પ્રવ્રણ (canker) : વનસ્પતિ પર ચાઠાં પાડતો જીવાણુજન્ય રોગ. મનુષ્ય તથા પ્રાણીઓની માફક વનસ્પતિને પણ વિવિધ રોગો થાય છે. આ રોગકારકોમાં જીવાણુ, ફૂગ, વિષાણુ, પ્રજીવો તથા લીલ મુખ્ય છે. વનસ્પતિને જ્યારે કોઈ પણ કારકથી ચેપ લાગે ત્યારે તેનાં બાહ્ય લક્ષણોમાં ફેરફાર થાય છે. આવું એક અગત્યનું લક્ષણ પ્રવ્રણ છે. આમાં છોડનો કેટલોક ભાગ રોગથી મૃત બની ખાડા જેવો દેખાય છે, આને બળિયા પણ કહે છે. આવા ડાઘ રોગિષ્ઠ છોડની દાંડી, ફળ કે પર્ણ પર થતા હોય છે. જુદા જુદા પ્રકારના જીવાણુ વિવિધ જાતના પ્રવ્રણો માટે જવાબદાર હોય છે. ઉદાહરણ તરીકે, એર્વિનિયા એમાઇલોવોરા નામના જીવાણુ સુકારાનો રોગ પેદા કરે છે. તે શિયાળામાં ખેતરમાં જીવંત અવસ્થામાં રહે છે અને વસંતમાં નવો પાક ઉગાડવામાં આવે ત્યારે તેને રોગ કરે છે, આથી તેને હોલ્ડ ઓવર પ્રવ્રણ કહેવાય છે. અન્ય પ્રકારમાં જીવાણુનો ચેપ એક ઋતુ પૂરતો મર્યાદિત રહે છે અને ખેતરમાંથી પાક લઈ લીધા બાદ તે જીવાણુ નાશ પામે છે; ઉદાહરણ તરીકે, ઝેન્થોમોનાસ સિટ્રી લીંબુના છોડ પર રોગ કરે છે અને પ્રવ્રણનાં લક્ષણો પ્રગટ થાય છે. આ માટે એ જરૂરી છે કે જે ડાળ કે પાંદડાં પર પ્રવ્રણનાં લક્ષણો દેખાય તે ડાળ કે પાંદડાંનો અચૂક નાશ કરવો. તે ઉપરાંત રોગને વધતો અટકાવવા વનસ્પતિ પર બોરડેક્સ દ્રાવણનો છંટકાવ કરવો પડે છે.
હોસંગ ફરામરોજ મોગલ