પ્રસિદ્ધ મનોહર (જ. અને અ. ઓગણીસમી સદી) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. તેમના પિતા ઠાકુર દયાલ પોતે સંગીતકાર અને ખયાલ-ગાયકીના પ્રવર્તક સદારંગ-અદારંગના શિષ્ય હતા. તેમના ત્રણેય પુત્રો — મનોહર મિશ્ર, હરિપ્રસાદ મિશ્ર તથા વિશ્વેશ્વર મિશ્રે પણ શાસ્ત્રીય કંઠ્ય સંગીતના ક્ષેત્રે તેમના જમાનામાં નામના મેળવી હતી. આ ત્રણેય ભાઈઓમાં મનોહર વધારે પ્રસિદ્ધિ પામ્યા, જેને લીધે તેઓ ‘પ્રસિદ્ધ મનોહર’ નામથી સંગીતજગતમાં જાણીતા થયા છે. તેમણે સંગીતની પ્રાથમિક તાલીમ પિતા પાસેથી અને ત્યારપછી ટપ્પાના વિખ્યાત ગાયક શોરીમિયાં પાસેથી સતત સાત વર્ષ સુધી તાલીમ પ્રાપ્ત કરી. અયોધ્યાના તત્કાલીન નવાબ સઆદતઅલીખાં પ્રસિદ્ધ મનોહરની ગાયકીથી પ્રભાવિત થયા અને પોતાના દરબારમાં ગાયક તરીકે તેમની નિમણૂક કરી. દિલ્હીના સુલતાન બહાદુરશાહ ઝફરે જ્યારે તેમની કીર્તિ સાંભળી ત્યારે સુલતાને માત્ર પ્રસિદ્ધ મનોહર જ નહિ, પરંતુ તેના બીજા બે ભાઈઓની પણ પોતાના દરબારમાં રાજગાયક તરીકે નિમણૂક કરી. બહાદુરશાહે સ્વયં પ્રસિદ્ધ મનોહર પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ પ્રાપ્ત કરી. સુલતાને આ ત્રણેય ભાઈઓને ધન ઉપરાંત જાગીર પણ બક્ષી. જાગીરમાં તેમને મળેલ ત્રણે ગામો – શિવપુર, જુડપર તથા પરમપુર – બનારસ જિલ્લામાં છે. પ્રસિદ્ધ મનોહરને જમીનદારીમાં સીધો રસ ન હતો અને તેથી જાગીરનું કામકાજ પોતાના ભાઈ વિશ્વેશ્વર મિશ્રને સોંપી તેઓ પોતે કાશી જતા રહેલા.
એક વાર પતિયાલાનરેશ મહારાજા મહેન્દ્ર પ્રતાપસિંહે ચાળીસ દિવસના વિરાટ સંગીતસંમેલનનું આયોજન કર્યું, જેમાં દેશના 1,400 જેટલા અગ્રણી સંગીતકારો હાજર રહ્યા હતા. આ સંમેલનને સ્પર્ધાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને તે દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય કક્ષાના કલાકારોની પસંદગી થવાની હતી. સંમેલનમાં હાજર હોવા છતાં પ્રસિદ્ધ મનોહરે તેમાં પોતાનું ગાયન પ્રસ્તુત કર્યું ન હતું. નિર્ણાયકગણે તાનરસખાં નામક ગાયકને સર્વશ્રેષ્ઠ ગાયક તરીકે જાહેર કર્યા. આ જાહેરાત પછી મહારાજા પ્રતાપસિંહના આગ્રહને માન આપી પ્રસિદ્ધ મનોહરે પોતાનું ગાયન રજૂ કર્યું, જેમાં કોઈ સ્વતંત્ર રાગ રજૂ કરવાને બદલે સંમેલનમાં રજૂઆત કરી ચૂકેલા પંદર જેટલા શ્રેષ્ઠ સંગીતકારોના ગાયનની આબેહૂબ નકલ કરી. ઉપસ્થિત સમગ્ર સંગીતનિપુણ સમુદાય એટલો બધો પ્રભાવિત થયો કે મહારાજાની સંમતિથી અગાઉ જાહેર થયેલ નિર્ણય રદ કરવામાં આવ્યો અને સર્વશ્રેષ્ઠ ગાયકની ઉપાધિ પ્રસિદ્ધ મનોહરને બક્ષવામાં આવી. મહારાજાએ પોતે તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું અને ગુરુદક્ષિણા તરીકે તેમને સવા લાખ રૂપિયા ઉપરાંત સોનાચાંદીનાં ઘરેણાંની ભેટ આપી.
જીવનનાં છેલ્લાં વર્ષો દરમિયાન તેઓ નેપાલનરેશના દરબારી ગાયક હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે