પ્રભાવવાદ (સાહિત્યમાં)

February, 1999

પ્રભાવવાદ (સાહિત્યમાં) : યુરોપીય ચિત્રકલાક્ષેત્રમાંથી આવેલી સંજ્ઞા. એના માટે ‘ચિત્તસંસ્કારવાદ’ પર્યાય પણ યોજાયો છે. આ આંદોલનનો ઉદગમ ફ્રાન્સમાં, અને ખાસ તો પૅરિસમાં થયો હતો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં 1870ની આસપાસ ચિત્રકારોનું એક જૂથ એદૂઆર્દ મૅને(1812–83)ના નેતૃત્વ હેઠળ સક્રિય થયું. એમાં મૅને સાથે ક્લૉદ મૉને, દેગા, પિસારો, રેન્વા જેવા ચિત્રકારો પણ સામેલ થયા. આ જૂથે ચિત્રકલાની નવી પદ્ધતિ અખત્યાર કરી. પ્રશિષ્ટ ચિત્રશૈલીથી અને સ્થાપિત એકૅડેમિક ધોરણોથી એમાં જુદા પ્રકારનો અભિગમ હતો. એક રીતે જોઈએ તો ફોટોગ્રાફીની યથાર્થતા અને એના હૂબહૂપણા સામેની આ પ્રતિક્રિયા હતી. ફોટોગ્રાફી જે છે તેને તે રીતે આબેહૂબ વ્યક્ત કરી શકે તો પછી ચિત્રકલાએ એને અનુસરવાનું કોઈ કારણ નથી. ફોટોગ્રાફીની વસ્તુલક્ષિતા વસ્તુને એ જેવી છે તેવી રજૂ કરે છે. એની સામે પ્રતિક્રિયાત્મક પગલું ભરી આ જૂથે વસ્તુને વસ્તુલક્ષિતાના કેન્દ્રમાંથી ઉપાડી આત્મલક્ષિતાના કેન્દ્રમાં રોપી. વસ્તુ જે છે તે નહિ, પણ વસ્તુ જેવી દેખાય છે તેવી પ્રસ્તુત કરવાનો અને એ રીતે ચિત્તના સંસ્કારો અને પ્રભાવોને વસ્તુની પ્રસ્તુતિમાં દાખલ કરવાનો પ્રયાસ થયો.

આથી વસ્તુનું સ્વરૂપ અને એનો આકાર મહત્વનાં ન રહ્યાં. વસ્તુ જે પ્રકાશછાયામાં પ્રગટ થાય છે, જે પરિવેશમાં પ્રગટ થાય છે, જે ભાવસ્થિતિમાંથી જોવાય છે એનો સંદર્ભ મહત્વનો બન્યો. સ્ટુડિયોના કૃત્રિમ વાતાવરણમાં વસ્તુને જોવાને બદલે વસ્તુને બહારના જગતના છાયાપ્રકાશમાં જોવાનો અને માનવઆંખના સંવેદનને એમાં દાખલ કરવાનો આ ઉપક્રમ ચિત્રકારોને રંગોનાં નવાં મિશ્રણો તરફ, પીંછીના ઘેરા અને નવા લસરકાઓ તરફ લઈ ગયો. કૅમેરા-આંખના યાંત્રિક વસ્તુલક્ષી સ્વરૂપગ્રહણની સામે જીવંત આંખનું માનવીય આત્મલક્ષી સ્વરૂપગ્રહણ આવતાં યુરોપીય ચિત્રકલાનો માર્ગ જબરદસ્ત રીતે બદલાઈ જાય છે. પ્રશિષ્ટ શૈલીથી આ એકદમ નિરાળો અભિગમ હતો. આ આંદોલને કલાક્ષેત્રે પછીથી આવનારાં વીસમી સદીનાં અનેક આંદોલનોની ભૂમિકા બાંધી આપી.

આ ચિત્રશૈલીનો પ્રભાવ સંગીતક્ષેત્રે તેમજ સાહિત્યક્ષેત્રે પણ પહોંચ્યો. સાહિત્યમાં વિશિષ્ટ સંતુષ્ટિ સાથેની સહજ સુગમતાને સ્થાને અપારદર્શકતા, સંદિગ્ધતા, અનિશ્ચિતતા અને દુર્બોધતાનો પ્રવેશ થાય છે. સાહિત્ય વાચકને શું બન્યું એ ‘કહેવાનું’ છોડીને માત્ર કાર્યને રજૂ કરવા લાગે છે; અને કાર્યને પણ ફોટોગ્રાફીની યથાર્થતાથી ન રજૂ કરતાં કોઈ સંવેદનતંત્રના માધ્યમથી અસ્ખલિત ચેતનાપ્રવાહ રૂપે રજૂ કરવા લાગે છે. સાહિત્ય આ રીતે, ચિત્ત પર પડેલા પ્રભાવને વર્ણવવાનું અને એ પ્રભાવને વીગતોની ઝાઝી ચોકસાઈ વગર મન:સ્થિતિઓને ઉત્તેજિત કરતી ભાષામાં વાચક સુધી પહોંચાડવાનું કાર્ય હાથ ધરે છે. પ્રભાવવાદને આમ સભાન આત્મલક્ષી ચેતનાના પહેલા સ્વીકાર તરીકે સાહિત્યના સંદર્ભમાં ઓળખી શકાય.

ચન્દ્રકાન્ત ટોપીવાળા