પ્રકાશ પિક્ચર્સ : હિંદી ભાષામાં ઉચ્ચ કોટિનાં સામાજિક અને ધાર્મિક ચિત્રોનું નિર્માણ કરનાર કંપની. ભારતીય ચલચિત્રઉદ્યોગને પ્રારંભિક તબક્કે વિકસાવવવામાં ગુજરાતીઓ દ્વારા સંચાલિત કે ગુજરાતીઓની માલિકીની જે કેટલીક કંપનીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમાં પ્રકાશ પિક્ચર્સનું નામ આગલી હરોળમાં આવે છે. સૌરાષ્ટ્રના પાલિતાણામાં જન્મેલા બે બંધુઓ વિજય ભટ્ટ અને શંકર ભટ્ટે 1934માં પ્રકાશ પિક્ચર્સની સ્થાપના કરી અને ગણતરીનાં વર્ષોમાં અગ્રણી ચિત્ર-નિર્માણ કંપની તરીકેની ખ્યાતિ તેણે મેળવી લીધી.
વિજય ભટ્ટ અને શંકર ભટ્ટ મૂળ તો આજીવિકા રળવા પાલિતાણા છોડીને મુંબઈ ગયા હતા. પહેલાં નાનીમોટી નોકરીઓ કરી તે દરમિયાન વિજય ભટ્ટે પોતાના લેખનના શોખને કારણે નાટકો લખ્યાં. તે સાથે આદ્ય ચિત્રસર્જક અરદેશર ઈરાનીની હૂંફ મળતાં તેમણે લખેલી વાર્તાઓ પરથી મૂક ફિલ્મોનું નિર્માણ થયું. તેનાથી પ્રોત્સાહિત થઈને બંને ભાઈઓએ ‘રૉયલ ફિલ્મ કંપની’ સાથે સંકળાઈને કેટલાંક મૂક ચિત્રોનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું અને સમય જતાં 1934માં પોતાની સ્વતંત્ર સંસ્થા પ્રકાશ પિક્ચર્સની સ્થાપના કરી.
પ્રકાશ પિક્ચર્સના નેજા હેઠળ પ્રારંભે કેટલાંક સ્ટંટ અને હળવાં ચિત્રોના નિર્માણ બાદ કંપની સામાજિક ચિત્રોના નિર્માણ તરફ વળી. 1940માં નરસિંહ મહેતાના જીવન પર આધારિત હિંદી ચિત્ર ‘નરસી ભગત’ને સારી એવી ખ્યાતિ મળી. 1941માં બે ચિત્રો ‘દર્શન’ અને ‘માલા’ પૈકી, ‘દર્શન’માં દહેજ પ્રથાની સમસ્યાને કેન્દ્રમાં રખાઈ હતી. આ બંને ચિત્રોમાં નૌશાદનું સંગીત હતું. નૌશાદ એ સમયે હજી ફિલ્મક્ષેત્રે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમને કારકિર્દી જમાવવામાં પ્રકાશ પિક્ચર્સનો સારો સથવારો મળી રહ્યો. નૌશાદે આ ઋણ 1952માં ‘બૈજુ બાવરા’ ચિત્રમાં કર્ણપ્રિય સંગીત આપીને ફેડ્યું; એટલું જ નહિ, ‘બૈજુ બાવરા’ ચિત્ર અત્યંત સફળ થતાં કંપની ભારે આર્થિક સંકટમાંથી ઊગરી ગઈ.
