પ્રસ્તાવના : સંસ્કૃત નાટકમાં નાંદી પછી આવતો અને નાટ્યવસ્તુનું સૂચન કરતો પ્રારંભનો ભાગ. નાટ્યશાસ્ત્રમાં આપેલી તેની વ્યાખ્યા મુજબ તેમાં નટોનો ઉપરી સૂત્રધાર પોતાની પત્ની નટી કે પોતાના સહાયક વિદૂષક કે પારિપાર્શ્વિક સાથે નાટકના મુખ્ય કથાનકનું સૂચન કરતી કુશળતાભરી વાતચીત કરે છે. એ વાતચીતમાં ઋતુવર્ણન, સંગીત, નાટક અને નાટ્યકારનો પરિચય તથા પ્રેક્ષકોની પ્રશંસા વગેરે આપવામાં આવે છે.
નાટ્યશાસ્ત્રમાં પ્રસ્તાવનાના ત્રણ પ્રકારો સર્વમાન્ય છે : વીથીનાં તેરમાંનાં બે અંગોને કેટલાક વિવેચકો પ્રસ્તાવનાના પ્રકારો ગણી પ્રસ્તાવનાના પાંચ પ્રકારો માને છે; પરંતુ મોટાભાગના નાટ્યવિવેચકો પ્રસ્તાવનાના ત્રણ પ્રકારોને જ સ્વીકારે છે. આ પ્રકારો નીચે મુજબ છે :
(1) ‘ફલાણું પાત્ર આવી રહ્યું છે’ એમ બોલી સૂત્રધાર મુખ્ય નાટકના પાત્રને પ્રવેશ કરાવે ત્યારે પ્રયોગાતિશય પ્રકારની પ્રસ્તાવના થાય છે; ઉદા., ‘શાકુંતલ’ નાટકમાં ‘આ રાજા દુષ્યંતની જેમ’ એમ સૂત્રધારે કહ્યા પછી રાજા દુષ્યંત પ્રવેશે છે તે પ્રયોગાતિશય પ્રકારની પ્રસ્તાવના છે.
(2) પ્રસ્તુત કાર્ય સાથે સંબંધ ધરાવતી વસ્તુનો ત્યાગ કરીને બીજું કોઈ કાર્ય કરવામાં આવે તેને પ્રવર્તક પ્રકારની પ્રસ્તાવના કહેવાય;
ઉદા., ‘મહાવીરચરિત’માં રામની વીરતાથી નવાઈ પામેલા પરશુરામ રામ સાથે યુદ્ધ કરવાની ના કહી રામને ભેટવા ઇચ્છે છે. તે પ્રવર્તક પ્રકારની પ્રસ્તાવના છે.
(3) સૂત્રધારનું કહેલું વાક્ય કે તેનો અર્થ લઈને મૂળ નાટકનું પાત્ર પ્રવેશ કરે ત્યારે કથોદઘાત પ્રકારની પ્રસ્તાવના થાય છે; ઉદા., ‘વેણીસંહાર’માં સૂત્રધારે કહેલા શ્લોકનો અર્થ ધ્યાનમાં રાખી ગુસ્સે થયેલો ભીમ પ્રવેશે છે એ કથોદઘાત પ્રકારની પ્રસ્તાવના છે.
હવે ઉદઘાત્યક અને અવલગીત – એ બે વીથ્યંગો વિશ્વનાથ વગેરેને મતે પ્રસ્તાવનાના પ્રકારો છે. (1) જ્યારે ગૂઢ અર્થવાળાં પદો અને તેના પર્યાય શબ્દોની અથવા પ્રશ્નોત્તરની હારમાળા હોય ત્યારે ઉદઘાત્યક કહેવાય; ઉદા., ‘વિક્રમોર્વશીય’માં ગૂઢ અર્થવાળા કામ, ઇચ્છા, કામના, સ્નેહ વગેરે પર્યાય શબ્દોની હાર છે, માટે પહેલા પ્રકારનો ઉદઘાત્યક છે, જ્યારે ‘પાંડવાનંદ’ નાટકમાં का श्लाध्या — એ શ્લોકમાં પ્રશ્નોત્તરની હારમાળા હોવાથી બીજા પ્રકારનો ઉદઘાત્યક છે.
(2) જ્યાં એક જ કાર્ય કરવાની સાથે બીજું કાર્ય થઈ જાય અથવા એક કાર્ય પ્રસ્તુત હોય ત્યારે તેને બદલે બીજું કાર્ય થઈ જાય ત્યારે અવલગિત કહેવાય; ઉદા., ‘ઉત્તરરામચરિત’માં દોહદ માટે વનમાં જવાની સાથે લોકનિંદાથી સીતાના ત્યાગનું બીજું કાર્ય પણ થઈ જાય છે તે પહેલા પ્રકારનું અવલગીત છે. જ્યારે ‘છલિતરામ’માં પિતાવિહીન અયોધ્યામાં વિમાનમાંથી પગે ચાલતા જતા રામને ભરતનું દર્શન થવાનું કાર્ય જ થઈ જાય છે. તે બીજા પ્રકારનું અવલગિત છે.
આમ સૂત્રધારની સામાન્ય વાતચીતમાંથી મુખ્ય નાટકનો આરંભ કરવાની કુશળતા નાટકની પ્રસ્તાવનામાં દેખાઈ આવે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી