પ્રાકૃતિક પસંદગી (natural selection)
February, 1999
પ્રાકૃતિક પસંદગી (natural selection) : ચાર્લ્સ ડાર્વિન દ્વારા સૌપ્રથમ વૈજ્ઞાનિક ર્દષ્ટિકોણથી પ્રતિપાદિત સજીવોની ઉત્ક્રાંતિના પ્રક્રમને સમજાવતો સિદ્ધાંત. ડાર્વિન (1809–1882) શરૂઆતથી પૃથ્વી પર વસતાં સજીવો, વીતી ગયેલાં કરોડો વર્ષો દરમિયાન સજૈવ ઉત્ક્રાંતિને અધીન વિકાસ પામ્યાં છે તેવી માન્યતા ધરાવતા હતા. 1831થી 1836 દરમ્યાન એચ. એમ. એસ. બીગલ દ્વારા આયોજિત બ્રિટિશ વૈજ્ઞાનિકોના સાહસ-પ્રવાસ(expedition)માં પ્રકૃતિવિદ્ (naturalist) તરીકે તેઓ જોડાયા. આ પ્રવાસ દરમિયાન તેમણે પૃથ્વી પર જુદાં જુદાં સ્થળોએ વાસ કરતા સજીવોનું નિરીક્ષણ કર્યું. પ્રવાસ દરમિયાન તેમણે ભેગા કરેલ ઘણા જીવાશ્મો (fossils) આધુનિક સજીવોના જેવા હતા. ગૅલાપાગોસ દ્વીપકલ્પમાં વાસ કરતા એક જાતિનાં સજીવોમાં દેખાતી ભિન્નતાથી તે ખાસ પ્રભાવિત થયા. પ્રવાસ દરમિયાન તેમણે મેળવેલ માહિતીનું અત્યંત કાળજીપૂર્વક વિવેચન કરી, 1858માં ‘પ્રાકૃતિક પસંદગી’ અથવા ‘યોગ્યતમની ચિરંજીવિતા’ (survival of the fittest) સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. તેના સમર્થનમાં પ્રવાસ દરમિયાન તેમણે નિહાળેલ, નીચે જણાવેલ વસ્તુસ્થિતિ તેમજ મુદ્દાઓ રજૂ કર્યાં :
1. પૃથ્વી પર સંતાનોની ઉત્પત્તિ હંમેશાં મોટા પ્રમાણમાં થાય છે. કેટલીક માછલી કે કીટકો જેવાં પ્રાણીઓ તો એકીસાથે લાખોની સંખ્યામાં ફલિતાંડોને ઉપજાવતાં હોય છે.
2. કોઈ પણ નિવસનતંત્રમાં સજીવોના નિવસન અને તેમના ભરણપોષણની વ્યવસ્થા અત્યંત મર્યાદિત હોય છે.
3. પરિણામે સજીવોને પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા સંઘર્ષ (struggle for existance) અનિવાર્ય બને છે.
4. એક જ જાતિનાં હોવા છતાં કોઈ પણ જાતિનાં બે સજીવોનાં બધાં લક્ષણો એકસરખાં હોતાં નથી. જુદા જુદા નિવસનતંત્રમાં રહેલાં વિભિન્ન પરિબળોને અનુરૂપ વિશિષ્ટ લક્ષણો ધરાવતાં સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ટૂંકમાં, એમ કહી શકાય કે માત્ર યોગ્યતમ લક્ષણો ધરાવતાં સજીવો સફળપણે જીવન પસાર કરે છે અને કાળક્રમે નવી સંતતિ પેદા કરે છે. વિશિષ્ટ પરિબળોને અનુકૂળ રહીને અસ્તિત્વ જાળવવાની સ્થિતિ ‘યોગ્યતમની ચિરંજીવિતા’ તરીકે ઓળખાય છે.
પ્રાકૃતિક પસંદગીવાદની સમીક્ષા : એક જાતિના કોઈ પણ બે સજીવોની લાક્ષણિકતામાં ભિન્નતા જોવા મળે છે. તેમાંના માત્ર યોગ્ય લક્ષણોનો સમુચ્ચય ધરાવતાં સજીવો પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે. જુદા જુદા પર્યાવરણમાં વાસ કરવાયોગ્ય લક્ષણોના સમુચ્ચય પણ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. એક જ જાતિના હોવા છતાં ભિન્ન પર્યાવરણમાં સફળ જીવન પસાર કરતાં સજીવોનાં લક્ષણો પણ ભિન્ન પ્રકારનાં હોય છે. આવાં લક્ષણો સંતાનોમાં ઊતરે છે. સમય પસાર થતાં એક જાતિના હોવા છતાં ભિન્ન પર્યાવરણમાં જનવસ્તીનો વિકાસ જુદી જુદી રીતે થાય છે અને કાળક્રમે એક જાતિમાંથી નવી જાતિ(new-species)નું નિર્માણ થાય છે.
સજીવોની ઉત્ક્રાંતિનું એક અગત્યનું પાસું સમજાવતો પ્રાકૃતિક પસંદગી સિદ્ધાંત સર્વમાન્ય બન્યો છે; પરંતુ તેમાં એક ઊણપ રહેલી છે. એક જાતિનાં સજીવોમાં પેદા થતાં ભિન્ન લક્ષણો માટે કયાં પરિબળો કારણભૂત હોય છે તેની સમજૂતી આ વાદ આપતો નથી.
આણ્વિક જીવવિજ્ઞાન અને જીવાવશેષ શાસ્ત્રમાં હાલમાં થયેલી પ્રગતિને આધારે એમ કહી શકાય કે સજીવોમાં રહેલી ભિન્નતા માટે જનીનિક વિવિધતા કારણભૂત છે. જનીનિક વિવિધતાને લીધે સજીવો ભિન્ન લક્ષણો ધરાવે છે, જ્યારે યોગ્યતમ એવાં વિશિષ્ટ લક્ષણો ધરાવતાં સજીવો પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. કાળક્રમે અને ખાસ કરીને ભિન્ન પર્યાવરણમાં વાસ કરતી જનવસ્તીનો વિકાસ થતાં નવી જાતિ પેદા થાય છે. આ બે જુદા મુદ્દાઓને એકત્ર કરી રજૂ કરીને સજીવ ઉત્ક્રાંતિને સમજાવતા આ સિદ્ધાંતને ‘નવડાર્વિનવાદ’ (neo-darwinism) કહે છે. 1960ના અરસામાં નવડાર્વિનવાદની રજૂઆત કરવામાં આવી હતી.
રા. ય. ગુપ્તે