પ્રથમ જીવયુગ (Palaeozoic era)
ભૂસ્તરીય ઇતિહાસના મુખ્ય કાળગાળાઓ પૈકીનો એક. ભૂસ્તરીય કાળક્રમમાં જીવનના સંદર્ભમાં તે સર્વપ્રથમ ગણાતો હોઈ તેને પ્રથમ (પ્રાચીન) જીવયુગ નામ અપાયું છે. પૃથ્વીની ઉત્પત્તિથી આજ સુધીના અંદાજે 460 કરોડ વર્ષના સમયને આવરી લેતા સમગ્ર ભૂસ્તરીય ઇતિહાસને સ્તરવિદોએ બે મહાયુગો(eons)માં વહેંચેલો છે : (1) પ્રી-કૅમ્બ્રિયન મહાયુગ : પ્રથમ 400 કરોડ વર્ષનો લગભગ જીવનરહિત ગણાતો કાળગાળો. (2) ર્દશ્ય જીવયુગ : ખાતરીબદ્ધ જીવનસહિતનો લગભગ 60 કરોડ વર્ષનો મહાયુગ. (જુઓ ર્દશ્ય જીવયુગ.) આ 60 કરોડ વર્ષો પૈકીનાં શરૂઆતનાં લગભગ 34–35 કરોડ વર્ષને આવરી લેતો યુગ એટલે પ્રથમ જીવયુગ. તે અંતિમ પ્રી-કૅમ્બ્રિયનથી મધ્ય જીવયુગના પ્રારંભ વચ્ચેના ભૂસ્તરીય ઇતિહાસને આવરી લે છે. તેની ખડકરચનાઓની જમાવટ આજથી ગણતાં લગભગ 60 (ચોકસાઈ મુજબ 57) કરોડ વર્ષ અગાઉથી શરૂ કરીને 22.5 કરોડ વર્ષ અગાઉ સુધીના કિરણોત્સારી વયનિર્ધારણપદ્ધતિ દ્વારા નક્કી થયેલા 34.5 કરોડ વર્ષના ગાળા દરમિયાન થયેલી છે. તેની નીચેની સીમા લગભગ સુસ્પષ્ટ છે, પરંતુ ઉપરની સીમા પૂરતા પ્રમાણમાં સ્પષ્ટ નથી. આમ તે ર્દશ્ય જીવયુગનો લગભગ 2/3 જેટલો ભાગ આવરી લે છે.
પ્રથમ જીવયુગને, પૃથ્વી પરની ખડકરચનાઓમાંથી મળી આવતાં જૂનામાં જૂનાં જીવનસ્વરૂપોનો અને તેમના ક્રમશ: થતા ગયેલા વિકાસનો યુગ ગણવામાં આવે છે. તેના જળકૃત ખડકોમાં જળવાઈ રહેલા મળતા જીવાવશેષો પરથી જણાઈ આવે છે કે તે પ્રાણી અને વનસ્પતિના વિપુલ પ્રમાણની લાક્ષણિકતાવાળો બની રહેલો છે. પૃથ્વી પર જીવનના અસ્તિત્વનો પ્રારંભ આ યુગની શરૂઆતથી થયો હોવાનો ખ્યાલ જે હમણાં સુધી સેવવામાં આવતો હતો તે હવે પૂરેપૂરો ખરો ગણાતો નથી, એટલે કે પ્રી-કૅમ્બ્રિયનના ઉત્તરાર્ધકાળ(પ્રાગ્જીવયુગ–Proterozoic era)માં અમુક પ્રકારના જીવનનાં પગરણ મંડાઈ ચૂક્યાં હતાં, આ બાબત હવે સંશોધનો પરથી સાબિત થઈ ચૂકી છે.
