પ્રતિહાર-મંદિરો : ગુપ્તકાળ અને મધ્ય યુગની વચ્ચેના ગાળામાં પ્રચલિત કળાશૈલીવાળું સ્થાપત્ય ધરાવતાં મધ્ય અને ઉત્તર ભારતમાંનાં મંદિરો. પ્રતિહાર રાજવીઓનું સામ્રાજ્ય રાજસ્થાનથી શરૂ થઈ પશ્ચિમ ભારતમાં ફેલાયું. આ શૈલીમાં ગુપ્તકાલીન શૈલીઓની અસર મૂળભૂત રીતે સચવાઈ રહેલી અને તેના દ્વારા મધ્યયુગ સુધી આ પ્રણાલીઓનો પ્રભાવ જળવાઈ રહેલો. તેમાં મધ્ય ભારતમાં ચંડેલ, કચ્છપઘાટની ગ્વાલિયરમાંની અને માળવાની પરમારોની તેમજ ત્રિપુરીની કલચુરીની પ્રણાલીઓ મુખ્ય હતી. રાજસ્થાનમાં પણ આઠમી સદીનાં ઓસિયાનાં મંદિરો આ શૈલીના ઉત્કૃષ્ટ નમૂના રૂપે હજી ખંડિત હાલતમાં પણ હયાત છે. મધ્ય ભારતમાં શરૂઆતનાં મંદિરોમાં (પહેલા તબક્કામાં) નરેસર મહુવાનું શિવમંદિર અને આમ્રોલનું રામેશ્વર મંદિર મુખ્ય છે. આ મંદિરોનો પ્રકાર અત્યંત સાદો છે અને અધિષ્ઠાન તથા જંઘા અને કારીગરી ગુપ્તકલાની અસર બતાવે છે. તેને દેવગઢના દશાવતાર મંદિર અને ભીતરગાંવના ઈંટના મંદિર જોડે સરખાવી શકાય. જ્યારે પાછળના તબક્કાનાં બાદોહનું ગદરમલ મંદિર, ગ્યારસપુરનું માલાદેવી મંદિર (બંને વિદિશા જિલ્લામાં), સેસાઈનું સૂર્યમંદિર (જિ. શિવપુરી) અને બરવાસાગરનું જરઈમમંદિર (જિ. ઝાંસી) વગેરેની રચનામાં ઇમારતના અલગ અલગ ભાગો પરત્વે તેમજ કલાકારીગરી પરત્વે જે ખાસિયતો છે તે પછીનાં મંદિરોના સ્થાપત્ય માટે અસરકર્તા હોવાનું જણાય છે.
મુખમંડપ, મંડપ, અંતરાલ અને ગર્ભગૃહમાં પહેલાંનાં નિરંધાર અને પછીનાં સાંધાર ર્દષ્ટાંતોમાં મધ્ય યુગના સુવિકસિત મંદિર-સ્થાપત્યનો આધાર જોવા મળે છે. આ ર્દષ્ટાંતોમાં કક્ષાસનની વિકસિત પ્રણાલી જોવા મળે છે, જે પછીનાં જૈન મંદિરોનું એક અવિભાજ્ય અંગ બની રહેલી જોવા મળે છે. સેસાઈ અને બરવાસાગરનાં મંદિરોનાં પ્રવેશદ્વાર અને છતની કારીગરી મધ્ય યુગના મધ્ય ભારતના મંદિર-સ્થાપત્યના એક વિશેષ અંગ તરીકે પણ બહાર આવેલ. પ્રતિહાર-મંદિરોમાં ગુપ્તકાલીન કલાની અસરને કારણે સ્તંભો અને પ્રવેશદ્વારની શાખાઓની વિસ્તૃતિ એક આગવી છાપ ઊભી કરે છે અને તે આ બંને સ્થાપત્યનાં મહત્વનાં પાસાં તરીકે રાજસ્થાનથી મધ્ય ભારત સુધીના તત્કાલીન સ્થાપત્યમાં નિશ્ચિતપણે મહત્વનું સ્થાન લે છે. તે પછીનાં મંદિરોની કલામાં પણ આ શૈલીનું પ્રભાવક બળ વરતાય છે.
રવીન્દ્ર વસાવડા