પ્રભાવવાદ (impressionism) (ચિત્રમાં) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રાંસમાં પાંગરેલી પ્રથમ આધુનિક ચિત્રશૈલી. પ્રભાવવાદના ઉદય પાછળ ઘણાં પરિબળોએ ભાગ ભજવ્યો છે. વિજ્ઞાનના વિકાસ અને પ્રસારને પરિણામે ચિત્રકારો પણ વસ્તુલક્ષી બન્યા હતા. બરૉક, રકોકો અને નવપ્રશિષ્ટવાદના વર્ણનાત્મક (કથનાત્મક) તેમજ સ્ટુડિયોમાં પુરાઈ રહીને ચીતરવાના રૂઢ વલણ સામે તેમાં પ્રત્યાઘાત વ્યક્ત થયો છે. કોઈ વાર્તા કે પ્રસંગનું નકલની રીતે નિરૂપણ કરવા કરતાં વાસ્તવિક સંદર્ભોના ચોકઠાને વટીને જોનારની નજરે જે રીતે તે દેખાય તે રીતે જોનારના સંવેદનસંસ્કારને અનુરૂપ ચિત્રણ કરવાનું વલણ તેમાં છે. આમ પ્રભાવવાદી કલા વસ્તુનિષ્ઠ સંવેદનલક્ષી છે, વિષયલક્ષી નહિ. આ પ્રકારની ચિત્રશૈલીમાં કલ્પનાનાં નિરાધાર અનંત ઉડ્ડયનો અને ધૂની મનોવિહાર સદંતર ગેરહાજર હોય છે.
પ્રભાવવાદનાં મૂળિયાં રંગદર્શી અંગ્રેજી ચિત્રકારો જૉન કૉન્સ્ટૅબલ તથા વિલિયમ ટર્નર અને ફ્રાન્સની બાર્બિઝોં શૈલીના કૂર્બે અને કૉરો ચિત્રકારોની કૃતિઓમાં જોઈ શકાય. આ ચિત્રોમાં કુદરતને ખોળે બેસી ચિત્રો દોરવાનું વલણ છે; જેથી મનની કલ્પનાનો રંગ નહિ, પણ કુદરતમાં હોય તેવો સાચુકલો રંગ કૅન્વાસ પર ઉતારી શકાય.
પ્રભાવવાદી અગ્રિમ ચિત્રકારોમાં એદૂઆર્દ મૅને, ક્લૉદ મૉને, પિયારે ઓગસ્ત રેન્વા, એદ્ગાર દેગા, એમિલ બર્નાર્ડ, કેમિલ પિસારો, આલ્ફ્રેડ સિસ્લે અને બર્થે મોરિસોટની ગણના થાય છે.
મૅને અને દે ગાએ પુરોગામી ચિત્રકારો ગોયા, વેલાસ્કેથ અને ફ્રાન્ઝ હૅલ્સની માફક કાળા રંગને પ્રાધાન્ય આપી કૅન્વાસના વિશાળ વિસ્તારોને સપાટ કાળા રંગ વડે આલેખ્યા. તેમણે તત્કાલીન યુરોપમાં પ્રચલિત બનેલી જાપાની વુડકટ છાપોની અસર પણ ઝીલી અને અન્ય રંગોને પણ છાયા વિના સપાટ ચીતર્યા. આ રીતે પદાર્થો અને મનુષ્ય-આકૃતિઓને ગોળાકાર અર્પતું ઘનત્વ તેમણે દૂર કર્યું. રૂઢ પ્રણાલીબદ્ધ ચિત્રશૈલીઓના મુકાબલે આ શૈલીવિશેષતા વિદ્રોહાત્મક અને આધુનિકતાની દિશામાંના પ્રથમ ચરણરૂપ હતી. સમકાલીન ચિત્રકલાને ઉત્તેજન આપનારી સરકારી સંસ્થા સૅલએ પણ પ્રભાવવાદી ચિત્રકારોને બહિષ્કૃત અને હડધૂત કર્યા; પણ તેની સામે પ્રભાવવાદી ચિત્રકારોએ પોતાની હડધૂત થયેલી ચિત્રકૃતિઓનું પ્રદર્શન યોજ્યું – ‘રિજેક્ટેડ બાય સૅલ’. તેણે લોકોને – દર્શકોને એટલા બધા આકર્ષ્યા કે પ્રભાવવાદી ચિત્રશૈલીનો આપોઆપ પુરસ્કાર થયો.
