પ્રમુખસ્વામી મહારાજ પરમ પૂજ્ય

February, 1999

પ્રમુખસ્વામી મહારાજ પરમ પૂજ્ય [ . (તા. ૧૨૧૯૨૧ (માગશર સુદ , સંવત ૧૯૭૮) ચાણસદ, જિ. વડોદરા, અક્ષરધામગમન : તા. ૧૩૨૦૧૬ (શ્રાવણ સુદ ૧૦, સંવત ૨૦૭૨)] : ભારતીય સંસ્કૃતિના પ્રખર જ્યોતિર્ધર અને વિશ્વવંદનીય મહાપુરુષ. ‘બીજાના સુખમાં આપણું સુખ’ અને ‘બીજાના ભલામાં આપણું ભલું’નો જીવનમંત્ર જીવનારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાધુતા, સમરસતા અને સેવાની પ્રતિકૃતિ સમા મહાન સંત હતાં.

તેઓનું બાળપણનું નામ શાંતિલાલ. પિતાનું નામ મોતીભાઈ અને માતાનું નામ દિવાળીબા. ખેતી અને ભક્તિપ્રધાન મોતીભાઈના પરિવારને ભગવાન સ્વામિનારાયણના તૃતીય આધ્યાત્મિક અનુગામી અને બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના યોગથી સ્વામિનારાયણીય સત્સંગનો રંગ લાગ્યો હતો. ગામમાં આદર્શ ગણાતા આ પરિવારમાં પ્રગટેલા શાંતિલાલના વ્યક્તિત્વમાં પણ ભક્તિ અને અધ્યાત્મની કંઈક અનોખી ચમક હતી. ગામના પાદરે આવેલા હનુમાનમઢીના મંદિરે બિરાજતા સાધુ હરિદાસ પાસેથી તેઓ જ્યારે રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા તેમજ હિમાલયનાં મહાન તીર્થો, યોગીઓ અને સંતો વિશેની વાતો સાંભળતા ત્યારે તેઓનું મન બદરી-કેદારની ગિરિકંદરાઓમાં પરમની આરાધના કરવા માટે પહોંચી જતું.

સ્વભાવે નરમ, સહનશીલ, શાંતિપ્રિય અને ધીરગંભીર શાંતિલાલ અભ્યાસમાં પણ ખૂબ જ તેજસ્વી હતા. ચાણસદમાં પાંચ ધોરણ સુધીના જ અભ્યાસની સુવિધા હતી. તેથી, ગામમાં આગળનો અભ્યાસ શરુ થાય કે નજીકના દરાપરા ગામે છટ્ઠા ધોરણનો અભ્યાસ શરુ થાય તે માટે તેઓએ બાળવયે બે વર્ષ સુધી અત્ર-તત્ર ખૂબ પ્રયાસો કર્યા. પરંતુ તે શક્ય ન બનતાં તેઓએ પાંચમું ધોરણ પાસ કર્યા પછી પાદરાની શાળામાં છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મેળવ્યો અને કઠોર પરિશ્રમી અને વિદ્યાવ્યાસંગી શાંતિલાલ દરરોજ પગપાળા કે સાયકલ પર સાત કિલોમીટરનું અંતર કાપી શાળાએ જતા.

એક દિવસ ગામના બાળકોએ ભેગા મળીને ક્રિકેટનાં સાધનો વસાવવાનો નિર્ણય કર્યો. તે માટે જરૂરી ફંડ એકઠું કરી સાધનોની ખરીદી માટેની જવાબદારી શાંતિલાલને સોંપી. સૌના આગ્રહથી શાંતિલાલ હજુ તો સાધનોની ખરીદી કરવા નીકળવા ગામની ભાગોળે તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ તેઓને ગુરુ શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી મળી: સાધુ થવા આવી જાઓ! આ આદેશવચનોને અદ્ધર ઝીલી કશાય કોલાહલ વિના શાંતિલાલે સહજતાથી ગૃહત્યાગ કરી ગુરુહરિનાં ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું. માતાપિતાએ પણ પ્રસન્નતાપૂર્વક તેઓને સાધુ થવા વિદાય આપી! ૭-૧૧-૧૯૩૯નો એ મંગલ દિન હતો.

અમદાવાદની આમલીવાળી પોળમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અઢાર વર્ષીય શાંતિલાલને તા. ૨૨-૧૧-૧૯૩૯ (કાર્તિક શુક્લ ૧૧, વિક્રમ સંવત ૧૯૯૬)ના રોજ પાર્ષદની દીક્ષા આપી. ત્યાર પછી સવા મહિના બાદ ગોંડલમાં તા. ૧૦-૧-૧૯૪૦ (પોષ સુદ એકમ, વિક્રમ સંવત ૧૯૯૬)ના રોજ ભાગવતી દીક્ષા આપી તેઓનું નામ નારાયણસ્વરૂપદાસ પાડ્યું. તિતિક્ષા, સહિષ્ણુતા, સાધુતા, શુદ્ધ પંચવર્તમાન અને અનન્ય ગુરુભક્તિનો પ્રભાવ નારાયણસ્વરૂપદાસજીના ભાલપ્રદેશમાં ઝળહળવા લાગ્યો. માત્ર દસ જ વર્ષમાં તેઓ શાસ્ત્રીજી મહારાજના હૈયાનું રત્ન બની ગયા. તા. ૨૧-૫-૧૯૫૦ના રોજ અમદાવાદની આમલીવાળી પોળમાં શાસ્ત્રીજી મહારાજે તેઓને ર૮ વર્ષની નાની ઉંમરે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા અને ત્યારથી તેઓ ‘પ્રમુખસ્વામીજી’ના લાડકવાયા નામથી લોકહૃદયમાં બિરાજી ગયા. સન ૧૯૭૧માં તેઓએ તેમના પુરોગામી ગુરુ યોગીજી મહારાજના અનુગામી તરીકે બી.એ.પી.એસ. સંસ્થાના લાખો ભક્તો-સંતોનું ગુરુપદ સંભાળ્યું અને સૌને ‘પ્રમુખસ્વામી મહારાજ’ની ભેટ મળી.

સહજ ધીર-ગંભીર પ્રકૃતિ ધરાવતા પ્રમુખસ્વામી મહારાજે બી.એપી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સનાતન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના મૂલ્યોને વિશ્વવ્યાપી બનાવ્યા છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણે ધર્મધુરા ધારણ કરી ત્યારે એમણે વરદાન માંગતા પ્રાર્થના કરી હતી કે, “ભક્તને એક વીંછીનું દુ:ખ થવાનું હોય તો મને એક એક રૂંવાડે કોટિ કોટિ વીંછીનું દુખ થાઓ, પણ તેને તે થાઓ નહિ; અને તેને પ્રારબ્ધમાં ભિક્ષાપાત્ર લખ્યું હોય, તે મને આવે પણ તે અન્ન-વસ્ત્રે દુઃખી ન થાય.” પ્રમુખસ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણની આ પ્રાર્થનાને ક્ષણે ક્ષણે જીવી બતાવી હતી અને બીજાના ભલા માટે પોતાની કાયા સમર્પિત કરી દીધી હતી.

તેઓએ લોકહિત માટે પોતાના શરીરની સહેજ પણ પરવા કરી ન હતી. પોતાની ચિંતા કર્યા વિના લોકસેવા માટે, સમાજ અને વ્યક્તિ-વ્યક્તિના સુખ-દુખમાં ભાગ લેવા માટે તેઓએ જે કષ્ટો વેઠ્યાં છે તે અજોડ છે.

જીવનભર સતત ગામોગામ ઘૂમતા રહીને લોકોના જીવન-ઉદ્ધારની તેમણે આહલેક લગાવી હતી. આંખે મોતિયો, પિત્તાશય અને ગાંઠનું ઓપરેશન, પગે વા અને હાર્ટએટેક કે હૃદયની બાયપાસ સર્જરી – આવાં કંઈક શારીરિક દર્દોને ગણકાર્યા વગર તેઓ સત્તર હજાર કરતાંય વધુ ગામડાં-નગરોમાં વીજળીની ત્વરાથી ઘૂમી વળ્યા હતા. દિવસ હોય કે રાત, શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાનો બળબળતો તાપ, આદિવાસીઓનું ઝૂંપડું હોય કે જ્યાં રસ્તા પણ ન પહોંચ્યા હોય તેવાં ગામડાં હોય કે શહેર હોય, દેશ હોય કે પરદેશ – તેઓની વિચરણ ભાગીરથીમાં સ્નાન કરીને અસંખ્ય મુમુક્ષુઓએ પરમ શાતાનો અનુભવ કર્યો છે. નાત-જાત કે ધર્મના ભેદભાવોથી પર રહીને પ્રમુખસ્વામી મહારાજે અઢી લાખ ઘરોમાં પધરામણી કરીને તેઓનો આધ્યાત્મિક ઉત્કર્ષ કર્યો છે. સાડા સાત લાખ કરતાંય વધુ પત્રો દ્વારા તેઓએ લોકોને તેમની દ્વિધામાંથી ઉકેલ આપ્યા છે. એટલું જ નહીં, તેઓએ લાખો લોકોની શારીરિક-પારિવારિક-સામાજિક કે અન્ય મુશ્કેલીઓમાં એક સાચા સહૃદયી સ્વજન તરીકે રસ લઈને એના ઉકેલ લાવી વિક્રમસર્જક કાર્ય કર્યું હતું!

