પ્રતિવર્તન (પ્રતિવર્તી ક્રિયા)

February, 1999

પ્રતિવર્તન (પ્રતિવર્તી ક્રિયા) : વિશિષ્ટ ઉદ્દીપનના પ્રતિસાદ રૂપે અભાનાવસ્થા(unconsciousness)માં શરીર દ્વારા ઉદભવતી પ્રત્યાચરણ ક્રિયા. અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં પ્રતિવર્તનો વિશિષ્ટ ભાતને અનુસરે છે. કેળવણીના પ્રભાવ હેઠળ આચરવા ટેવાયેલા અંગુષ્ઠધારી (primates) પ્રાણીઓમાં પણ દૈનિક વ્યવહારમાં પ્રતિવર્તનો મહત્વનો ભાગ ભજવે છે.

સામાન્યપણે પ્રતિવર્તન સાથે ચેતાતંત્ર સંકળાયેલું છે; પરંતુ ચેતાકોષોનો અભાવ હોય તેવા પ્રજીવોમાં પણ પ્રતિવર્તી પ્રક્રિયાઓ થતી હોય છે; દા.ત., ખોરાકના સંપર્કમાં આવતાં તરત જ પ્રત્યાચાર રૂપે અમીબા ખોરાકને છદ્મપાદ વડે ઘેરી લે છે. આથી ઊલટું, ગરમી જેવાં વિપરીત પરિબળો સામેના પ્રત્યાચાર રૂપે અમીબા ત્યાંથી દૂર ખસી જાય છે. તે જ પ્રમાણે પૅરામીશિયમ પાછલી બાજુએથી અન્ય વસ્તુઓ સાથે અથડાતાં તુરત જ આગલી દિશાએ ખસી જવા પ્રેરાય છે. ઉપર્યુક્ત પ્રજીવોમાં રસપડ સંવેદનાગ્રાહી અંગની ગરજ સારે છે.

પ્રતિવર્તક ઘટકો (reflex components) તરીકે સંવેદી ચેતાકોષ, પ્રેરક ચેતાકોષ અને કાર્યકારી અંગોનો સમાવેશ થાય છે. કાર્યકારી અંગો તરીકે સ્નાયુઓ અને સ્રાવી અંગોનો સમાવેશ થાય છે. પ્રતિવર્તક ઘટકો તરીકે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સંવેદી અને પ્રેરક ચેતાકોષો વચ્ચે આવેલાં અંત:ગ્રથનો (synapses) કરોડરજ્જુમાં હોય છે. વળી આ ચેતાકોષો વચ્ચે એક યા વધારે મધ્યસ્થ કોષો સંવેદી અને પ્રેરક કોષો વચ્ચે કડીરૂપ બનીને આવેલા હોય છે. આવા કોષો અંતરાચેતાકો(interneuron)ના નામે ઓળખાય છે. પ્રતિવર્તક અંગના ભાગ રૂપે આવેલા કોષોની હારમાળા સામાન્યપણે ચેતાકમાન (arc) તરીકે ઓળખાય છે. પ્રતિવર્તન-ક્રિયા અત્યંત ઝડપી હોવાથી, પર્યાવરણિક પરિબળો થયેલા ફેરફારોથી ઉત્તેજિત થવા ઉપરાંત માહિતીનું વિશ્લેષણ પોતે કરે છે; જ્યારે પ્રત્યાચાર રૂપે યોગ્ય કાર્યવહી કરવાનો નિર્ણય પ્રેરક ચેતા કોષો કરે છે અને તે અંગેની ઘટિત સૂચના વિશિષ્ટ અંત:ગ્રંથનો દ્વારા વિશિષ્ટ કાર્યકારી અંગોને મોકલવામાં આવે છે.

ઘણાં પ્રતિવર્તનો ઓચિંતાં વિપરીત પરિબળો સામે શરીરને કે તેના કોઈ પણ ભાગને રક્ષણ આપવાની કાર્યવહી કરે છે. દા.ત., કોઈ એકાદ વસ્તુ અનપેક્ષિતપણે આંખના સંપર્કમાં આવે તો તુરત જ પોપચાં આંખને ઢાંકી દે છે. પાણીમાં ઉદભવેલા પ્રભાવશાળી તરંગો માછલીની ત્વચા સાથે અથડાતાં, વિરુદ્ધ બાજુના સ્નાયુઓ ક્રિયાશીલ બનવાથી તુરત જ માછલી ત્યાંથી ખસી જાય છે. પોષક-પ્રતિવર્તનોની અસર હેઠળ પ્રાણી ખોરાક ગ્રહણ કરવા પ્રેરાય છે; દા.ત., ભૂખ્યા કીટકના સ્પર્શકો (antennae) કે પગમાં આવેલાં રસાયણગ્રાહી અંગો (chemoreceptors) પોષક દ્રવ્યોના સંપર્કમાં આવતાં જ તે ખોરાક ગ્રહણ કરવા આકર્ષાય છે. પક્ષીઓમાં જોવા મળતી અનુરંજન (courtship) ક્રિયામાળાનું રચનાકાર્ય, પ્રાદેશિક પ્રસ્થાપન (territorial establishment) જેવી પ્રવૃત્તિઓ પ્રતિવર્તી ક્રિયાઓને આભારી હોય છે.

શરીરસ્વાસ્થ્યની ર્દષ્ટિએ અધિમાન્ય એવી આદતોને પ્રતિવર્તન રૂપે માનવ ઉપરાંત અન્ય પક્ષી કે સસ્તનો જેવાં પ્રાણીઓમાં પણ કેળવી શકાય. નિયમિત રીતે સવારે કોઠો સાફ કરવા જેવી માનવીએ આચરેલી ક્રિયા પ્રતિવર્તનનો એક પ્રકાર છે. આવાં પ્રતિવર્તનો અનુબંધિત (conditioned) પ્રકારનાં ગણાય છે. ખોરાકનાં ગંધગ્રહણ કે દર્શનથી કૂતરાંઓ તરત જ લાળનો સ્રાવ કરતાં હોય છે. પાવલૉવ નામના વિજ્ઞાનીનો આ અંગે કરેલો પ્રયોગ જાણીતો છે, જેમાં ઘંટ વગાડીને કૂતરાને ખોરાક આપવામાં આવતો અને પછી કૂતરો આ ઘટનાથી એવો ટેવાયો કે ખોરાક ન મળે ને ઘંટ વાગે તોયે એના મોંમાંથી લાળ રસ ઝરવા માંડતો હતો. આમાંયે પ્રતિવર્તનનો સિદ્ધાંત છે.

મ. શિ. દૂબળે