પ્રસાદ જયશંકર (જ. 1889, વારાણસી; અ. 1937) : હિંદી સાહિત્યકાર. અત્યંત સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત કુટુંબના. પિતા દેવીપ્રસાદ સાહુ. પરિવાર શિવ-ઉપાસક હોવાના કારણે પ્રસાદજીનું ‘જયશંકર’ નામ પાડવામાં આવ્યું. પ્રારંભમાં સંસ્કૃત, હિંદી, ફારસી અને ઉર્દૂનું શિક્ષણ ઘેર રહીને લીધું. કિશોરવયમાં પિતા અને પછી માતાનું છત્ર ગુમાવ્યું. એ પછી મોટા ભાઈના અવસાનને કારણે 17 વર્ષની ઉંમરે પૈસેટકે ઘસાતા જતાં સમગ્ર કુટુંબની જવાબદારી જયશંકરના શિરે આવી પડી. એમનાં પ્રિય સ્થળોમાં ઘરમાં બનાવેલો બગીચો, મંદિર અને અખાડો પ્રકારાન્તરે એમના વ્યક્તિત્વ અને સાહિત્યમાં જોવા મળતાં સૌંદર્યબોધ, આધ્યાત્મિકતા અને પૌરુષના સંકેતો છે.
પ્રસાદજીએ કવિતા, નાટક, નવલકથા, નવલિકા અને નિબંધ-વિવેચન – એમ અનેક સાહિત્ય-સ્વરૂપો ખેડ્યાં છે. પહેલી વાર 9 વર્ષની ઉંમરે ‘કલાધર’ ઉપનામથી વ્રજભાષામાં સવૈયા છંદની રચના કરી. કાવ્યરચનાની પ્રેરણા તેમના ઘેર થતી કાવ્યગોષ્ઠિઓ, પાદપૂર્તિની મહેફિલો વગેરે ઉપરાંત કાવ્યગુરુ રસમય સિદ્ધ પાસેથી મળી. ત્યારબાદ 1909ની આસપાસ ‘ઇન્દુ’ નામની માસિક પત્રિકામાં ખડી બોલી હિંદીમાં રચાયેલી એમની કાવ્યકૃતિઓ પ્રગટ થવા લાગી. 1918માં પ્રસાદજીનો ખડી બોલી હિંદીમાં ‘ચિત્રાધાર’ નામનો સંગ્રહ આવ્યો. આમાં કવિતા, નવલિકા, નાટક, નિબંધ – આ બધાં સ્વરૂપોનું સંકલન હતું. આગળ જતાં હિંદી સાહિત્યમાં છાયાવાદી કવિતાના પ્રણેતા, ઐતિહાસિક નાટકના અગ્રદૂત, સામાજિક વાસ્તવદર્શી નવલકથાકાર, રંગદર્શી વાર્તાકાર અને ચિંતનાત્મક નિબંધકાર તરીકે પ્રસાદે ચિરસ્મરણીય સ્થાન મેળવ્યું.
કવિ પ્રસાદની રચનાઓમાં ‘પ્રેમપથિક’, ‘ચિત્રાધાર’, ‘કાનનકુસુમ’, ‘ઝરના’, ‘આંસૂ’, ‘લહર’ અને ‘કામાયની’ મહત્વપૂર્ણ છે. ‘ઝરના’ હિંદીની છાયાવાદી ઊર્મિકવિતાનું પ્રથમ પ્રસ્ફુટન છે; તો એની ચરમ ઉપલબ્ધિ છે ‘કામાયની’ જેવું મહાકાવ્ય. પ્રસાદે કવિતામાં શરૂઆત વ્રજભાષાની પરંપરામાં કરી, પણ પછીથી એમના હસ્તે ખડી બોલી હિંદી અનોખો અને આગવો નિખાર પામી. પ્રેમ, પ્રકૃતિ, ઇતિહાસ, માનસશાસ્ત્ર, તત્વજ્ઞાન, વેદ, ઉપનિષદ અને પુરાણ જેવા વિષયોમાં ઊંડાં રસ-રુચિ બચપણથી જ કેળવાયાં હોવાના કારણે એમની કવિતામાં એનું દર્શન થાય છે.
