પ્રભુ, આરતી (જ. 18 માર્ચ 1930, બાગલાંચી રાઈ, જિ. રત્નાગિરિ; અ. 1976, મુંબઈ) : મૂળ નામ ચિંતામણ ત્ર્યંબક ખાનોલકર. જાણીતા મરાઠી કવિ. શરૂઆતનું શિક્ષણ રત્નાગિરિ જિલ્લાના કુડાળ ગામે અને માધ્યમિક શિક્ષણ સાવંતવાડી અને મુંબઈમાં. 1959થી 1965 દરમિયાન લોણાવળા ખાતેની ‘ગુરુકુલ’ સંસ્થામાં; આકાશવાણી – મુંબઈ કેન્દ્રમાં તથા મુંબઈ યુનિવર્સિટીમાં સેવાઓ આપી. ત્યારપછી અવસાન સુધી તેમણે તેમનું જીવન સાહિત્યસર્જનમાં સમર્પિત કર્યું. મૂળ જીવ કવિનો છતાં કાવ્યરચના ઉપરાંત તેમણે નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, શિશુકાવ્યો અને વ્યક્તિચિત્રો જેવાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં પણ ખેડાણ કર્યું. તેમની 8 કૃતિઓ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પુરસ્કૃત થઈ છે. 1964માં ‘રાઇટર્સ સેન્ટર’ દ્વારા તેમને શિષ્યવૃત્તિ અપાઈ હતી. ઉપરાંત 1972થી 1974 દરમિયાન લોકનાટ્યના વધુ અભ્યાસ માટે ‘નૅશનલ સેન્ટર ફૉર પરફૉર્મિગ આર્ટ્સ’ દ્વારા તેમને 2 વર્ષની સંશોધન-શિષ્યવૃત્તિ મળી હતી. તેમની ‘કાલાય તસ્મૈ નમ:’ એ નાટ્યકૃતિને આકાશવાણીના 1972ના સર્વોત્કૃષ્ટ નાટકનું પારિતોષિક મળ્યું હતું. આ નાટકનો અનુવાદ ભારતની લગભગ બધી જ ભાષાઓમાં થયેલ છે.

તેમના કાવ્યસંગ્રહોમાં ‘જોગવા’ (1959), ‘દિવે લાગણ’ (1962) તથા ‘નક્ષત્રાંચે દેણે’ (1975); નવલકથાઓમાં ‘રાત્ર કાળી ઘાગર કાળી’ (1963), ‘અજગર’ (1965), ‘કોંડુરા’ (1966) અને ‘ત્રિશંકુ’ (1968) ઉલ્લેખનીય છે. તેમની નાટ્યકૃતિઓમાં ‘એક શૂન્ય બાજીરાવ’ (1966), ‘સગેસોયરે’ (1967), ‘અવધ્ય’ તથા ‘કાલાય તસ્મૈ નમ:’ (1972)નો તથા તેમના વાર્તાસંગ્રહોમાં ‘સનઈ’ (1964), ‘ગણુરાયા અને ચાની’ (1970) અને ‘રાખી પાખરૂં’(1971)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘ગોપાળગાણી’ (1966) નામના બાલગીતોના, ‘વારા વાહે ઝુણઝુણા’ (1973) નામના નિબંધના તથા ‘દીપમાળ’ (1974) નામના વ્યક્તિચિત્રોના સંગ્રહોનું સર્જન પણ તેમને ફાળે જાય છે. તેમનું  વિપુલ સાહિત્યસર્જન ગ્રંથ રૂપે હજી અપ્રકાશિત છે.

વાસંતી તોડકર