પ્રસૂતિ

જીવંત શિશુનો જન્મ થવો તે. તેને તેની વૈજ્ઞાનિક વ્યાખ્યામાં જીવંત ગર્ભને યોનિમાર્ગે બહારની દુનિયામાં મુક્ત કરવા માટે પ્રજનન-અંગો દ્વારા કરાતી શ્રેણીબદ્ધ ક્રિયાઓનો સમૂહ કહે છે. તેનો શાસ્ત્રીય પારિભાષિક શબ્દ છે સમજનન (eutocia). લોકભાષામાં તેને પ્રસવ થવો અથવા પ્રસવકષ્ટ કે પ્રસૂતિકષ્ટ (labour) પડવું એમ પણ કહે છે. તેને દ્વિમુક્તન (parturition) પણ કહે છે. જન્મ આપવો કે અપાવવો એ બંને ક્રિયાઓને સંયુક્ત રૂપે ગર્ભવિમુક્તન (delivery) કહે છે. સગર્ભતાનો સમયગાળો પૂરો થાય ત્યારે સામાન્ય પ્રસૂતિ થાય છે. સગર્ભતાના પૂરા સમયગાળાને પૂર્ણસગર્ભિતાકાળ (full term) કહે છે. આવી સગર્ભતાને પૂર્ણકાલીન સગર્ભતા (full term pregnancy અથવા term pregnancy) કહે છે.

સમજનન અથવા સામાન્ય પ્રસૂતિની વ્યાખ્યામાં 5 મુદ્દાઓને આવરી લેવાયા છે : (1) પૂર્ણકાલે આપમેળે શરૂઆત, (2) ગર્ભશિશુનું માથું પ્રથમ બહાર આવે, જેને મૂર્ધન્ય દર્શાંગતા (vertex presentation) કહે છે, (3) પ્રસૂતિક્રિયા વધુ પડતી લાંબી ન ચાલે, (4) ઓછામાં ઓછી બાહ્ય મદદ સાથે કુદરતી રીતે ક્રિયા બંધ થાય અને (5) માતા કે નવજાત શિશુની તબિયતને કોઈ હાનિ પહોંચે એવી આનુષંગિક તકલીફ ન થાય. જો તેમાંથી એક પણ બાબતે કોઈ ફરક પડે તો તેને અસામાન્ય પ્રસૂતિ કે દુ:જનન (dystocia) કહે છે. તેથી પૂર્ણકાલીન, આપોઆપ શરૂ થતી અને મૂર્ધન્ય દર્શાંગતાવાળી, 24 કલાકમાં પૂરી થતી તથા કોઈપણ આનુષંગિક તકલીફ વગરની પ્રસૂતિને અવિષમ પ્રસૂતિ (normal labour) કહે છે.

પ્રસવકષ્ટની શરૂઆત થવાનાં વિવિધ કારણો મનાય છે. એક માન્યતા પ્રમાણે મોટા થયેલા ગર્ભાશયની દીવાલમાં થતું ખેંચાણ તેને શરૂ કરે છે. જો આ જ કારણ પૂરેપૂરું સાચું હોય તો જોડિયા ગર્ભ હોય કે વધુ પડતું ગર્ભજળ હોય તો જ તેવું બની શકે, પરંતુ સામાન્ય સગર્ભાવસ્થામાં તે કેમ બને તે આ વિભાવનાથી સમજાવી શકાતું નથી. એક અન્ય માન્યતા પ્રમાણે ગર્ભમાંની પીયૂષિકા ગ્રંથિ સક્રિય બની જઈને નવી અંત:સ્રાવી સ્થિતિ સર્જે છે જે પ્રસવની શરૂઆત કરાવે છે. આ ઉપરાંત ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટિરોન વચ્ચે ઉદભવતા અસંતુલનને કારણે કે પ્રૉસ્ટાગ્લૅન્ડિનના ઉત્પાદનને કારણે પ્રસવકષ્ટ શરૂ થાય છે એવું પણ મનાય છે. ગર્ભ અને ઓરમાં બનતા અંત:સ્રાવોને કારણે પ્રસૂતિની ક્રિયા તથા સ્તનમાં પણ દૂધના ઉત્પાદનની ક્રિયા શરૂ થાય છે. જેમ જેમ સગર્ભિતાનો સમયગાળો પૂરો થવા આવે તેમ તેમ ઓરમાં અપજનન (degeneration) શરૂ થાય છે. તેને કારણે પ્રોજેસ્ટિરોનનું પ્રમાણ ઘટે છે અને ગર્ભાશયના સ્નાયુ સક્રિય બનવા માંડે છે. આ ઉપરાંત ઑક્સિટોસિન તથા ચેતાતંત્રીય ઘટકોને કારણે પ્રસવક્રિયા શરૂ થાય છે એવી વિભાવનાઓ પણ વિકસેલી છે. પૂર્ણકાળ (full term) થાય તે સમયે ઑક્સિટોસિનેઝ નામના ઉત્સેચકનું ઉત્પાદન ઘટે છે અને ગર્ભાશય ઑક્સિટોસિન નામના અંત:સ્રાવની અસર હેઠળ આવે છે. આ ઉપરાંત પતનિકા પેશી(decidua)માંથી પ્રૉસ્ટાગ્લૅન્ડિન નામનાં રસાયણો ઉત્પન્ન થાય છે જે પણ ગર્ભાશયના સ્નાયુઓને સક્રિય કરે છે. આમ વિવિધ પરિબળો કે ઘટકોના સંયુક્ત પ્રયાસથી કે તેમાંનાં એક કે બે પરિબળોની અસર હેઠળ પ્રસૂતિની પ્રક્રિયા શરૂ થાય છે.

પ્રસવકષ્ટની શરૂઆત ક્યારે થશે તે અંગે ઘણી અચોક્કસતા પ્રવર્તતી હોય છે. પ્રસૂતિની સંભવિત તારીખ (પ્રસંતા) ગણવા માટે નિગલ(Naegele)નું સૂત્ર ઉપયોગી છે. તેમણે દર્શાવ્યું છે કે છેલ્લા ઋતુસ્રાવના પ્રથમ દિવસમાં 9 મહિના અને 7 દિવસ ઉમેરતાં જે દિવસ આવે તેને પ્રસૂતિની સંભવિત તારીખ ગણી શકાય અથવા તો છેલ્લા ઋતુસ્રાવના પ્રથમ દિવસમાં 7 દિવસ ઉમેરીને 3 મહિના પાછળ ગણવાથી પણ તે તારીખ મળી શકે. સામાન્ય રીતે પહેલી રીત વધુ વપરાશમાં છે. જો તારીખ ગણતી વખતે વર્ષ બદલાઈ જતું હોય તો બીજી રીત ઉપયોગી નીવડે છે. આકૃતિ 1માં દર્શાવ્યું છે તે પ્રમાણે ‘પ્રસંતા’ પર ફક્ત 4% કિસ્સામાં જ પ્રસૂતિ થાય છે. મોટે ભાગે 80% કિસ્સામાં તે ‘પ્રસંતા’થી 2 અઠવાડિયાં પહેલાં કે 1 અઠવાડિયું મોડી થાય છે.

આકૃતિ 1 : પ્રસૂતિની સંભવિત તારીખની આગળ-પાછળ જન્મ થવાનો દર

પ્રસૂતિની ક્રિયાના તબક્કા : પ્રસૂતિની ક્રિયાના ત્રણ તબક્કા છે : (1) પહેલો તબક્કો સૌથી લાંબો છે અને તે ગર્ભાશયની ગ્રીવા (cervix) પૂરેપૂરી પહોળી થાય ત્યાં સુધીનો છે. (2) બીજો તબક્કો ગર્ભશિશુના અવતરણ (descent) સાથે શરૂ થાય છે અને તે નવજાત શિશુના જન્મ સાથે પૂરો થાય છે. (3) ત્રીજો તબક્કો ઓર (placenta) છૂટી પડીને બહાર નીકળે ત્યાંથી શરૂ કરીને તે પ્રસૂતિ પૂરી થયા પછી લોહી વહેતું બંધ થાય ત્યાં સુધીનો ગણાય છે.

પ્રસૂતિની શરૂઆત : તેની શરૂઆતનો સંકેત 3 પરિસ્થિતિઓ આપે છે. સૌપહેલાં ગર્ભાશયનાં તાલબદ્ધ સંકોચનો શરૂ થાય છે. તે જેમ જેમ વધતાં જાય તેમ તેમ વધુ ને વધુ તકલીફ આપે છે. ગર્ભાશયની ગ્રીવા ઉપર તરફ ખેંચાય છે અને તેથી તેમાંનો શ્લેષ્મનો ગઠ્ઠો થોડાક લોહીની સાથે બહાર પ્રવાહીરૂપે વહે છે. તેને આરંભસંકેત (‘the show’) કહે છે. ગર્ભની આસપાસનાં આવરણોને ગર્ભનાં પટલાવરણો (membranes of the foetus) કહે છે. પટલાવરણો ફાટે છે અને તેમાંનું ગર્ભજળ બહાર વહેવા માંડે છે.

પ્રથમ પ્રસૂતિ લાંબી ચાલે છે પરંતુ તે પછી થતી પ્રસૂતિઓ ટૂંકી રહે છે. પ્રથમ વખત સગર્ભા થતી સ્ત્રીને પ્રથમસગર્ભા (primigravida) કહે છે જ્યારે બહુ વખત સગર્ભા થયેલી હોય તેવી સગર્ભી (pregnant)  સ્ત્રીને પુન:સગર્ભા (multigravida) કહે છે. તેથી તેમની સગર્ભાવસ્થાને પણ અનુક્રમે પ્રથમસગર્ભિતા (primigravidae) અને પુન:સગર્ભિતા (multigravidae) કહે છે. તેઓની પ્રસૂતિના ત્રણે તબક્કાનો સમયગાળો સારણી 1માં આપ્યો છે.