‘બૈજુ બાવરા’ ઉપરાંત પ્રકાશ પિક્ચર્સે જે યાદગાર ચિત્રો આપ્યાં તેમાં 1942માં બનેલું ‘ભરતમિલાપ’ (મરાઠીમાં ‘ભરતભેટ’) પ્રથમ હતું. પ્રકાશ પિક્ચર્સના નેજા હેઠળ નહિ નહિ તોય 55 જેટલાં ચિત્રોનું નિર્માણ થયું છે, પણ ખુદ વિજય ભટ્ટ અવારનવાર કહેતા કે આ તમામ ચિત્રોમાં તેમને સૌથી વધુ સંતોષ ‘ભરતમિલાપ’ના નિર્માણમાં મળ્યો હતો. ‘ભરતમિલાપ’ની સફળતાથી પ્રેરાઈને 1943માં ‘રામરાજ્ય’નું નિર્માણ કરાયું. સીતાની ભૂમિકામાં શોભના સમર્થે અને રામની ભૂમિકામાં પ્રેમ અદીબે ખૂબ ખ્યાતિ મેળવી હતી. આ ચિત્રે દેશભરમાં અસાધારણ સફળતા મેળવી હતી. મહાત્મા ગાંધીએ તેમના જીવનમાં જે એકમાત્ર ચલચિત્ર જોયું હતું તે આ ‘રામરાજ્ય’ હતું. તેમણે આ ચિત્ર જોવા માટે માત્ર અડધો કલાકનો સમય ફાળવ્યો હતો, પણ ચિત્રે તેમને એટલા પ્રભાવિત કર્યા કે તેમણે 90 મિનિટ સુધી આ ચિત્ર નિહાળ્યું હતું.
‘રામરાજ્ય’ના નિર્માણ પછી પ્રકાશ પિક્ચર્સની ખ્યાતિ અનેકગણી વધી ગઈ. વિજય ભટ્ટની ગણના અગ્રણી નિર્દેશકોમાં થવા માંડી. એ જ વર્ષે કંપનીએ બીજાં જે ચિત્રો બનાવ્યાં તેમાં ગુજરાતી ચિત્ર ‘સંસાર- લીલા’નો પણ સમાવેશ થતો હતો. 1944માં નિર્માણ પામેલાં બે સામાજિક ચિત્રો ‘પોલીસ’ અને ‘સમાજ કો બદલ ડાલો’ પૈકી ‘પોલીસ’માં બે એવા ભાઈઓની વાત રજૂ કરાઈ હતી, જેમાં એક સજ્જન અને બીજો દુર્જન હોય છે. આવાં કથાનકો પરથી આજ સુધી ચિત્રો બનતાં રહ્યાં છે. ભારતીય ચલચિત્રઉદ્યોગને યાદગાર ચિત્રો ઉપરાંત ઉમદા કલાકારો અને સંગીતકારોની ભેટ આપનાર પ્રકાશ પિક્ચર્સના વિકાસની પરાકાષ્ઠા 1952માં ‘બૈજુ બાવરા’માં દેખાય છે. સંગીતકાર નૌશાદે પોતાનાં સંસ્મરણોમાં નોંધ્યું છે તેમ, ભટ્ટ બંધુઓ કંપનીને સમેટી લેવાનો વિચાર કરતા હતા ત્યારે પોતે તેમને કોઈ સારું ચિત્ર બનાવવાનું સૂચન કર્યું હતું. આમ ‘બૈજુ બાવરા’નું નિર્માણ હાથ ધરાયું હતું. મીનાકુમારીને આ ચિત્રમાં પહેલી વાર મોટી તક મળી. સુંદર અભિનય, શાસ્ત્રીયતાની છાંટવાળું કર્ણપ્રિય સંગીત અને લોકપ્રિય ગીતોએ આ ચિત્રને સદાબહાર બનાવી દીધું. 1977 સુધી (‘હીરા ઔર પથ્થર’) નિર્માણક્ષેત્રે સક્રિય રહેનાર પ્રકાશ પિક્ચર્સની ગતિ 1960 પછી ધીમી પડી ગઈ હતી. 1959માં ફરી એક વાર સુંદર કથાનક અને કર્ણપ્રિય ગીત-સંગીત સાથે ‘ગુંજ ઉઠી શહનાઈ’ બનાવ્યા પછી 1962માં ‘હરિયાલી ઔર રાસ્તા’ અને 1965માં ‘હિમાલય કી ગોદ મેં’ આ કંપનીનાં નોંધપાત્ર ચિત્રો હતાં.
હરસુખ થાનકી