પ્રસ્થાન : રામનારાયણ વિ. પાઠક-સંપાદિત સામયિક. ઇન્દુલાલ યાજ્ઞિકના તંત્રીપદે શરૂ થયેલા ‘યુગધર્મ’ના કલા અને સાહિત્ય વિભાગનું તંત્રીકાર્ય એમણે દક્ષતાપૂર્વક સંભાળ્યું. ‘યુગધર્મ’ 1925માં ક. મા. મુનશીના ‘ગુજરાત’ સાથે જોડાઈ જતાં ગુજરાતમાં ‘મૉડર્ન રિવ્યૂ’ની કક્ષાના સામયિકની આવશ્યકતા તેમને વરતાઈ.

ગુજરાતની પ્રજાની અસ્મિતા જાગ્રત કરવાની અને સ્વાતંત્ર્ય-સંગ્રામને દિશાદર્શન આપવાની સંનિષ્ઠ કામગીરી કરવાના હેતુ સાથે સં. 1982(ઈ. 1926)ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે પાંચ સભ્યોના તંત્રીમંડળ સાથે ‘પ્રસ્થાન’નો પ્રારંભ થયો. તંત્રીમંડળમાં પહેલું નામ રામનારાયણનું હતું. ‘હેતુઓ અને આશયો’ વિશેના પ્રથમ અંકના પ્રથમ લેખમાં ‘પ્રસ્થાન’ની ભૂમિકા સ્પષ્ટ કરતાં પાઠકસાહેબે લખેલું :

‘આપણે ઊભા હોઈએ ત્યાંથી ચાલવું છે અને નજીકની ભૂમિ આપણને સ્પષ્ટ દેખાય એ ઇષ્ટ છે, એ બસ છે. માણસ જોઈને ચાલે એથી વધારે શું કરી શકે ? दृष्टिपूतं न्यसेत् पादम् ।

‘આ ક્રમે ‘પ્રસ્થાન’ની પ્રસ્થાનભૂમિ ગૂજરાત, ગૂજરાતીઓની સ્થિતિ, ગૂજરાતી ભાષા છે. તેની ર્દષ્ટિનું કેન્દ્રસ્થાન ગૂજરાત રહેશે, ગૂજરાતના પ્રશ્નો ઉકેલવા અને તેની ચર્ચા કરવી એ તેનો મૂળ ઉદ્દેશ છે. ગૂજરાતમાંથી નીકળી તે પહોંચે તેટલે નજર કરવા પ્રયત્ન કરશે.’

સમજનું ક્ષેત્ર વિસ્તારવું એને પાઠકસાહેબે ‘પ્રસ્થાન’નું કર્તવ્ય માનેલું. તેમણે ‘પ્રસ્થાન’નું સંચાલન 11½ વર્ષ કર્યું. પછી તેઓ એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક તરીકે નિમાતાં, સંસ્થાના નીતિનિયમોને લીધે ‘પ્રસ્થાન’નું તંત્રીકાર્ય તેમણે છોડી દીધું.

‘પ્રસ્થાન’ના પ્રારંભ પછી બે વર્ષ બાદ રામનારાયણ તેના એકમાત્ર તંત્રી રહેલા. તેમણે ‘પ્રસ્થાન’ દ્વારા ગુજરાતી સાહિત્યજગતની અને વિચારજગતની સેવા કરવાનું લક્ષ્ય સતત નજર સામે રાખેલું. ‘પ્રસ્થાન’માં દર મહિને સરેરાશ 86 પૃષ્ઠની સામ્રગી પીરસાતી. આ સામગ્રી જે વિભાગો હેઠળ પ્રગટ થતી તે નિયમિત કે અનિયમિત વિભાગો આ પ્રમાણે છે : નોંધ, પુસ્તકપરિચય, વિચારસંક્રમણ, સ્વૈરવિહાર, જ્ઞાનગોચરી, લોકચર્ચા, ચર્ચાપત્ર, રોજનીશી.

‘પ્રસ્થાન’માં પ્રગટ થયેલી ઉપર્યુક્ત તમામ પ્રકારની સામગ્રીનો હેતુ પ્રજાઘડતર અને રાષ્ટ્રનિર્માણનો હતો. નિર્ધારિત હેતુ સિવાયનું સાહિત્ય તેમાં જોવા મળતું નથી. ઉપર જે વિભાગો ગણાવ્યા તે સિવાય વિવિધ વિદ્યાશાખાઓને આવરી લેતું વિપુલ સાહિત્ય પણ પ્રાપ્ત થાય છે. સમાજવિદ્યા, વિજ્ઞાન, કલા તથા પ્રદેશ-પરિચય અને પ્રવાસવર્ણન-વિષયક લેખોનો નિર્દેશ કરી શકાય.

સાહિત્યવિષયક સામગ્રી બે પ્રકારની જોવા મળે છે : વિવેચનાત્મક અને સર્જનાત્મક. ર. છો. પરીખ, નગીનદાસ પારેખ, મનસુખલાલ ઝવેરી, સ્નેહરશ્મિ, સુંદરમ્, ઉમાશંકર, ધૂમકેતુ, મેઘાણી જેવા અનેક પ્રતિષ્ઠિત સાહિત્યકારો ‘પ્રસ્થાન’માં લખતા. રામનારાયણે પોતે પણ ‘જાત્રાળુ’, ‘ભૂલારામ’, ‘શેષ’, ‘વર્તમાન’, ‘સ્વૈરવિહારી’, ‘દ્વિરેફ’ વગેરે તખલ્લુસો નીચે વિપુલ સાહિત્યસર્જન કરેલું. રામનારાયણના સાહિત્યિક-વૈચારિક જીવનમાં ‘પ્રસ્થાન’ મોટું પ્રોત્સાહક પરિબળ બની રહ્યું. તેમને ‘પ્રસ્થાનધર્મી સાહિત્યકાર’ પણ કહેવામાં આવ્યા છે. ગુજરાતી સાહિત્યમાં થયેલાં અનેકાનેક પ્રસ્થાનો પૈકી રામનારાયણનું ‘પ્રસ્થાન’ જેવું સાહિત્યિક પ્રદાન અનેક ર્દષ્ટિએ સીમાચિહ્નરૂપ લેખાશે.

રા. વિ. પાઠકના સાડા અગિયાર વર્ષના તંત્રીપદ હેઠળ ‘પ્રસ્થાન’માં કુલ 11,950 પૃષ્ઠનું માતબર સાહિત્ય પ્રગટ થયું છે. એમાં ઉપર ઉલ્લેખિત સામગ્રીમાં મુખ્યત્વે ગાંધીયુગના સળગતા પ્રશ્નોને વાચા મળી હતી. પાઠકસાહેબે આ સામયિક દ્વારા ગાંધીયુગીન વિચારક્રાંતિના પ્રસારણમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. ‘પ્રસ્થાન’ના તંત્રી તરીકે તે ગુજરાતની નવી સાહિત્યકાર પેઢીના એવા પથદર્શક બન્યા કે ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે સન્માન પામ્યા.

પ્રસાદ બ્રહ્મભટ્ટ