પ્રથમ જીવયુગના ખડકો તેની નીચેના પ્રી-કૅમ્બ્રિયન યુગના ખડકોથી સેન્દ્રિય જીવનસ્વરૂપોમાં, ખડકપરિવર્તન કે વિકૃતિની કક્ષાઓના અભાવમાં તથા પ્રમાણમાં વધુ સરળ સંરચનાત્મક લક્ષણોની બાબતોમાં જુદા પડી આવે છે. દુનિયાના મોટાભાગના ખંડોમાં આ યુગના ખડકો બહોળા પ્રમાણમાં વિતરણ પામેલા જોવા મળે છે. વળી તેમના ખડકસ્તરોની સામૂહિક જાડાઈ પણ ઘણી વધારે છે.
પ્રથમ જીવયુગ દરમિયાન મોટા પાયા પર થયેલી બે ભૂસંચલનજન્ય ઘટનાઓને પરિણામે ગિરિનિર્માણ થયાં –એક તો કેલિડોનિયન ગિરિનિર્માણ, જે પૂર્વાર્ધકાળમાં એક પછી એક નાનામોટા જુદા જુદા તબક્કાઓમાં થતું રહ્યું અને ડિવોનિયનના પ્રારંભમાં પૂરું થયું; જ્યારે, બીજું વેરિસ્કન (અથવા એપેલેશિયન અથવા હર્સિનિયન – સ્થાનભેદે જુદાં નામ) ગિરિનિર્માણ, જે યુગના ઉત્તરાર્ધકાળમાં થયેલું. આ બંને ગિરિનિર્માણ-ઘટનાઓને પરિણામે પૃથ્વીના પટ પર કેટલીક પર્વતમાળાઓ ઊપસી આવી, જળ-સ્થળના ઘણા ફેરફારો થવા પામ્યા, ગ્રૅનાઇટનાં અંતર્ભેદનો થયાં, ક્યાંક વિકૃતિની કક્ષાઓ થઈ, કેટલાંક જીવનસ્વરૂપોનાં સ્થળાંતર થયાં, કેટલાંકનો સદંતર વિલોપ થયો તો કેટલાંક નવાં જીવનસ્વરૂપો વિકસ્યાં.
કેલિડોનિયન ગિરિનિર્માણ માટે જવાબદાર ભૂસંચલનજન્ય ઘટનાને આધારે પ્રથમ જીવયુગના નિમ્ન અને ઊર્ધ્વ એવા બે પેટાયુગો પાડવામાં આવેલા છે, તેની કાળ સરહદરેખા આજથી 40 કરોડ વર્ષ અગાઉની ગણાય છે, જે સાઇલ્યુરિયન અને ડિવોનિયન કાળને અલગ પાડે છે. દુનિયાના મોટાભાગમાં લગભગ બધે જ પ્રથમ જીવયુગને 6 ભૂસ્તરીય કાળ(વિભાગો)માં વિભાજિત કરવામાં આવેલો છે. તેની જૂનામાં જૂની રચનાથી નવી રચના તરફ જતાં દરેકનાં નામ અને અવધિ (કરોડ વર્ષમાં) આ પ્રમાણે છે : કૅમ્બ્રિયન (8), ઑર્ડોવિસિયન (7), સાઇલ્યુરિયન (2), ડિવોનિયન (5), કાર્બોનિફેરસ (7.5) અને પર્મિયન (4.5). (જુઓ, જે તે અધિકરણ.)
