પ્રભજોત કૌર (જ. 1924, પંજાબ) : પંજાબી લેખિકા. લાહોર ખાતેની મહિલાઓ માટેની ખાલસા કૉલેજમાંથી 1945માં તે સ્નાતક થયાં. 1948માં, પંજાબના જાણીતા નવલકથાકાર નરેન્દ્રપાલ સિંગ સાથે લગ્ન કર્યાં.

પંજાબી સાહિત્યજગતમાં આ લગ્ન એક લાક્ષણિક ઘટના લેખાય છે – એટલા માટે કે સાહિત્યકાર પતિને તેમની નવલકથા ‘બા મુલાહિઝા હોશિયાર’ (1975) માટે 1976ના વર્ષમાં સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો, અને એ જ ઍવૉર્ડ સાહિત્યકાર પત્નીને તેમના કાવ્યસંગ્રહ ‘પબ્બી’ (1962; ‘પહાડ પરની સપાટ જમીન’) માટે અગાઉ 1964માં મળી ચૂક્યો હતો.

ઊર્મિકવિતાનાં તે નામાંકિત કવયિત્રી લેખાયાં છે. સ્ત્રીના મનોભાવોના અતલ ઊંડાણને તે માર્મિકતાથી સ્પર્શી શકે છે. સાંસ્કૃતિક બાબતોના પ્રતિનિધિ રૂપે તે 1966માં પંજાબની ધારાસભામાં નિયુક્ત સભ્ય હતાં; 1967માં તેમને પદ્મશ્રીનું પદક મળ્યું હતું. 1966માં તે ‘યુનેસ્કો’ના રાષ્ટ્રીય કમિશનનાં નિયુક્ત-સભ્ય બન્યાં હતાં.

આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ દરમિયાન, તે ‘વુમન ઑવ્ ધ યર’ તરીકે પસંદગી પામ્યાં હતાં. 1958માં તાશ્કંદ ખાતેની બીજી આફ્રો-એશિયન પરિષદમાં પણ તેમને નિમંત્રણ મળ્યું હતું; ત્યારથી સાહિત્યિક બાબતોની સંખ્યાબંધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ સંભાળ્યું છે. 1978માં તેમણે પ્રવાસ તથા અભ્યાસના હેતુસર યુરોપ તથા એશિયાના 15 દેશોની મુલાકાત લીધી.

તેમની કાવ્યલેખનની સિદ્ધિ રૂપે, ફ્રેન્ચમાં પ્રગટ થયેલ ‘પબ્બી’ બદલ તેમને ‘લ રૉઝ દ ફ્રાન્સ’નું બહુમાન મળ્યું હતું, આ ઉપરાંત આ કાવ્યસંગ્રહ અંગ્રેજી, રશિયન, ઇટાલિયન, રૂમાનિયન, બલ્ગેરિયન, હિંદી, ઊડિયા તથા તમિળ જેવી ભાષાઓમાં અનુવાદ પામ્યો છે. ‘યુદ્ધ કી જ્વાલા’ (હિંદીમાં વાર્તાસંગ્રહ), ‘કુછ ઔર’ (હિંદી કાવ્યસંગ્રહ), ‘સહારા, બન કાપાસી’ (ઉર્દૂમાં કાવ્યસંગ્રહ), ‘લલાઈ’ (પર્શિયનમાં કાવ્યસંગ્રહ) અને અંગ્રેજી નવલકથા ‘ઑન ધ ક્રેસ્ટ ઑવ્ ટાઇમ’ ને સાહિત્ય-જગતમાં સારો આવકાર સાંપડ્યો છે. તેમનાં કાવ્યોમાં વણાયેલી બુદ્ધિગમ્ય સંસ્કારલક્ષિતાને કારણે તેમને દેશવિદેશમાં નામના મળી છે. તેમનાં કેટલાંક કાવ્યો લોકગીતો જેવાં મીઠાં અને સરળ છે. તેમણે સ્ત્રીમાનસની મનોવ્યથાને સહજ રીતે આલેખી છે.

તેમણે ‘વિકેન્દ્રિત’ નામનું પંજાબી સામયિક શરૂ કર્યું છે. હજુ પણ તેનું સંપાદનકાર્ય સંભાળી રહ્યાં છે. તેમના મુખ્ય કાવ્યસંગ્રહો તે – ‘લાલ લટ જોત જાગે’ (1943), ‘પલકન ઑલે’ (1944), ‘કુછ ઔર’ (1946), ‘આઝલ ટન’ (1946), ‘સપને સાધરણા’ (1949), ‘દો રંગ’ (1951), ‘પંખેરુ’ (1956), ‘બન કાપાસી’ (1958), ‘કંધારી હવા’ (1963), ‘ખાડી’ (1967), ‘વડસરી શીશા’ (1973), ‘મધ્યાંતર’ (1974), ‘ચંદર યુગ’ અને ‘ઇશ્ક શારા કી નાટ’ (1985). તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો તે આ – ‘કિંકે’ (1952), ‘અમન દે નાન’ (1956), ‘ઝિંદગી દે કુછ પલ’ (1986). તેમણે ‘ઘરોં બાહિર’ (1960) નામે પ્રવાસવર્ણન પણ લખ્યું છે. તેમણે ડઝનેક જેટલી બાળસાહિત્યની કૃતિઓ લખવા ઉપરાંત પ્રશિષ્ટ કૃતિઓનું સર્જનાત્મક શૈલીમાં ભાષાંતર પણ કર્યું છે.

મહેશ ચોકસી