પ્રસન્નરાઘવ (તેરમી સદીનો પૂર્વાર્ધ) : જયદેવે રચેલું રામકથા પરનું સંસ્કૃત નાટક. સાત અંકનું બનેલું આ નાટક વાલ્મીકિના રામાયણ પર આધારિત હોવા છતાં મૂળ કથાનકમાં જયદેવે ઘણાં પરિવર્તનો કરીને અદભુત નાટકીય અસરો ઉપજાવી છે. નાટ્યકાર જયદેવે પ્રસ્તાવનામાં આપેલા પોતાના પરિચય મુજબ તેઓ કૌણ્ડિન્ય ગોત્રના હતા. સુમિત્રા અને મહાદેવના તેઓ પુત્ર હતા. મિથિલાનગરીના તેઓ રહેવાસી હતા. નાટ્યકાર હોવાની સાથે તેઓ તર્કશાસ્ત્રી પણ હતા. એટલે ન્યાયદર્શન પર આલોક નામની ટીકા તેમણે રચી છે. ‘ગીતગોવિંદ’ના જાણીતા કવિ જયદેવથી આ નાટ્યકાર જયદેવ જુદી વ્યક્તિ છે.
‘પ્રસન્નરાઘવ’ના પ્રથમ અંકમાં સીતાના સ્વયંવરના પ્રસંગમાં રાવણ અને બાણાસુર પોતપોતાની તાકાતની પ્રશંસા કરે છે. આથી બંને વચ્ચે સંઘર્ષ થાય છે અને અંતે સ્વયંવરના ઉમેદવારો તરીકે મશ્કરીને પાત્ર બને છે. બીજા અંકમાં અંત:પુરના બાગમાં ફૂલ તોડવા લક્ષ્મણ સાથે આવેલા રામ ત્યાં રહેલી જાનકીને જુએ છે. ત્રીજા અંકમાં સ્વયંવરમંડપમાં વિશ્વામિત્ર સાથે આવેલા રામ અને લક્ષ્મણનો પરિચય જનક રાજા સાથે થાય છે. રામને જનક મુગ્ધ બનીને જુએ છે અને ધનુષ્યની શરતથી ચિંતિત થાય છે; પરંતુ વિશ્વામિત્રની આજ્ઞાથી રામે શિવધનુષ્ય ભાંગતાં રામ સાથે સીતાનાં લગ્ન થાય છે. ચોથા અંકમાં પરશુરામને રામ અને લક્ષ્મણ સાથે કલહ થાય છે અને શમી જાય છે. આમ ચાર અંક સુધી વાલ્મીકિના રામાયણ-બાલકાંડની વાર્તા જ અહીં આલેખાઈ છે. પાંચમા અંકમાં ગંગા, યમુના અને સરયૂ એ ત્રણ નદીઓની વાતચીતમાં લગ્ન પછી અયોધ્યા પહોંચેલા રામનો વનવાસ અને દશરથનું મૃત્યુ સૂચવાય છે. હંસ નામની વ્યક્તિ દ્વારા સીતાહરણનો પ્રસંગ સૂચવાય છે. છઠ્ઠા અંકમાં વિયોગી રામનું માર્મિક ચિત્રણ છે. રામ રસ્તામાં મળતી જુદી જુદી વસ્તુઓને સીતાની ભાળ પૂછે છે; જ્યારે લંકામાં વિયોગિની સીતા અશોકવૃક્ષ પાસે બળી મરવા જાય છે તે જોઈ હનુમાન રામની વીંટી સીતા પર ફેંકે છે. આથી સીતા આત્મહત્યા કરવાનું માંડી વાળે છે. સાતમા અંકમાં નોકર કરાલ, રાવણને વિભીષણ વગેરે છોડી ગયા છે એમ જણાવે છે. એ પછી રામ અને રાવણનું યુદ્ધ અને રાવણનો વધ વિદ્યાધરદંપતી વર્ણવે છે. સુગ્રીવ અને વિભીષણ ચંદ્રોદયનું વર્ણન કરે છે. અંતે વિદ્યાધરદંપતી સીતાની અગ્નિપરીક્ષા તથા રામે કરેલો સીતાનો સ્વીકાર વર્ણવે છે. એ પછી રામનું પુષ્પક વિમાનમાં અયોધ્યાગમન અને તેમના રાજ્યાભિષેક સાથે આ નાટક સમાપ્ત થાય છે. આ નાટકમાં નાટ્યતત્વ કરતાં કાવ્યતત્વ વધુ છે. જયદેવની રચના લલિત અને પ્રાસાદિક છે. આ નાટક પર મુરારિના ‘અનર્ઘરાઘવ’ નાટકની અસર જણાય છે; જ્યારે આ નાટકની અસર તુલસીદાસના રામચરિતમાનસ પર થયેલી જોવા મળે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી