પ્રસારણી : જેના ઉપયોગથી શરીરનાં જકડાઈ ગયેલાં અંગો છૂટાં થાય તે આયુર્વેદિક ઔષધ. પ્રસારણીને ‘अपेहिवाता’ અર્થાત્ વાતદોષદૂરકર્તા પણ કહે છે.
ઔષધિનાં અન્ય નામો : સંસ્કૃત, હિન્દી, ગુજરાતી – બધી ભાષામાં તે ‘પ્રસારણી’ નામે અને મરાઠીમાં પ્રસારણ નામે, લૅટિનમાં Paederia faetida તથા બંગાળીમાં ‘ગંધમાદુલિયા’ નામે ઓળખાય છે. તે મંજિષ્ઠાદિ વર્ગ – રૂબિયેસી કુળની વનસ્પતિ છે. તે બંગાળમાં ખૂબ થાય છે. ગુજરાતમાં તે બનાસકાંઠામાં વેલ રૂપે થાય છે. તે એક અતિશય ખરાબ ગંધવાળી વેલ પ્રકારની વનસ્પતિ છે. તેનાં પાન સૂંઘતાં મળ જેવી ખરાબ ગંધ તેમાંથી આવે છે. તે વેલ રૂપે ખૂબ ફેલાય છે. તેનો રસ સ્વાદે કડવો હોય છે. આખો છોડ ઔષધ રૂપે ઉપયોગી છે.
પ્રસારણી રસમાં કડવી, ઉષ્ણવીર્ય, વિપાકે તીખી; વાયુ અને પિત્તદોષહર્તા, પચવામાં ભારે, મળ-મૂત્રસારક, સંધાનકર્તા, વૃષ્ય, તેજ અને કાન્તિવર્ધક, બલપ્રદ તથા ત્રિદોષશામક છે. તે હરસ અને સોજાનાશક તથા મળ અટકાવનાર છે.
‘ચક્રદત્ત ચિકિત્સા’ ગ્રંથમાં વાતવ્યાધિ રોગની સારવારમાં પ્રસારણી તેલના અનેક પ્રયોગો બતાવ્યા છે; જેમાં કુબ્જ પ્રસારણી તેલ, ત્રિશતી પ્રસારણી તેલ, સપ્તશતિક તેલ, એકાદશશતિક તેલ તથા અષ્ટાદશશતિક તેલ ખાસ છે. આ તેલના માલિસથી ત્વચા(ચામડી)ના રોગો, પીવાથી પેટ-કોઠાના રોગો, બસ્તિ(એનિમા)થી પક્વાશય(પાચન)ના રોગો તથા નિરૂહ-બસ્તિથી શરીરગત બધા વાતરોગ મટે છે. આ તેલનો ઉપયોગ માનવી ઉપરાંત ગાય, બળદ, ઘોડા જેવા પાલતુ પશુઓના વાતરોગોમાં પણ થઈ શકે છે. તે ઉપરાંત આ તેલ વૃક્ષોના મૂળમાં નાખવાથી, તેમનો સારો વિકાસ થાય છે.
વાતરોગો : પ્રસારણીના આખા છોડને ખાંડી, તેનો રસ કાઢવામાં આવે છે. તેની લૂગદી (કલ્ક) બનાવી, તેમાં રસથી ચોથા ભાગે તલ-તેલ તથા રસથી અર્ધું દૂધ નાંખી, તેલ પકાવી સિદ્ધ કરી લેવામાં આવે છે. આ તેલ વાયુદોષનાં તમામ દર્દોમાં પીવા માટે, નાકમાં ટીપાં (નસ્ય) નાંખવા માટે તથા માલિસ અને બસ્તિ(એનિમા)માં વાપરવાથી લાભ થાય છે.
આમવાત (rheumatism) : પ્રસારણીના પંચાંગનો ઉકાળો 750 ગ્રામ લઈ, તેમાં 175 ગ્રામ ગોળ તથા 175 ગ્રામ લસણ (વાટીને) રીઢાપાકા વાસણમાં ભરી, અનાજની કોઠીની વચ્ચે (દબાવીને) 7 દિવસ રાખીને પછી તે કાઢી લેવામાં આવે છે. તે પછી તેમાં લીંડીપીપર, ગંઠોડા, ચિત્રક, ચવક અને સૂંઠનું 125 ગ્રામ ચૂર્ણ નાખી, ચાટણ બનાવી, તેનું રોજ 5થી 10 ગ્રામ જેટલું સેવન કરવાથી આમવાતને કાબૂમાં લઈ શકાય છે.
મૂત્રકૃચ્છ્ર (પેશાબની અટકાયત પીડા) : પ્રસારણીના પાનનું ચૂર્ણ 5 ગ્રામ જેટલું લઈ, રોજ સવારે અને સાંજે નાળિયેરના પાણી સાથે પીવાના નિયમથી મૂત્રકષ્ટ અને પથરી (કૅલ્ક્યુલી) બંનેમાં લાભ થાય છે.
ધાવણા બાળકની હેડકી : પ્રસારણીના સિદ્ધ તેલનાં 3થી 4 ટીપાં હેડકીવાળા બાળકના નાકમાં નાંખવાથી, તે જ તેલ 10થી 20 ટીપાં દૂધ સાથે પાવાથી, જરા ગરમ કરી, તે તેલનું બાળકના શરીરે માલિસ કરવાથી અથવા પ્રસારણીના પાનની લૂગદી (કલ્ક) ગરમ કરી બાળકની છાતીએ તેનો લેપ કરવાથી હેડકી કાબૂમાં આવે છે.
‘શાર્ઙગધરસંહિતા’ના મધ્યમ ખંડ – અધ્યાય 9માં પ્રસારણી તેલની નિર્માણવિધિ અને ઉપયોગ દર્શાવ્યાં છે. આ તેલનું શરીરે નિત્ય માલિસ કરવાથી વાયુ અને પિત્તદોષજન્ય દર્દો, પીઠમાંનું ખૂંધાપણું, પગની લંગડાશ, પગની રાંઝણ (સાયેટિકા), ચહેરાનો લકવા (અડદિયો વા) તથા ગરદન જકડાઈ જવાના (સ્પૉન્ડિલૉસિસ) કે કમર જકડાઈ જવાના રોગો, વાતપ્રધાન રોગો દૂર થતા હોવાના નિર્દેશો મળે છે.
ચં. પ્ર. શુક્લ
ભાનુપ્રસાદ મનસુખરામ નિર્મળ
બળદેવપ્રસાદ પનારા