પ્રાચીન કાવ્યમાળા (ઓગણીસમી સદીનું અંતિમ ચરણ)

February, 1999

પ્રાચીન કાવ્યમાળા (ઓગણીસમી સદીનું અંતિમ ચરણ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓને સંશોધિત-સંપાદિત કરી ક્રમિક મણકાઓ રૂપે પ્રકાશિત કરતી 1889થી 1895ના અરસામાં વડોદરાના તત્કાલીન રાજ્યની આર્થિક સહાયથી ચાલેલી કાવ્યગ્રંથશ્રેણી.

ગ્રંથક્રમાંક પ્રકાશિત કૃતિનું / કૃતિઓનાં નામ કર્તાનું/કર્તાઓનાં નામ પ્રકાશનવર્ષ
 1 દ્રૌપદીહરણ પ્રેમાનંદ 1890
 2 રસિકવલ્લભાદિ દયારામ 1890
 3 રાજસૂયયજ્ઞ ગિરધર 1890
 4 દુ:શાસનરુધિરપાન આખ્યાન પ્રેમાનંદસુત વલ્લભ 1890
 5 ભોજા ભક્તની વાણી ભોજો ભક્ત 1890
 6 દિવાળીબાઈ તથા રાધાબાઈકૃત કવિતા દિવાળીબાઈ, રાધાબાઈ 1890
 7 બાપુસાહેબ ગાયકવાડ- કૃત કવિતા બાપુસાહેબ ગાયકવાડ 1890
 8 કામાવતીની કથા આદિ વીરજી 1890
 9 હરિદાસ તથા દ્વારકાદાસકૃત કવિતા હરિદાસ, દ્વારકાદાસ 1889–90
10 નિરાંતકૃત કવિતા નિરાંત 1889
11 ભાલણાદિ વિભિન્ન કવિઓની કવિતા ભાલણ, નાકર, મુકુંદ, દયારામ અને ગિરધર 1889–90
12 અષ્ટાવક્ર આખ્યાન પ્રેમાનંદ 1890–91
13 દયારામકૃત પરચૂરણ કવિતા દયારામ 1890–91
14 સુભદ્રાહરણ અને રુક્મિણીહરણ પ્રેમાનંદ 1890–91
15 રત્નેશ્વરકૃત કવિતા રત્નેશ્વર 1890–91
16 માર્કંડેયપુરાણ, ભાગ 1 પ્રેમાનંદ 1890–91
17 માર્કંડેયપુરાણ, ભાગ 2 પ્રેમાનંદ 1890–91
18 માર્કંડેયપુરાણ, ભાગ 3 પ્રેમાનંદ 1890–91
19 માર્કંડેયપુરાણ, ભાગ 4 પ્રેમાનંદ 1890–91
20 માર્કંડેયપુરાણ, ભાગ 5 પ્રેમાનંદ 1890–91
21 યક્ષપ્રશ્નોત્તર વલ્લભ 1891–92
22 નરભેરામકૃત કવિતા નરભેરામ 1891–92
23 સ્વરૂપ (સ્વરૂપની કાફીઓ) ધીરો ભક્ત 1891–92
24 ધીરા ભક્તકૃત કવિતા ધીરો ભક્ત 1891–92
25 પ્રશ્નોત્તરમાલિકા ધીરો ભક્ત 1891–92
26 રોષદર્શિકા સત્યભામાખ્યાન પ્રેમાનંદ 1891–92
27 કુન્તીપ્રસન્નાખ્યાન વલ્લભ 1891–92
28 યુધિષ્ઠિર-વૃકોદર સંવાદાખ્યાન વલ્લભ 1891–92
29 મિત્રધર્માખ્યાન વલ્લભ 1891–92
30 પાંચાલીપ્રસન્નાખ્યાન પ્રેમાનંદ 1891–92
31 તપત્યાખ્યાન પ્રેમાનંદ
32 શ્રીમદભગવદગીતા નરહરિ 1894–95
33 અભિમન્યુ-આખ્યાન અને સુધન્વાખ્યાન પ્રેમાનંદ 1894–95
34 માંધાતાખ્યાન પ્રેમાનંદ 1894–95
35 શીલવતીનો રાસ નેમવિજયજી

8 મે 1889ની ‘સ્મરણી’ – યાદી (memorandum) અનુસાર વડોદરા રાજ્યમાં થઈ ગયેલા ગુર્જર કવિઓના અપ્રસિદ્ધ ગ્રંથોને કાળજીપૂર્વક પ્રસિદ્ધ કરવાની એક યોજના તૈયાર કરવામાં આવી. એ યોજના માટે રાવબહાદુર મણિભાઈ જશભાઈના પ્રમુખપદે એક સમિતિ રચવામાં આવી. તેમાં રાવબહાદુર અંબાલાલ સાકરલાલ, ખાનબહાદુર જમશેદજી અરદેશર દલાલ, રાવસાહેબ પીતાંબરભાઈ જેઠાભાઈ તથા રાવસાહેબ હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા સદસ્યો હતા. હરગોવિંદદાસ કાંટાવાળાની આગેવાની હેઠળ નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી તથા છોટાલાલ નરભેરામ ભટ્ટ આ શ્રેણીના સંપાદનમાં જોડાયા. શરૂઆતમાં તો આ યોજના વડોદરા રાજ્યના કવિઓ પૂરતી જ મર્યાદિત રાખેલી, પણ પછી ગુજરાતના વડોદરા સિવાયના અન્ય વિસ્તારોના કવિઓની કવિતા પણ એકત્રિત કરવાનું વિચારાયેલું. ઉપર્યુક્ત ગ્રંથશ્રેણીમાં શ્રીમંત સરકાર મહારાજાસાહેબ સયાજીરાવ ગાયકવાડ, સેનાખાસખેલ સમશેરબહાદુર તરફથી રૂ. 12,000ની રકમ મંજૂર કરવામાં આવેલી. ‘એક સુખપ્રદ સાધનનો જીર્ણોદ્ધાર’ થાય એવા સદાશયે ચાલેલી આ યોજનામાં ઉપરની વિગતે ગ્રંથો પ્રકાશિત થયા હતા :

પાછળથી નવી માળા (નવીન પ્રાચીન કાવ્યમાળા) શરૂ કરતાં એના મણકા રૂપે નીચેના બે ગ્રંથો પ્રગટ થયેલા :

  1. દશમસ્કંધ ભાલણ                1915
  2. કેવળપુરીકૃત કવિતા કેવળપુરી 1921

એ પછી આ શ્રેણી આગળ ચાલી નહોતી.

ઉપર્યુક્ત પ્રકાશન-યાદી જોતાં એમાં 1895 સુધીમાં 35 ગ્રંથો બહાર પડ્યાનું જોઈ શકાય છે. ફરી વાર આ ગ્રંથમાળા 1915થી શરૂ થતાં માત્ર બે જ ગ્રંથો પ્રકાશિત થયા હતા. વળી આ ગ્રંથોમાં સામાન્ય રીતે ગ્રંથપ્રકાશનનું પ્રયોજન તથા આયોજન રજૂ કરતી પ્રસ્તાવના બાદ જે તે કવિ કે કવયિત્રીના ચરિત્રનો તથા એની કૃતિ કે કૃતિઓનો ટૂંકમાં પરિચય આપતા લેખો આપવાનો ઉપક્રમ જોવા મળે છે. આ ગ્રંથમાળામાં સાદ્યંત સંપાદક તરીકે રહેલા હરગોવિંદદાસ કાંટાવાળા તથા નાથાશંકર શાસ્ત્રી પ્રસ્તુત માળાની સંપાદનનીતિ કે સંપાદનપ્રક્રિયાનો ખ્યાલ આપતું કોઈ લખાણ રજૂ કરતા નથી એ પણ નોંધવું જોઈએ.

આ ગ્રંથમાળામાં નેમવિજયજી સિવાય બધા જૈનેતર કવિઓની કૃતિઓ લેવાઈ છે. વળી આ જૈનેતર કવિઓનાં કૃતિ–ગ્રંથોમાં સૌથી વધુ પ્રેમાનંદનાં પ્રસિદ્ધ થયાનું જોઈ શકાય છે. એમાંયે ‘દ્રૌપદીહરણ’ તેમજ ‘માર્કંડેયપુરાણ’ના ‘મદાલસાઆખ્યાન’ સિવાયનો ભાગ, ‘રોષદર્શિકાસત્યભામાખ્યાન’, ‘પાંચાલીપ્રસન્નાખ્યાન’ તેમજ ‘તપત્યાખ્યાન’ – એ નાટકોનું ‘સુભદ્રાહરણ’, ‘અષ્ટાવક્રાખ્યાન’ અને ‘માંધાતાખ્યાન’ જેવી આખ્યાનાત્મક કૃતિઓનું પ્રેમાનંદનું કર્તૃત્વ શંકાસ્પદ લેખાયું છે. પ્રેમાનંદસુત વલ્લભનું અસ્તિત્વ પણ શંકાસ્પદ છે. આમ, આ કાવ્યગ્રંથમાળામાંનાં કેટલાંક પ્રકાશનો પ્રાચીન–મધ્યકાલીન હોવા બાબત શંકા છતાં, એ દ્વારા મધ્યકાલીન ગુજરાતી કવિતાનું ઉલ્લેખનીય પ્રમાણ પ્રકાશિત થઈ શક્યું છે એ હકીકત છે. વડોદરા રાજ્ય પ્રજાની સાહિત્યકલાની પ્રવૃત્તિઓમાં કેવો રસ લેતું હતું તેનું તે પ્રેરક પ્રોત્સાહક ષ્ટાંત છે.

ચન્દ્રકાન્ત શેઠ