પ્રથમ જીવયુગનો નિમ્ન વિભાગ કૅમ્બ્રિયન, ઑર્ડોવિસિયન અને સાઇલ્યુરિયનને આવરી લે છે. તે મુખ્યત્વે અપૃષ્ઠવંશી પ્રાણીઓની વિપુલતા અને લાક્ષણિકતાવાળો છે. તે પૈકી ત્રિખંડી, ગ્રેપ્ટોલાઇટ (કૉર્ડેટા) અને બ્રેકિયોપૉડ મુખ્ય છે. ઑર્ડોવિસિયનમાં પ્રારંભિક કક્ષાની માછલી તૈયાર થાય છે. ઊર્ધ્વ વિભાગ ડિવોનિયન, કાર્બોનિફેરસ અને પર્મિયનને આવરી લે છે. તેમાં ત્રિખંડી અને ગ્રૅપ્ટોલાઇટનો વિલોપ થઈ જાય છે, જ્યારે પરવાળાં અને ક્રિનૉઇડ(એકિનોડર્મેટા–શૂળત્વચા સમુદાય)નું વિપુલ પ્રમાણ ઊભરી આવે છે, ઉભયજીવી અને સરીસૃપો કાર્બોનિફેરસમાં વિકસે છે અને પર્મિયનમાં ચાલુ રહે છે. ડિવોનિયનમાં માછલીનું મહત્વ વધી જાય છે.
ભારતીય સંદર્ભમાં પ્રથમ જીવયુગનો ગોંડવાના કાળ : ભૂસ્તરીય ઇતિહાસના કાળક્રમમાં ઊર્ધ્વ કાર્બોનિફેરસથી લગભગ ક્રિટેશિયસના અંત સુધીનો કાળગાળો એટલે ગોંડવાના કાળ. ભૂસ્તરીય વયના સંદર્ભમાં આજથી ગણતાં ± 30 કરોડ વર્ષથી ± 7 કરોડ વર્ષ વચ્ચેનો અતીતનો 23 કરોડ વર્ષનો કાળગાળો ગોંડવાના કાળ ગણાય.
હર્સિનિયન અથવા વેરિસ્કન ગિરિનિર્માણની ચરમ સીમાની સાથે સાથે મધ્ય કાર્બોનિફેરસ કાળનો અંત આવે છે. મધ્ય એશિયાની તિએન શાન તેમજ અન્ય પર્વતમાળાઓ સમુદ્રતળ પરથી ઊંચકાઈ આવે છે. ગોંડવાના ખંડની મોટાભાગની ઉત્તર સરહદો તે વખતે એટલી તો ઊંચાઈવાળી અને પર્વતીય હતી કે તેમનાં શિખરો હિમાચ્છાદિત રહેતાં હતાં; દા.ત., અરવલ્લી. તેમાંથી સ્થાનિક નદીઓ ઉત્તરે રહેલા તે વખતના સમુદ્રને જઈ મળતી હતી. ત્યારે હિમક્રિયા થયેલી હોવાના પુરાવા સિક્કિમમાં, ગઢવાલ-કુમાઉંના પર્વતોમાં, કાશ્મીર અને સૉલ્ટ રેઇન્જમાં તેમજ હઝારા અને પાકિસ્તાનમાંથી મળી રહે છે; પરંતુ પછીના સમયમાં આબોહવા ગરમ–હૂંફાળી બનતી જાય છે, જેમાં ગ્લોસોપ્ટેરીસ વનસ્પતિ ફૂલેફાલે છે અને તેમાંથી જ કેટલીક સ્થાનિક જગાઓમાં કોલસાના સ્તરો જામે છે.
