પ્રાગ્-ઐતિહાસિક પાત્રો પરનાં ચિત્રો
February, 1999
પ્રાગ્-ઐતિહાસિક પાત્રો પરનાં ચિત્રો : પ્રાગ્-ઐતિહાસિક કાળના અવશેષોમાં પ્રાપ્ત પાત્રો પર દોરાયેલાં ચિત્રો.
ઈ. પૂ. આશરે 2000 વર્ષ પૂર્વે નાશ પામેલી વસાહતો હડપ્પા તેમજ લોથલના ટીંબાના ખોદકામમાંથી મળેલાં માટીનાં વાસણો તેમજ પુષ્કળ ઠીકરાં ઉપર જે ચિત્ર-આલેખો થયા છે તેનો અંકોડો થોડાઘણા ફેરફારો સાથે ગુફાકાલીન ભીંતચિત્રોની પરિપાટીમાંથી ઊતરી આવ્યાનું શક્ય લાગે છે; જેમ કે, સિંઘનપુર તેમજ ભીમબેટકાની પ્રાગ્-ઐતિહાસિક ગુફાઓમાં ચિત્રિત મહિષ અને સાબરનાં આલેખનની પરિપાટી લોથલનાં ઠીકરાં પર ચિત્રિત સાબરમાં જોવા મળે છે.
લોથલનો ટીંબો : ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં સરગવાલા ગામ પાસે હડપ્પાની સંસ્કૃતિની પરંપરાનો લોથલનો ટીંબો આવેલો છે. 1963માં તેનું ખોદકામ શરૂ કરાયું હતું. લોથલના ટીંબાના ખોદકામમાંથી પકવેલી માટીનાં રમકડાં, પશુઓનાં લક્ષણવાળી વિવિધ મુદ્રાઓ (માદળિયાં), ગોળા, કોઠી, કાણાવાળી બરણી, સુરાહી વગેરે ઉપરાંત પુષ્કળ પ્રમાણમાં ચિત્રિત ઠીકરીઓ મળી છે. આ ઠીકરીઓ પર આલેખિત ચિત્રાલેખોમાં ભૌમિતિક તેમજ સુશોભન-ભાતો તત્કાલીન રૂપાંકન-ચિત્રણની સાક્ષી પૂરે છે. લોથલના ટીંબામાંથી મળેલાં જુદાં જુદાં ભાંગેલાં–અરધાંપરધાં વાસણો તથા વિવિધ વાસણોની ઠીકરીઓના ટુકડાઓ ઉપર, ગેરુ, કાળા તેમજ બદામી રંગનાં અસ્તર છે. આવાં લાલ, કાળા અને બદામી રંગનાં અસ્તર પર, તે કાળના કુંભકારોએ ગેરુ, કાયો અને ખડીથી રૂપાંકનો કર્યાં છે.
ચિત્રાંકનનો પ્રથમ તબક્કો : પ્રાચીન કાળે નાશ પામેલી લોથલની વસાહતમાંથી જે ચિત્રિત ઠામ તેમજ તૂટેલાં ઠીકરાં મળ્યાં છે તે સર્વેનો નિષ્ણાત વિદ્વાનોએ ઝીણવટથી અભ્યાસ કરી, લોથલકાળનાં વાસણો પર આલેખેલાં ચિત્રોની ત્રણ તબક્કાની પરિપાટી નક્કી કરી છે.
શરૂઆતના તબક્કામાં, પકવેલાં વાસણો ઘેરા તેમજ આછા લાલ રંગનાં જણાય છે. તે વાસણો પર અંકિત કરેલાં ચિત્રોની પરિપાટી જોતાં એ વાસણોના કાંઠા પર, કાંઠાની ડોક પર તેમજ વાસણના પેટાળ ભાગે ઘેરા લાલ ગેરુથી પાતળી, જાડી તેમજ નાજુક રેખાઓ ચીતરેલી જોવા મળે છે.
આ ચિત્રણ-પરંપરામાં સળંગ ગોળ, તરંગિત, લયબદ્ધ તેમજ ગૂંચળાંવાળી અને ત્રાંસી રેખાઓ મળે છે.
વાસણને ચાકડા પર મૂકી ચાકડાને ધીમેથી ફેરવીને પોચા હાથે, હળવી પીંછીએ તેના પર આલેખ કરી દેવાતો હતો. ચાકડા સાથે ધીમી ગતિએ ફરતા વાસણ પર આલેખ થયો હોવાથી, તે રેખાઓ જાડી, તેમજ પાતળી અને સરળ ગતિની છે.
રેખા ઉપરાંત પાસા જેવા આકારનું, અર્ધવર્તુળ અને લીટીના જાડા પટ્ટાનું તેમજ ક્યાંક ખંધેલા(mass)નું ચિતરામણ પણ થયું છે.
ચિત્રાંકનનો બીજો તબક્કો : લોથલની સભ્યતાના ક્રમિક વિકાસ સાથે અહીંના કુંભકારોમાં પણ ધીમે ધીમે થોડુંક નવું ચિત્રાંકન-રૂપ શરૂ થયેલું જોઈ શકાય છે. ગોળા, કોઠી, બરણી, કુંજા, કથરોટ ઉપર આ બીજા તબક્કે જે ચિત્રાલેખ થયા છે તેમાં પરંપરિત ભૌમિતિક લીટીઓ ઉપરાંત કુદરતમાં દર્શિત એવાં વિવિધ રૂપ–આકારો(motif)નું ચયન જોવા મળે છે. તે વિવિધ આકારો ભૌમિતિક રીતિમાં, શોભનને સંમિલિત રીતે પ્રયોજીને એક નવી ચિત્રાંકન-પરિપાટી ઊભી કરેલી જોઈ શકાય છે.
તેમાં ભૌમિતિક રચનાની સમાંતર બે રેખાઓ વચ્ચે, ત્રિકોણ તેમજ અર્ધવર્તુળની વચ્ચે કે બહારના ઉપરના ભાગે વૃક્ષ, કેળ, પાંદડાં, સૂરજ, ગલ, માછલી, કરચલો, પાણીનાં ઝાબલાં, ચોપાટડી, વહેતું જળ વગેરેનું કાળા કાયા અને ગેરુથી ચિત્રણ થયું છે. લાંબી લીટી પર તેમજ મોટા ખંધેલાને ભાંગવા માટે કાળા કે લાલ રંગ પર સફેદ ટપકાં કરાયાં છે. (છેલ્લાં 25 વરસ પહેલાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કુંભકારો ઠામ-વાસણ પર આવાં જ ચિત્રો કરતા હતા.)
ચિત્રાંકનનો ત્રીજો તબક્કો : લોથલકાળનાં ઠામવાસણ પરનાં ચિતરામણનો આ તબક્કો લોથલના ઉન્નતિકાળનો છે. લોથલની સભ્યતામાં પોતાની નિજી પરિપાટીની આ ચિત્રાલેખ-પદ્ધતિ સાક્ષી પૂરે છે.
ત્રીજા તબક્કાનાં લોથલનાં ચિત્રિત ઠામવાસણો પરના આલેખો ગુજરાતની પ્રાચીન લોકકળાનું પ્રથમ સોપાન છે.
વિવિધ ઠામવાસણો તેમજ મૃદ્ ભાંડ પર ગેરુ, કાયો અને ખડી રંગનો ઉપયોગ કરી કુંભકારે પાણી, પ્રકૃતિ, વનસ્પતિ, પશુ, પંખીને બાહ્ય આકારે તેમજ સુશોભનાત્મક રીતે – સુંદર રીતે ચિત્રિત કર્યાં છે; તેમાં બકરાં, સાબર, કાગડો, બગલાં, શિયાળ ઉપરાંત વિવિધ જળચર જીવોમાં કરચલાં, માછલી, વીંછી, સાપ વગેરેનું ઘણું સર્જનાત્મક રીતે આલેખન કરેલું જોઈ શકાય છે.
બે ઉપદેશકથાનાં ચિત્રો : લોથલની મસાણ ખળીમાંથી ઉપલબ્ધ એક મૃત પાત્ર પર ગુજરાત તેમજ ભારતની જાણીતી સંસ્કૃત તેમજ ગુજરાતી ઉપદેશકથા ચિત્રિત થયેલી છે.
પાણીથી અરધા ભરેલા એક કુંજામાંથી હરણ પાણી પી શકતું નથી, પણ તે કુંજામાં પથરો નાખી પાણી ઊંચું લાવીને ચતુર કાગડાએ પાણી પીધું તે કથા, ઉપરાંત બીજી વારતા આમ છે : એક બગલાને માછલી મળી, ચાંચમાં લઈને તે ઝાડ પર બેઠો, નીચે બેઠેલા શિયાળે તે માછલી પડાવવા વિચાર્યું અને બગલાનાં વખાણ કરતાં બગલો બોલ્યો અને તેની માછલી નીચે પડી ગઈ. એ માછલી લઈ શિયાળે ચાલતી પકડી. આ બંને ઉપદેશકથા થોડાક ફેરફાર સાથે આજે પણ ગુજરાતમાં પ્રચલિત છે.
આજના તબક્કે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ કોઈ કુંભારણો ગોળા પર ચિત્રો આલેખે છે. તેમાં રંગ તરીકે ગેરુ, કાયો અને ખડી વાપરે છે. પીંછી તરીકે કાંસકીના તૂટેલા મોટા દાંતા સાથે માથામાંથી નીકળતી વાળની ગૂંચને બાંધીને તેનાથી પાતળી રેખાઓ કરે છે અને વાંસની સળી સાથે ગધેડાની પૂંછડીના વાળ વીંટીને, જાડી લીટીઓ કરે છે.
જળવહન અને ઝાબલાં, તૂટી ગયેલા ગરમ ધાબળાના ટુકડાને ચોરસ કરી, ધોળી ખડીમાં બોળીને બનાવવામાં આવે છે.
આ રીતે લોથલનું અનુસંધાન લઈને કહી શકાય કે ગુજરાતની લોકકલાનો ઉદભવ પાંચેક હજાર વરસ પુરાણો છે.
ખોડીદાસ પરમાર