પ્રભાવકચરિત : પ્રભાચંદ્રે રચેલો જૈન ધર્મના 22 પ્રભાવશાળી સૂરિઓના જીવનપ્રસંગો વર્ણવનારો ગ્રંથ. જૈન ધર્મના પ્રચાર અને પ્રસારને સુર્દઢ બનાવનારા સૂરિઓનાં ચરિત તેમાં રજૂ થયાં છે. ‘પ્રભાવકચરિત્ર’, ‘પ્રબન્ધચિંતામણિ’, ‘પ્રબન્ધકોષ’ અને ‘વિવિધ તીર્થકલ્પ’માં ઘણાખરા વિષયોમાં સમાનતા જોવા મળે છે. એ રીતે આ ચારેય ગ્રંથો પરસ્પર પૂર્તિ કરનારા છે.
પ્રભાવકચરિત 1909માં નિર્ણયસાગર પ્રેસમાં પ્રથમ વાર મુદ્રિત થયું હતું. રાજકીય પુરાતત્ત્વ વિભાગના નિયામક ડૉ. હીરાનંદ શાસ્ત્રીએ ચાર હસ્તપ્રતોના આધારે તે પ્રકાશિત કર્યું હતું. તેમાં ઘણી અશુદ્ધિઓ હતી. સિંઘી જૈન ગ્રંથમાળામાં મુનિ જિનવિજયજીએ ગ્રંથ સંપાદિત કરવામાં પાટણના જ્ઞાનભંડારમાંની ત્રણ પ્રતોનો ઉપયોગ કર્યો છે. ડૉ. હીરાનંદસંપાદિત આવૃત્તિમાં પૂના, અમદાવાદના ડેલાના ઉપાશ્રયની, પાટણની તેમજ વડોદરાની હસ્તપ્રતોનો ઉપયોગ થયો હતો. ઉપલબ્ધ હસ્તપ્રતોમાં પાટણની હસ્તપ્રત ઈ. સ. 1400 પૂર્વે 25–50 વર્ષ પ્રાચીન છે; બીજી પાટણની પ્રત ઈ. સ. 1500ની છે.
પ્રભાવકચરિત ઐતિહાસિક મહત્વ ધરાવતો ગ્રંથ છે. તેમાં ઈ. સ. પ્રથમ સદીથી ઈ. સ. 1300ના પૂર્વભાગપર્યંત થઈ ગયેલા મહાન પ્રભાવક, સંરક્ષક અને શાસ્ત્રકાર આચાર્યોના કાર્યકલાપ અને ગુણગૌરવનું આલેખન કરવામાં આવ્યું છે. આ ગ્રંથકારને કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યસૂરિના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ઉપરથી પ્રેરણા મળી છે. મહાવીરસ્વામી પછી થનાર વજ્રસ્વામી સુધીના આચાર્યોનું ચરિત વર્ણવતાં ‘સ્થવિરાવલિચરિત’ નામના પરિશિષ્ટ-પર્વની રચના જોઈને પ્રભાચન્દ્ર કવિએ હેમચન્દ્રાચાર્યસૂરિ પર્યંતના પૂર્વાચાર્યોનું ચરિત વર્ણવવા આ ગ્રંથ રચ્યો છે. ગ્રંથકાર કહે છે કે તેમણે પોતાના ગ્રંથમાં જે ઇતિવૃત્ત–ઇતિહાસ કે ચરિત આલેખ્યું છે તે કેટલુંક પ્રાચીનગ્રંથોના આધારે છે તો કેટલુંક બહુશ્રુત વિદ્વાન મુનિઓ પાસેથી જે સાંભળ્યું છે તેના આધારે છે.
આ ગ્રંથમાં કેવળ જૈન આચાર્યોનું જ ઇતિવૃત્ત નથી, પરંતુ તત્કાલીન રાજાઓ, પ્રધાનો, વિદ્વાનો, કવિઓ અને વિભિન્ન મહાપુરુષોનાં ચરિત્રો પણ છે. સમ્રાટ હર્ષવર્ધન, પ્રતિહાર-સમ્રાટ નાગાવલોક, વિદ્યાવિલાસી પરમાર રાજા ભોજદેવ, ચાલુક્યરાજ ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, પરમાર્હત કુમારપાળ જેવા રાજાઓ; બાણભટ્ટ, વાક્પતિ, માઘ, સિદ્ધ સારસ્વત ધનપાલ, કવીન્દ્ર શ્રીપાલ વગેરે સારસ્વત વિભૂતિઓનાં ચરિત્રો પણ આલેખાયાં છે.
આ ગ્રંથની ભાષા પ્રાસાદિક ને પ્રવાહી છે, વર્ણનો સુસંકલિત, સુવ્યવસ્થિત ને મુદ્દાસર છે. ક્યાંય અતિશયોક્તિ કે અસંભવિતતા જોવા મળતી નથી. આ ગ્રંથમાં વજ્રસ્વામી, આર્યરક્ષિત, આર્ય નંદિલ, કાલકસૂરિ, પાદલિપ્તસૂરિ, વિજયસિંહસૂરિ, જીવદેવસૂરિ, વૃદ્ધવાદીસૂરિ, હરિભદ્રસૂરિ, મલ્લવાદીસૂરિ, બપ્પભટ્ટિસૂરિ, માનતુંગસૂરિ, ભાતદેવસૂરિ, મહાકવિ સિદ્ધર્ષિ, વાદિવેતાલ શાંતિસૂરિ, મહેન્દ્રસૂરિ, સૂરાચાર્ય, અભયદેવ, વીરાચાર્ય, વાદીદેવસૂરી અને અંતે હેમચન્દ્રાચાર્યસૂરિ જેવા પ્રભાવશાળી ધમાચાર્યોનાં ચરિત્રો આલેખાયાં છે. મહેન્દ્રસૂરિના ચરિત્રમાં મહાકવિ ધનપાલનો અને અભયદેવસૂરિના ચરિત્રમાં જીવેશ્વરસૂરિનો વૃત્તાંત મળે છે. અહીં અનેક ગાથાઓનાં ઉદ્ધરણ તથા ભૌગોલિક સ્થાનોનાં આલેખનો જોવા મળે છે. એ રીતે આ ગ્રંથનું ઐતિહાસિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક મહત્વ સવિશેષ છે.
દશરથલાલ ગૌરીશંકર વેદિયા