વિશ્વના અનેક દેશોમાં વિચરણ કરતાં પ્રમુખસ્વામી મહારાજે એક સંત તરીકેના તેઓના સિદ્ધાંતો-નિયમોમાં ક્યારેય સમાધાન કર્યું ન હતું. સંતત્વ અને સાધુતાના શિખર પર બિરાજમાન રહીને તેઓ સત્ય, દયા, અહંશૂન્યતા, ક્ષમા, ત્યાગ, મૃદુતા, શુચિતા, તિતિક્ષા, સહિષ્ણુતા, સંવાદિતા, સંયમ, સમતા, સરળતા આદિ સદગુણોના મૂર્તિમંત સ્વરૂપ હતા. ગામોગામ ઘૂમતા રહેવાની સાથે સાથે, પ્રમુખસ્વામી મહારાજે ઉપાડેલી માનવ ઉત્કર્ષની અસંખ્ય પ્રવૃત્તિઓ અચરજ પમાડે તેવી છે. સમાજસેવાનું એકપણ ક્ષેત્ર તેમણે વણસ્પર્શ્યું રાખ્યું ન હતું. એટલું જ નહિ, હેરત પમાડે એવી શક્તિથી સફળતાપૂર્વક તેઓએ બધાં જ ક્ષેત્રોમાં કાર્ય કર્યું હતું. દુષ્કાળ, પૂર, વાવાઝોડાં, ભૂકંપ, સુનામી જેવી કુદરતી આફતોમાં તેઓએ લોકસેવાનો વિરાટ પાયે યજ્ઞ આદર્યો હતો. દેશ-વિદેશની સેંકડો પ્રાકૃતિક દુર્ઘટનાઓમાં તેઓએ ૧૦૦૦થી વધુ લાભાર્થી ગામોમાં કરોડો આપત્તિગ્રસ્તોને સહાય આપી હતી, રાહત સામગ્રીઓ પહોંચાડી રાહત આપી હતી. ગુજરાતના ભૂકંપમાં ધ્વસ્ત થયેલાં ૨૫ ગામોને દત્તક લઈને ત્યાંના હજારો રહેવાસીઓને નવું જીવન આપ્યું હતું, તો ગુજરાતના ભૂકંપપીડિતોને મહિનાઓ સુધી ૧૮ લાખ ડિશ ગરમ ભોજન આપ્યું હતું. કારમા દુષ્કાળના સમયે તેઓએ ઠેર ઠેર સુખડી વિતરણ કેન્દ્રો, છાસવિતરણ કેન્દ્રો અને ઘાસ તેમજ ખાણ વિતરણ કેન્દ્રો ખોલીને માનવ તેમજ પશુઓના જીવનને બચાવવા ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. એટલું જ નહીં, તેઓની પ્રેરણાથી વૈજ્ઞાનિક ઢબે યોજાયેલા કેટલકેમ્પમાં ૨૧,૦૦૦ ગાય-બળદ વગેરે પશુઓને નવું જીવન મળ્યું હતું અને દુષ્કાળગ્રસ્ત ખેડૂતોના દુ:ખ દૂર થયા હતાં.

પ્રાકૃતિક આપદાઓમાં રાહતકાર્યોની સાથે સાથે પ્રમુખસ્વામી મહારાજે પર્યાવરણના જતન અને સંવર્ધન માટે પણ વિશાળ ફલક પર કાર્ય કર્યું હતું. તેઓની પ્રેરણાથી બી.એ.પી.એસ. સંસ્થાએ જળસંચય અભિયાન, ખેતતલાવડી, તળાવો, જમીન સુધારણા, ગલી પ્લગિંગ, બાગાયતો, ભૂગર્ભ ટાંકાઓ, ચેકડેમોનું નિર્માણ, સ્વચ્છતા અભિયાન જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ યોજીને ખેતી, માનવ અને પશુના જીવનને સુરક્ષિત કર્યું છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં રિચાર્જ થયેલા ૫,૫૦૦ કૂવાઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ પુરવાર થયા છે. આ ઉપરાંત વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત તેઓએ ર૦ લાખ કરતા વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરાવીને પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખેતી, સૂર્યશક્તિનો વિનિયોગ વગેરે દ્વારા તેમણે જળસ્ત્રોત અને ઊર્જાનું જતન કરવાની પ્રેરણા આપી છે. એટલું જ નહીં, તેઓના માર્ગદર્શન હેઠળ ૧૦ ગૌશાળા દ્વારા ૧,૫૦૦થી વધુ ઉત્તમ ઓલાદના પશુધનનું જતન અને સંવર્ધન કરવામાં આવ્યું છે. આ પશુધને રાષ્ટ્રીય કક્ષાના પશુમેળાઓમાં વારંવાર સર્વોચ્ચ રાષ્ટ્રીય પારિતોષિકો મેળવીને ગૌરવ વધાર્યું છે.

પછાત, દલિતો અને આદિવાસીઓના ઝૂંપડાંઓમાં જઈ જઈને તેઓએ સમરસતા અને એ સમાજના ઉત્કર્ષની એક અનોખી જ્યોતિ પ્રગટાવી હતી. સમાજના છેવાડાના એ માનવીઓને છાતી સરસાં ચાંપીને, તેમનાં પર નિસ્વાર્થ સ્નેહ વરસાવીને, તેમના સર્વાંગીણ વિકાસની અનેક પ્રવૃત્તિઓ તેઓએ હાથ ધરી હતી. જ્યાં જ્યાં તેઓનાં પગલાં પડ્યા ત્યાં વહેમ-અંધશ્રદ્ધા-વ્યસનના અંધકારને બદલે આત્મ-સન્માન, સંસ્કાર, શિક્ષણ અને સમૃદ્ધિની નવી રોશની ફેલાઈ છે. ઠેર ઠેર તેઓએ સ્થાપેલાં આદિવાસી ઉત્કર્ષ કેન્દ્રો, છાત્રવાસો, આશ્રમશાળાઓ, કુટીર મંદિરો, શાળાઓ અને મંદિરો વગેરે નૂતન ક્રાંતિ આણી રહ્યાં છે.

કેળવણીના ક્ષેત્રમાં પણ પ્રમુખસ્વામી મહારાજનું યોગદાન અદ્વિતીય રહ્યું છે. તેઓની પ્રેરણાથી સ્થપાયેલાં ૪૫ કેળવણી સંકુલોમાં હજારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સંસ્કારયુક્ત શિક્ષણની સાથે જીવનઘડતરના પાઠો શીખી રહ્યા છે. એટલું જ નહીં, ૭૫ આપત્તિગ્રસ્ત શાળાઓને દત્તક લઈ તેનું પુનનિર્માણ કરીને તેઓએ આ શાળાઓના વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજ્જવળ કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડમાં લંડનની ધરતી પર સર્વપ્રથમ હિન્દુ સ્કૂલ સ્થાપીને તેઓએ ઇંગ્લેન્ડમાં નિવાસ કરતા વિદ્યાર્થીઓને પણ ભારતીય સંસ્કારોથી સમૃદ્ધ થવાની તક આપી હતી. તેમણે આપેલી સહાયથી નિર્મિત મેડિકલ કોલેજ, આર્કિટેક્ટ ઈન્સ્ટિટ્યૂટ, સાયન્સ કોલેજ વગેરેમાં ઉજ્જવળ કારકિર્દી તૈયાર કરવાની વિદ્યાર્થીઓને તક મળી છે. તેઓએ આપેલી સ્કોલરશિપ દ્વારા હજારો ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓએ આર્થિક ઉજ્જવળ અભ્યાસ અને કારકિર્દીનું ઘડતર કર્યું છે.

એકેડેમિક ક્ષેત્રે તેઓએ આપેલાં અનેક પ્રદાનોમાં, સંસ્કૃત ભાષાના જતન અને સંવર્ધન માટે કરેલો પુરુષાર્થ અવિસ્મરણીય છે. મુંબઈ, સારંગપુર, અમદાવાદ વગેરે સ્થળોએ સંસ્કૃત પાઠશાળાઓ સ્થાપીને સંસ્કૃત મહાવિદ્યાલય સુધીનાં પ્રયાસો તેમણે કર્યા. વિદ્વત્તાસભર સંસ્કૃત સાહિત્યના સર્જનમાં તેમણે બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા પ્રભાવક પ્રદાન આપ્યું છે. વૈદિક પરંપરામાં આદિ શંકરાચાર્યની જેમ, શતાબ્દીઓ પછી એક વધુ મૌલિક અને વિદ્વત્તાસભર પ્રસ્થાનત્રયી ભાષ્ય તેઓની પ્રેરણાથી રચાયું છે. ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો, સંવાદિતા તેમજ ગહન દાર્શનિક બાબતોને વિશ્વમાં સરળતાથી વિસ્તારવા માટે તેઓએ ગાંધીનગર તેમજ દિલ્હી ખાતે સ્થાપેલાં બે સંશોધન કેન્દ્રો – “આર્ષ“ અને “બી.એ.પી.એસ. સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ“ સંશોધન ક્ષેત્રે સુંદર કાર્ય કરી રહ્યાં છે.

કેળવણી સેવાઓની સાથે સાથે આરોગ્ય સેવાઓમાં પણ પ્રમુખસ્વામી મહારાજનું પ્રદાન અનન્ય હતું. ઠેર ઠેર રોગનિદાન યજ્ઞો, રક્તદાન યજ્ઞો, ફરતાં દવાખાનાંઓ, આરોગ્ય કેન્દ્રો અને હૉસ્પિટલોનું નિર્માણ કરીને તેઓએ સામાન્ય માનવીના આરોગ્યનું જતન કર્યું હતું. તેઓની પ્રેરણાથી ૧૨ મોબાઈલ મેડિકલ કિલનિક દ્વારા પછાતો, આદિવાસીઓ અને અંતરિયાળ વિસ્તારમાં વસતા ૬૦ લાખ કરતાં વધુ લોકોએ ઘરે બેઠાં નિઃશુલ્ક નિદાન અને સારવાર મેળવ્યાં છે. ૧ કરોડ કરતાં વધુ દર્દીઓએ ૧૦ બી.એ.પી.એસ. હોસ્પિટલો-ડિસ્પેન્સરીમાં સારવાર મેળવી છે. આ ઉપરાંત બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા યોજાતા રક્તદાન યજ્ઞોમાં ૪૮ લાખ સીસી રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જેણે લાખો દર્દીઓને નવજીવન આપ્યું હતું. ભૂકંપ દુર્ઘટનામાં તેઓની પ્રેરણાથી સેવારત આરોગ્ય કેન્દ્રોમાં ૯૧,૦૦૦ ઈજાગ્રસ્ત ભૂકંપપીડિતોએ સારવાર મેળવી હતી. તો આયુર્વેદ અને હર્બલ ઉપચારો પૂરા પાડીને તેઓએ જનસામાન્યના આરોગ્યની સુખાકારી માટે ઉત્તમ અને ગુણવત્તાસભર ઔષધોની ભેટ આપી છે. એટલું જ નહીં, તેઓએ વ્યસનની ચુંગાલમાં ફસાયેલી વ્યક્તિઓને વ્યક્તિગત મળીને કે વ્યસનમુક્તિ અભિયાનો યોજીને ૪૦ લાખ કરતાંય વધુ વ્યસનપીડિતોને વ્યસન મુકત કરી પવિત્ર જીવન જીવવાની પ્રેરણા અર્પી છે. તેઓની પ્રેરણાથી વ્યસનમુક્તિ અંગે થયેલા આ રચનાત્મક કાર્ય બદલ બી.એ.પી.એસ. સંસ્થાને રાષ્ટ્રપતિ સન્માન તેમજ ગુજરાત કેન્સર સોસાયટી અને રવિશંકર મહારાજ પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.

પારિવારિક એકતા અને અખંડિતતાની જાળવણી માટે પ્રમુખસ્વામી મહારાજે ઘરસભાની મૌલિક પ્રેરણા આપીને લાખો પરિવારોને મંગલમય બનાવ્યા છે, લાખો પરિવારોમાં સુખ, શાંતિ, સંસ્કારિતા અને સંવાદિતાનું વાતાવરણ સર્જ્યું છે. લાખો પરિવારોને ઘેઘૂર વડલા સમી શીતળ છત્રછાયા પૂરી પાડનાર સ્વામીશ્રીએ ઘરોઘર ઘૂમીને, પરિવારોને ઘરસભા દ્વારા સાથે મળીને પ્રાર્થના અને સહભોજન કરવાની પ્રેરણા આપી છે.

ગુજરાતની જીવાદોરી સમી નર્મદા યોજના માટે અભિયાન ચલાવવાથી લઈને સમાજ-જાગૃતિનાં અનેક પાસાંઓ માટે તેમણે વ્યાપક જાગૃતિ અભિયાનો આદર્યા હતાં. દહેજ જેવી કુરુઢિઓ નાબૂદ કરવા અને અસ્પૃશ્યતા વગેરે સામાજિક કલંકો દૂર કરવા તેઓ સતત પુષ્પાર્થરત રહ્યા હતા. એટલું જ નહીં, સામાજિક એકતાના તેઓ પ્રખર પ્રહરી હતા. વેરઝેરથી સળગતાં ગામડાઓમાં જઈ એમનાં દાયકાઓ જૂનાં વેરભાવને શમાવી શાંતિનાં વાવેતર કર્યા હતાં. કોમી રમખાણો અને વિવિધ હિંસક-ઉગ્રતાભર્યા આંદોલનોમાં એમના પ્રયાસોથી શાંતિ અને સદભાવનું વાતાવરણ સર્જાયું હતું.

