પ્રતિરક્ષી ન્યૂનતા (immunodeficiency)

February, 1999

પ્રતિરક્ષી ન્યૂનતા (immunodeficiency) : રોગપ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થવાથી ઉદભવતી સ્થિતિ. તેવી સ્થિતિવાળા દર્દીને અલ્પરક્ષી આશ્રયદાતા (compromised host) કહે છે. પ્રતિરક્ષાની ઊણપ થવાનાં વિવિધ કારણો હોય છે. તેનું સૌથી મહત્વનું કારણ ‘એઇડ્ઝ’ નામનો રોગ છે (જુઓ વિશ્વકોશ ખંડ 3).

પ્રતિરક્ષા (immunity) મુખ્યત્વે 2 પ્રકારની છે : અંતર્ગત અને બહારથી મેળવેલી (ઉપાર્જિત). અંતર્ગત પ્રતિરક્ષાકારી ઘટકો અને પરિબળોમાં ચામડી, શ્લેષ્મકલા, વાળ, આંસુ, લાળ, દ્વારરક્ષકો (sphincters), લોહીમાંના શ્વેતકોષો, અન્ય પ્રકારના કોષભક્ષી (phagocytic) કોષો તથા પ્રતિરક્ષાપૂરક પ્રણાલી (complement system) વગેરેનો સમાવેશ થાય છે. બહારથી મેળવી શકાતી પ્રતિરક્ષાલક્ષી ક્ષમતા કુદરતી તથા કૃત્રિમ (માનવસર્જિત) એમ 2 પ્રકારની હોય છે. તે વિશિષ્ટ (specific) અને અવિશિષ્ટ (nonspecific) એવા 2 ઉપપ્રકારોની પણ હોય છે. ચોક્કસ જીવાણુ કે વિષાણુનો નાશ કરતી  પ્રતિરક્ષાને વિશિષ્ટ પ્રકારની પ્રતિરક્ષા કહેવાય છે. તે કુદરતી રીતે કોઈ ચેપ લાગે ત્યારે કે માનવસર્જિત રસી દ્વારા મેળવી શકાય છે. ગર્ભશિશુને માતાના લોહીમાંથી અને નવજાત શિશુને માતાના દૂધમાંથી સહાયકારી અથવા અસક્રિય (passive) પ્રતિરક્ષાની પ્રાપ્તિ થાય છે. તે સમયે તે માતા પાસેથી પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિનો મેળવે છે. માણસે પણ પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિનોને મેળવીને તેમને દર્દીને સારવાર માટે આપવાની પદ્ધતિ વિકસાવી છે. ધનુર્વા કે હડકવાના ચેપ લાગ્યા પછી સારવાર માટે તેમનો ઉપયોગ થાય છે.

કુદરતી, અંતર્ગત, વિશિષ્ટ કે અવિશિષ્ટ પ્રકારની સક્રિય કે અસક્રિય પ્રતિરક્ષા ઉત્પન્ન કરતાં પરિબળો કે ઘટકોમાં વિકાર કરતી પરિસ્થિતિઓ પ્રતિરક્ષાની ન્યૂનતા કરે છે. તેમને પ્રાથમિક અથવા આનુષંગિક એમ વિભાગોમાં વિભાજિત કરાય છે. તેઓ વિવિધ પ્રકારની રંગસૂત્રીય (chromosomal) વિકૃતિઓને કારણે થાય છે. તેને કારણે લોહીના લસિકાકોષો(lymphocytes)માં વિકારો ઉદભવેલા હોય છે. તેથી કોષીય (cellular) તેમજ રાસાયણિક (humoral) પ્રતિરક્ષામાં ખામી ઉદભવે છે. આવા સંજોગોમાં પ્રતિરક્ષી ઘટકો અને કોષો ખામીયુક્ત બને છે. તેને કારણે જીવાણુઓ અને વિકારયુક્ત કોષોનું ભક્ષણ ઘટે છે.

આનુષંગિક વિકારોમાં ‘એઇડ્ઝ’નો રોગ કરતો માનવ પ્રતિરક્ષા-ઊણપકારી(human immunodeficiency virus, HIV)નો ચેપ, વિવિધ પ્રકારનાં કૅન્સર, લોહીના કોષોને ઉત્પન્ન કરતી અસ્થિમજ્જા(bone marrow)ની પેશીના વિકારો કે તેમની નિષ્ફળતા વગેરેનો સમાવેશ થાય છે. તેવી રીતે સ્ટીરૉઇડ જૂથનાં, કૅન્સરવિરોધી તથા અન્ય પ્રતિરક્ષાદાબી ઔષધોનો ઉપયોગ પણ પ્રતિરક્ષી ન્યૂનતા કરે છે.

જ્યારે પણ લોહીમાં તટસ્થ શ્વેતકોષો ઘટે ત્યારે વિવિધ  જીવાણુ અને ફૂગ લાગવાનો ભય રહે છે. લસિકાકોષોના વિકારોમાં તો કોષો દ્વારા નાશ કરતા ચેપી જીવાણુઓ, ફૂગ, વિષાણુઓ કે અન્ય સૂક્ષ્મજીવોના ચેપ લાગે છે. તે સમયે પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિન દ્વારા નાશ પામતા સૂક્ષ્મજીવો(જીવાણુઓ, વિષાણુઓ તથા જિઆર્ડિઆ લેમ્બિઆ જેવા પરોપજીવીઓ)નો નાશ થતો અટકે છે. પ્રતિરક્ષી ઊણપથી થતા વિકારોમાં પ્રતિરક્ષી પૂરકોના વિકારોનો પણ સમાવેશ થાય છે. તેવા સમયે પણ વિવિધ જીવાણુઓ રોગ કરે છે.

મોં, ગળું, અન્નનળી, જઠર અને આંતરડાં, ચામડી, મૂત્રમાર્ગ અને પ્રજનનમાર્ગ જેવા બહારના વાતાવરણ સાથે સીધો કે આડકતરો સંસર્ગ રાખતા અવયવોની અંદરની દીવાલમાં વિક્ષેપ ઉદભવે તો ચેપ કરતો સૂક્ષ્મજીવ શરીરમાં પ્રવેશે છે. તેવી રીતે શરીરના કોઈ છિદ્રમાં નિવેશિકાનળી (catheter) નંખાયેલી હોય તોપણ ચેપના પ્રવેશને સુગમતા રહે છે. જો કોઈ કારણસર દર્દીની બરોળ કાઢી નંખાઈ હોય તોપણ ન્યૂમોકોકાઈ કે એચ.ઇન્ફલ્યુએન્ઝીનો ચેપ લાગવાનો ભય રહે છે. આ બધા કુદરતી, અવિશિષ્ટ પ્રતિરક્ષી ઘટકોના વિકારોનાં ઉદાહરણો છે.

શિલીન નં. શુકલ