પ્રતિજ્ઞાપત્ર : યહૂદી અને ખ્રિસ્તી ધર્મમાં પ્રભુની દસ આજ્ઞાઓ ચોક્કસ પાળવાનો કરાર ધરાવતો પત્ર. આવો કરાર એક વિધિ દ્વારા થતો, જેમાં એક પ્રાણીનું બલિદાન આપવામાં આવતું. પ્રાણીનું બલિદાન એ સૂચવતું કે કરારનો ભંગ કરનારના હાલ આ પ્રાણી જેવા થશે. યહૂદી ધર્મમાં પ્રભુ યહૂદીઓ અથવા ઇઝરાયલીઓ સાથે આવો કરાર કરે છે. ઇઝરાયલીઓ ઇજિપ્તમાં ગુલામી ભોગવતા હતા. ઈ. પૂ. તેરમી સદીમાં પ્રભુ મોશે નામના એક ઇઝરાયલીની આગેવાની હેઠળ તેમને એ ગુલામીમાંથી છોડાવે છે. બાઇબલનો આ કેન્દ્રવર્તી બનાવ છે. ઇઝરાયલના સિનાઈ પર્વત ઉપર રહેલા પ્રભુ તળેટીમાં ઊભેલા મુક્ત ઇઝરાયલીઓ માટે પયગંબર મોશેને દસ આજ્ઞાઓ આપે છે. તેનાથી ઇઝરાયલીઓ પોતાને પોતાના પ્રભુ સાથે આજ્ઞાધીનતાના બંધન વડે બાંધે છે. આ દસ આજ્ઞાઓનું પ્રતિજ્ઞાપત્ર ઇઝરાયલીઓને પ્રભુનાં માણસ બનાવે છે. ખ્રિસ્તી ધર્મમાં એ જ પ્રભુ માનવ બને છે અને ઈસુ નામ ધારણ કરે છે. પોતે ક્રૂસ પર મરણ પામે એ પહેલાં પોતાના શિષ્યો સાથે છેલ્લું ભોજન લેતાં રોટલી અને આસવ વહેંચી આપે છે. તે તેમનાં શરીર અને લોહીનાં પ્રતીક છે. એમની માફક ‘પરસ્પર જાતન્યોછાવર કરતો પ્રેમ રાખવો’ વગેરે દસ આજ્ઞાઓનું નવું પ્રતિજ્ઞાપત્ર તેમણે આપ્યું. તેઓ માનવજાતને પોતાની સાથે કરારથી જોડે છે.
જેમ્સ ડાભી