પ્રાગજીવયુગ (57 કરોડ વર્ષ અગાઉ) દરમિયાન ઘણા મોટા પાયા પર થયેલી ભૂસંચલનજન્ય ઘટનાઓના પરિણામરૂપ ઊંચકાઈ આવેલી અરવલ્લી પર્વતમાળાનો છેલ્લો તબક્કો પ્રારંભિક–પશ્ચાત્ વિંધ્ય સમય દરમિયાન થયેલો. અરવલ્લીની તે વખતની ઊંચાઈ અને ભવ્યતા આજના હિમાલયને આંબી જાય એવી હતી. તેની વાયવ્ય બાજુ પરથી હિમનદીઓ પશ્ચિમ રાજસ્થાનની આરપાર થઈને વહેતી હતી. તેના અગ્નિભાગ તરફથી વહેતી હિમનદીઓના છેડાના ભાગ ઉત્તર પ્રદેશમાં, પૂર્વ વિંધ્યાચળની કૈમૂર ટેકરીઓની દક્ષિણે, મધ્યપ્રદેશના અગ્નિભાગમાં, મધ્યપ્રદેશ–બિહારના નૈર્ઋત્ય ભાગમાં પ્રસરેલા હતા; વળી હિમદીઓનું બીજું એક કેન્દ્ર ગોદાવરી ખીણની પૂર્વમાં હતું, ત્યાંથી બરફ નૈર્ઋત્યમાં તથા દક્ષિણમાં આંધ્રપ્રદેશ તરફ ખસતો હતો. કદાચ દક્ષિણ બિહાર અને ઉત્તર ઓરિસામાં સિંગભૂમની ટેકરીઓમાંથી પણ હિમનદીઓ નીકળતી હતી. અતીતમાં થયેલી આ હિમક્રિયાઓના કેટલાક પુરાવા સુંવાળી–લીસી થયેલી ખડકસપાટીઓ, તેના પર ખોતરાયેલાં રેખાંકનો અને સળ પરથી મળી રહે છે. આ ઉપરાંત હિમઘર્ષિત અશ્મ અને ટિલ પણ મળે છે.
વિંધ્યકાળ( ± 80 કરોડ વર્ષથી ± 60 કરોડ વર્ષ વચ્ચેનો કાળ)થી સ્થાયી ભૂમિભાગ તરીકે રહેલા ભારતના દ્વીપકલ્પીય વિસ્તારમાં વિશિષ્ટ પ્રકારની ઘટનાઓની અસર થવા પામી. મધ્ય કાર્બોનિફેરસ કાળના પોપડામાંનાં અંતરિયાળ બળોને કારણે ત્યાંના ભૂપૃષ્ઠમાં ફાટો પડી. દામોદર, શોણ, મહા, ગોદાવરી જેવી નદીઓની ખીણો ફાટખીણ સ્વરૂપની ગર્ત-શ્રેણીઓમાં ફેરવાઈ ગઈ. આ રીતે નીચે ઊતરી ગયેલાં થાળાં તે પછીના નિમ્ન ક્રિટેશિયસ સુધીના નદીજન્ય નિક્ષેપોથી ભરાતાં ગયાં.
લાંબા ગાળા દરમિયાન રચાયેલી આ નિક્ષેપ-રચના ખંડીય પ્રકારની ‘ગોંડવાના રચના’ના નામથી ઓળખાય છે; તે ઊર્ધ્વ કાર્બોનિફેરસ વયના હિમજન્ય ગુરુગોળાશ્મ સ્તરથી શરૂ થાય છે અને નિમ્ન ક્રિટેશિયસ સુધી ચાલુ રહે છે. આ રચનાના ખડકો ભારત, આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ઍન્ટાર્ક્ટિકામાં મળે છે તથા તેમાં રહેલા સમાન જીવાવશેષો દ્વારા સ્તરોનો અન્યોન્ય સહસંબંધ સ્થાપિત કરી શકાય છે, વયભેદે તેમને અલગ પાડી પારખી શકાય છે. એમાંના જીવાવશેષોનું સામ્ય એટલું બધું તો વિશિષ્ટ અને સ્પષ્ટ છે કે ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓ દક્ષિણ ગોળાર્ધના બધા જ ખંડો એક વિશાળ ભૂમિસમૂહ સ્વરૂપે જોડાયેલા હોવાનું માને છે. વધુ ચોકસાઈભર્યો પુરાવો આ બધા ખંડો વિશાળ મહાસાગરોથી અલગ હોવા છતાં પ્રત્યેકમાં મળી આવતો સમલક્ષણી હિમજન્ય નિક્ષેપ ‘ટિલાઇટ’ પૂરો પાડે છે; બીજો પુરાવો તે બધામાં મળી આવતા ‘ગ્લોસોપ્ટેરીસ’ જીવાવશેષો પણ પૂરો પાડે છે. વળી, આ બધા ખંડોના ખડકોમાં તત્કાલીન ભૂમિસ્થિત અને દરિયાઈ પ્રાણીઅવશેષોનું જોવા મળતું સરખું વિતરણ પણ આ ખંડો ભેગા હોય તો જ સંભવી શકે. એક કાળે ભેગો રહેલો આ વિશાળ ભૂમિસમૂહ પછીથી જુદા જુદા વિભાગોમાં તૂટતો ગયો અને ધીમે ધીમે પ્રવહન પામતો જઈને આજે દેખાતા ખંડો સ્વરૂપે ગોઠવાયો છે. દક્ષિણ ધ્રુવ ત્યારે દક્ષિણ આફ્રિકાના નાતાલ–ટ્રાન્સવાલ નજીક ક્યાંક હતો.