ગામડાંઓમાં સંવાદિતાભર્યા વાતાવરણ સર્જવાથી વિશ્વના ચોક સુધી તેઓ વિસ્તર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સન ર૦૦૦માં તેઓએ યુનોમાં યોજાયેલી ‘મિલેનિયમ વિશ્વશાંતિ પરિષદમાં હિન્દુ ધર્મનું શાનદાર પ્રતિનિધિત્વ કરીને હિન્દુ ધર્મની વૈશ્વિક ભાવનાઓ દર્શાવી વિશ્વધર્મ સંવાદિતા માટે હાકલ કરી હતી.

પ્રમુખસ્વામી મહારાજે સાધુતાના નિયમપાલનમાં અક્ષુણ્ણ રહીને ભગવાન સ્વામિનારાયણે પ્રગટાવેલી મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિને બી.એ.પી.એસ. સંસ્થાના માધ્યમથી સમસ્ત વિશ્વમાં વિસ્તારી છે. તેઓએ બી.એ.પી.એસ. સંસ્થાની મહિલા પાંખ રચીને મહિલાઓને અનેક ક્ષેત્રે પોતાનું કૌશલ્ય અને પ્રતિભા ખીલવવાનું વાતાવરણ પૂરું પાડ્યું છે. કિશોરીઓ અને યુવતીઓને સંસ્કારયુક્ત કેળવણી મળે તે માટે તેઓની પ્રેરણાથી કરમસદ અને રાંદેસણમાં આધુનિકતમ નિવાસી કન્યાશાળાઓ સ્થાપવામાં આવી છે. આ શાળાઓના નિર્માણ દ્વારા તેઓએ માતા-પિતાને પોતાની વ્હાલસોયી પુત્રીના સુરક્ષાયુક્ત શિક્ષણ અંગે નિશ્ચિત કર્યા છે.

એટલું જ નહીં, યુવતીઓ સંસ્કારથી સમૃદ્ધ બને, શિક્ષણથી અલંકૃત બને અને વ્યવસાયે સ્વાયત્ત બને તે માટે તેઓની પ્રેરણાથી ગતિમાન પ્રતિભા વિકાસ પર્વ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજાતી રહી છે. બી.એ.પી.એસ. સંસ્થાની મહિલા પાંખ દ્વારા સંચાલિત એવાં કેન્દ્રો દ્વારા હજારો બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બન્યાં છે. આ ઉપરાંત બાલિકામંડળ, યુવતીમંડળ અને મહિલામંડળની વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈને દેશ-વિદેશની લાખો બાલિકાઓ, યુવતીઓ અને મહિલાઓએ વ્યક્તિત્વ ઘડતરની સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિનો અનુભવ કર્યો છે.

સંસ્કૃતિના સંરક્ષણ માટે તેઓએ મંદિરોનાં નિર્માણ કરીને એક આગવી ભાત પાડી છે. દેશ-વિદેશમાં ૧૧૦૦થી વધુ પરંપરાગત ભારતીય શૈલીના ગૌરવવંતા મંદિરોનું નિર્માણ કરીને ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મનાં અજવાળાં સમગ્ર વિશ્વમાં ફેલાવ્યાં છે. એમાંય ગાંધીનગર અને દિલ્હીમાં તેઓએ રચેલા વિશ્વની આઠમી અજાયબી સમા સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરે ભારતીય સંસ્કૃતિનું સીમાચિહ્ન બની ગયા છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા પ્રમુખસ્વામી મહારાજે ભારતની બહાર વિદેશમાં રચેલા સૌથી મોટા પરંપરાગત હિન્દુ મંદિર તરીકે લંડનના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને બહુમાન આપવામાં આવ્યું છે. સાથે સાથે દેશ-વિદેશમાં સૌથી વધુ મંદિરોના નિર્માણ બિદલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે.

નવી પેઢીમાં સંસ્કાર-સિંચન માટે તેમજ માનવસેવાઓના વિરાટ અભિયાન માટે તેઓએ સુશિક્ષિત નવયુવાનોને સંતત્વના માર્ગે પ્રેરીને, હિંદુ ધર્મની સંતપરંપરાનું ગૌરવ વધાર્યું છે. તેઓએ ૧૧૦૦થી વધુ સુશિક્ષિત નવયુવાન સંતોની સમાજને ભેટ ધરી છે. તેઓએ રચેલી આ સંતમાળ આત્મોદ્ધાર સાથે સમાજ-સેવા માટે નિ:સ્વાર્થભાવે સમર્પિત છે.

પ્રમુખસ્વામી મહારાજે સંસ્કૃતિનાં ઉત્તમ મૂલ્યોનો પ્રસાર કરવા માટે આધુનિકતમ ટેકનોલોજીનો વિનિયોગ કરવાની પહેલ કરી હતી. પછી તે રોબોટિક્સ હોય કે મલ્ટી મીડિયા શો હોય, ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતી બોટ રાઈડ હોય કે લેસર વોટર શો હોય, મિસ્ટિક ઈન્ડિયા જેવી લાર્જ ફોર્મેટ ફિલ્મ હોય કે અન્ય આધુનિકતમ પ્રયોગો હોય – ઉત્તમ મૂલ્યોના પ્રસારણ માટે તેઓએ કરેલા વિજ્ઞાન અને ટેકનોલોજીનો આ રચનાત્મક પ્રયોગોને પ્રખર વૈજ્ઞાનિકોએ પણ બિરદાવ્યા છે.

તાલીમબદ્ધ સ્વયંસેવકોની હારમાળા દ્વારા પ્રમુખસ્વામી મહારાજે દેશ-વિદેશમાં ૭૦૦૦ કરતાં વધુ કેન્દ્રોમાં બાળ-બાલિકાઓને નિ:શુલ્ક સંસ્કાર-શિક્ષણ આપતી બાળપ્રવૃત્તિ વિકસાવીને નવી પેઢીના જીવનઘડતરમાં અમૂલ્ય પ્રદાન આપ્યું છે. સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, કલા-કૌશલ્ય અને અધ્યાત્મના ક્ષેત્રમાં બાળકોના જતન માટે પ્રમુખસ્વામી મહારાજે બાળકલ્યાણનો એક મહાન યજ્ઞ આદર્યો છે. લાખો યુવાનોને પોતાના નિઃસ્વાર્થ વાત્સલ્યની અમૃતવર્ષામાં ઝબકોળીને પ્રમુખસ્વામી મહારાજે યુવાશક્તિને રચનાત્મક વળાંક આપ્યો હતો. અનેકવિધ કૌશલ્યોથી લઈને ચારિત્ર્ય ઘડતરની તાલીમ આપતી યુવા પ્રવૃત્તિ ઉપરાંત તેઓએ યુવા તાલીમ કેન્દ્ર પણ સ્થાપ્યું છે. આ કેન્દ્રમાં તાલીમ પામીને હજારો યુવાનો ઉન્નત નાગરિક બની સમાજમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે.

દેશ-વિદેશમાં પ્રતિ સપ્તાહે યોજાતી ૨૦,૦૦૦થી વધુ સાપ્તાહિક સત્સંગસભાઓ પણ પ્રમુખસ્વામી મહારાજનું વિરલ પ્રદાન છે. દૈનિક જીવનની ઝડપી, વ્યસ્ત અને તણાવભરી જિંદગીમાં આ સાપ્તાહિક સત્સંગ સભાઓ દ્વારા જીવન-ઘડતરની પ્રેરણા મેળવી અસંખ્ય લોકોએ અદભુત શાંતિનો અનુભવ કર્યો છે. આ સાપ્તાહિક સત્સંગ દ્વારા અસંખ્ય આબાલવૃદ્ધોએ આધ્યાત્મિક જીવનના પાઠો આત્મસાત્ કર્યા છે.

આપણા પરંપરાગત ઉત્સવોને મૌલિક અને નૂતન અભિગમ સાથે આગવું સ્વરૂપ આપવાનું ભગીરથ કાર્ય પણ સ્વામીજીએ કર્યું છે. મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશનના પ્રખર નિષ્ણાતો પણ દંગ રહી જાય એવા ભવ્ય મહોત્સવો યોજીને પ્રમુખસ્વામી મહારાજે એક આગવો ચીલો ચાતર્યો છે. ઇંગ્લેન્ડ અને અમેરિકામાં તેમણે યોજેલા ભવ્ય કલ્ચરલ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા કે ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવો, બાળ-યુવા મહોત્સવો, મંદિર મહોત્સવો વગેરેની ઉજવણી દ્વારા તેઓએ સમાજ કેળવણીના અદભુત માધ્યમ તરીકે મહોત્સવોને વિકસાવ્યા છે. કરોડો લોકોમાં અનેક સામાજિક-વ્યક્તિગત દૂષણો સામે જાગૃતિનો શંખધ્વનિ ફૂંકતા જાહેર સંસાધનો સમા આ મેગા મહોત્સવો પ્રમુખસ્વામી મહારાજનું વિશિષ્ટ પ્રદાન બની રહ્યા છે.

અનેક પરોપકારી અને કલ્યાણકારી કાર્યો દ્વારા વિશ્વ ઉત્કર્ષમાં અનેરું પ્રદાન કરનાર અને વિશ્વની ૨૦ પ્રતિભાશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવનાર પ્રમુખસ્વામી મહારાજ ભગવદગુણોથી વિભૂષિત હતા. કદીયે કોઈનું અહિત કરવાનો વિચાર ન આવ્યો હોય એવા તેઓ સામાન્ય માનવીથી લઈને દેશ-વિદેશના અનેક આધ્યાત્મિક, રાજકીય, સામાજિક, શૈક્ષણિક એમ તમામ ક્ષેત્રના મહાનુભાવોનો અપૂર્વ લોક-આદર પામ્યા હતા. પ્રખર વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ. એ. પી. જે. કલામસાહેબે પ્રમુખસ્વામી મહારાજ પર ‘Transcendence: My Spiritual Experiences With Pramukh Swamiji’ નામનું પુસ્તક લખીને એક દિવ્ય આધ્યાત્મિક વિભૂતિ તરીકે પ્રમુખસ્વામી મહારાજનો પરિચય વિશ્વને કરાવ્યો હતો અને પ્રમુખસ્વામી મહારાજને પોતાના પરમ ગુરુ તરીકે સ્વીકાર્યા હતા.

સતત વિચરણ કરતા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવનના અંતિમ ત્રણ વર્ષો બોટાદ જિલ્લાના સારંગપુર ખાતે બિરાજમાન રહીને લાખો ભક્તોને દર્શનનો દિવ્ય લાભ આપ્યો હતો. અહીં સ્થાયી રહીને તેઓએ બી.એ.પી.એસ. સંસ્થાના અનેકવિધ કાર્યોનું સંચાલન કર્યું હતું. પોતાના અનુગામી તરીકે મહંત સ્વામી મહારાજ (સાધુ કેશવજીવનદાસજી)ને નિયુક્ત કરીને તેઓએ એ આધ્યાત્મિકતા અને અનેક લોકસેવા-પ્રવૃત્તિઓનો પ્રવાહ સતત વહેતો રાખ્યો. તા. ૧૩મી ઑગસ્ટ, ૨૦૧૬ (શ્રાવણ સુદ ૧૦, સંવત ૨૦૭ર)ના રોજ સંધ્યા સમયે ૬.00 વાગ્યે તેઓનું અક્ષરધામગમન થયું તેના આગલા દિવસ સુધી તેઓએ સૌને દર્શનલાભ આપ્યો હતો. તા. ૧૩મી. ઓગસ્ટથી તા. ૧૭મી ઓગસ્ટ સુધી તેઓના દિવ્ય વિગ્રહને સારંગપુર ખાતે દર્શન મંડપમાં પધરાવવામાં આવ્યો હતો. આ ચાર દિવસો દરમ્યાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત સારંગપુર ખાતે ઊમટેલા ૨૧ લાખથી વધુ લોકોએ તેઓનાં અંતિમ દર્શનનો લાભ પ્રાપ્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તા. ૧૭મી ઓગસ્ટના રોજ સારંગપુર ખાતે તેઓની અંત્યેષ્ટિ વિધિ કરવામાં આવી હતી. તેઓને અંજલિ અર્પતાં ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, આરબ દેશો સહિત સહિત અનેક દેશોના વડાઓ દ્વારા તેમજ પાર્લામેન્ટોમાં પણ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.

ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત સંત પરંપરાના પંચમ અનુગામી હોવા છતાં, કોઈ એક સમુદાય કે સંપ્રદાયના રહેવાને બદલે એક સૌના સ્વજન સમું વૈશ્વિક વ્યક્તિત્વ બની રહેનાર, લોકસેવાનાં આવાં અનેક કાર્યોમાં જીવન સમર્પિત કરનાર, આવનારા અનેક સમય સુધી પ્રેરણાની ગંગા વહાવનાર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, એક આદર્શ સંત તરીકે અને આપણી સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર તરીકે હમેશાં યાદ રહેશે.

આનંદ કે. આચાર્ય