પ્રભાવતીદેવી (જ. 1906; અ. 15 એપ્રિલ 1973) : ગાંધી વિચારધારાને વરેલાં અગ્રણી મહિલા અને સ્વાતંત્ર્ય-સેનાની. પિતા બ્રિજકિશોર પ્રસાદ કાગ્રેસના નેતા હતા. પ્રાથમિક શિક્ષણ ઘરે જ લીધું, પરંતુ જાણીતા નેતાઓનાં વ્યાખ્યાનો સાંભળવા જાહેર મિટિંગોમાં તેઓ હાજરી આપતાં. સામાજિક કુરિવાજોથી તેઓ દૂર રહી સાદગીભર્યા જીવન પ્રત્યે આકર્ષાયાં.

પ્રભાવતીદેવી

14 વર્ષની વયે 1920માં જયપ્રકાશ નારાયણ સાથે કશાયે આડંબર અને દહેજ વિના લગ્નગ્રંથિથી જોડાયાં. એ જમાનામાં ડોળીના રિવાજ છતાં તેમણે ચાલીને શ્વસુરગૃહે પ્રવેશ કર્યો.

જયપ્રકાશ નારાયણ વધુ અભ્યાસાર્થે પટના જતાં, તેઓ પિતૃગૃહે આવ્યાં ત્યારે 1920માં ગાંધીજી અને કસ્તૂરબા તેમના પિતાનાં મહેમાન હતાં. ગાંધીજીના નજીકના સંપર્કમાં આવતાં, સ્વતંત્રતા અને દેશ માટે કામ કરવાની ખેવના તીવ્ર બની. આ તબક્કે સાદું જીવન જીવવાની શરૂઆત કરી અને બંને પક્ષના વડીલોની સંમતિ સાથે 1928માં ગાંધીજીના સાબરમતી આશ્રમમાં વસવાટ શરૂ કર્યો. આશ્રમમાં કસ્તૂરબા સાથે નજીકના સંપર્કો વિકસ્યા અને તેઓ કસ્તૂરબાનાં પાલ્ય પુત્રી બન્યાં. આશ્રમમાં ગાંધીજીના માર્ગદર્શન હેઠળ જીવન ઘડાયું. ત્યાં તેઓ રેંટિયો ચલાવતાં શીખ્યાં. તેમણે રામાયણ અને ગીતાનો ઊંડો અભ્યાસ કર્યો. જયપ્રકાશજીના સૂચનને કારણે અંગ્રેજી શીખ્યાં. ઘણી વાર તેમને ગાંધીદંપતી સાથે પ્રવાસમાં જોડાવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થતું. 1943માં આગાખાન મહેલ ખાતે જીવનના અંતિમ દિવસોમાં કસ્તૂરબાએ પ્રભાવતીદેવીને સાથે રહેવા તેડાવ્યાં હતાં. તે સમયે તેઓ ભાગલપુર જેલમાં હતાં, પણ સરકારે કસ્તૂરબાની ઇચ્છાને માન આપી પ્રભાવતીદેવીની બદલી પુણે જેલ ખાતે કરી હતી. આથી કસ્તૂરબાના અંતિમ શ્ર્વાસ સુધી તેમની સાથે રહેવાનો મોકો તેમને મળ્યો.

ગાંધીવાદીઓની વચ્ચેના આ વસવાટ તથા પરિચયના કારણે ગાંધી-આદર્શો તેમના મનોરાજ્ય પર છવાઈ ગયા. મનોમન તેમણે બ્રહ્મચર્યમય જીવન ગાળવાનો પાકો નિર્ણય કર્યો. 1929માં જયપ્રકાશજી વિદેશમાં અભ્યાસ કરી પાછા ફર્યા ત્યારે આ નિર્ણયની જાણ કરી. યુવાન જયપ્રકાશને બ્રહ્મચર્યમય જીવનમાં ખાસ વિશ્ર્વાસ નહોતો છતાં તેમણે પ્રભાવતીદેવીના આ નિર્ણયનો આદરપૂર્વક સ્વીકાર કરી અસાધારણ ઔદાર્ય દાખવ્યું. ત્યારબાદ જયપ્રકાશજી અને પ્રભાવતીદેવીએ પ્રારંભે કાગ્રેસને અને પછીથી રાષ્ટ્રને જીવન સમર્પિત કર્યું.

1932, 1940 અને 1942માં વિવિધ તબક્કે રાષ્ટ્રીય લડતમાં તેમણે ભાગીદારી નોંધાવી. સ્વાતંત્ર્યલડતના ભાગ રૂપે રચનાત્મક કાર્યોમાં જોડાઈ મહિલા ચરખા સમિતિ, કમલા નહેરુ શિશુવિહાર જેવાં અગ્રગણ્ય સંગઠનોમાં તેમણે સેવાઓ આપી. જીવનના વિવિધ તબક્કે આવાં કાર્યોમાં તેઓ જયપ્રકાશજીને દોરતાં રહ્યાં. માકર્સવાદ તરફ ઢળેલા જયપ્રકાશજીનું માનસપરિવર્તન કરી ગાંધીવિચારના અદના સૈનિક બનાવવામાં તેમનો અસાધારણ ફાળો હતો.

આઝાદી બાદ આ દંપતીએ કોઈ પણ હોદ્દાનો સ્વીકાર ન કર્યો. ગાંધીજીનાં અને વિનોબાજીનાં રચનાત્મક કાર્યો અને વિશેષે ભૂદાનકાર્યમાં રત રહી તેમણે સમાજની નિ:સ્પૃહ ભાવે સેવા કરી.

રક્ષા મ. વ્યાસ