પ્રભાકરવર્ધન (શાસનકાળ : 580–606) : થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના મહારાજા આદિત્યવર્ધનના પુત્ર અને ઉત્તરાધિકારી. પ્રભાકરવર્ધને હૂણ, સિંધુરાજ, ગુર્જર, ગાંધારાધિપ, લાટ અને માલવની રાજસત્તાઓનો પરાભવ કરી, ઉત્તર ભારતના પ્રદેશો પર પોતાની અધિસત્તા સ્થાપી. એના આ વિજયોથી એ ‘પ્રતાપશીલ’ તરીકે ખ્યાતિ પામ્યો. એણે ‘પરમભટ્ટારક’ અને ‘મહારાજાધિરાજ’ જેવાં મહાબિરુદ ધારણ કર્યાં.
પ્રભાકરવર્ધનની મહારાણી યશોમતી હતી. એને રાજ્યવર્ધન, હર્ષવર્ધન અને રાજ્યશ્રી નામે ત્રણ સંતાનો હતાં. પ્રભાકરવર્ધને પુત્રી રાજ્યશ્રીના વિવાહ કાન્યકુબ્જના મૌખરીવંશના રાજા અંતિમવર્માના જ્યેષ્ઠ પુત્ર રાજા ગ્રહવર્મા સાથે કર્યાં. મૌખરીઓના મહાન રાજવંશ સાથેના આ લગ્નસંબંધથી પ્રભાકરવર્ધનના રાજકુળની પ્રતિષ્ઠા વધી. પ્રભાકરવર્ધનનાં પરાક્રમો જોતાં એની રાજ્યસત્તા હવે ઉત્તરકાલીન ગુપ્તોની તેમજ મૌખરીઓની રાજસત્તા કરતાંયે વધુ ગણનાપાત્ર બની.
પ્રભાકરવર્ધન આદિત્યભક્ત હતો અને તેનો સભાકવિ બાણભટ્ટ હતો. પ્રભાકરવર્ધન ટૂંકી બીમારી બાદ મૃત્યુ પામતાં તેનો પુત્ર હર્ષવર્ધન ઈ. સ. 606માં ગાદીએ આવ્યો હતો.
રામજીભાઈ ઠા. સાવલિયા