પ્રસ્ફુરણ (fluorescence) : ખનિજોમાં જોવા મળતો પ્રકાશીય ગુણધર્મ. અમુક ખનિજોને વિદ્યુત-વિકિરણો કે પારજાંબલી કિરણોની અસર હેઠળ રાખવામાં આવે ત્યારે તે એટલા સમય પૂરતું ર્દશ્યપ્રકાશનું ઉત્સર્જન કરે છે, આ ઘટનાને પ્રસ્ફુરણ કહે છે. અમુક ખનિજોના અમુક પ્રકારો જ આ પ્રકારની પ્રદીપ્તિ દર્શાવે છે. તેમને જ્યારે અમુક તરંગલંબાઈનાં પારજાંબલી કિરણોની અસર નીચે રાખવામાં આવે છે ત્યારે તે ઝળહળી ઊઠે છે. ફ્લોરાઇટ(ફ્લોરસ્પાર)ના ઘન સ્ફટિકમાંથી પ્રકાશનું શ્વેતકિરણજૂથ પસાર કરવામાં આવતાં તેમાંથી બીજી બાજુએથી નાજુક જાંબલી કિરણપથ બહાર પડે છે. આ ઘટના માટે શ્વેત પ્રકાશમાં સમાયેલાં પારજાંબલી કિરણો જવાબદાર લેખાય છે. ફ્લોરસ્પાર આ ઘટના વિશિષ્ટપણે દર્શાવતું હોવાથી અંગ્રેજી ભાષામાં તેને માટે ‘ફ્લોરેસન્સ’ શબ્દ યોગ્ય રીતે પ્રયોજાયેલો છે. ફ્લોરસ્પારને સૂર્યપ્રકાશમાં રાખવાથી પણ તે અમુક પ્રમાણમાં પ્રદીપ્તિનો ગુણધર્મ દર્શાવે છે. કાચની પોલી નળીમાં હીરા, માણેક કે અમુક રત્નોના કે કૅલ્સાઇટના તદ્દન શુદ્ધ, પારદર્શક સ્ફટિકોને રાખીને તેમને વીજભાર આપવાથી પ્રસ્ફુરણનું સુંદર ર્દશ્ય ઉત્પન્ન થાય છે; આવા સ્ફટિકો સાથે સાથે જો પશ્ચાત્ સ્ફુરણ(phosphorescence)નો પણ ગુણધર્મ ધરાવતા હોય તો વિકિરણની અસર નાબૂદ કર્યા પછી પણ થોડાક સમય માટે ઝળહળતા રહે છે. ઘરમાં વપરાતી ટ્યૂબલાઇટ આ ઘટનાનું ઉદાહરણ છે.
ખનિજતેલસૂચક ચિહ્નો દર્શાવતા વિસ્તારમાં કરેલા શારકામના ખડક-નમૂનાઓના પરીક્ષણમાં તેમજ શીલાઇટ (CaWO4) જેવાં આર્થિક ખનિજો માટે કરવામાં આવતી ભૂસ્તરીય નિરીક્ષણપદ્ધતિ(prospecting)માં આ ઘટના ઉપયોગી નીવડી શકે છે.
ગિરીશભાઈ પંડ્યા