મૅને, પિસારો, સિસ્લે, રેન્વા જેવા ચિત્રકારો કુદરત વચ્ચે જઈને એક જ સ્થળે બેસી અલગ અલગ સમયખંડનાં ચિત્રો ચીતરતા. યુરોપમાં હવામાન અને પ્રકાશ અડધે અડધે કલાકે બદલાઈ શકે છે અને તેથી એક સ્થળે ર્દશ્ય પણ બદલાઈ જાય છે. પ્રકાશ-હવામાનના આવા સહજ ફેરફારો ઋજુ રંગો વડે તેમણે કૅન્વાસ પર ઉતાર્યા. આ માટે ચીતરવાની ઝડપ ઘણી વધારી અને રંગોની ઋજુતા ઉપસાવવા તેમણે કાળા રંગને પૂરેપૂરો વર્જ્ય ગણ્યો; વસ્તુના પડછાયા પણ તેમણે રંગીન આલેખ્યા. હવે તેમના કૅન્વાસ રંગોની તેજસ્વિતાથી ઝળહળી ઊઠ્યા. પ્રભાવવાદી સિદ્ધાંતો મુજબ વિશ્વનો કોઈ પણ પદાર્થ કોઈ પણ ચોક્કસ રંગ ધરાવતો નથી પણ તેના પર પ્રકાશ અને આજુબાજુની અન્ય સપાટીઓથી પરાવર્તિત થતો પ્રકાશ તેને તે ક્ષણ પૂરતો એક નિયત રંગ આપે છે. પડછાયા પૂર્ણ કાળા એટલા માટે નથી હોતા કે ત્યાંથી પણ વાતાવરણનો પરાવર્તિત થતો પ્રકાશ તો ફેંકાય જ છે. જે સમયે પ્રભાવવાદી ચિત્રકારો પ્રવૃત્તિશીલ હતા ત્યારે જ યુરોપમાં ફોટોગ્રાફીની શોધ થઈ. ફોટોગ્રાફીના નિષ્કર્ષોએ પ્રભાવવાદી સિદ્ધાંતોનું વૈજ્ઞાનિક સમર્થન કર્યું. બંનેએ પ્રકાશનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો.
પ્રભાવવાદી ચિત્રોમાં ચોકઠાબંધી વિષય હોતા નથી. એમાં ચિત્ર દોરવાના ઓઠા તરીકે નિસર્ગ, નગરચિત્ર, સ્થિર પદાર્થચિત્ર વગેરેનો ઉપયોગ થાય છે. રન્વા, બર્નાર્ડ અને દ ગાના ચિત્રોમાં તો પદાર્થો કે મનુષ્યો ચોક્કસ આકારથી બદ્ધ નથી હોતા. તેઓ મુક્ત હાથે પીંછીના આછા લસરકાથી આલેખાયાં હોય છે. આમ પ્રભાવવાદી ચિત્રોમાં એક તરફ રંગોની તીવ્રતા વધી તો બીજી બાજુ પીંછીની મુક્તિ-મોકળાશ વધી. તેથી રેખાની તીવ્રતા નાબૂદ થઈ ગઈ. કૅન્વાસ નજીકથી જોતાં તેમાં માત્ર વિવિધ રંગોનો સમૂહ જ દેખાય. આ ચિત્રશૈલીમાં ર્દશ્ય નહિ, પણ ર્દશ્યનો પ્રભાવ ઝીલતી સંવેદનાને ચિત્રાંકિત કરવાનું ધ્યેય હોય છે.
મૉનેના ઊગતા સૂર્યના એક ચિત્ર ‘ઇમ્પ્રેશન સનરાઇઝ’ પરથી વિવેચકોએ આ કલા-આંદોલનને વ્યંગમાં અને ઉપહાસમાં ઇમ્પ્રેશનિસ્ટ કહ્યું, જે પછીથી આ મહાન કલાશૈલીનું નામ બની રહ્યું. સ્વયં ચિત્રકારોએ જ આ નામનો ગૌરવપૂર્વક સ્વીકાર કર્યો.
મોટાભાગનાં પ્રભાવવાદી ચિત્રો ચળકતા ધુમ્મસથી ઘેરાયેલાં ર્દશ્યોનાં ચિત્રો હોય તેવાં દેખાય છે. પ્રકાશ અને વાતાવરણના અભ્યાસ પરનો ઝોક તેનું કારણ છે. સ્ટુડિયોના કૃત્રિમ પ્રકાશમાં પદાર્થનું જે ઘનત્વ દેખાય છે તે સૂર્યના તેજસ્વી પ્રકાશમાં ઘણી વાર વિલીન થઈ જાય છે. તેથી પ્રભાવવાદી ચિત્રોનાં સ્વરૂપો સપાટ બન્યાં. બીજી તરફ પ્રકાશને પીંછીના મુક્ત લસરકા વડે ચીતરવાનો અભિગમ દ ગા અને મૅનેના કિસ્સામાં લગભગ અમૂર્ત અભિવ્યક્તિ તરફ દોરી ગયો. સંયોજન(composition)ની ર્દષ્ટિએ પણ પ્રભાવવાદે રૂઢ બંધનો ફગાવ્યાં અને પ્રચલિત રીતે સમતુલાહીન ગણાય તેવાં સંયોજનો પણ રચ્યાં.
પ્રભાવવાદ આધુનિક કલામાં આદ્ય તથા સૌથી વધુ મહત્વનો ગણી શકાય; કારણ કે પછીથી પ્રગટ થનાર નવપ્રભાવવાદ, ભવિષ્યવાદ, ઘનવાદ, ફોવવાદ, અભિવ્યક્તિવાદ, અમૂર્ત કલા અને ઑપ આર્ટ (ચાક્ષુષ કલા) પર તેનો ઘેરો પ્રભાવ પડ્યો છે. માત્ર દાદા અને પરાવાસ્તવવાદ જ તેની અસરમાંથી બાકાત રહ્યા જણાય છે. સાહિત્ય અને સંગીતમાં પણ પ્રભાવવાદની અસર જોવા મળે છે. ઝોલા જેવા સાહિત્યકારો અને રાવેલ, ડૅબ્યુઝી અને મસિયન જેવા સંગીતકારોની કલા પ્રભાવવાદી લેખાય છે.
અમિતાભ મડિયા