સારણી 1 : પ્રસૂતિના તબક્કા

તબક્કો પ્રથમસગર્ભિતા પુન:સગર્ભિતા
1. 6થી 16 કલાક 4થી 8 કલાક
2. 20થી 45 મિનિટ 10થી 30 મિનિટ
3. 5થી 15 મિનિટ 5થી 15 મિનિટ
કુલ 6½થી 17 કલાક 4½થી 8½ કલાક

પ્રથમ તબક્કો અગાઉ ઘણો લાંબો રહેતો હતો, હાલ તેને ઝડપી કરવાની ઘણી પ્રક્રિયાઓ તેમાં ઉમેરાઈ છે. જોકે પ્રસૂતિનો સમયગાળો એટલો બધો જુદો જુદો રહે છે કે જો માતા કહે કે શિશુ અવતરી રહ્યું છે તો તેની વાતને અવગણવી ન જોઈએ એવું સૂચન કરાય છે.

પ્રથમ તબક્કો : શરૂઆતમાં ગર્ભાશયનાં ટૂંકાં અને અનિયમિત સંકોચનો હોય છે, જેનાં જોર અને સમયલંબાઈ વધતાં રહે છે તથા તેમની વચ્ચેનો સમયગાળો ઘટતો રહે છે. સંકોચનોને કારણે પટલાવરણો ફાટે છે અને તેથી દરેક સંકોચન સાથે થોડું, પણ અચાનક આવતું, ગર્ભજળ બહાર વહી જાય છે. દરેક સંકોચન સાથે ગર્ભાશયની ગ્રીવા(cervix)ની નલિકા ઉપર તરફ ખેંચાય છે, પહોળી થાય છે અને ગર્ભાશયના પોલાણ સાથે સળંગ બનતી જાય છે. તેને ગ્રીવાલુપ્તન

આકૃતિ 2 : (અ) સ્ત્રીનાં જનનાંગ. (અ) ચિત્રાત્મક, (આ) શ્રોણીનો ઊભો છેદ. (1) ગર્ભાશય, (2) અંડવાહિની, (3) અંડપિંડ, (4) ગ્રીવા, (5) યોનિ, (6) ભગ, (7) શ્રોણીનું હાડકું, (8) ગુદાઉચ્ચાલક સ્નાયુ, (9) મૂત્રાશય નળી, (10) મળાશય, (11) કરોડના મણકા

(effacement of cervix) કહે છે. પહોળી થતી ગ્રીવામાં ગર્ભનું શીર્ષ પ્રવેશીને તેને દબાવે છે. સંકોચન સમયે ઓરમાં લોહીનો પ્રવેશ અટકે છે અને તેથી ગર્ભના હૃદયના ધબકારા વધે છે.

બીજો તબક્કો : તેમાં 2 ઉપતબક્કાઓ છે. જ્યારે ગર્ભાશયની ગ્રીવા પૂરેપૂરી પહોળી થઈ ગયેલી હોય ત્યારે ગર્ભ નીચે ઊતરીને યોનિ(vagina)માં આવે છે. ત્યાંથી તે છેક ઉપસ્થ વિસ્તાર(perineum)માં આવે છે. બે જાંઘ વચ્ચેના અને ગુદા તથા બાહ્ય જનનાંગોની આસપાસના ભાગને ઉપસ્થ વિસ્તાર કહે છે. તે સમયે ગર્ભના માથાના દબાણને કારણે સગર્ભાનું મળાશય દબાય છે. તેથી માતાને તેના ગર્ભશિશુને બહાર ધકેલવાની તીવ્ર ઇચ્છા થાય છે. દરેક સંકોચન સાથે ગર્ભશિશુ આગળપાછળ ખસ્યા કરે છે. ગુદા પહોળી થાય છે અને તેની અંદરની શ્લેષ્મકલા બહાર દેખાય છે. ઉપસ્થ વિસ્તાર ફૂલે છે તથા લીસો અને ચમકતો બને છે. ભગોષ્ઠ ખૂલે છે અને ગર્ભશિશુનો દર્શાંગ (presenting part) દેખાવા માંડે છે. ગર્ભશિશુનો જે ભાગ (અંગ) સૌથી નીચો હોય અને જે સૌપ્રથમ બહાર આવી રહ્યો હોય તેને દર્શાંગ કહે છે. સામાન્ય પ્રસૂતિમાં દર્શાંગ તરીકે ગર્ભનું માથું પહેલું બહાર આવે છે. માથાની ટોચનો ભાગ પહેલો બહાર આવે છે. તેને મૂર્ધન્ય વિસ્તાર (vertex) કહે છે. તેથી સામાન્ય દર્શાંગતા રૂપે મૂર્ધન્ય દર્શાંગતા (vertex presentation) થાય છે. દરેક સંકોચને માથું આગળપાછળ થાય છે અને છેવટે તે ગુદાઉચ્ચાલક સ્નાયુ (levator ani muscle)ને પસાર કરે છે. જ્યારે તે ગુદાઉચ્ચાલક સ્નાયુને પસાર કરે છે ત્યારે તેને શીર્ષમુકુટન (crowning) થયું એમ કહે છે. જેવો માથાનો સૌથી વધુ પહોળો ભાગ બહાર આવે છે એટલે ચહેરો બહાર દેખાય છે. ત્યારપછીના સંકોચનના દબાણને કારણે ગર્ભશિશુનો આગળનો ખભો (અગ્રસ્થ સ્કંધ અથવા anterior shoulder) માતાની કેડનાં (નિતંબનાં) હાડકાંની બનેલી શ્રોણી (pelvis) નામની રચનાની ગુપ્તાસ્થિ કમાન(pubic arch)માંથી છટકે છે. તે પછી સંપૂર્ણ ગર્ભશિશુ અને બાકીનું ગર્ભજળ સહેલાઈથી બહાર આવી જાય છે.

ત્રીજો તબક્કો : તે થોડાંક જ સંકોચનમાં પૂરો થાય છે. જે સંકોચનો દ્વારા ગર્ભવિમુક્તન (delivery) થયું હોય તે જ સંકોચનોએ થોડા પ્રમાણમાં ઓરને પણ છૂટી પાડેલી હોય છે. ગર્ભાશયનાં સંકોચનો(contractions)ની સાથે સાથે ગર્ભાશય પોતે પણ નાનું થતું જાય છે. તેને ગર્ભાશયનું લાઘવીકરણ (retraction of the uterus) કહે છે. તેને કારણે ઓરને માટેની પાછી ચોંટવાની જગ્યા પણ ઓછી થતી જાય છે. તેથી ઓર જાણે છાલની માફક ઉતરડાઈને છૂટી પડી જાય છે. ઓરની માતા તરફની સપાટી પરના વિસ્તારમાં ઘણી નસો આવેલી હોય છે. ઓર છૂટી પડે ત્યારે તેમાંથી લોહી વહે છે. ગર્ભાશયનાં સંકોચનો તે નસોને દબાવીને લોહી વહેતું અટકાવે છે.

દર્શાંગતા (presentation) : સગર્ભતાના 32મા અઠવાડિયા સુધી ગર્ભ ગર્ભાશયમાં સક્રિયપણે અને છૂટથી ફરે છે. ત્યારપછી તેને ફરવા માટે પૂરતી જગ્યા મળતી નથી. તેથી તેની ગર્ભાશયમાંની સ્થિતિ નિશ્ચિત બને છે. તે સમયે તે ઊભો અથવા લંબાક્ષીય (longitudinal) સ્થિતિમાં આવે છે અને તેનું માથું નીચે-માતાની કેડ તરફ–અથવા શ્રોણીકિનાર (pelvic brim) પર ટેકવાય છે. તેને મૂર્ધન્ય દર્શાંગતા (vertex presentation) કહે છે. ગર્ભાશયના સ્નાયુઓની સજ્જતાને કારણે ગર્ભ એક સઘન (compact) સ્થિતિમાં આવી જાય છે, જેમાં તેના હાથ-પગ પેટ અને છાતીની આગળ વળીને ગોઠવાયેલા હોય છે. માથું સૌથી ભારે ભાગ હોવાને કારણે કદાચ તે નીચે રહે છે. એવું મનાય છે કે માથાનો વ્યાસ શ્રોણીના વ્યાસને અનુરૂપ રહે તે રીતે ગોઠવાયેલો હોય છે અને તેનો પાછલો છેડો અથવા પશ્ચશીર્ષબિન્દુ કે શિખાબિંદુ (occiput) આગળની તરફ હોય છે. તે મોટેભાગે થોડું ડાબી તરફ કે ક્યારેક જમણી તરફ વળેલું હોય છે. માથાને અને ધડ પર તેને વાળીને રાખવામાં આવે છે જેથી તેનો નાનામાં નાનો વ્યાસ શ્રોણીકિનારને અનુરૂપ હોય.

સૌથી વધુ જોવા મળતી અનિયમતિતા રૂપે શિખાબિંદુ પાછળની તરફ હોય છે એટલે કે તે ત્રિકાસ્થિ (sacrum) નામે ઓળખાતા માતાના કરોડસ્તંભના સૌથી નીચલા મણકાઓના સમૂહની ડાબી કે જમણી બાજુ હોય છે. આવા સંજોગોમાં પ્રસૂતિનો પ્રથમ તબક્કો લંબાય છે. તે વધુ પીડાકારક અને કંટાળાજનક બને છે. તેમાં ઘણી વખત સાધનની મદદ લેવી પડે છે. ત્રીજા તબક્કામાં લોહી પણ વધુ પડે છે. લાંબી ચાલતી પ્રસૂતિમાં પ્રસૂતિસહાયિકા અથવા દાયણની આવડત, સહાનુભૂતિ અને સતર્કતાની ઘણી જરૂર પડે છે.

