પ્રસેનજિત રાજા : ઉત્તર ભારતની મધ્યમાં ઈ.પૂ. છઠ્ઠી સદીમાં થઈ ગયેલ કોશલનો રાજા. કોશલ પ્રસિદ્ધ અને શક્તિશાળી રાજ્ય હતું. કોશલના રાજા મહાકોશલનો પુત્ર પ્રસેનજિત એક વીર, વિદ્વાન અને યોગ્ય રાજા હતો. પ્રસેનજિતે તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું હતું. તે પિતાની જેમ પ્રતાપી હતો; તેને ‘પાંચરાજાઓના દળનો પ્રધાન’ કહેવામાં આવ્યો છે. એણે પોતાની બહેન કોશલદેવીને મગધના રાજા બિંબિસાર સાથે પરણાવી હતી. આ રીતે મગધ અને કોશલ વચ્ચે મૈત્રી સ્થપાઈ હતી. બિંબિસારના મૃત્યુ બાદ આ મૈત્રીનો અંત આવ્યો. અજાતશત્રુના સમયમાં બંને રાજ્યો વચ્ચે યુદ્ધ થયું. આ પછી પ્રસેનજિતની જ દૂરદર્શિતાથી પુન: મૈત્રી પ્રતિષ્ઠાપિત થઈ હતી. પ્રસેનજિતે પોતાની પુત્રી વજિરાને અજાતશત્રુ સાથે પરણાવી અને તેને કાશીની આવક આપી હતી.
પ્રસેનજિતે બ્રાહ્મણોને ભૂમિદાન આપ્યાં હતાં. તેણે બૌદ્ધ શ્રમણોને માટે વિહારો બંધાવ્યા. બુદ્ધ સાથે એને ગાઢ સ્નેહસંબંધ હતો. સંકટ-સમયમાં પ્રસેનજિત બુદ્ધની સલાહ પણ લેતો હતો.
શાક્યોએ સમ્રાટ પ્રસેનજિતને રાજપુત્રી આપવાને બદલે એક દાસીપુત્રી વાસભ ખતિયાને તેની સાથે પરણાવી દીધી. તેનાથી પુત્ર વિડુડભ (વિરુદ્ધક) થયો. પ્રસેનજિતની ગેરહાજરીમાં વિડુડભે રાજસિંહાસન પર અધિકાર કરી લીધો. વૃદ્ધ પ્રસેનજિત સહાય માટે પોતાના જામાતા પાસે રાજગૃહ ગયો; પરંતુ નગર બહાર જ તેનું મૃત્યુ થયું. અજાતશત્રુએ માનપૂર્વક પ્રસેનજિતનો અગ્નિસંસ્કાર કર્યો.
રામજીભાઈ ઠા. સાવલિયા