પ્રભાસપાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ : જૂનાગઢ જિલ્લામાં વેરાવળ નજીક આવેલું પુરાતત્વીય સંગ્રહાલય. તેની સ્થાપના સૌરાષ્ટ્ર રાજ્યની સરકારે 1951માં કરી હતી. તેમાં પથ્થરનાં શિલ્પો, અભિલેખો, સિક્કા વગેરેનો સંગ્રહ છે. તેના માટીકામના વિભાગમાં નગરાના ટેકરામાંથી ખોદકામ દ્વારા મેળવેલ અમૂલ્ય અભિલેખો છે. શિલાલેખોના વિભાગમાં સંસ્કૃત, અરબી, ફારસી, જૂની ગુજરાતી વગેરે ભાષાના, મોટાભાગના બારમી સદીના અભિલેખોનો સંગ્રહ છે. સત્તરમી અને અઢારમી સદીના કાષ્ઠકલાના નમૂના અલગ વિભાગમાં રાખેલા છે.
સોમનાથ શિલ્પ ગૅલરીમાં દસમી સદીના શિલ્પકલાના નમૂનાઓમાં અષ્ટદલ, દ્વારશાસ્ત્ર, ભગવાન લકુલીશનું શિલ્પ વગેરે તથા જૂના મંદિરના જુદા જુદા ભાગો જેવા કે શિખર, કીર્તિમુખ, મહાપીઠના વિભાગો વગેરેનો સમાવેશ થાય છે. તેમાં વિષ્ણુ, કુબેર, ગણેશ વગેરેની મૂર્તિઓ પણ છે. પ્રભાસપાટણની આસપાસના વિસ્તારમાંથી ભેગાં કરેલાં જુદાં જુદાં મંદિરોનાં શિલ્પો તથા મૂર્તિઓમાં રામ, ‘દશાવતાર’ (સાતમી સદી) અને શિવ, ગણેશ વગેરેની વિવિધ પ્રતિમાઓ છે. તેમાં 920 પથ્થરનાં શિલ્પો, 23 અભિલેખો, 7 કાષ્ઠકલાના નમૂના, 200 માટીકામના નમૂના, એક તામ્રપત્ર અને 86 સિક્કા મળીને કુલ 1237 નમૂનાઓનો સંગ્રહ છે.
સોનલ મણિયાર