પ્રભાકર, વિષ્ણુ દુર્ગાપ્રસાદ (29 જાન્યુઆરી 1912, મીરાપુર, જિ. મુઝફ્ફરનગર, ઉ.પ્ર.; અ. 11 એપ્રિલ 2009, ન્યૂ દિલ્હી) : હિંદી ભાષાના ટૂંકી વાર્તાલેખક, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર. એમના પિતા દુર્ગાપ્રસાદ રૂઢિચુસ્ત હતા જ્યારે માતા મહાદેવી રૂઢિભંજક હતાં, જેમણે પરંપરાથી ચાલી આવતી પડદાપ્રથાનો પરિત્યાગ કર્યો હતો. એમનું પ્રાથમિક શિક્ષણ મીરાપુરમાં થયું હતું. અગિયાર વર્ષના થતાં માતાએ એમને વધુ અભ્યાસ માટે મામાને ત્યાં હિસ્સાર મોકલ્યા અને ત્યાંથી 1929માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ શિક્ષણ લેવાની વિષ્ણુ પ્રભાકરની ઇચ્છા હતી; પરંતુ કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હોઈ, મામાની સહાયથી સરકારી નોકરીમાં જોડાયા. ચોથા વર્ગની એ નોકરી સાથે એમણે હિન્દીમાં ‘પ્રભાકર’ અને ‘હિન્દીભૂષણ’ની પરીક્ષા પાસ કરી. વળી બહારથી અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા. હિસ્સારના સરકારી કાર્યની એ નોકરી એમણે પંદર વર્ષ લગી કરી. આ વર્ષો દરમિયાન એમણે લખવાનો પ્રારંભ કર્યો હતો. વળી હિસ્સારની નાટક કંપનીમાં એ જોડાયા હતા. સત્યાવીસ વર્ષ મામાને ત્યાં રહ્યા અને 1938માં સુશીલાબહેન સાથે લગ્ન કર્યાં. 1939માં એમણે ‘હત્યા કે બાદ’ નામનું નાટક લખ્યું હતું.
વિષ્ણુ પ્રભાકર સ્વાતંત્ર્ય-આંદોલનમાં જોડાયા હતા અને 1940 અને 1942માં જેલમાં ગયા હતા. પછી એમણે સરકારી નોકરી છોડીને માત્ર લેખનને વ્યવસાય બનાવ્યો. 1955થી 1957 દરમિયાન એમણે આકાશવાણી, ન્યૂ દિલ્હીમાં નાટ્યદિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.
પ્રાથમિક શાળામાં વિષ્ણુ પ્રભાકરનું નામ વિષ્ણુ દુર્ગાપ્રસાદ દયાલ લખાયું હતું. જ્ઞાતિ વૈશ્ય હોઈ આર્યસમાજની સ્કૂલમાં ‘વિષ્ણુ ગુપ્ત’ નામ નોંધાયું. નોકરીમાં એ જ નામની અન્ય વ્યક્તિ હોવાથી ‘વિષ્ણુ ધર્મદત્ત’ એવું નામ લખાયું હતું. જ્યારે લખવાનું પ્રારંભ્યું ત્યારે માત્ર ‘વિષ્ણુ’ એવું ટૂંકું નામ લખતા, પરંતુ તંત્રીએ એમના નામ સાથે એમણે મેળવેલી હિન્દી ભાષાની ‘પ્રભાકર’ ઉપાધિ જોડીને વિષ્ણુ પ્રભાકર બનાવી દીધા ! પછી એ જ નામ સ્થિર થયું. અલબત્ત, 1931માં એમણે એમની પહેલી ટૂંકી વાર્તા ‘પ્રેમ બંધુ’ – એ ઉપનામથી લખી હતી. ‘સંઘર્ષ કે બાદ’ (1953), ‘ખંડિત પૂજા’ (1960), ‘મેરી તેત્રીસ કહાનિયાઁ’ (1967), ‘ધરતી અબ ભી ઘૂમ રહી હૈ’ (1970) અને ‘પુલ ટૂટને સે પહલે’ (1977) એમના વાર્તાસંગ્રહો છે. એમની વાર્તાઓમાં સામાજિક સમસ્યા સાથે વ્યક્તિ અને સમાજ વચ્ચેના સંઘર્ષની વાત વ્યક્ત થઈ છે.
‘નિશિકાન્ત’ (1951), ‘તટ કે બંધન’ (1955), ‘સ્વપ્નમયી’ (1956), ‘દર્પણ કા વ્યક્તિ’ (1968), ‘કોઈ તો’ (1965) અને ‘અર્ધનારીશ્વર’ (19 ) એમની નવલકથાઓ છે. ‘અર્ધનારીશ્વર’ નવલકથાને સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવૉર્ડ મળ્યો છે. એમની નવલકથાલેખનની તાસીર પરંપરાની છે. એમના પર પ્રેમચંદનો પ્રભાવ છે. સમાજના ઉત્થાનની એમની ભાવના આ નવલકથાઓમાં પ્રગટ થતી અનુભવાય છે.
નાટ્યકાર તરીકે વિષ્ણુ પ્રભાકરનું સ્થાન હિન્દી સાહિત્યમાં વિશેષ ઉલ્લેખનીય છે. લોકસાહિત્ય અને રંગભૂમિનો સમન્વય એમણે સાર્થ રીતે કર્યો છે. ‘ડૉક્ટર’, ‘નવપ્રભાત’, ‘યુગે યુગે ક્રાંતિ’, ‘સત્તા કે આરપાર’ એમના નાટ્યસંગ્રહો છે. ‘સત્તા કે આરપાર’ને મૂર્તિદેવી ઍવૉર્ડ અને શલાકા ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. એકાંકી-ક્ષેત્રે એમનું પ્રદાન ન ભુલાય તેવું છે.
ટૂંકી વાર્તા, નવલકથા અને નાટકમાં વિષ્ણુ પ્રભાકરનું પ્રદાન નોંધનીય હોવા છતાં એમને યાદ કરવા પડે તે એમણે લખેલ બંગાળી સર્જક શરદબાબુના જીવનચરિત્ર સંદર્ભે. ‘આવારા મસીહા’ એ વિષ્ણુ પ્રભાકરે દીર્ઘકાળના પરિશ્રમ પછી લખેલ જીવનચરિત્રાત્મક કૃતિ છે જેમાંથી શરદબાબુની એક વિશ્વસનીય છબિ લભ્ય બને છે. તેને 1980નો સૉવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ મળ્યો હતો અને પાબ્લો નેરુદા સન્માન પ્રાપ્ત થયું હતું. હિન્દી સાહિત્યમાં ‘આવારા મસીહા’ ચરિત્રાત્મક સાહિત્યની મહત્વની કૃતિ છે. એનો ઘણી ભારતીય ભાષામાં અનુવાદ થયો છે. એમણે ‘સરદાર શહીદ ભગતસિંહ’ – એ ચરિત્ર પણ લખ્યું છે. ‘જ્યોતિપુંજ હિમાલય’ એમનો પ્રવાસગ્રંથ છે. એમણે અનેક દેશોનો પ્રવાસ કર્યો છે.
ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ આપ્યો છે. અનેક સાહિત્યિક, સામાજિક સંસ્થાઓ સાથે વિષ્ણુ પ્રભાકર સંકળાયેલા રહ્યા હતા.
પ્રફુલ્લ રાવલ