પ્રકાશ સમાવર્તક (light modulator) : નિવેશન સંકેતને અનુલક્ષી પ્રકાશની કિરણાવલીની તીવ્રતામાં ફેરફાર કરી શકે તેવી પ્રયુક્તિ. ટેલિફોનની વાતચીત દરમિયાન આવા ફેરફારો થતા હોય છે.

કોઈ બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા એટલે તે બિંદુની આસપાસ પ્રકાશની પ્રસરણદિશાને લંબરૂપે આવેલી એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતી ઊર્જા.

સમાવર્તન(modulation)ની પ્રક્રિયામાં તરંગોની એક પ્રણાલી ઉપર બીજી ઉચ્ચ આવૃત્તિવાળા તરંગને પ્રયુક્ત (impress) કરવામાં આવે છે. સામાન્યત: શ્રાવ્ય-આવૃત્તિ (audio frequency) અથવા ઇચ્છિત સંકેત-પ્રેષણ તરંગને ઉચ્ચ આવૃત્તિવાળા તરંગ ઉપર પ્રયુક્ત કરવામાં આવે છે. રેડિયો પ્રેષણમાં ઉચ્ચ આવૃત્તિવાળા તરંગને વાહક (carrier) તરંગ કહે છે.

પ્રકાશ સમાવર્તક એ સમાવર્તનની પ્રક્રિયાને અસર કરતી પ્રયુક્તિ છે. યોગ્ય પ્રકાશ સમાવર્તક વડે પ્રકાશનો એક જ કિરણાવલીમાં મોટી સંખ્યાની સંચારવાહિકાઓ (communication channel) જોડી સમાવર્તનની અનુકૂળતા સાધી શકાય છે.

કેટલાક સ્ફટિકો કિરણનું સમાવર્તન કરવા માટે સક્ષમ હોય છે. કારણ કે જ્યારે સ્ફટિક ઉપર વિદ્યુતદબાણ (voltage) લાગુ પાડવામાં આવે છે ત્યારે સ્ફટિકના પ્રકાશીય ગુણધર્મોમાં ફેરફાર થાય છે. સામાન્ય રીતે પોટૅશિયમ ડાયહાઇડ્રોજન ફૉસ્ફેટના દ્વિસમલંબાક્ષ (tetragonal) સ્ફટિકનો વિદ્યુત-પ્રકાશીય અસરો માટે ઉપયોગ થતો હોય છે. આવા સ્ફટિકો વડે મળતી અસર મહત્તમ મેળવવા માટે પ્રકાશના કિરણને લાગુ પાડેલા ક્ષેત્રની દિશામાં પ્રેષણ કરવામાં આવે છે.

પ્રહલાદ છ. પટેલ