પ્રતિહારો (જૈન મૂર્તિવિધાન)

April, 2023

પ્રતિહારો (જૈન મૂર્તિવિધાન) : હિંદુ મંદિરોની જેમ જિનમંદિરોમાં મુકાતાં મોટે ભાગે પૂરા કદનાં દ્વારપાળનાં મૂર્તિશિલ્પો. આ શિલ્પો શાસ્ત્રના નિયમ પ્રમાણે કંડારાયેલાં છે. રૂપમંડન અને રૂપાવતાર જેવા શિલ્પગ્રંથો આ દ્વારપાળોનાં આયુધો, ઉપકરણો, અભિધાનો વગેરે શાસ્ત્રીય રીતે કંડારવાનો આગ્રહ રાખે છે. દરેક પ્રતિહાર ચતુર્ભુજ હોય છે તેમનું મૂર્તિવિધાન કોષ્ટકમાં આ પ્રમાણે નિર્દેશી શકાય છે :

પ્રતિહારનું

નામ

સ્થાપનની

દિશા

બાજુ જમણા હાથ ડાબા હાથમાં
ઇંદ્ર પૂર્વ દિશા ડાબી બાજુ ફળ–વજ્ર અંકુશ–દંડ
ઇંદ્રજય પૂર્વ દિશા જમણી બાજુ અંકુશ–દંડ ફળ–વજ્ર
માહેન્દ્ર દક્ષિણ દિશા ડાબી બાજુ વજ્ર–વજ્ર ફળ–દંડ
વિજય દક્ષિણ દિશા જમણી બાજુ ફળ–દંડ વજ્ર–વજ્ર
ધરણેન્દ્ર પશ્ચિમ દિશા ડાબી બાજુ વજ્ર–અભય સર્પ–દંડ
પદ્મક પશ્ચિમ દિશા જમણી બાજુ સર્પ–દંડ વજ્ર–અભય
સુનાભ ઉત્તર દિશા ડાબી બાજુ ફળ–બંસી બંસી–દંડ
સુર–દુંદુભિ ઉત્તર દિશા જમણી બાજુ બંસી–દંડ ફળ–બંસી

પ્રાચીન જૈન દેરાસરોમાં આ શાસ્ત્રીય અભિધાનયુક્ત પ્રતિહારોનાં મૂર્તિશિલ્પો પ્રત્યેક દ્વારે મૂકેલાં નજરે પડે છે. આ પ્રકારે પ્રતિહારોનું મૂર્તિવિધાન કરેલું હોય તો એ દેરાસર ઉપરાંત એનાં ગામ, પુર કે નગરનું પણ રક્ષણ થાય છે અને તેના પર આવનારં કે આવેલાં સંકટો નાશ પામે છે એવું શિલ્પશાસ્ત્રોનું વિધાન છે.

પ્રવીણચંદ્ર પરીખ