પ્રજાબંધુ : વીતેલા યુગનું પ્રભાવશાળી ગુજરાતી સાપ્તાહિક પત્ર. 6 માર્ચ, 1898ના રોજ ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકનો પ્રારંભ. ભગુભાઈ ફતેહચંદ કારભારીએ લગભગ દોઢ વર્ષ સુધી ‘પ્રજાબંધુ’ના તંત્રીપદે રહી તેનું સંચાલન કર્યું. લેખ લખવાનું, પ્રૂફ સુધારવાનું અને અંક તૈયાર થાય ત્યારે તેને ટપાલમાં પહોંચાડવાનું કામ પણ ભગુભાઈએ જાતે જ કરવું પડતું. આ સાપ્તાહિકમાં શરૂઆતમાં એક અંગ્રેજી વિભાગ પણ આપવામાં આવતો. તેમાં ભગુભાઈએ જીવણલાલ વ્રજલાલ દેસાઈ – બૅરિસ્ટરનો સહકાર લીધો હતો.
ભગુભાઈ કારભારીએ દોઢ વર્ષ ‘પ્રજાબંધુ’ ચલાવ્યા પછી તે ઠાકોરલાલ પરમોદરાય ઠાકોરને સોંપ્યું અને તેમના હાથે એ પત્રનો ઉદય અને વિકાસ થયો. 1905માં ઠાકોરલાલે પોતાનું સ્વતંત્ર ‘પ્રજાબંધુ’ પ્રિન્ટિંગ વર્કસ સ્થાપ્યું અને ત્યારથી આ સાપ્તાહિક એ છાપખાનામાં જ છપાવાનું શરૂ થયું. ધીમે ધીમે ‘પ્રજાબંધુ’ની પ્રતિષ્ઠા વધી. 1903માં દિલ્હી દરબાર ભરાયો ત્યારે સરકારે ગુજરાતનાં તમામ વર્તમાનપત્રોમાંથી એકમાત્ર ‘પ્રજાબંધુ’ને એ પ્રસંગે હાજર રહેવા માટે આમંત્રણ મોકલીને એક પ્રકારે તેનું સન્માન કર્યું હતું. 1910થી પ્રતિવર્ષ ગ્રાહકોને ભેટપુસ્તક આપવાની પ્રથા શરૂ થતાં આ પત્રની લોકપ્રિયતામાં વધારો થયો. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા અને 1920 પછી સ્વાતંત્ર્ય-ચળવળનું સુકાન તેમના હાથમાં આવ્યું. 1930ના અરસામાં ગાંધીજીએ અસહકાર અને સવિનય કાનૂનભંગનાં શસ્ત્રો ઉપાડ્યાં અને ‘પ્રજાબંધુ’એ તેમની આ નીતિને મક્કમ સમર્થન આપ્યું. આના પરિણામે સરકારે એને ચેતવણી આપી અને જામીનગીરી આપવા ફરમાન કર્યું. જોકે ગાંધીજીની સૂચનાથી જામીનગીરી ન અપાતાં ‘પ્રજાબંધુ’નું પ્રકાશન મોકૂફ રાખવું પડ્યું. સરકાર અને ગાંધીજી વચ્ચે સમાધાન થતાં છ મહિના પછી 16 નવેમ્બર 1930થી સાપ્તાહિક ફરી ચાલુ થયું. 1932માં સ્વાતંત્ર્ય-સંગ્રામનો બીજો જુવાળ આવતાં સરકાર કોઈ હુકમ કરે તે પહેલાં જ ‘પ્રજાબંધુ’ના સંચાલકોએ તેને કામચલાઉ બંધ કર્યું. આ વખતે આ લોકપ્રિય સાપ્તાહિક 10 જાન્યુઆરી 1932થી 17 જૂન 1933 સુધી બંધ રહ્યું. તે દરમિયાન પ્રજાને સમાચાર પહોંચતા રહે તે માટે તેના સંચાલકોએ સમાચારપૂર્તિઓ શરૂ કરી. એ પૂર્તિઓએ પ્રજામાં જે અસર ફેલાવી તેના પરથી, એક દૈનિક પ્રગટ કરવામાં આવે તોપણ અમદાવાદમાં સારી રીતે ચાલે એવો વિચાર સ્ફુર્યો. 1934માં સવિનય કાનૂનભંગનો સંગ્રામ સંકેલી લેવામાં આવ્યો; પરંતુ ‘પ્રજાબંધુ’ની સમાચારપૂર્તિઓ દૈનિક પત્ર ‘ગુજરાત સમાચાર’ રૂપે ચાલુ રહી. જૂન 1933માં ‘પ્રજાબંધુ’ ફરી પ્રગટ થવા માંડ્યું ત્યારે તેની અંગ્રેજી કટારો બંધ કરવામાં આવી હતી. રાજકીય, સામાજિક અને આર્થિક વિષયો પ્રત્યે ‘પ્રજાબંધુ’એ પ્રારંભથી જ લક્ષ આપ્યું હતું; પરંતુ સાહિત્યની ચર્ચાને તેણે સ્થાન આપતાં તેનું મહત્વ વધી ગયું. રાજકીય વિષયોને મહત્વ આપતા રહીને તેણે સાહિત્ય અને કલાના વિષયમાં પણ ઊંડો રસ લીધો અને તેના વિકાસમાં સંગીન ફાળો આપ્યો, જેનો યશ તેના ઉપતંત્રી ચૂનીલાલ વર્ધમાન શાહને ફાળે જાય છે. ‘પ્રજાબંધુ’નું તંત્રીપદ શોભાવનારા મહાનુભાવોમાં જેઠાલાલ ઉમેદરામ મેવાડા, અંબાશંકર કેશવજી શુક્લ, જગજીવનદાસ શિવશંકર ત્રિવેદી, કેસરીપ્રસાદ ઠાકોર, ચીમનલાલ મોદી તથા ઇન્દ્રવદન બળવંતરાય ઠાકોરનો સમાવેશ થાય છે.
‘પ્રજાબંધુ’ના ઇતિહાસમાં ત્રણ તારીખો મહત્વની છે : 6 માર્ચ, 1898, 16 જાન્યુઆરી; 1932 અને 1 ડિસેમ્બર, 1940. તારીખ 6 માર્ચ, 1898ના દિવસે આ સાપ્તાહિક શરૂ થયું. 16 જાન્યુઆરી, 1932થી ‘ગુજરાત સમાચાર’(દૈનિક)નો આરંભ થયો અને 1 ડિસેમ્બર, 1940થી એ બંને પત્રો અને પ્રજાબંધુ છાપખાનું એક જાહેર કંપનીને સોંપાઈ ગયાં. ત્યારથી એ ત્રણેય ‘લોકપ્રકાશન લિમિટેડ’ને હસ્તક છે. ‘પ્રજાબંધુ’એ પ્રારંભમાં દાખવેલા ઉમળકા સાર્થક કરી બતાવ્યા. તેણે વિવિધ દિશામાં પ્રજાની સંગીન સેવા કરીને પોતાનું નામ સાર્થક કર્યું અને ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રથમ પંક્તિનું સ્થાન મેળવ્યું.
અલકેશ પટેલ