આકૃતિ 3 : પ્રસૂતિની શરૂઆત અને વિકાસ. (અ) પ્રસૂતિની શરૂઆત, (આ) ગર્ભશાયની ગ્રીવા પહોળી થાય, (ઇ) ગર્ભશિશુની આગળની પ્રવાહી ભરેલી પોટલી ફાટે, (ઈ) શ્રોણીનાં હાડકાંમાં ગોઠવાયેલો ગર્ભશિશુ. (1) ગર્ભાશય, (2) ગર્ભશિશુ, (3) બંધગ્રીવા, (4) ઓર, (5) ગર્ભાશયના પોલાણમાં ગ્રીવાનું પોલાણ ભળી જાય તે સ્થિતિ, (6) ગર્ભના આવરણનાં પટલો ફાટેલાં છે. (7) શ્રોણીના હાડકામાં ગર્ભશિશુનું સ્થાન

જો ગર્ભ તેની બેઠક (buttock) નીચે હોય એમ ગોઠવાયેલો હોય તો તેને બેઠક-દર્શાંગતા (breech presentation) કહે છે. તેની ઘણી આનુષંગિક તકલીફો હોવાથી પ્રસૂતિપૂર્વ (antenatal) કરાતી તપાસમાં તે શોધી કાઢીને સુધારીને લેવું જરૂરી ગણાય છે. આવા સંજોગોમાં જો પ્રસૂતિ થાય તો ગર્ભશિશુનો બેઠકવિસ્તાર તથા ધડ પહેલાં બહાર આવે છે અને માથું પાછળથી બહાર આવે છે. તેથી તેનું માથું બહાર આવે તે પહેલાં જ ક્યારેક તે શ્વાસ લેવા માંડે છે. તેને કારણે ક્યારેક ગર્ભશિશુ ગૂંગળામણ અનુભવે છે. તેથી પ્રસૂતિનો બીજો તબક્કો ઝડપથી પૂરો કરવો પડે છે. તેના માથાને ઝડપથી બહાર લાવવાની ક્રિયામાં ક્યારેક તેના મોટા અને નાના મગજ વચ્ચેની તંબુતાનિકા (tentorium) નામનો પડદો ફાટી જાય છે. તેથી પ્રસૂતિનો બીજો તબક્કો એટલો ઝડપથી પૂરો કરવો પડે છે જેથી ગર્ભશિશુ ગૂંગળામણ ન અનુભવે; છતાં એટલો ધીમો હોવો જોઈએ કે તેના મગજ કે મગજનાં આવરણોને કોઈ નુકસાન ન થાય. તેને પ્રસૂતિસહાયવિદ્યા અથવા દાયણવિદ્યા(midwifery)ની આવડત કહે છે. ક્યારેક બીજી જુદી જુદી રીતે પણ ગર્ભશિશુ ગોઠવાયેલો હોય છે. તેમાં ક્યારેક સાધનો(પ્રસૂતિલક્ષી ચીપિયા)ની મદદથી કે શસ્ત્રક્રિયા કરીને શિશુનો જન્મ કરાવાય છે.

પ્રસૂતિની પ્રવિધિ : ગર્ભાશયના સૌથી ઉપરના ઘુમ્મટ જેવા ભાગને ઘુમ્મટતલ (fundus) કહે છે. તેના સ્નાયુઓના સંકોચનને કારણે ગર્ભની પીઠ અને ડોક આગળ તરફ વળે છે અને ગર્ભ શ્રોણીના આગળ તરફના ઢોળાવ પર ગુપ્તાસ્થિ તંતુસંધિ(pubic symphisis)ની પાછળ થઈને સરકે છે. તેનું શિખાબિંદુ ગોળ ફરીને આગળની તરફ આવે છે અને ગુપ્તાસ્થિ કમાન(pubic arch)ને પસાર કરે છે. જેવો માથાનો સૌથી પહોળો ભાગ પસાર થઈ જાય એટલે ડોક સીધી થાય છે અને પછી તે પીઠ તરફ વળે છે જેથી કરીને ચહેરાનો ભાગ માતાના ઉપસ્થ વિસ્તાર(perineum)ની નીચે આવી જાય છે. માથું ફરીથી છૂટથી ગોળ ફરીને મૂળ સ્થિતિમાં આવે છે. આમ ચહેરાને આગળ રાખીને માથું બહાર આવે છે. આ સમયે શ્રોણીની કિનાર (pelvic brim) પર ધડ એવી રીતે ગોઠવાયેલું હોય છે કે તેનો એક ખભો આગળ અને બીજો ખભો પાછળ હોય છે. બીજા એક જોરદાર સંકોચન સમયે આગળનો ખભો (અગ્રસ્થ સ્કંધ, anterior shoulder) ગુપ્તાસ્થિ કમાનમાંથી પસાર થઈ જાય છે. ત્યારપછી પાછલો ખભો બહાર આવે છે. ત્યારબાદ ધડ અને પગ ઝડપથી બહાર આવી જાય છે. બહાર આવી ગયેલા નવજાત શિશુને માતાના પેટ પર સરકાવી દેવામાં આવે છે જેથી માતા પોતાના હાથ વડે પોતાના શિશુને સ્પર્શી શકે અને અનુભવી શકે.

શિશુના જન્મ પહેલાં માતા આશા, આંતરિક ભય, આશંકા, ઘરેલુ સમસ્યાઓ, અતાર્કિક માન્યતાઓ કે પ્રસવપીડા અને કાર્યના વિચારો વગેરેમાં વ્યસ્ત હોય છે. એને તે સમય માટેની પૂરેપૂરી માહિતી અને માર્ગદર્શન, હિંમત અને સહાયતા, પીડા સહન કરવા માટેનું પ્રોત્સાહન અને સહાનુભૂતિ વગેરે બધું તેની પ્રસૂતિસહાયિકા કે દાયણ (midwife) કે પ્રસૂતિવિદે (obstertrician) આપવું જરૂરી ગણાય છે. પ્રસૂતિપૂર્વની તબીબી સહાયમાં તેનાથી ઉદભવતાં ભય અને આશંકાને નિર્મૂળ કરવાને મહત્વ અપાય છે. તેને મન:પ્રતિરોધ (psychoprophylaxis) કહે છે. તેનો અર્થ થાય છે માતાને પ્રસૂતિ સંબંધી કોઈ માનસિક વિકાર ન ઉદભવે તેની સંભાળ લેતી મનશ્ચિકિત્સા. સંભાવ્ય માતાને રાત્રિકાલીન કપડાં, દેહશુદ્ધિની વસ્તુઓ તથા સમય પસાર કરવાની ચીજો તૈયાર રાખવાની સલાહ અપાય છે.

પ્રસૂતિસહાયિકા અથવા દાયણ દ્વારા અપાતી સારવારના મુખ્ય 3 હેતુ છે : (1) માતાની સ્થિતિની જાણકારી અને તેની સંભાળ : તેમાં નિરીક્ષણો અને નોંધ, આરોગ્યપ્રદ વાતાવરણની વ્યવસ્થા, યોગ્ય પ્રકારની યોનિલક્ષી તપાસ, દુખાવો ઘટાડવાના ઉપચારો, સગવડ અને હૈયાધારણ આપતી દયાળુ કાર્યક્ષમતા વગેરેનો સમાવેશ થાય છે. (2) ગર્ભશિશુ અને નવજાત શિશુની સ્થિતિની જાણકારી અને સંભાળ : તેમાં ગર્ભને સંકટ(foetal distress)નાં લક્ષણો અને ચિહ્નોની જાણકારી તથા જન્મ પછી તેની જૈવિક ક્રિયાઓ (vital functions) સુસ્થાપિત થાય તેની દેખરેખનો સમાવેશ થાય છે. (3) પ્રસૂતિ સમયે અપાતી સહાય અને સારવાર : તેમાં પ્રસવસહાય, ભગછેદન(episiotomy)ની નાની શસ્ત્રક્રિયા, અન્ય પ્રસવસહાયક સાધનોની મદદ તથા અન્ય વિશિષ્ટ પ્રક્રિયાઓ તેમજ માતા અને નવજાત શિશુની સંભાળનો સમાવેશ થાય છે.

પીડાશમન (analgesia) : ગર્ભાશયનાં સંકોચનોના સમયની પીડાનો નાશ કરવા માટે પીડાશામક ઔષધો (analgesics) મળે છે. પીડાનો અનુભવ દરેક સ્ત્રીનો પોતાનો અલગ અને આગવો હોય છે. જોકે ક્યારેક કો’ક પ્રસૂતિમાં વધુ પડતી કે વધુ લાંબી ચાલતી પીડા થાય એવું પણ બને છે. લાંબો સમય ચાલતો દુખાવો અસહ્ય બને છે. પીડાશમન માટેની દવાઓ અસરકારક હોવી જરૂરી છે; પરંતુ તે ગર્ભને નુકસાન કરે તેવી ન હોવી જોઈએ. પેથિડીન, પેન્ટાઝોસિન, મૉર્ફિન અને પેપાવૅરેટમ વગેરે ઘેન લાવતી પીડાશામક દવાઓ છે. તેને સ્નાયુમાં ઇંજેક્શન દ્વારા અપાય છે. સાથે પ્રોમિથેઝિન કે પ્રોમેઝિનની દવા આપવાથી ઊબકા કે ઊલટી થતાં નથી. પ્રસૂતિના પ્રથમ બે તબક્કામાં સૂંઘીને લેવાની પીડાશામક દવાઓનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ તે એટલી અસરકારક નથી હોતી જેટલાં ઇંજેક્શન દ્વારા અપાતાં પીડાશામકો હોય. શ્વાસોચ્છવાસ દ્વારા કરાતા પીડાશમન માટે તેમાં વપરાતાં ઔષધોને ખાસ બનાવેલાં યંત્રોની મદદથી આપવાની જરૂર પડે છે. તે યંત્રોની મદદથી નાઇટ્રસ ઑક્સાઇડ, ટ્રાયક્લોરઇથિલીન કે મેથૉક્સિફ્લ્યુરેનના વાયુઓને પીડાશમન માટે આપી શકાય છે. હાલ આ પદ્ધતિનો ખાસ ઉપયોગ રહ્યો નથી.

આકૃતિ 4 : પ્રસૂતિના તબક્કા (અથી ઉ), (અ) પ્રસૂતિની શરૂઆત, (આ) ગર્ભાશયગ્રીવાનું પહોળું થવું, (ઇ) ગર્ભનાં આવરણો ફાટવાં, (ઈ) ગર્ભના માથાનું બહાર આવી જવું, (ઉ) ઓરનું અવતરણ. (1) ઓર, (2) ગર્ભાશય, (3) ગર્ભશિશુ, (4) મૂત્રાશય , (5) યોનિ, (6) ગ્રીવા, (7) મળાશય, (8) ગર્ભજળની કોથળી, (9) ગર્ભનાં ફાટેલાં આવરણ, (10) પ્રથમ અવતરતું માથું, (11) ગર્ભનાળ.

કરોડસ્તંભની અંદર આવેલા પોલાણ જેવી નળીમાં કરોડરજ્જુ પસાર થાય છે. કરોડરજ્જુની આસપાસ 3 આવરણો હોય છે. સૌથી બહારના આવરણને ર્દઢતાનિકા અથવા ર્દઢિકા (duramater) કહે છે. ર્દઢતાનિકા અને કરોડના મણકા વચ્ચેની જગ્યાને અધિર્દઢતાનિકા અવકાશ અથવા અધિર્દઢિકા અવકાશ (epidural space) કહે છે. તે ખોપરીના તળિયાથી શરૂ થાય છે અને કરોડસ્તંભના સૌથી નીચલા, અનુત્રિકાસ્થિ (coccyx) નામના મણકા સુધી સળંગ હોય છે. તેમાં સંયોજી પેશી, લોહીની નસો અને કરોડરજ્જુમાંથી નીકળતાં ચેતામૂળ (nerve roots) વગેરે હોય છે. ચેતામૂળને બહેરાં કરે એવી દવાઓને સ્થાનિક નિશ્ચેતકો (local anaesthetics) કહે છે. તેમને કેડ કે પુચ્છીય (caudal) વિસ્તારોમાંથી અધિર્દઢિકા અવકાશમાં ઇંજેક્શન દ્વારા નાંખવામાં આવે તો દર્દી કેવી રીતે સૂતેલ કે બેઠેલ છે તેને આધારે તથા તે દવા કેટલા પ્રમાણમાં આપવી છે તેને આધારે તે ફેલાય છે અને તે વિસ્તારોમાંના ચેતાતંતુઓને બહેરા કરે છે. સંવેદના લઈ જતા સંવેદનાવાહી ચેતાતંતુઓ (sensory nerves) સ્નાયુઓને કે ગ્રંથિઓને સંદેશા આપતા પ્રેરક ચેતાતંતુઓ (motor nerves) કરતાં વધુ નિશ્ચેતનાવશ્ય (susceptible to anaesthesia) છે તેથી પીડાની સંવેદના અટકે છે, પરંતુ સ્નાયુઓના સંકોચન-શિથિલનને ખાસ અસર થતી નથી. તેથી પ્રસૂતિપીડાનાં સંકોચનો થયાં કરે છે. આ પ્રકારની પીડાશામક પ્રક્રિયાને અધિર્દઢિકી પીડાશમન અથવા અધિર્દઢતાનિકાકીય પીડાશમન કહે છે.

અધિર્દઢિકી પીડાશમન માટે સગર્ભા સ્ત્રી ડાબા પડખે માથું, ડોક, પગ અને પીઠને આગળ તરફ વાળીને જાણે ટૂંટિયું વાળે તેવી રીતે સૂઈ જાય છે. સૌપ્રથમ તેની કમર (lumber region), કેડ અથવા નિતંબીય વિસ્તાર (iliac region) તથા બેઠક(buttocks)ને સૂક્ષ્મજીવઘ્ન હવાથી સાફ કરવામાં આવે છે. એક વિશિષ્ટ સોય કે જેને અધિર્દઢિકા સૂચિ (epidural needle) કહે છે તેને કમરના મણકાની વચ્ચેથી પ્રવેશ આપીને તેની ટોચને અધિર્દઢિકા અવકાશ સુધી લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેના પર પૉલિથીનની નિવેશિકાનળી(catheter)ને પરોવવામાં આવે છે અને સોયને કાઢી નાંખવામાં આવે છે. નિવેશિકા નળીના બહારના છેડાને પીઠ સાથે ચોંટાડી દેવામાં આવે છે. તેમાંથી જરૂર પડે તેમ પીડાશામક ઔષધને ઇંજેક્શન દ્વારા પ્રવેશ આપવામાં આવે છે. આ રીતે ઘણી વખત પીડા વગરની પ્રસૂતિ સંભવિત બને છે. પરંતુ તે હંમેશાં એકસરખી રીતે પીડામુક્તન (painlessness) કરતું નથી. પીડા વગરની પ્રસૂતિની સંકલ્પનાને અપીડ પ્રસૂતિ (painless delivery) કહે છે. સામાન્ય રીતે અપીડ પ્રસૂતિની જરૂરિયાત લાંબી કે મુશ્કેલ લાગતી પ્રસૂતિ વખતે ગણાય છે. ક્યારેક સગર્ભા સ્ત્રીને લોહીના ઊંચા દબાણની તકલીફ હોય કે સ્ત્રીમાં અન્ય પીડાશામક સારવાર નિષ્ફળ જાય તો પણ તેનો ઉપયોગ કરાય છે. જોકે તેને માટે આ પ્રક્રિયા કરવાનું કૌશલ્ય હોવું જરૂરી છે. આ ઉપરાંત અધિર્દઢિકી પીડાશમન માટે સગર્ભા સ્ત્રીની પૂર્વમંજૂરીની પણ જરૂર રહે છે. સામાન્ય રીતે તેને માટે બ્યુપિવેકેઇન (માર્કેઇન) નામની દવા વપરાય છે. પ્રથમ થોડી દવા આપીને તેની અસરકારકતા જોવામાં આવે છે. તેને કસોટી માત્રા (test dose) આપવી કહેવાય છે. કસોટી માત્રા અપાય તે પછી પૂરેપૂરી દવા અપાય છે. ત્યારબાદ પ્રથમ ½ કલાક માટે સગર્ભા સ્ત્રીને એકલી રહેવા દેવાતી નથી. તે સમયે દર 2થી 5 મિનિટે લોહીનું દબાણ મપાય છે અને પછીથી પણ વારંવાર તે માપ્યા કરવામાં આવે છે. ઘણી વાર આ સારવાર પછી લોહીનું દબાણ ઘટી જાય છે. તેવે સમયે નસ વાટે ઝડપથી પ્રવાહી અપાય છે અને જરૂર પડ્યે એફિડ્રિન જેવી દવા વડે લોહીનું દબાણ વધારાય છે. લોહીનું દબાણ ઘટવાની સંભાવનાને કારણે તેને પથારીમાંથી બહાર ન આવવાની સૂચના અપાય છે તથા હરહંમેશ નસ વાટે પ્રવાહી ચડાવવાની ક્રિયા પણ સાથે સાથે કરાય છે. પ્રસૂતા(પ્રસૂતિમાંની સ્ત્રી)ને અધિર્દઢિકી પીડાશમનની સારવાર અપાઈ હોય તો તેને મૂત્રાશયમાં પેશાબના ભરાવાની સંવેદના થતી નથી. તેથી દર 2 કલાકે તેના મૂત્રાશયને ખાલી કરી નંખાય છે. પ્રસૂતાની પથારીમાંની સૂવા-બેસવાની સ્થિતિ(અંગવિન્યાસ, posture)ને વારંવાર બદલવામાં આવે છે જેથી કરીને તેની નસોમાં લોહીનો ગઠ્ઠો જામી ન જાય. અધિર્દઢિકી પીડાશમન પછી પ્રસૂતા હળવાશ અને પ્રસન્નતા અનુભવે છે. તેને ગર્ભાશયી સંકોચનો(uterine contractions)ની પીડાનો અનુભવ થતો નથી. તેને કારણે તેની પ્રસવક્રિયાનો વિકાસ કેટલો થઈ રહ્યો છે તેની પ્રસૂતિસહાયિકાએ (દાયણે) સતત નોંધ લેવી પડે છે. પ્રસવક્રિયા શરૂ થયા પછી ઘેન (sedation) માટેની દવા આપવાની ખાસ કોઈ ઉપયોગિતા નથી, પરંતુ જો પ્રસૂતાને આરામની જરૂર હોય તો, તેનાં નિયમિત સંકોચનો શરૂ થાય તે પહેલાં આપી શકાય છે. સામાન્ય રીતે પ્રસવપીડા સમયે મોટાભાગની સ્ત્રીઓ જાગી જાય છે. અપીડ પ્રસવ માટે મહત્વની બાબત પ્રસૂતિસહાયિકાની સંભાળ અને પ્રેમાળ કાળજી ગણી શકાય. તે પ્રસૂતાને તણાવરહિતતા અને હળવાશ અનુભવડાવે છે. પ્રસૂતિસહાયિકામાં વિશ્વાસ જાગે તેવી તેની આવડત અને પ્રસવકક્ષ(labour room)માંનું વાતાવરણ તે માટે ઘણાં મહત્વનાં ગણાય છે. પ્રસૂતાની પથારી ઠંડી, સુક્કી અને કરચલી વગરની રાખવામાં આવે છે. તેને તાજગી આપવા માટે હાથ તથા ચહેરાને જાળીવાળા, પોચા અને ભીના કપડાથી હળવે રહીને લૂછવામાં આવે છે, પાણીના નાના ઘૂંટડા લઈ શકે તેવી રીતનું તેને પાત્ર આપવામાં આવે છે અને મોંને કોગળા કરીને સાફ કરવાની સગવડ અપાય છે. જ્યારે તે આરામ કરતી હોય ત્યારે તેને ખલેલ પહોંચાડાતી નથી પરંતુ તેનું સતત ધ્યાન તો રાખવામાં આવે જ છે. વળી તેને આ સમયે સૌથી વધુ જરૂરિયાત કોઈની ગોઠડી અથવા સહવાસ(company)ની છે. માટે તેને કદી એકલતા લાગે તેવું કરાતું નથી. સામાન્ય રીતે પ્રસૂતાના શરીરનું તાપમાન, નાડી અને શ્વસનનો દર, લોહીનું દબાણ, પેશાબનું પૃથક્કરણ વગેરે નોંધતા રહેવાય છે તથા તેના ચહેરાના ભાવ, તેનો દેખાવ અને પીડા સહન કરવાની રીત, તેમાં આવતા ફેરફારોની પણ નોંધ રખાય છે.

પ્રસવક્રિયા વખતે માતા તથા ગર્ભશિશુ બંને તણાવ અનુભવે છે. તેથી ગર્ભશિશુની શારીરિક સ્થિતિની પણ જાણકારી મેળવવામાં આવે છે. તેના હૃદયના ધબકારાનો દર અને તાલ (rhythm) જાણવાં જરૂરી છે. સામાન્ય રીતે તેના હૃદયના ધબકારાનો દર મિનિટે 120થી 160ની વચ્ચે હોય છે. ઑક્સિજનની ઊણપને કારણે કે સંકોચનો પછી તેમાં વધઘટ થયા કરે છે. સતત મોજણી (monitoring) અને નોંધણી (registration) રખાય તો તેનું અર્થઘટન કરવું સહેલું બને છે. એક મિનિટ સુધી સંશ્રવણ (auscultation) સાધન વડે શ્રવણ કરવાથી હૃદયતાલ(cardiac rhythm)માં આવતો ફેરફાર જાણી શકાય છે. હૃદય-ધબકારનો દર જાણવા માટે તેનો આલેખ લઈ શકાય છે. જો બહાર નીકળતા ગર્ભજળમાં ખસખસસ્રાવ (meconium) હોય તો તે ગર્ભશિશુને થયેલી ઉગ્ર પ્રકારની ઑક્સિજનની ઊણપ સૂચવે છે. તેને ઉગ્ર અલ્પઑક્સિતા અથવા ઉગ્ર ઑક્સિજનઅલ્પતા (hypoxia) કહે છે. હૃદયધબકારના દરમાં ફેરફાર થાય અને ખસખસસ્રાવ જોવા મળે તો તે ગર્ભને સંકટ (foetal distress) થયેલું છે એવું તે સૂચવે છે. તે સમયે પ્રસૂતિવિદ તબીબે કુદરતી પ્રસવક્રિયા ચાલુ રાખવી કે તેને કોઈ પ્રક્રિયા વડે ઝડપી કરવી તેનો નિર્ણય કરવો પડે છે. જરૂર પડ્યે પ્રસૂતિના પ્રથમ તબક્કામાં ગર્ભાશયની ગ્રીવા (cervix) પહોળી થયેલી હોય ત્યારે ગર્ભશિશુના માથાની ચામડીમાંથી લોહીનું બિંદુ લઈને તેમાંનું ઑક્સિજનનું પ્રમાણ પણ જાણી શકાય છે.

આકૃતિ 5 : પ્રસૂતિ વખતે વપરાતાં કેટલાંક સાધનો : (અ) અધિર્દઢિકા સૂચિ (epidural needle), (આ) ગર્ભનાળની કાતર, (ઇ) ગર્ભનાળની પકડ, (ઈ) ભગછેદન: (1) ભગવિસ્તાર, (2) ઉપસ્થ વિસ્તાર, (3) ગર્ભાશિશનું માથું, (4) ભગછેદનના કાપ, (5) ગુદા, (ઉ) ગર્ભનાં આવરણ છેદવાનો ચીપિયો

પ્રસૂતિનો વિકાસ જાણવા માટે વીજાણુ સાધનો(electronic instruments)ની મદદથી ગર્ભાશયનું સંકોચનોનું બળ, સંકોચનોની સમયલંબાઈ અને તેમની વચ્ચેનું સમયઅંતર જાણી શકાય છે. પરંતુ મોટાભાગની પ્રસૂતિઓમાં તેની જરૂર હોતી નથી. સૌથી સારો સંકેત ગર્ભાશયની ગ્રીવા(uterine cervix)ના પહોળા થવાનો દર છે. તેનો પ્રસવાલેખ (partograph) નામનો એક આલેખ દોરી શકાય છે. તેથી નિયમિતપણે યોનિતપાસ (vaginal examination) જરૂરી બને છે. તેના વડે ગ્રીવા-વિસ્ફારણ (dilatation of cervix) એટલે કે ગ્રીવાના પહોળા થવા વિશે ખબર પડે છે. તે ઉપરાંત તેની સાથે સાથે ગર્ભશિશુનું માથું કે અન્ય કોઈ ભાગ આગળ આવી રહ્યો છે તેની પણ ખબર પડે છે. ક્યારેક ગર્ભનાળ વહેલી બહાર આવવા માંડે છે. તેને નાળભ્રંશ (cord prolapse) કહે છે. યોનિની તપાસ વખતે તપાસનાર પોતાના ચહેરા અને શરીરને સૂક્ષ્મજીવરહિત વસ્ત્રોથી ઢાંકે છે અને હાથ પર સૂક્ષ્મજીવરહિત રબરનાં મોજાં (હસ્તવેષ્ટન, gloves) પહેરે છે. દરેક વખતે એક જ વ્યક્તિ તપાસ કરે છે જેથી સાચો અંદાજ રાખી શકાય. આ તબક્કે ક્યારેક ગર્ભનાં આવરણોમાં છિદ્ર પાડવું જરૂરી બને છે. તેને ગર્ભકોષ્ઠાવરણીય અથવા કોષ્ઠાવરણનું છિદ્રણ (amniotomy) કહે છે. તે માટે વપરાતા ચીપિયા જેવા સાધનને કોષ્ઠાવરણછિદ્રણનો ચીપિયો (amniotomy scissors) કહે છે.

ગર્ભાશયગ્રીવા પૂરેપૂરી પહોળી થાય એટલે પ્રસૂતિનો બીજો તબક્કો શરૂ થાય છે. તે સમયે મોટાભાગની પ્રસૂતિઓમાં પ્રસૂતિસહાયિકા(દાયણ)ના સક્રિય આંતરકાર્ય(intervention)ની જરૂર પડતી નથી. બીજા તબક્કાનાં મુખ્ય ચિહ્નો યોનિની તપાસથી જાણી શકાય છે. તે સમયે ગુદા ઊપસી આવે છે અને તેની શ્લેષ્મકલા બહાર ડોકાય છે, ઉપસ્થ વિસ્તાર ઊંચો આવે છે અને ભગ પહોળું થાય છે. ધીમે ધીમે ગર્ભનો દર્શાંગ દેખાવા માંડે છે. જો ગર્ભનાં પટલાવરણો અકબંધ હોય તો તે ફાટે છે અને થોડું લોહી વહી આવે છે. આવું દરેક સંકોચન સમયે થાય છે. માતા તે સમયે ઉચ્છવાસ સાથે સહેજ કણસવાનો અવાજ (grunting) કરે છે અને મળત્યાગની હાજતની સંવેદના અનુભવે છે. યોનિતપાસમાં ગર્ભાશયની ગ્રીવા હવે ગર્ભશિશુના માથાની આસપાસ હોતી નથી. પ્રસૂતાને હવે ઊંડા શ્વાસ લઈને પેટ અને છાતીની વચ્ચે આવેલા ઉરોદરપટલ(diaphragm)ને સ્થિર કરવાનું અને પેટમાં નીચે તરફ દબાણ કરવાનું સૂચવાય છે. બે સંકોચનો વચ્ચે તેને શરીરને ઢીલું છોડી દેવાનું અને આરામ લેવાનું પણ સૂચવાય છે. આ ક્રિયામાં શક્તિ ઘણી વપરાય છે, પણ વેડફાતી નથી. તેથી થાક લાગે છે, પરંતુ અતિશય થાકને કારણે સાવ ક્લાંત (exhausted) કે અશક્ત થઈ જવાતું નથી.

