પ્રબન્ધ (સંગીત) : નિશ્ચિત વિષય પરત્વે વિચારોની અભિવ્યક્તિ માટે ગોઠવેલી શબ્દરચના, જે ઘણુંખરું પદ્યમાં અને રાગ કે છંદમાં બાંધેલી હોય છે. શાસ્ત્રકાર આચાર્ય શાઙર્ગદેવના સમયમાં (તેરમી સદી) ખયાલ તથા ધ્રુપદની શૈલી પ્રચારમાં નહોતી. તે સમયમાં પ્રબન્ધ, વસ્તુ, રૂપક વગેરે ગાવાનો રિવાજ હતો.

પ્રબન્ધના ભિન્ન ભિન્ન ભાગો હતા, જેને માટે ‘ધાતુ’ શબ્દ વાપરવામાં આવતો. શાઙર્ગદેવના ‘સંગીતરત્નાકર’ (1235) ગ્રંથમાં ધાતુઓના જે પ્રકારો જણાવ્યા છે તે ‘ઉદગાહ’, ‘મેલાપક’, ‘ધ્રુવ’, ‘અંતરા’ તથા ‘આભોગ’ છે. પ્રબન્ધનું સંગીત હવે લુપ્ત  થઈ ગયું છે. ઉપર્યુક્ત ગ્રંથમાં સેંકડો પ્રકારના પ્રબન્ધોનું વર્ણન છે, પણ તે કેવી રીતે ગવાતા તે વિશે કોઈ ઉલ્લેખ નથી. તેમ છતાં એમ કહી શકાય કે પ્રબન્ધ ‘નિબદ્ધ ગીત’ ગણાય, જેમાં તાલ અથવા લયને સ્થાન હતું અને તે ‘આલાપિત ગાન’ અથવા આલાપથી જુદું હતું.

સંસ્કૃત ભાષામાં બારમી સદીમાં જયદેવના ‘ગીતગોવિંદ’ કાવ્યમાં સર્વપ્રથમ ‘પ્રબન્ધ’ની રચના કરવામાં આવી છે. ‘एतं करोति जयदेवकविः प्रबन्धम् ।’ — એવા શબ્દોમાં પોતે પ્રબન્ધની રચના કરી હોવાનું તેમણે સ્વીકાર્યું છે. ‘ગીતગોવિંદ’માં આવા કુલ 24 પ્રબન્ધો છે. એ કાવ્યના અનુકરણમાં જેટલાં કાવ્યો લખાયાં તે બધાંમાં આવા જ પ્રબન્ધો જોવા મળે છે. એમાં કયા રાગમાં અને કયા તાલમાં આ પ્રબન્ધ ગાવાનો છે તે સ્પષ્ટ શબ્દોમાં કવિ લખે છે. અલબત્ત, એ રાગ અને તાલ અત્યારે પ્રચલિત હિંદુસ્તાની સંગીતમાં નથી, પરંતુ શાઙર્ગદેવના ‘સંગીતરત્નાકર’માં છે કે તે સંગીત લુપ્ત થયું છે.

બટુક દીવાનજી