પ્રવરસેન બીજો : વાકાટક વંશનો રાજવી. આ વંશમાં પ્રવરસેન દ્વિતીય નામના બે રાજા થયા હતા. આ વંશની વત્સગુલ્મ શાખામાં વિન્ધ્યશક્તિ બીજાનો પુત્ર પ્રવરસેન બીજો (ઈ. સ. 400થી 410) રાજા થયો. તેના રાજ્યકાલ વિશે વધુ માહિતી મળતી નથી. અજંતાના લેખમાં જણાવ્યા મુજબ તે ઉત્કૃષ્ટ અને ઉદાર રાજ્યશાસન માટે વિખ્યાત હતો.
આ વંશની જ્યેષ્ઠ શાખાના દામોદરસેને (ઈ. સ. 420થી 450) રાજ્યારોહણના અવસર પર પોતાના સુપ્રસિદ્ધ પૂર્વજ ‘પ્રવરસેન’નું નામ ધારણ કર્યું. એણે પ્રવરસેન બીજા નામે જ દાનપત્રો આપેલાં છે. તામ્રપત્રો પરથી પ્રવરસેન બીજાએ લગભગ 30 વર્ષ રાજ્ય કર્યું હતું.
પ્રવરસેન બીજો પોતાના રાજ્યકાલનાં 11 વર્ષ સુધી પ્રાચીન રાજધાની નન્દિવર્ધન(વર્તમાન નગરધન)થી રાજ્ય કરતો હતો. એ પછી એણે પોતાના નામથી પ્રવરપુર નામના નવા નગરની સ્થાપના કરી, તેને પોતાની રાજધાની બનાવી. પ્રવરપુરથી આપેલ પ્રથમ તામ્રપત્ર એના રાજ્યકાલના અઢારમા વર્ષનું છે. પ્રાપ્ત પ્રાચીન અવશેષોથી જાણી શકાય છે કે, વર્ધા જિલ્લામાં વર્ધાથી 6 કિમી.ના અંતરે આવેલ પવનાર જ પ્રાચીન પ્રવરપુર છે.
પ્રવરસેન બીજો દાનવીર હતો. એનાં 13 જેટલાં તામ્રપત્રો મળ્યાં છે. પ્રવરસેનની અનેક પ્રાકૃત ગાથાઓ ‘ગાથાસપ્તશતી’માં સંકલિત છે. પોતે શિવભક્ત હતો તેમ છતાં પોતાની વિષ્ણુભક્ત માતા પ્રભાવતી ગુપ્તાની આજ્ઞાથી એણે ભગવાન રામચંદ્રના ચરિત્ર પર આધારિત ‘સેતુબન્ધ’ નામના કાવ્યની રચના મહારાષ્ટ્રી પ્રાકૃતમાં કરી. આ કાવ્યરચનામાં કવિકુલગુરુ કાલિદાસની બહુમૂલ્ય સહાય મળી હોવાનું કહેવાય છે.
રામજીભાઈ ઠા. સાવલિયા