આકૃતિ 6 : પ્રસૂતિ વખતે ગ્રીવાના પહોળી થવાનો દર દર્શાવતો આલેખ

પ્રસૂતાને તેને અનુકૂળ હોય તેવી દેહસ્થિતિ ધારણ કરવાનું કહેવામાં આવે છે. પીઠની પાછળ પૂરતાં ઓશીકાં ગોઠવીને પોતાનું માથું આગળની તરફ વાળેલું રાખવાથી તેને અનુકૂળતા રહે છે. તે પગને બહાર તરફ ઢળતી જાંઘ રાખીને વાળે તો તેને દરેક સંકોચન સમયે જોર આપવું સહેલું પડે છે. વાતાવરણ શાંત અને પ્રોત્સાહનજનક હોય અને પાસે ઘૂંટડા ભરવા માટે પાણી આપવામાં આવેલું હોય અને મોંને ભીના કપડાથી લૂછવામાં આવતું રહેતું હોય તો તેનાથી પ્રસૂતાને સ્ફૂર્તિ રહે છે. જો પેશાબ ભરાયેલો રહેતો હોય તો તેને નિવેશિકાનળી (catheter) વડે કાઢી નંખાય છે. પ્રસૂતાનાં નાડી અને લોહીના દબાણને સતત નોંધવામાં આવે છે. સૂક્ષ્મજીવરહિત મુખઢાંકણ (mask), દેહઢાંકણ (gown) અને હાથ પર મોજાં (હસ્તવેષ્ટન, gloves) પહેરીને પ્રસૂતિસહાયિકા પ્રસૂતાની જમણી બાજુ ઊભી રહે છે. સૂક્ષ્મજીવરહિત દેહલૂછણ(towel)ને પ્રસૂતાના બેઠકવિસ્તાર(buttocks)ની નીચે પસાર કરાય છે. તેની ગુદા પર ચોખ્ખો જાળીવાળો ટુકડો મુકાય છે. ત્યારબાદ પ્રસૂતિસહાયિકા પોતાનો હાથ ગર્ભશિશુના બહાર આવતા માથા પર મૂકીને તેના અવતરણનું નિયંત્રણ કરે છે, જેથી કરીને માતાના ઉપસ્થવિસ્તારને કોઈ ઈજા ન થાય. તેથી આ સમયે તે પ્રસૂતાને દબાણ કરવાને બદલે ઊંડા શ્વાસ લઈને બહાર કાઢવાની ક્રિયા, જાણે તે હાંફતી હોય (panting) એમ કરવાનું કહે છે. પહેલાં માથાનો દ્વિપાર્શ્વી (biparietal) વ્યાસ યોનિછિદ્રની બહાર આવી જાય છે. ત્યારપછી થોડા વિરામ બાદ પ્રથમ આગળનો અને પછી પાછળનો ખભો બહાર આવે છે જે સમયે સહેજ મદદ આપીને નવજાત શિશુને માતાના પેટ પર સરકાવી દેવામાં આવે છે. બે ધમનીરોધી ચીપિયા(artery forceps)ની મદદથી ગર્ભનાળ(umbilical cord)ને સજ્જડ પકડાય છે અને તે બંને ચીપિયાની વચ્ચેથી ગર્ભનાળને કાપી કઢાય છે. જે સમયે બીજો ખભો બહાર નીકળતો હોય ત્યારે ક્યારેક ગર્ભાશયનાં સંકોચનો વધારતી દવાનું ઇંજેક્શન આપીને ત્રીજા તબક્કાને નાનો કરવા પ્રયત્ન કરાય છે. નવજાત શિશુનાં લિંગ (જાતિ) તથા જન્મકાળ નોંધીને તરત જ તે તેનાં બંને માતાપિતાને જણાવવામાં આવે છે.

પ્રસૂતિના ત્રીજા તબક્કાની શરૂઆતમાં એક દેહલૂછણ(towel)ને પ્રસૂતાના પેટ પર પાથરવામાં આવે છે. ગર્ભાશયમાં થતા ફેરફારની પેટ પર હાથ મૂકીને નોંધ લેવાય છે. જ્યારે તેના ઉપસ્થ વિસ્તાર પાસે મૂત્રપિંડાકાર પાત્ર (kidney tray) મૂકીને બહાર વહેતા લોહીને તથા બહાર આવતી ઓર(placenta)ને તેમાં ઝીલી લેવાય છે. ડાબા હાથને પેટ પર મૂકીને ગર્ભાશયના ઘુમ્મટતલનો સ્પર્શાનુભવ કરાય છે જેથી ઓરના છૂટા પડવા અને બહાર નીકળવાનો એહસાસ થાય. તે સમયે ઉપસ્થ વિસ્તાર પર સતત ધ્યાન રખાય છે જેથી બહાર નીકળતી ઓરને જોઈ શકાય. હવે ખાલી થયેલા ગર્ભાશયનું ઘુમ્મટતલ જ્યારે સંકોચાય છે ત્યારે તે કઠણ લાગે છે અને તેની પહોળાઈ ઘટે છે. જેમ જેમ ઓર નીચી ખસે છે તેમ તેમ ગર્ભાશય પાછું ઉપર તરફ (ડૂંટી તરફ) ચડે છે. તે સમયે ગર્ભનાળ લાંબી થાય છે અને લોહી બહાર વહી આવે છે. નિયંત્રિતપણે ગર્ભનાળને બહાર ખેંચવાથી ઓર બહાર આવે છે. તે સમયે ડાબા હાથ વડે ગુપ્તાસ્થિની ઉપરના પેટના ભાગને સહેજ દબાવવામાં આવે છે, જેથી કરીને ગર્ભાશય અવળું થઈ ન જાય. જેવી ઓર બહાર આવે છે કે તરત તેને ડાબા હાથ વડે ઝીલી લેવામાં આવે છે. તે સમયે તેની સાથે આવતાં ગર્ભપટલોનો આધાર આપવામાં આવે છે જેથી તે ફાટી ન જાય અને તેમનો કો’ક ભાગ ગર્ભાશયમાં રહી ન જાય. તેમને મૂત્રપિંડાકાર પાત્રમાં લઈને તપાસવામાં આવે છે અને તેમનું માપ લેવાય છે. ઉપસ્થ વિસ્તાર પર રૂનું પૂમડું ફેરવીને કોઈ ચીરા નથી પડ્યા તે જોઈ લેવાય છે. જો કોઈ ચીરો પડ્યો હોય તો તેના ટાંકા લેવાય છે. ત્યારબાદ ઉપસ્થ વિસ્તારને સૂકો કરાય છે અને તેના પર રૂ અને જાળીકાપડ(gauze)નું જાડું પડ (pad) મુકાય છે. ચાદર વગેરેને બદલી કાઢવામાં આવે છે, માતાના નાડીના ધબકારા, તાપમાન અને શ્વસનદર માપી લઈને તેને તેના બાળક અને પતિ સાથે એકાંત અપાય છે.

નવજાત શિશુની સંભાળ : તેના મોં અને ચહેરાને હળવેથી સાફ કરાય છે, તેના મોંમાંનું વધારાનું શ્લેષ્મ દૂર કરાય છે. તેની લિંગિતા જાણી લઈને તેના શ્વસનકાર્ય, સ્નાયુસજ્જતા (muscle tone), રંગ, બહારની ઉત્તેજનાઓ (external stimuli) તરફનો પ્રતિભાવ તથા હૃદયના ધબકારાના દરનો અભ્યાસ કરીને ઍપ્ગર ગુણાંક (Apgar score) નક્કી કરાય છે. તેને પહેલી મિનિટે, 5મી મિનિટે અને 10મી મિનિટે જોવાય છે. તે 5 મિનિટમાં 10 સુધી પહોંચે તો તેને સામાન્ય સ્થિતિ કહે છે. નવજાત શિશુના કાંડે કે પગે ઓળખપટ્ટી લગાવાય છે. શિશુની નાભિથી 1 સેમી. દૂર નાળને બાંધીને કાપી કઢાય છે. જીવનના પ્રથમ કલાક સુધી ત્યાંથી લોહી વહેતું નથી તેની ખાતરી કરાય છે.નવજાત શિશુને હૂંફાળા દેહલૂછણ(towel)માં વીંટાળવામાં આવે છે જેથી તે ખૂબ ગરમી ગુમાવી ન દે. તેની સામાન્ય શારીરિક તપાસ કરાય છે. તેની લંબાઈ, ઊંચાઈ અને માથાનો ઘેરાવો (પરિઘ) માપી લેવામાં આવે છે અને ત્યારબાદ તેને તેનું પ્રથમ સ્નાન અપાય છે. જરૂરિયાત પ્રમાણે નવજાત શિશુને નવજાત શિશુસંભાળ એકમ(neonatal unit)માં રાખવામાં આવે છે.

ઓરની માતા તરફની સપાટીને સાફ કરીને તેના કોઈ રોગ કે અપજનનની નોંધ લેવાય છે તથા તેની કિનારી આખી છે કે નહિ તે જોઈ લેવાય છે. આમ આખી ઓર બહાર આવી છે કે નહિ તેની નોંધ લેવાય છે. ત્યારબાદ તેની ગર્ભ તરફની સપાટી, નાળ તથા તેમાંની નસો તપાસાય છે. ગર્ભનાં બંને આવરણોને અલગ પાડીને તપાસાય છે અને તે અકબંધ છે કે નહિ તે જોઈ લેવાય છે. ક્યારેક જરૂર પડ્યે નાળનું લોહી તપાસ માટે મોકલાય છે. સામાન્ય રીતે જેવી ઓર બહાર આવે કે તરત જરૂર હોય તો, લોહી લઈને રુધિરજૂથ, હીમોગ્લોબિન, બિલિરૂબિન, કુમ્બની કસોટી અને કોઈ વિષાણુજ રોગની શક્યતા હોય તો તેને લગતી કસોટીઓ કરાય છે.

ભગછેદન (episiotomy) : ભગ અને ઉપસ્થવિસ્તારમાં કાપો મૂકીને ગર્ભશિશુને જન્મવાનો માર્ગ પહોળો કરવાની શસ્ત્રક્રિયાને ભગછેદન કહે છે. પ્રથમ પ્રસૂતિ સમયે જરૂર પડ્યે ઉપસ્થ વિસ્તારને મોટી ઈજા ન થઈ જાય માટે આ નાની શસ્ત્રક્રિયા કરાય છે. તેને જોકે ભગછેદન કહેવામાં આવે છે પરંતુ તે ખરેખર તો ઉપસ્થ વિસ્તારનું છેદન છે. તેના વડે યોનિછિદ્રને મોટું કરાય છે, જેથી ગર્ભશિશુને સહેલાઈથી જન્મ આપી શકાય છે. ભગછેદન કરવાના મુખ્ય હેતુનાં 3 જૂથો છે. માતાલક્ષી હેતુઓમાં લોહીનું ઊચું દબાણ, સગર્ભતાની પૂર્વવિષાક્તતા (pre-eclampsia), હૃદયનો રોગ, માતાને લાગેલો થાક અને ઉપસ્થ વિસ્તારમાં ચીરા પડવાની સંભાવનાનો સમાવેશ થાય છે. ગર્ભને સંકટ (foetal distress) થયેલું હોય, કાલપૂર્વ (premature) જન્મ થઈ રહ્યો હોય, એકથી વધુ ગર્ભ હોય કે ગર્ભશિશુ તેના બેઠકવિસ્તાર(breech presentation)થી અવતરતું હોય તો તેવી પરિસ્થિતિઓ ગર્ભને માટે જોખમ કરે છે. આ ગર્ભલક્ષી જોખમી પરિસ્થિતિઓમાં ભગછેદન કરાય છે. ક્યારેક ઉપસ્થવિસ્તાર કડક (rigid) હોય, ક્યારેક ગર્ભશિશુનું માથું અવળી સ્થિતિમાં હોય કે અગાઉની પ્રસૂતિમાં ભગછેદન કરાયેલું હોય અને તેનું ઘાવના સ્થાને રહેલું ક્ષતચિહ્ન (scar) પૂરેપૂરું ખેંચાઈને લંબાઈ ન શકતું હોય તો પણ ભગછેદન કરવું પડે છે. આવા ગર્ભના અવતરણમાર્ગ(path of descent)ના વિકારોને ત્રીજા જૂથમાં સમાવવામાં આવે છે. ત્રણ પ્રકારના છેદ (incisions) મુકાય છે : મધ્યરેખામાં પાછળની તરફ જતો, પાછળ પણ ત્રાંસો અને એક બાજુએ જતો અને અંગ્રેજી મૂળાક્ષર ‘J’ આકારનો છેદ. ગર્ભશિશુના માથાના ભાગથી પૂરતો પાતળો થયેલો ઉપસ્થ વિસ્તાર યોગ્ય સમયે છેદને લાયક ગણાય છે. તે સમયે લોહી વહેવાની તકલીફ ઓછી રહે છે. તે માટે સ્થાનિક નિશ્ર્ચેતક(local anaesthetic)ની મદદથી તે જગ્યાને બહેરી કરવામાં આવે છે. સૌપ્રથમ ગર્ભાશયનાં બે સંકોચનો વચ્ચે ઉપસ્થવિસ્તાર અને ગર્ભશિશુના માથાની વચ્ચે 2 આંગળીઓ મુકાય છે. ત્યારબાદ આંગળીઓની વચ્ચેથી છેદ મુકાય છે. આમ ભગછેદન કર્યા પછી પ્રસૂતિને પૂર્ણ કરાય છે. ત્રીજા તબક્કાને અંતે ઘાવને સાંધી દેવાય છે.

આકૃતિ 7 : વિવિધ દર્શાંગતા. (અ) સામાન્ય (માથું નીચે, શિખા બિન્દુ પાછળ) (આ) ચહેરાની દર્શાંગતા, (ઇ) બેઠકવિસ્તારની દર્શાંગતા, (ઈ) પગની દર્શાંગતા.

પ્રસૂતિમાં કરાતું આંતરકાર્ય (intervention) : અત્યાર સુધીની અહીંની ચર્ચાયેલી પ્રસૂતિની ક્રિયાને સામાન્ય પ્રસૂતિની ક્રિયા કહે છે. પરંતુ ક્યારેક પ્રસૂતિની કુદરતી ક્રિયામાં આંતરકાર્ય કરવાની જરૂર પડે છે તેનાં મુખ્ય 2 કારણજૂથો છે – માતાને કોઈ શારીરિક રોગ કે વિકાર હોય અથવા તો સગર્ભતાલક્ષી કોઈ વિકાર ઉદભવેલો હોય જેમ કે બેઠક-વિસ્તારથી અવતરતું ગર્ભશિશુ. પ્રસૂતિલક્ષી આંતરકાર્યોને ગર્ભવિમુક્તનનો સક્રિય ઉપચાર (active management of delivery) પણ કહે છે. તેની મદદથી પ્રસવક્રિયા ઝડપી બનાવાય છે. તેમાં પ્રસવક્રિયાની શરૂઆત (initiation) કરાવાય છે અથવા દવાઓ, સાધનો કે શસ્ત્રક્રિયાની મદદથી તેને ઝડપથી પૂરી પણ કરાય છે. આ ઉપરાંત આવી ક્રિયાઓની જરૂરિયાત છે કે નહિ તેની પણ સતત મોજણી કરતાં રહેવી પડે છે. તેમાં ગર્ભહૃદયના ધબકારાનો દર અને ગર્ભાશયનાં સંકોચનોની નોંધ લેવાય છે. પ્રસવલક્ષી આંતરકાર્યોમાં 3 બાબતોને સમાવાય છે : (1) પ્રસૂતિનું આરંભન (induction of labour), (2) સાધનીય પ્રસૂતિ (instrumental labour) અને (3) પ્રસૂતિલક્ષી શસ્ત્રક્રિયા અથવા ઉદરછેદી પ્રસૂતિ (caesarean section).

પ્રસૂતિનું આરંભન : સામાન્ય રીતે તે હૉસ્પિટલમાં કરાય છે અને 24 કલાકમાં પ્રસવક્રિયા પૂરી કરાય છે. આગલી સાંજે સગર્ભા સ્ત્રીને સાદી બસ્તી (enema) આપીને કે ગુદામાં દવા મૂકીને મળ સાફ કરાય છે. ક્યારેક આવું કરવાથી જ પ્રસૂતિની શરૂઆત થાય છે. જરૂર હોય તો એક સાદી પ્રશાંતક દવા (tranquilliser) આપીને પૂરી ઊંઘ મળે તેવું કરાય છે. સવારે હળવા નાસ્તા પછી પ્રસૂતિકક્ષ(labour room)માં તેને લઈ જવાય છે. પેશાબ કરાવીને પછી પ્રસૂતિ-આરંભક દવા રૂપે ઑક્સિટોસિન અપાય છે. જ્યારે ગર્ભાશયનાં સંકોચનો વધે કે ગર્ભનાં પટલાવરણો ફાટે એટલે તેને આપવાનો દર વધારાય છે. ક્યારેક પટલાવરણોને કૃત્રિમ રીતે ફાડવાં પડે છે. જો ગર્ભનું માથું શ્રોણીમાં ગોઠવાઈ ગયું હોય છતાં પટલાવરણો આપોઆપ ફાટ્યાં ન હોય તો તેની જરૂર પડે છે. ગ્રીવામુખમાંથી દેખાતી ગર્ભના શીર્ષની આગળ આવેલી ગર્ભજળભરેલી જે પોટલી હોય છે તેને પ્રવાહીની પ્રપુટિકા (bag of waters) કહે છે. તેમાં દાંતવાળા ચીપિયા વડે કાણું પડાય છે. તેને કોષ્ઠાવરણીય છિદ્રણ (amniotomy) કહે છે. આ રીતે  ગર્ભનાં પટલાવરણોમાં કાણું પડાય છે. કાણું પાડ્યા પછી તેમાંથી બહાર આવતા પ્રવાહીનાં કદ અને રંગને નોંધવામાં આવે છે. યોનિની તપાસ કરીને ગર્ભનાળ બહાર આવી જતી નથી તેની ખાતરી કરાય છે. જો 24 કલાકમાં પ્રસૂતિ ન થાય તો અંદર ચેપ લાગવાનો ભય રહે છે. તેથી તેવે સમયે ઍન્ટિબાયૉટિક દવાઓ આપવી પડે છે.

સાધનીય પ્રસૂતિ : પ્રસૂતિના બીજા તબક્કાને ટૂંકો કરવાની જરૂર હોય ત્યારે પ્રસૂતિચીપિયા (obstetric forceps) અથવા શૂન્યાવકાશી બહિષ્કર્ષકો(vacuum extractors)નો ઉપયોગ કરાય છે. પ્રસૂતિચીપિયાના 3 પ્રકારો અને વિવિધ આકારો હોય છે. જો ગર્ભશિશુનું માથું યોનિછિદ્રની બહાર આવતું હોય તે સમયે ચીપિયાની મદદની જરૂર પડે તો તેને માટે બહિર્દ્વારી ચીપિયા(outlet forceps)નો ઉપયોગ કરાય છે. તેવી જ રીતે ગર્ભશિશુનું માથું શ્રોણીમાં ગોઠવાયેલું હોય અને ઉપસ્થવિસ્તાર સુધી ન પહોંચ્યું હોય તેવી 2 જુદી જુદી સ્થિતિઓમાં મધ્યસ્થાની ચીપિયા (midforceps) અને અધ:સ્થાની ચીપિયા(low forceps)નો ઉપયોગ કરાય છે. ચીપિયાના મુખ્ય 3 ભાગ છે – હાથો (handle), મધ્યદંડિકા (shank) અને પહોળું કાણાવાળું પાનું (blade). મધ્યદંડિકાઓ સમાંતર હોય તેવો ચીપિયો ગર્ભના લાંબા માથા માટે વપરાય છે. જો તે એકબીજા પર આવે એ રીતે ગોઠવાતા હોય તો તે ગોળ માથા માટે ઉપયોગી છે. જો ગર્ભશિશુ તેની બેઠકથી અવતરે અને તેનું માથું પાછળથી આવતું હોય ત્યારે પાઇપરના ચીપિયાનો ઉપયોગ કરાય છે. બાર્ટન અને કિલૅન્ડનો ચીપિયો જો માથાને 90oથી વધુ ગોળ ફેરવવાની જરૂર હોય ત્યારે વપરાય છે. જ્યારે બીજો તબક્કો લાંબો થઈ જાય, ગર્ભને સંકટ ઉદભવે કે માતાને હૃદય અથવા અન્ય અવયવોના વિકારો હોય ત્યારે પ્રસૂતિનો બીજો તબક્કો સફળતાપૂર્વક પૂરો કરવા માટે ચીપિયાનો ઉપયોગ કરાય છે.