‘આંસૂ’ પ્રસાદજીનું શ્રેષ્ઠ ગીતિકાવ્ય છે. એમાં પ્રેમ અને વિરહના સૂક્ષ્મ નિરૂપણ દ્વારા અંગત પ્રણયાનુભૂતિ ઊર્ધ્વીકૃત થઈ શાશ્વત એવા આધ્યાત્મિક પ્રેમની વ્યંજના કરે છે. ‘લહર’ પ્રસાદજીનાં સર્વોત્તમ ઊર્મિકાવ્યોનો સંગ્રહ છે. ‘કામાયની’ દ્વારા એમણે આધુનિક મહાકાવ્યનું એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાના સમયના પરિવેશની અરાજકતા અને વિચ્છિન્નતાથી ક્ષુબ્ધ એવા પ્રસાદજીની માનવીના શાશ્વત અને વિશુદ્ધ સત્વની કથા-રચનાની તીવ્ર ઝંખના ‘કામાયની’માં મૂર્ત થઈ છે. અહીં મુખ્ય ત્રણ પાત્રો છે : મનુ, શ્રદ્ધા અને ઇડા. મનુ એટલે કે માનવ-મનમાં શ્રદ્ધા અને બુદ્ધિના સંઘર્ષ અને પછી એના સમન્વયની કથા રૂપકગ્રન્થિ દ્વારા કહેવાઈ છે. પરસ્પરવિરોધી એવાં વિવિધ શાસ્ત્રો, વાદો, સંપ્રદાયો વચ્ચે સંવાદ રચવા માટે પ્રસાદજીએ એક ‘આનંદલોક’ની કલ્પના કરી છે. અહીં જ્ઞાન, ઇચ્છા અને ક્રિયા વચ્ચે કોઈ ભેદ નથી.
નાટકના ક્ષેત્રમાં પ્રસાદજીએ તત્કાલીન સમયમાં ગુંજતી રાષ્ટ્રીય ભાવના અને સાંસ્કૃતિક ચેતનાનો પડઘો ઝીલી ઐતિહાસિક-સાહિત્યિક નાટકો દ્વારા હિંદી નાટકને એક નવું પરિમાણ આપ્યું. ‘સજ્જન’, ‘પ્રાયશ્ચિત્ત’, ‘કરુણાલય’, ‘રાજ્યશ્રી’, ‘વિશાખ’, ‘અજાતશત્રુ’, ‘જનમેજય કા નાગયજ્ઞ’, ‘કામના’, ‘સ્કંદગુપ્ત’, ‘એક ઘૂંટ’, ‘ચંદ્રગુપ્ત’ અને ‘ધ્રુવસ્વામિની’ વગેરે નાટકોમાં મોટાભાગે ભારતીય ઇતિહાસની ઉજ્જ્વળ પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રભાવના અને સ્વાતંત્ર્ય માટે ઝૂઝવાની સંગ્રામભાવનાની સાથોસાથ ઉત્તમ માનવીય મૂલ્યોની ઝંખનાનું નિરૂપણ થયું છે. પ્રસાદનાં નાટકોના આધ્યાત્મિક નાયકો પરાક્રમ અને ત્યાગ દ્વારા, તો, ઉદાત્ત નારી-પાત્રો પ્રેમ અને સમર્પણ દ્વારા ચિરંતન છાપ છોડી જાય છે.
કથાસાહિત્યમાં પ્રસાદજીની નવલકથાઓ ‘કંકાલ’ અને ‘તિતલી’માં સામાજિક વાસ્તવનું ચિત્રણ થયું છે. ‘કંકાલ’માં સમાજનાં આધ્યાત્મિક અને નૈતિક અનિષ્ટોનું તથા ‘તિતલી’માં પતનશીલ સામંતશાહી મૂલ્યોના વિઘટનનું વર્ણન થયું છે. ‘તિતલી’માં ગાંધીજીનો પ્રભાવ જોઈ શકાય. ‘ઇરાવતી’ એમની અધૂરી ઐતિહાસિક નવલકથા છે. ‘આકાશદીપ’, ‘આંધી’, ‘છાયા’, ‘પ્રતિધ્વનિ’ અને ‘ઇન્દ્રજાલ’ નવલિકાસંગ્રહમાં વિવિધ વર્ગોનાં વિશિષ્ટ પાત્રોના ભાવસંઘર્ષોનું કાવ્યાત્મક ભાષામાં ચિત્રણ થયું છે.
‘કાવ્યકલા ઔર અન્ય નિબંધ’ એમનો મરણોત્તર પ્રકાશિત વિવેચનગ્રંથ છે. ગહન અનુભૂતિના રચનાકાર પ્રસાદજીનું સમગ્ર સાહિત્ય માનવીય અને સાંસ્કૃતિક ભૂમિકા પર પ્રતિષ્ઠિત છે. હિંદી સાહિત્યમાં બહુમુખી પ્રતિભાસંપન્ન સાહિત્યકાર તરીકે પ્રસાદજીનું પ્રદાન અનન્ય છે.
બિંદુ ભટ્ટ