પ્રવેગમાપક (accelerometer) : પ્રવેગ માપીને તેની નોંધ કરી શકાય તેવું સાધન. તે વિમાન, મિસાઇલ, અવકાશયાન વગેરેમાં વપરાય છે. આ સાધનના રેખીય (linear) અને કોણીય (angular) એમ બે પ્રકારો છે.
વેગ(velocity)નું પ્રત્યક્ષ માપન થઈ શકે છે, જ્યારે પ્રવેગનું માપન પરોક્ષ (indirect) રીતે કરવું પડે છે. મૂળભૂત રીતે ન્યૂટનના ગતિના બીજા નિયમ નો ઉપયોગ કરવામાં આવે છે. અહીં દ્રવ્યમાન mનો પ્રવેગ છે, કે જે બળ ની અસરથી ઉદભવે છે. પ્રવેગ પામતા પદાર્થ કે વાહન અથવા તંત્રમાં એક ચકાસણીના દ્રવ્યમાન (test body) mને ગોઠવવામાં આવે છે. પ્રવેગ લાગતો હોય તે સ્થિતિમાં પણ દ્રવ્યમાન mને સ્થિર અથવા નિશ્ચિત સ્થાને જાળવી રાખવા માટે જરૂરી રોધક બળ (restraining force) નું માપન કરીને, ઉપરથી ની ગણતરી કરવામાં આવે છે.
પ્રવેગ પામતા તંત્રમાં ચકાસણીમાં લેવામાં આવતું દ્રવ્યમાન m થોડું સ્થાનાન્તર પામે, કે તુરત જ એક સંવેદનશીલ પ્રયુક્તિ (device) કાર્યરત થાય છે. આ પ્રયુક્તિ હકીકતમાં વિદ્યુત પરિપથમાં એક અનુવર્તી (corresponding) ફેરફાર કરે છે અને ઉપર કહ્યું તે રોધક બળનું માપ નીકળે છે.
કોણીય પ્રવેગના માપનમાં ચકાસણીને દ્રવ્યમાન તરીકે ર્દઢ તકતી (rigid disc) અથવા તરલ(fluid)નો ઉપયોગ થતો હોય છે.
કમલનયન ન. જોશીપુરા