ચીપિયાનો ઉપયોગ કરતા પહેલાં ગર્ભશિશુની અંદરની સ્થિતિ ફરીથી ચકાસી લેવાય છે અને સ્થાનિક, અધિર્દઢિકી કે કરોડરજ્જુલક્ષી નિશ્ચેતના (spinal anaesthesia) આપીને તે ભાગને બહેરો કરાય છે. ત્યારબાદ ભગછેદન કરાય છે. ચીપિયાને સાચવીને વાપરવામાં આવે છે. યોનિના પાછલા ભાગ(posterior aspect)માં તેને પ્રવેશ આપવામાં આવે છે. ગર્ભાશયના દરેક સંકોચને જ્યારે માતા ગર્ભશિશુને નીચે ધકેલતી હોય ત્યારે ચીપિયા વડે નીચે ખેંચવામાં આવે છે. ચીપિયાના ઉપયોગને કારણે ક્યારેક શિશુના ચહેરાના સ્નાયુનો લકવો, ખોપરીનાં હાડકાંનું તૂટવું, માથા પર લોહી જામી જવું કે મગજમાં લોહી વહે એવી આનુષંગિક તકલીફો પણ થાય છે. ક્યારેક માતાની યોનિમાં, ગર્ભાશયગ્રીવામાં, મળાશયમાં કે મૂત્રાશયમાં ચીરા પડે છે અથવા શ્રોણીમાં લોહી વહે કે લોહીનો ગઠ્ઠો જામી જાય છે. જોકે યોગ્ય રીતે ચીપિયાનો ઉપયોગ કરેલો હોય તો ખાસ વધારાની તકલીફ થતી નથી.

આકૃતિ 8 : વિવિધ પ્રકારના પ્રસૂતિસહાયક ચીપિયા. (અ) ટકર – મેકલેન, (આ) સિમ્પસન, (ઇ) ઇલિયટ, (ઈ) કિલૅન્ડ, (ઉ) બાર્ટન, (ઊ) પાઈપર, (એ) બેલી – વિલિયમસન. નોંધ : (ક) અને (ખ) ચીપિયાના બે જુદા જુદા ખૂણેથી દેખાવો. (1) હાથો, (2) મધ્યદંડ, (3) પાનું

શૂન્યાવકાશી બહિષ્કર્ષણ (vacuum extraction) : શૂન્યાવકાશ સર્જીને ગર્ભશિશુને બહાર કાઢવાની પદ્ધતિને શૂન્યાવકાશી બહિષ્કર્ષણ કહે છે. સૌપ્રથમ ધાતુની વાટિકા(cup)વાળું સાધન બનાવાયું હતું, ત્યારબાદ ઢીલી અથવા પ્લાસ્ટિકની વાટિકાવાળા પણ બહિષ્કર્ષકો (extractors) બનાવેલા છે. શૂન્યાવકાશી બહિષ્કર્ષકોમાં વિદ્યુતનો પમ્પ અથવા દાબપ્રચાલક (electric pump) કે હાથથી ચાલતા પમ્પ પણ વપરાય છે. તેના વપરાશનો સિદ્ધાંત પ્રસૂતિલક્ષી ચીપિયા જેવો જ છે. તેમાં એ વાતનું ખાસ ધ્યાન રખાય છે કે તેની વાટિકામાં માતાની યોનિની દીવાલનો કોઈ ભાગ આવી જતો નથી. તેની આનુષંગિક તકલીફોને કારણે ક્યારેક ગર્ભના માથામાં લોહીનો ગઠ્ઠો જામે, ગર્ભના હાથની ચેતાઓને નુકસાન થાય, ગર્ભને ગૂંગળામણ થાય અને તેના ર્દષ્ટિપટલ કે મગજમાં લોહી વહે. માતાની યોનિ કે મળાશયમાં ક્યારેક ચીરા પણ પડે. ચીપિયાને બદલે બહિષ્કર્ષકનો ઉપયોગ કરવાથી માતાને ઓછી ઈજા થાય છે. પરંતુ ગર્ભના ખભાના અવતરણમાં તકલીફ રહે છે, નવજાત શિશુનો દેખાવ બગડે તેવી ઈજા થાય છે અને તેને કમળો થઈ આવે છે. બંને પ્રક્રિયાઓમાં માથા પર લોહી જામવાની તકલીફ લગભગ એકસરખી હોય છે.

ઉદરછેદી પ્રસૂતિ (caesarean section) : જો પ્રસૂતિની ક્રિયા આગળ વધતી અટકી ગઈ હોય, ગર્ભને સંકટ (foetal distress) હોય, ગર્ભશિશુ અવળું કે ખોટી રીતે ગોઠવાયેલું હોય, સ્ત્રીને હર્પિસના વિષાણુનો ચેપ લાગ્યો હોય કે પહેલાંની પ્રસૂતિમાં પણ ઉદરછેદન કરાયેલું હોય તો ઉદરછેદી પ્રસૂતિની શસ્ત્રક્રિયા કરાય છે. ક્યારેક ગર્ભના અવતરણમાર્ગમાં તેની ઓર આગળ (એટલે કે તે ખોટી જગ્યાએ) ચોંટેલી હોય તોપણ ઉદરછેદી શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. તેના 3 પ્રકારો છે — (1) નીચેના ભાગમાં આડો છેદ, (2) ઊભો અથવા આદર્શ (classical) છેદ તથા (3) નીચેના ભાગમાં પણ ઊભો છેદ. ગર્ભાશય પર મુકાયેલા છેદના પ્રમાણે તેના આ 3 પ્રકારો નક્કી કરાયેલા છે. સામાન્ય રીતે નીચે આડો છેદ કરીને શસ્ત્રક્રિયા કરાય છે. તેમાં પાછળથી ફરી થતી સગર્ભાવસ્થામાં ગર્ભાશય ફાટી જતું નથી. જો તેનું ક્ષતચિહ્ન (scar) ખૂલી જાય તોય તે અપૂર્ણપણે ખૂલે છે. તે જીવનને માટે કોઈ મોટું જોખમ સર્જતું નથી. ગર્ભશિશુ પગ આગળ અને નીચો રાખીને અવતરે તેવી બેઠકવિસ્તારવાળી દર્શાંગતા ધરાવતો હોય કે આડો ગોઠવાયેલો હોય તો એવી સ્થિતિમાં ઊભો છેદ કરાતો હતો. તેના પછી થતી બીજી સગર્ભાવસ્થામાં પ્રસૂતિ સમયે ગર્ભાશય ફાટી જવાની શક્યતા ઘણી વધુ હોવાથી તે સમયે કુદરતી પ્રસૂતિ કરવા દેવામાં આવતી નહતી. હાલ જોકે લગભગ દરેક કિસ્સામાં ગર્ભાશયના નીચલા ભાગમાં આડો છેદ કરીને શસ્ત્રક્રિયા કરાય છે તથા ગર્ભશિશુને જન્મ અપાય છે. આ પ્રકારની શસ્ત્રક્રિયાને શાસ્ત્રીય રીતે અધ:સ્થાની ગર્ભાશય કાપછેદન (lemer segemnt cessarian section) કહે છે. જો ગર્ભશિશુનાં ફેફસાં બરાબર કામ કરે છે એવું સાબિત થઈ શક્યું હોય તો 38મા અઠવાડિયે શસ્ત્રક્રિયા કરી લેવાય છે.

ઉદરછેદી પ્રસૂતિની શસ્ત્રક્રિયા પછી ક્યારેક ઘાવમાં ચેપ લાગે, ગર્ભાશયમાં ચેપ પ્રસરે, મૂત્રાશય કે મળાશયમાં ઈજા થાય, ગ્રીવામાં ચીરા પડે, ગર્ભશિશુ અપૂરતી પક્વતા સાથે જન્મે કે તેના માથાની ચામડીમાં ચીરા પડે વગેરે વિવિધ આનુષંગિક તકલીફો થાય છે. ઍન્ટિબાયૉટિક દવાઓથી ચેપ અટકાવી શકાય છે. નીચો અને આડો છેદ કરેલો હોય એવી સ્ત્રીઓમાં 75 %થી 82 % કિસ્સામાં બીજી પ્રસૂતિ યોનિમાર્ગે (સામાન્ય રીતે) કરી શકાય છે. તેમાં ગર્ભાશય ફાટી જવાનો ભય 0.7 % જેટલો જ નોંધાયો છે અને ગર્ભાશયમાં નાનું કાણું પડી જવાનો દર 4 %નો છે. પાછળની સગર્ભતામાં શસ્ત્રક્રિયામાં ફેફસાંનો કેટલો વિકાસ છે તે જાણવો જરૂરી છે. ગર્ભશિશુની ફેફસાંની પાકટતા જાણવા માટે લેસિથિન-સ્ફિન્ગોમાયલિનનું ગુણોત્તરપ્રમાણ 2 : 1 હોય કે ફોસ્ફીટાયડિલ ગ્લિસેરોલની હાજરી જાણવામાં આવે છે. જો ફેફસાં પૂરતાં વિકસેલાં હોય તો 38મા અઠવાડિયે શસ્ત્રક્રિયા કરાય છે.

પશ્ચપ્રસૂતિ રુધિરસ્રાવ (post-partum hamorrhage) : પ્રસૂતિનો ત્રીજો તબક્કો લોહી વહેવાનું બંધ થાય ત્યારે થાય છે. જો ત્રીજા તબક્કામાં 600 મિલી.થી વધુ લોહી વહી ગયું હોય તો તેને પશ્ચપ્રસૂતિ રુધિરસ્રાવ કહે છે. જોકે પ્રસૂતાના શરૂઆતના હીમોગ્લોબિનના પ્રમાણને તેમાં ધ્યાનમાં લેવું પડે છે. જરૂર પડ્યે ગર્ભાશયનાં સંકોચનોને મજબૂત કરવા અર્ગોટેમાઇન કે ઑક્સિટોસિન અપાય છે. ગર્ભાશયનું ઘુમ્મટતલનું પેટ પરથી મર્દન (massage) કરવામાં આવે છે. જો 30 મિનિટથી વધુ સમય ઓર અંદર રહે તો નિશ્ચેતકોની અસર હેઠળ તેને હાથથી બહાર કઢાય છે. તે સમયે ચેપ ન લાગે તે ખાસ જોવાય છે. નસ વાટે લોહી, પ્રવાહી અને અન્ય દવાઓ અપાય છે. ચેપ રોકવા માટે ઍન્ટિબાયૉટિક વપરાય છે. મૂત્રાશયને નિવેશિકાનળી વડે ખાલી કરાય છે.

પ્રકાશ પાઠક

શિલીન નં. શુક્લ