પ્રબન્ધ (સાહિત્ય) : ઐતિહાસિક, ચરિત્રાત્મક વસ્તુવાળું આખ્યાન-પદ્ધતિનું કથાત્મક ને વર્ણનાત્મક પદ્યસ્વરૂપ. ઐતિહાસિક વીરકાવ્ય તરીકેય તે ઓળખાય છે. ‘ચતુર્વિંશતિપ્રબન્ધ’ જેવા મધ્યકાળના સંસ્કૃત પ્રબન્ધોનું વસ્તુ પણ ઐતિહાસિક છે.
સામાન્ય રીતે ઐતિહાસિક કે ધાર્મિક વીર પુરુષના ચરિત્રની આસપાસ પાત્રો, પ્રસંગો યોજી પ્રબન્ધમાં તેના ચરિત્રને ઉપસાવવામાં આવે છે. બહુધા માત્રામેળ છંદોના વાહન દ્વારા, ક્યારેક તો પદ્ય ઉપરાંત ભાટચારણોની ખાસ ઉક્તિલઢણ ‘ભટાઉલિ’ જેવાનો ઉપયોગ કરીને (‘કાન્હડદે પ્રબન્ધ’) નગર, પ્રકૃતિ, રીતરિવાજો, શસ્ત્રાસ્ત્રો, યુદ્ધવર્ણનો, ચમત્કારો આદિના આલેખન વડે પ્રબન્ધગત વિષયવસ્તુને વિકસાવી તેમાંના વીરરસને અદભુતાદિ રસો દ્વારા પુષ્ટ કરવામાં આવે છે. રાસા અને આખ્યાન બંનેનાં તત્વોની ગૂંથણી પ્રબન્ધમાં વરતાય છે.
મધ્યકાળમાં પંદરમા શતક પૂર્વે જૈન કવિઓ દ્વારા પ્રબન્ધનું કાવ્યસ્વરૂપ ઠીક ઠીક પ્રમાણમાં ખેડાયું. તેમનો ઉદ્દેશ અંતે ધર્મબોધનો હતો. જૈનેતર કવિઓના પ્રબન્ધમાં ધર્મનો રંગ ખરો પણ સાંપ્રદાયિકતાનું તત્વ નહિ. જૈનેતર કવિઓ ઐતિહાસિક વીરપુરુષનું પરાક્રમી ચરિત્ર ઉપસાવતા જઈ કથારસને બહલાવે છે.
ઐતિહાસિક વીરપુરુષના ચરિત્રનું વસ્તુ હોવા છતાં પ્રબન્ધમાં કવિ-કલ્પના તેમજ દંતકથાનું તત્વ ભળતાં એનું શુદ્ધ ઇતિહાસ લેખેનું મૂલ્ય ઓછું થાય છે; પરંતુ તેને લીધે સમકાલીન સામાજિક પરિસ્થિતિ પર આડપ્રકાશ પડતો હોવાથી તેમાં મધ્યકાળના સાંસ્કૃતિક ઇતિહાસ માટેની કેટલીક ઉપયોગી સામગ્રી મળી રહે છે. મધ્યકાલીન સમાજસ્થિતિના અભ્યાસ માટે પ્રબન્ધો દસ્તાવેજી સામગ્રી પૂરી પાડે છે.
જૈન કવિઓએ કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ અને વિમલ મંત્રી જેવા ઐતિહાસિક ધર્મપુરુષોનાં ચરિત્રોને કેન્દ્રમાં રાખી પ્રબન્ધો રચ્યા છે. લાવણ્યસમયનો ‘વિમલપ્રબન્ધ’ તેનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. ‘સમરા રાસુ’, ‘પેથડ રાસ’, ‘વસ્તુપાલ-તેજપાલ રાસ’ આદિ જૈન રાસાઓ પ્રબન્ધનાં બધાં જ લક્ષણો ધરાવે છે. પ્રબન્ધનાં લક્ષણોથી પરિપૂર્ણ એવી કૃતિ તો જૈનેતર કવિ પદ્મનાભ-રચિત ‘કાન્હડદે પ્રબન્ધ’ છે.
જૈનેતર કવિ શ્રીધર વ્યાસ-કૃત ‘રણમલ્લ છંદ’ ઐતિહાસિક વીર-કાવ્ય હોઈ પ્રબન્ધનાં લક્ષણો ધરાવે છે જ.
‘ત્રિભુવનદીપક પ્રબન્ધ’ કૃતિનું શીર્ષક પ્રબન્ધ નામ ધરાવતું રૂપક-કાવ્ય છે. આમ મધ્યકાલીન સાહિત્યમાં કૃતિના શીર્ષક સાથે સ્વરૂપસૂચક નામો શિથિલ રીતે પ્રયોજાયેલાં કેટલીક વાર જોવા મળે છે.
બીજાં મધ્યકાલીન કથાત્મક સાહિત્ય-સ્વરૂપોમાં જોવા મળતી વર્ણનોની એકવિધતા પ્રબન્ધમાં પણ જોવા મળે છે.
પ્રાગજીભાઈ ભાંભી