પ્રતિકાવ્ય : અંગ્રેજી શબ્દ ‘પૅરડી’ પરથી ગુજરાતીમાં પ્રતિકાવ્ય સંજ્ઞા આવી છે. મૂળમાં તો ‘પૅરડી’ એટલે એવી વાણી, લેખન કે સંગીત જેમાં તેના કર્તા કે સંગીતકારની શૈલીનું રમૂજી અને અતિશયોક્તિયુક્ત રીતે અનુકરણ કરવામાં આવેલું હોય. એ હાસ્યપ્રેરક અથવા વિડંબનારૂપ અનુકરણ હોય. આમ ‘પૅરડી’ હાસ્યાત્મક (comic) અથવા ગંભીર (critical) હોઈ શકે.

ગુજરાતીમાં કોઈ કવિની ભાષા, વિચાર કે નિરૂપણશૈલીનું ઉપહાસાત્મક, અતિશયોક્તિયુક્ત અને કટાક્ષયુક્ત નિરૂપણ કરતી કાવ્યરચના માટે ‘પ્રતિકાવ્ય’ સંજ્ઞા યોજાય છે.

અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રતિકાવ્યનો પ્રકાર સર્વપ્રથમ અરદેશર ફરામજી ખબરદારને હાથે ખેડાય છે. એમણે ડોલનશૈલી કે અપદ્યાગદ્યમાં ન્હાનાલાલની કૃતિ ‘ગુજરાતનો તપસ્વી’ પરથી ‘પ્રભાતનો તપસ્વી’ અને ‘બ્રહ્મદીક્ષા’ પરથી ‘કુક્કુટદીક્ષા’ પ્રતિકાવ્યો રચ્યાં છે. બ. ક. ઠાકોરના ‘આરોહણ’ પરથી ‘અવરોહણ’ અને ‘અખાના છપ્પા’ પરથી ‘લખા ભગતના ધપ્પા’ નામે પ્રતિરચનાઓ કરી છે. કવિનામની વિડંબના માટે એમણે ન્હાનાલાલને બદલે મ્હોટાલાલ અને અખા ભગતને બદલે લખા ભગત કવિનામ રાખ્યું હતું. કાવ્યવિષયની ગંભીરતાની વિડંબના કરવા ખબરદારે કૃતક ગંભીરતાપૂર્વક હળવા વિષયોને આલેખી મૂળ કવિનાં વિષય અને શૈલીનો ઉપહાસ કર્યો હતો. એમાં એમનો ખાસ હેતુ તો ડોલનશૈલીની પોકળતા સિદ્ધ કરવાનો હતો.

કવિ ‘શેષે’ (રામનારાયણ વિ. પાઠકે) ન્હાનાલાલના ‘યૌવના’ કાવ્ય પરથી ડોલનશૈલીની વિડંબનાર્થે ‘કોઈ કહેશો?’ એવા શીર્ષકથી પ્રતિકાવ્યરચના કરી છે. મૂળ કાવ્યમાં યૌવનાની વાત છે, જ્યારે ‘શેષે તેમના પ્રતિકાવ્યમાં યુવાન ઝવેરચંદ મેઘાણીનું ચિત્ર આલેખ્યું છે.

આ રીતે ગુજરાતી પ્રતિકાવ્યો મોટાભાગે તો શૈલીવિશેષ, વિષયવિશેષ અને કવિવિશેષની વિડંબનાર્થે લખાયાં છે.

ગુજરાતીમાં કાવ્યક્ષેત્રે જેવી ને જેટલી થઈ છે એવી પૅરડીઓ ગદ્યક્ષેત્રે થઈ નથી. કાવ્યક્ષેત્રે જે પૅરડીઓ થઈ તેમાં ઉપર્યુક્ત સર્જકો ઉપરાંત જ્યોતીન્દ્ર દવે, ન. પ્ર. બૂચ, બકુલ ત્રિપાઠી, રતિલાલ બોરીસાગર, નિર્મિશ ઠાકર જેવા બીજા પણ કેટલાક સર્જકોનો નિર્દેશ કરવો જોઈએ. તેમણે ગુજરાતીમાં પ્રતિકાવ્યની ધારાને સમૃદ્ધ કરવામાં ગણનાપાત્ર પ્રદાન કર્યું છે.

પ્રાગજીભાઈ ભાંભી