પ્રાચીન કાવ્ય ત્રિમાસિક (આશરે 1885–1893)

February, 1999

પ્રાચીન કાવ્ય ત્રિમાસિક (આશરે 1885–1893) : પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી કવિતાના પ્રકાશનના હેતુથી સ્થપાયેલું અને નવ વર્ષ ચાલેલું ત્રૈમાસિક. તેના સંપાદક-સંશોધક તરીકેની જવાબદારી હરગોવિંદદાસ કાંટાવાળા તથા નાથાશંકર શાસ્ત્રીએ ઉઠાવી હતી. આ ત્રૈમાસિકમાં પ્રગટ થયેલી કાવ્યોની સૂચિ અંકવાર નીચે પ્રમાણે છે :

વર્ષ 1 : 1885 : (1) હારમાળા : લે. પ્રેમાનંદ; (2) અંગદવિષ્ટિ : શામળ ભટ્ટ; (3) ગોવિંદગમન, દાણલીલા, પદો વગેરે : નરસિંહ મહેતા; (4) લક્ષ્મણાહરણ અને દાણલીલા : પ્રેમાનંદ.

વર્ષ 2 : 1886 : (1) સપ્તમસ્કંધ : પ્રેમાનંદ; (2) નંદબત્રીશી : શામળ ભટ્ટ; (3) ષડ્ઋતુવર્ણન, પ્રબોધબાવની, મનમતિસંવાદ : દયારામ; (4) સુરતસંગ્રામ : નરસિંહ મહેતા.

વર્ષ 3 : 1887 : (1) વામનકથા ને નરસિંહ મહેતાની હૂંડી : પ્રેમાનંદ; (2) બ્રહ્મજ્ઞાન સંબંધી કાફીઓ : ધીરો ભક્ત; (3) સપ્તશતી : ભાલણ; (4) દ્રૌપદી સ્વયંવર (મત્સ્યવેધ) અને એકાદશી મહિમા : શિવદાસ.

વર્ષ 4 : 1888 : (1) રાસપંચાધ્યાયી અને હરિભક્ત ચંદ્રિકા : દયારામ; (2) ઋષ્યશૃંગાખ્યાન : પ્રેમાનંદ; (3) કવિતા (કાફી, પદ વગેરે) : ધીરો ભક્ત; (4) સ્વર્ગારોહણ : રત્નેશ્વર.

વર્ષ 5 : 1889 : (1) સીતાસ્વયંવર : કાલિદાસ; (2) દ્વાદશમાસ : પ્રેમાનંદ, ગિરધર, ભોજો, દયારામ વગેરે; (3) સુરેખાહરણ : વીરજી; (4) બ્રાહ્મણભક્તવિવાદ નાટક તથા પરચૂરણ પદ : દયારામ.

વર્ષ 6 : 1890 : (1) મદનમોહના : શામળ ભટ્ટ; (2) સરસગીતા, બ્રહ્માનો ગરબો, પ્રેમપ્રકાશ વગેરે : પ્રીતમદાસ; (3) પાંડવ વિષ્ટિ : ભાઉ કવિ; (4) હસ્તામલક અને નવચાતુરી : અનુક્રમે ભાણદાસ અને જીવણદાસ.

વર્ષ 7 : 1891 : (1) ચંદ્ર-ચંદ્રાવતીની વાર્તા : શામળ ભટ્ટ; (2) પરશુરામાખ્યાન અને ડાંગવાખ્યાન : શિવદાસ; (3) હરિશ્ચંદ્રપુરી : વિષ્ણુદાસ; (4) નવરસ અને રાધાવિલાસ : અનુક્રમે નારાયણદાસ અને દ્વારકાદાસ.

વર્ષ 8 : 1892 : (1) શિવગીતા : અનુભવાનંદ; (2) લવકુશાખ્યાન અને મૃગલીસંવાદ (શિવરાત્રિની કથા) : નાકર; (3) આત્મવિચાર ચંદ્રોદય (વૈરાગ્યબોધ) : રત્નેશ્વર. (4) રુક્માંગદનું આખ્યાન અને શલ્યપર્વ : વિષ્ણુદાસ.

વર્ષ 9 : 1893 : (1) ભગવદગીતામાહાત્મ્ય : દયારામ; (2) અશ્વમેધ : રત્નેશ્વર.

આમ, ‘પ્રાચીન કાવ્ય ત્રિમાસિક’ના આ 34 અંકો ઉપરાંત પ્રેમાનંદનાં ‘રણયજ્ઞ’ તેમજ ‘ચંદ્રહાસાખ્યાન’ સંભવત: 1885 પહેલાં આ યોજના અન્વયે પ્રગટ થયેલાં. તે જોતાં ‘પ્રાચીન કાવ્ય ત્રિમાસિક’ના કુલ 36 અંકો પ્રગટ થયા ગણાય. આ ‘ત્રિમાસિક’માં પ્રકાશિત થયેલ કાવ્યકૃતિઓમાં ‘ગોવિંદગમન’, ‘સુરતસંગ્રામ’ જેવાં કેટલાંક કાવ્યોનું કર્તૃત્વ સંદિગ્ધ પણ છે.

ચન્દ્રકાન્ત શેઠ