પ્રતાપગઢ (1) : ઉત્તરપ્રદેશ રાજ્યનો એક જિલ્લો. તેની ઉત્તરમાં સુલતાનપુર, પૂર્વમાં જૉનપુર, દક્ષિણમાં અલાહાબાદ, પશ્ચિમમાં ફતેહપુર અને વાયવ્યમાં રાયબરેલી જિલ્લાઓ આવેલા છે. જિલ્લાનો કુલ વિસ્તાર 3,717 ચોકિમી. જેટલો છે. તેનું વહીવટી મથક બેલા-પ્રતાપગઢ (25° 50´ ઉ. અ. અને 82° 0´ પૂ. રે.) છે.
જિલ્લાના નૈર્ઋત્ય ભાગ તરફ, જિલ્લા સરહદ નજીકથી ગંગા નદી વહે છે; જ્યારે જિલ્લા વહીવટી મથક બેલા-પ્રતાપગઢ ગંગાની શાખા સાઈ નદીને કાંઠે વસેલું છે. આ જિલ્લાની જમીન ફળદ્રૂપ છે, પરંતુ થોડોક ભાગ જંગલોથી તો થોડોક ભાગ ક્ષારીય જમીનથી છવાયેલો છે. ખેતીલાયક જમીનોમાં ડાંગર, જવ, બાજરી અને શેરડી ઉગાડાય છે; ભીંડી અને કમાવેલાં ચામડાંનું ઉત્પાદન પણ લેવાય છે. મીઠું, પોટૅશિયમ નાઇટ્રેટ તેમજ ચૂનાખડક જેવી ખનિજીય પેદાશો પણ અહીંથી મેળવાય છે. જિલ્લામથક રેલમાર્ગ અને રસ્તાઓથી જોડાયેલું છે, તેમજ તે કૃષિપેદાશો અને વેપારનું પણ મથક છે.
બેલા-પ્રતાપગઢની વસ્તી 1991ની વસ્તીગણતરી મુજબ 60,000 જેટલી તથા જિલ્લાની વસ્તી 22,10,680 નોંધાઈ છે.
ગિરીશભાઈ પંડ્યા