પ્રબન્ધકોશ (1349) : ગુજરાતના પ્રસિદ્ધ પુરુષોનાં ચરિત અંગે સંસ્કૃતમાં લખાયેલા 24 પ્રબન્ધોનો સંગ્રહ. કર્તા રાજશેખરસૂરિ. જૈન પ્રબન્ધગ્રંથોમાં જિનભદ્ર-કૃત ‘પ્રબન્ધાવલી’ (ઈ. સ. 1234), મેરુતુંગાચાર્યરચિત ‘પ્રબન્ધચિન્તામણિ’ (ઈ. સ. 1305) અને રાજશેખરસૂરિ-કૃત ‘પ્રબન્ધકોશ’ કે ‘ચતુર્વિશતિપ્રબન્ધ’ (ઈ. સ. 1349) સુપ્રસિદ્ધ છે. રાજશેખરસૂરિ હર્ષપુરીય મલધારી ગચ્છના શ્રી તિલકસૂરિના શિષ્ય હતા. એમણે ‘ષડ્દર્શનસમુચ્ચય’ વગેરે દાર્શનિક ગ્રંથો પણ રચ્યા છે. દિલ્હીના મહણસિંહે આ ગ્રંથ કરાવ્યો. આ ગ્રંથનું બીજું નામ ‘ચતુર્વિશતિપ્રબન્ધ’ છે; કેમ કે, એમાં 24 પુરુષો વિશેના પ્રબન્ધો સંગૃહીત કરાયા છે. એ 24 પુરુષોમાં 10 સૂરિઓ, 4 કવિઓ, 7 રાજાઓ અને 3 રાજમાન્ય ગૃહસ્થોનો સમાવેશ થાય છે. સૂરિઓમાં ભદ્રબાહુ, ખપટાચાર્ય, પાદલિપ્તાચાર્ય, મલ્લવાદી, હરિભદ્રસૂરિ, બપ્પભટ્ટિસૂરિ, હેમચન્દ્રસૂરિ ઇત્યાદિ છે. કવિઓમાં હરિહર, અમરચંદ્ર અને મદનકીર્તિનો સમાવેશ થાય છે. રાજાઓમાં સાતવાહન, વિક્રમાદિત્ય, નાગાર્જુન, વત્સરાજ, ઉદયન, કુમારદેવ અને મદન વર્માનો સમાવેશ થાય છે. શ્રાવકોમાં રત્ન, આભડ અને વસ્તુપાલ-તેજપાલ પસંદ કરાયા છે. રાજશેખરસૂરિએ ‘પ્રભાવકચરિત’ (ઈ. સ. 1278), ‘પ્રબન્ધચિન્તામણિ’ (ઈ. સ. 1305), ‘વિવિધ તીર્થકલ્પ’ (ઈ. સ. 1333) અને અન્ય પ્રબન્ધસંગ્રહોમાંથી માહિતી એકત્ર કરી છે. ‘પ્રબન્ધકોશ’માં જે ચાર કવિઓની માહિતી આપી છે તે મૌલિક છે. આ ગ્રંથ મુગ્ધ જનોના જ્ઞાન (જાગૃતિ) માટે લખાયો હોઈ, સંસ્કૃતમાં સરળ અને સુબોધ ગદ્યમાં રચાયો છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ માટે ‘પ્રબન્ધકોશ’માંના મલ્લવાદી હેમચન્દ્રસૂરિ, નાગાર્જુન, આભડ અને વસ્તુપાલ-તેજપાલના પ્રબન્ધ ખાસ નોંધપાત્ર છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી