પ્રતિબિંબ : ર્દશ્યનું બિંબ પાછું ફરે ત્યારે એ પરાવૃત્ત બિંબથી ઉત્પન્ન થતું ચિત્ર. છબીકલામાં પ્રતિબિંબ અગત્યનું સ્થાન ધરાવે છે. જે ર્દશ્યની તસવીર ઝડપવાની હોય તે ર્દશ્યનાં પ્રકાશ-કિરણો અને તરંગોના પરાવર્તન દ્વારા જ છબી ઉતારવામાં આવે છે. પ્રતિબિંબો મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે : (1) લીસી સપાટી પરથી પરાવૃત્ત થતાં અને (2) અસમાન કે ખડબચડી સપાટી પરથી પરાવૃત્ત થતાં પ્રતિબિંબો.

ધાતુની લીસી સપાટી પરથી પરાવૃત્ત થયેલું ચિત્ર જેવું હોય એવું જ સ્પષ્ટ દેખાય છે. એવી જ રીતે નાના તળાવ કે ખાબોચિયામાં પાણી અપ્રવાહિત અને સ્થિર હોવાથી પાણીની એ સપાટી પણ લીસી હોય છે. હીરા, કાચ, પ્રવાહિત પાણી, મકાનની દીવાલ, આકાશ વગેરે જેવી બિનધાતુમય પદાર્થોની અસમાન કે ખડબચડી સપાટી પરથી પરાવૃત્ત થયેલાં પ્રતિબિંબ ઝાંખાં અને અસ્પષ્ટ હોય છે. તેના ઋણ વીજાણુ એકબીજા સાથે, એકની પાછળ બીજો એમ સંકળાયેલા હોય છે; તેથી પ્રકાશબળ અસમાન સપાટી પર પડતાં ઋણ વીજાણુ પોતાની પાછળના વીજાણુની સાથે થોડે અંશે પસાર થાય છે અને તેથી ઝાંખું પ્રતિબિંબ પરિણમે છે.

આવા ઝાંખા પ્રતિબિંબનો નાશ કરવાના હેતુથી પ્રતિબિંબનો સામનો કરી શકે એવા પદાર્થનો થર કૅમેરાના લેન્સ પર ચોપડેલો હોય છે. આવા થરમાં ઋણ વીજાણુ પરાવૃત્ત તરંગોને પાછા વાળે છે અને તેમને પણ પાછળના વીજાણુ તરફ પસાર કરે છે. વાદળું પાણીનાં પારદર્શક સૂક્ષ્મ ટીપાંરૂપ હોય છે, છતાં તે પારદર્શક દેખાવાને બદલે ઝાંખા રૂના ઢગલા જેવું દેખાય છે; કારણ કે ત્યાં આવાં સૂક્ષ્મ ટીપાંની પાછળ એવાં જ અસંખ્ય ટીપાંનો  થર હોય છે. આમાં જ્યારે પ્રકાશ દાખલ થાય છે ત્યારે તેનું પરાવર્તન થવાને બદલે દરેક ટીપાદીઠ તેનું વક્રીભવન થતું હોઈ ટીપાની પારદર્શકતા નાશ પામે છે. કાચ પણ વક્રીભવન દ્વારા પ્રકાશને વાળે છે, પણ એ વાદળાંની જેમ સફેદ દેખાતો નથી, સિવાય કે કાચ ભૂકીવાળો હોય.

કૅમેરાના લેન્સ મારફત શ્યના પ્રતિબિંબને ફિલ્મ પર ઝડપી શકાય છે. એવી જ રીતે, નજીકના કોઈ પણ પદાર્થ કે પાત્ર ઉપર પડતાં પ્રકાશનાં સીધાં કિરણોથી અંધારિયા ભાગની કાળાશ ઘટાડી શકાય છે. આવો પ્રકાશ આછા રંગની દીવાલ, પડદા કે ખુલ્લા આકાશમાંથી પરાવૃત્ત થતો હોય છે.

રમેશ ઠાકર