફ્રેંચ મિલિટરી જનરલની ભૂમિકા લાક્ષણિક રીતે ભજવી. ભારતીય ઇતિહાસનું પ્રસિદ્ધ પાત્ર ‘ચાણક્ય’ ભજવવાની તેમની ઇચ્છા આજે પણ અપૂર્ણ રહી છે. ખલનાયક તરીકે પ્રેક્ષકોમાં ધિક્કારની લાગણી જગાડનાર પ્રાણ વાસ્તવિક જીવનમાં એક સજ્જન તરીકે જીવે છે. સમાજ–રાજકારણ જેવાં ક્ષેત્રોમાં સજાગ રહીને અન્યાયનો પ્રતિકાર કરનારા પ્રાણે કટોકટી-રાજનો સૌપ્રથમ સખત વિરોધ કર્યો હતો. ચહેરા પર મેકઅપ હોય અને મૃત્યુના ખોળામાં પોઢી જવાનું હોય – એવું ઝંખતા પ્રાણ સિનેસૃષ્ટિના સદાબહાર કલાકાર છે.

હરીશ રઘુવંશી