પ્રતિક્ષિપ્ત ક્રિયા (મનોવિજ્ઞાન) : વિશિષ્ટ ઉદ્દીપક (દા.ત., ચોક્કસ અવાજ કે ર્દશ્ય) પ્રત્યે, વિચાર કર્યા વિના, અને વિનાવિલંબે ઊપજતી સહજ, શીખ્યા વિનાની સ્વયંચાલિત ક્રિયા.
પ્રતિક્ષિપ્ત ક્રિયા (reflex action) ઐચ્છિક ક્રિયાથી ભિન્ન છે. પોતાની ઇચ્છાથી, વિચારપૂર્વક કરેલી ક્રિયાને ઐચ્છિક ક્રિયા કહે છે. પ્રતિક્ષિપ્ત ક્રિયા મનુષ્યથી આપમેળે, સભાન ઇચ્છા કે પૂર્વઆયોજન વિના, થઈ જાય છે. ર્દષ્ટાંતો: (1) આંગળી ગરમ વસ્તુને અડકે કે તરત, સભાનપણે નિર્ણય કર્યા વિના, અડનારનો હાથ પાછો ખેંચાય છે. (2) તેજ પ્રકાશ આંખ ઉપર પડતાં જ આંખની કીકી આપોઆપ સંકોચાય છે. (3) સ્વાદિષ્ટ વાનગીની સુગંધ આવતાં જ મોમાં લાળ ઝરે છે. પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ કે પ્રતિક્ષેપો બધી પ્રાણીજાતિમાં એકસમાન હોય છે.
પ્રતિક્ષિપ્ત ક્રિયા થવા માટે જ્ઞાનેન્દ્રિયથી સ્નાયુ કે ગ્રંથિ સુધી ચેતાપ્રવાહ વહેવો જરૂરી છે. સામાન્ય રીતે જટિલ પ્રતિક્ષેપોમાં એ પ્રવાહ જ્ઞાનેન્દ્રિયના છેડામાંથી ઉદભવી, અંતર્વાહી ચેતાતંતુમાંથી પસાર થઈ, કરોડરજ્જુમાં આવેલા સંયોજક ચેતાતંતુમાં જાય છે. ત્યાંથી તે પ્રવાહ બહિર્વાહી ચેતાતંતુમાં દાખલ થાય છે. આખરે એને છેડે પહોંચીને સ્નાયુ કે ગ્રંથિને સક્રિય બનાવે છે; પણ સાદી પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ ઉપજાવવામાં માત્ર અંતર્વાહી અને બહિર્વાહી ચેતાકોષો જ ભાગ ભજવે છે. ચેતાપ્રવાહના આ વહનનો માર્ગ મોટેભાગે ધનુષ્ય કે ચાપ જેવા આકારનો હોવાથી એ માર્ગને પ્રતિક્ષેપ-ચાપ (reflex-arc) કહે છે.
મોટાભાગની પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ સ્નાયુઓ વડે થાય છે; તેને શારીર (somatic) પ્રતિક્ષેપ કહે છે, દા.ત., ત્વચા પર અણખત થવાથી હાથના સ્નાયુ વડે થતી ખંજવાળવાની પ્રતિક્ષિપ્ત ક્રિયા. બીજી કેટલીક પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ બહિ:સ્રાવ કે અંત:સ્રાવ ગ્રંથિ વડે થાય છે; તેને સ્વયંચલિત (autonomic) પ્રતિક્ષેપ કહે છે; દા.ત., ભયાનક ર્દશ્ય જોતાં જ અધિવૃક્ક ગ્રંથિમાંથી આપોઆપ એડ્રિનલિન ઝરે છે.
કેટલીક પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ ક્ષણિક હોય છે; દા.ત., પગમાં કાંકરો વાગતાં પગ થોડી ક્ષણો માટે વાંકો વળે છે; પછી સીધો થઈ જાય છે. અન્ય પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ મિનિટો કે કલાકો સુધી ચાલુ રહે છે; દા.ત., ગુરુત્વાકર્ષણનો સામનો કરીને ટટાર ઊભા રહેવાની (શરીરનું ટટારપણું જાળવવાની) પ્રતિક્ષિપ્ત ક્રિયા (postural reflex).
વળવાની પ્રતિક્ષિપ્ત ક્રિયામાં સ્નાયુ સંકોચાય છે અને અવયવને અંદર તરફ વાળે છે. પ્રસારની પ્રતિક્ષિપ્ત ક્રિયામાં સ્નાયુ વિસ્તરે છે અને અવયવને બહાર તરફ વિસ્તારે છે.
મોટાભાગના પ્રતિક્ષેપો ઉપર કરોડરજ્જુનો અંકુશ હોઈ તેને રજ્જુકીય (spinal) પ્રતિક્ષેપ કહે છે. અન્ય જે પ્રતિક્ષેપો ઉપર મોટા મગજની લંબમજ્જાનો અંકુશ હોય છે તેને લંબમજ્જાકીય (medullary) પ્રતિક્ષેપ કહે છે.
શારીર પ્રતિક્ષેપોમાં મહદંશે બે સ્નાયુઓ સહકારથી પરસ્પર બંધબેસતાં હલનચલન કરે છે; દા.ત., સામેથી અચાનક કોઈ વસ્તુ ધસી આવે ત્યારે આપણો હાથ આપોઆપ વળે છે અને એ વસ્તુને અવરોધે છે. એ વખતે હાથનો બહારનો સ્નાયુ સંકોચાય છે, જ્યારે અંદરનો સ્નાયુ વિસ્તરે છે. તેથી હાથ ઝડપથી અને સરળતાથી વળે છે. કોઈક વાર એકસાથે બે એવા ઉદ્દીપકો ઊપજે છે જે પાસેપાસેના બે સ્નાયુઓમાં પરસ્પર અસંગત પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ ઉપજાવી શકે ત્યારે વધારે પ્રભાવી ઉદ્દીપકની અસર મુજબ પ્રતિક્ષેપ ઉત્પન્ન થાય છે.
સામાન્ય રીતે, જેમ જેમ ઉદ્દીપક તીવ્ર બનતું જાય તેમ તેમ પ્રતિક્ષિપ્ત ક્રિયામાં શરીરનાં વધારે ને વધારે અંગો સંડોવાતાં જાય છે.
પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ અનેક રીતે ઉપયોગી છે. લગભગ બધી જ શરીર-પ્રવૃત્તિઓમાં તેનો સમાવેશ થતો હોય છે. પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ વાતાવરણ સાથે સમાયોજન સાધવામાં અને શરીરનાં સ્વાસ્થ્ય અને સુરક્ષા જાળવવામાં મદદ કરે છે. શ્વાસોચ્છવાસ ક્રિયામાં અને લોહીનું દબાણ સમધારણ કક્ષાએ જાળવવા જેવી જીવન ટકાવવા માટેની આવશ્યક ક્રિયાઓમાં પ્રતિક્ષેપો મહત્વનો ભાગ ભજવે છે. સમયસર પ્રતિક્ષિપ્ત ક્રિયા કરવાથી વ્યક્તિ શારીરિક ઈજાઓમાંથી બચી શકે છે.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે