પ્રશાસિત કિંમતો (administered prices) : ખાનગી કે જાહેર ક્ષેત્રની નાની કે મોટી પેઢી પોતે નક્કી કરેલા સમયગાળા માટે પોતાની પેદાશની જે કિંમત નક્કી કરે તે. કિંમત નક્કી કરવાની આવી શક્તિ ઇજારદાર પેઢી, અલ્પસંખ્ય પેઢીઓને હસ્તક ઇજારદારો, પેઢીઓએ રચેલાં કાર્ટેલો અને સરકારી સાહસો ધરાવતાં હોય છે. મહત્ત્વની બાબત એ છે કે વસ્તુની કિંમત માંગ અને પુરવઠાનાં પરિબળો દ્વારા નક્કી થતી નથી, એટલે કે ટૂંકા ગાળામાં વસ્તુ માટે માંગ વધે-ઘટે અથવા ઉત્પાદનખર્ચ વધે-ઘટે છતાં વસ્તુની કિંમતમાં ફેરફાર કરવામાં આવતો નથી.
ટૂંકા ગાળામાં માંગ કે ઉત્પાદનખર્ચમાં ફેરફારો છતાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન કરવા માટે પેઢીઓ પાસે કેટલાંક કારણો હોય છે; દા.ત., માંગમાં થયેલા ઘટાડાને પેઢીઓ ટૂંકા ગાળાની ઘટના ગણતી હોય, તેથી તેઓ કિંમતમાં ઘટાડો કરવાને બદલે ઉત્પાદનમાં ઘટાડો કરવાનું પસંદ કરે, ઓછી માંગના સંજોગોમાં કોઈ એક પેઢી દ્વારા કિંમત ઘટાડવામાં આવે તેમાંથી ‘ભાવ-યુદ્ધ’ની સ્થિતિ સર્જાય તો તે બધી જ પેઢીઓ માટે ભારે નુકસાનકારક નીવડી શકે. તેથી પેઢીઓ ભાવ-યુદ્ધ ટાળવાનું પસંદ કરતી હોય છે; પેઢીઓ તેમણે નક્કી કરેલા નફાને વળગી રહેવા માંગતી હોય તેના સંદર્ભમાં કિંમતનો ઘટાડો તેમને બિનજરૂરી લાગતો હોય; ઘણી પેઢીઓ માટે કિંમતના ફેરફાર સાથે કેટલુંક ખર્ચ સંકળાયેલું હોય છે; દા.ત., પેઢીની પેદાશનું વેચાણ કરતા બધા દુકાનદારોને કિંમતના ફેરફારની જાણ કરવી પડતી હોય છે, ભાવોની સૂચિઓ નવેસરથી છાપવી પડે છે, વેચનારાઓ સાથે હિસાબના પ્રશ્નો પણ ઊભા થાય છે. ટૂંકમાં, બધી ઔદ્યોગિક ચીજોના ભાવોમાં, ખેતપેદાશોના ભાવોની જેમ રોજેરોજ ફેરફારો થતા નથી, પણ સમયાંતરે જ થાય છે. આ હકીકતનો ખુલાસો પ્રશાસિત કિંમતના ખ્યાલ દ્વારા આપવાની કોશિશ કરવામાં આવી છે.
રમેશ ભા. શાહ