આખીય ગોંડવાના રચનાનું દ્વિસ્તરીય કે ત્રિસ્તરીય વર્ગીકરણ કરેલું છે : ગ્લોસોપ્ટેરીસથી પરખાતો નિમ્ન વિભાગ અને ટિલોફાયલમથી પરખાતો ઊર્ધ્વ વિભાગ; અથવા યુરોપીય પર્મિયન, ટ્રાયાસિક અને જુરાસિકને સમકક્ષ ત્રણ વિભાગો. વ્યાપક સંદર્ભમાં ત્રિસ્તરીય વર્ગીકરણ વધુ યોગ્ય અને અનુકૂળ નીવડ્યું છે.
ગુજરાત, રાજસ્થાન અને પૂર્વ કિનારાની વિવૃતિઓને બાદ કરતાં અન્યત્ર ગોંડવાના ખડકો મુખ્યત્વે નદીજન્ય ઉત્પત્તિસ્થિતિવાળા રેતીખડકો અને શેલથી બનેલા છે. આજ સુધીમાં તો તે ઘણા ઘસાઈ ગયા છે, પણ જે મળે છે તે દામોદર, મહાનદી, ઉપલી શોણ, ઉપલી નર્મદા તથા ગોદાવરીની ખીણોમાં જોવા મળે છે આ સિવાય નિમ્ન ગોંડવાના ખડકો આસામ, ભૂતાન, દાર્જીલિંગ, નેપાળ અને કાશ્મીરમાંથી પણ મળેલા છે; જ્યારે ઊર્ધ્વ ગોંડવાના ખડકો પૂર્વ કિનારે, ગુજરાતમાં અને રાજસ્થાનમાંથી મળે છે. નિમ્ન અને ઊર્ધ્વ બંને વિભાગોમાં પ્રાણીઅવશેષો પ્રમાણમાં ઘણા જ ઓછા છે. ઊર્ધ્વતમ ગોંડવાના ખડકો જીવાવશેષયુક્ત દરિયાઈ ક્રિટેશિયસના આંતરસ્તરો સહિતના છે, જે પૂર્વ કિનારેથી મળી રહે છે. પૂર્વ કિનારાની જેમ જ કચ્છમાં પણ જીવાવશેષો સહિતના દરિયાઈ આંતરસ્તરોવાળા ઊર્ધ્વ ગોંડવાના ખડકો વનસ્પતિના જીવાવશેષો પણ ધરાવે છે. ઉપર તરફનો, કેટલોક સ્તરવિભાગ, દક્ષિણ આફ્રિકાના નિમ્નતમ ક્રિટેશિયસ સાથે સમકક્ષ હોઈ, ઉમિયા-શ્રેણી તરીકે ઓળખાય છે.
ભારતના ભૂસ્તરશાસ્ત્રના સંદર્ભમાં ગોંડવાના રચના માટેનું ઉપરકથિત દ્વિસ્તરીય-ત્રિસ્તરીય વર્ગીકરણ આ પ્રમાણે છે :
સારણી 2 : ભારતીય ગોંડવાના રચનાનું વર્ગીકરણ
પર્મિયનની ગણાતી દામુદા શ્રેણીનો ઉપરનો ભાગ ટ્રાયાસિકનો છે. દામુદા-પંચેત વચ્ચે અસંગતિ છે અને બંનેના ખડકો તેમજ જીવાવશેષો જુદા જુદા છે. આ જ કારણે તો તેમનું ત્રિસ્તરીય વર્ગીકરણ કરેલું છે. તાલ્ચેરના તળમાં હિમજન્ય ગુરુગોળાશ્મનું અસ્તિત્વ એ કાળની હિમક્રિયાનો પુરાવો પૂરો પાડે છે. દામુદા શ્રેણીમાં મળતો કોલસો વનસ્પતિના પ્રચુર વિકાસનો અને એ માટેના ભેજવાળા સંજોગોનો ખ્યાલ આપે છે; પરંતુ પંચેત, મલેરી અને મહાદેવ શ્રેણીઓ વખતે શુષ્કતાના સંજોગો પ્રવર્તેલા, જે તેમના લાલ રેતીખડકોથી રજૂ થાય છે. ત્યારપછીની રાજમહાલ શ્રેણી વખતે ફરીથી વનસ્પતિનો વિકાસ થયેલો છે, તે પણ ભેજવાળી આબોહવાનું સૂચન કરે છે. રાજમહાલ શ્રેણી દરમિયાન, જુરાસિક કાળના અંત વખતે લાવાનું પ્રસ્ફુટન થયેલું, તે બિહારની ટેકરીઓમાં જોવા મળે છે; જોકે ક્રિટેશિયસ–ઇયોસીન કાળના ડેક્કન લાવાના વિશાળ થરોની સરખામણીએ તો આ પ્રસ્ફુટન નજીવું ગણાય.
આર્થિક સંપત્તિ : ગોંડવાના રચનામાં મળતા ખડકો પૈકીના રેતીખડકો અને ચૂનાખડકો ઇમારતી પથ્થર તેમજ માર્ગ-બાંધકામ માટે કે ચૂના-સિમેન્ટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે, પરંતુ તે વિંધ્ય રેતીખડકો જેવી ગુણવત્તા ધરાવતા નથી. તાંબું, સીસું, જસત, યુરેનિયમ અને ઍન્ટિમનીના ધાતુનિક્ષેપો હિમાલય વિસ્તારમાં છે ખરા, પણ તે માટેનાં ખનનયોગ્ય સંશોધનો પૂરતા પ્રમાણમાં થયેલાં નથી. ભારતમાંથી મેળવાતો કોલસાનો 98% ભાગ દામુદા શ્રેણીની પેદાશ છે, જેના થોડાક સેમી.થી 120 મીટર કે તેથી વધુ જાડાઈવાળા સ્તરોનું
સારણી 3 : ભારતની પ્રથમ જીવયુગની મુખ્ય રચનાઓ અને તેમનો અન્યોન્ય સહસંબંધ | ||||||||
રચનાઓ | પશ્ચિમ હિમાલય | પૂર્વ હિમાલય | દ્વીપકલ્પીય વિસ્તાર | |||||
પર્મિયન | કાશ્મીર
ઝીવનસ્તરો અને પંજાલ જ્વાળામુખી ખડકો |
સ્પિટિ
પોડક્ટ્સ શેઇલ |
સિમલા-ગઢવાલ
ક્રોલ, પ્રોડક્ટ્સ શેઇલ |
કુમાઉન
અભ્યાગત ખડકો |
દાર્જીલિંગ-નેફા
દામુદા અને લાચી |
દામુદા | ||
પર્મો કાર્બોનિફેરસ | ગેંગેમોપ્ટેરીસ
સ્તરો અ ↓ ને |
રેતીખડક | નિમ્ન ક્રોલ અને બ્લેઇની ગુરુગોળાશ્મ સ્તર | સુબનસીરી.
માઉન્ટ એવરેસ્ટ ચૂનાખડક |
કરહારબારી. તાલ્ચીર. | ઉમારિયા (રેવા, મધ્યપ્રદેશ) | બધોરા પશ્ચિમ રાજસ્થાન | |
ઊર્ધ્વ કાર્બોનિફેરસ | પંજાલ જ્વાળામુખી ખડકો | કાગ્લોમરેટ | ગુરુગોળાશ્મ સ્તર | માઉન્ટ એવરેસ્ટ ચૂનાખડક | તાલ્ચીર | ’’ | ’’ | |
મધ્ય કાર્બોનિફેરસ | ફેનેસ્ટેલા શેઇલ | પો શ્રેણી | ||||||
નિમ્ન કાર્બોનિફેરસ | સીરિંગોથીરીસ ચૂનાખડક | લિપાક શ્રેણી | ||||||
ડિવોનિયન સાઇલ્યુરિયન ઑર્ડોવિસિયન કૅમ્બ્રિયન | મુથ ક્વૉટ્ર્ઝાઇટ
ઑર્ડોવિસિયન કૅમ્બ્રિયન હૈમન્તા |
સાઇલ્યુરિયન |
વિકૃતિજન્ય
નિક્ષેપો |
સાઇલ્યુરિયન |
ઑર્ડોવિસિયન કૅમ્બ્રિયન |
ઊર્ધ્વવિંધ્ય-ખડકો |
પશ્ચિમ બંગાળ–બિહારની દામોદર, મધ્યપ્રદેશ–ઓરિસાની મહાનદી, મધ્યપ્રદેશ–આંધ્રપ્રદેશની વર્ધા–ગોદાવરી અને સાતપુડાનાં થાળાંમાંથી ખનન થાય છે. હિમાલયના તળેટીભાગનો ગોંડવાના કોલસો કચરાયેલી સ્થિતિમાં મળે છે. ગોંડવાના કોલસાની કુલ સંપત્તિ 12,000 કરોડ ટનની અંદાજવામાં આવેલી છે. કોલસાના થરો સાથે અગ્નિજિત માટી પણ સંકળાયેલી છે. હિમાલયની ટેકરીઓના ઉગ્ર ઢોળાવોમાં સાંધા કે સ્તરસપાટીઓ મારફતે અંદર ઊતરતું પાણી તેમના તળેટીભાગોમાં ઝરાસ્વરૂપે બહાર નીકળી આવે છે, અંદર ઊતરેલું પાણી રેતીખડકોનાં આંતરપોલાણોમાં ભરાયેલું રહે છે, જે કૂવાઓ મારફતે કે શારકામથી કાઢી શકાય છે. આ રેતીખડકો ઓછા ભેદ્ય હોવાથી માત્ર પહોળા કૂવા જ મર્યાદિત જળપુરવઠો આપી શકે છે. હિમાલય-વિસ્તારમાં ઉગ્ર ઢોળાવો પરની જમીનો પાતળા પડવાળી છે તેથી ઝડપથી ધોવાઈ જાય છે. માત્ર ખીણો અને ઊંચાઈવાળા સપાટ વિસ્તારોમાં સીડીદાર ખેતરો બનાવી ચોખા અને ઘાસ ઉગાડી શકાય છે. ગોંડવાના રેતીખડકો પરની આચ્છાદિત જમીનો પણ રેતાળ અને પાતળા પડવાળી છે. તેથી વધુ ખાતર ઉમેરાય તો જ પાક લેવા માટે ક્ષમતાવાળી બની રહે છે. (ગોંડવાના કાળનાં સરીસૃપોની માહિતી માટે જુઓ ‘મધ્ય જીવયુગ’.)
ગિરીશભાઈ પંડ્યા