પ્રકાશ-આલેખ (light curve) : પરિવર્તનશીલ (variable) તારાઓના પ્રકાશના ફેરફારોનું આલેખીય (graphical) વર્ણન. તારાના પ્રકાશમાં થતા ફેરફારો નિયમિત (periodic) અથવા લગભગ નિયમિત હોય તો દ્યુતિ (brightness) અને કલા (phase) વચ્ચે આલેખ તૈયાર કરી શકાય છે. અવલોકન વખતનો સમય અને પ્રકાશ-આલેખ ઉપર તારાનું સ્થાન સહેલાઈથી નક્કી કરી શકાય તેવા ભાગ ઉપરનો સમય એ બે વચ્ચેના ગાળાને કલા તરીકે ઓળખવામાં આવે છે. તારો વધુમાં વધુ ઝાંખો દેખાય ત્યારે તેણે વધુમાં વધુ પ્રકાશ ગુમાવેલો હોય છે. તે સમયે ગ્રહણ પામતા (eclipsing) પરિવર્તનશીલ તારાઓ માટે આદિકોણ (epoch) થાય છે. સ્વકીય (intrinsic) પરિવર્તનશીલ તારા માટે કલાની ગણતરી જ્યારે તે વધુમાં વધુ દ્યુતિ ધરાવતો હોય ત્યારથી થાય છે. પ્રકાશ-આલેખ આકૃતિ 1 અને 2માં દર્શાવ્યા છે.

આકૃતિ 1 : પરિવર્તનશીલ તારા કૅનિસ મેજોરિસ(Canis Majoris)નો પ્રકાશ આલેખ. પ્રત્યેક ટપકું દ્યુતિનું એક માપન સૂચવે છે. કલાને પ્રકાશ પરિવર્તન(variation)ના આવર્તકાળના અંશ તરીકે વ્યક્ત કરવામાં આવેલ છે.

આલેખમાં કલાને આવર્તકાળના અંશ તરીકે અને દ્યુતિના ફેરફારોને માન(magnitude)ના સંદર્ભમાં વ્યક્ત કરવામાં આવે છે. તારાઓની દ્યુતિ વ્યક્ત કરવા માટે ‘માન’ એક પ્રમાણભૂત પ્રણાલી છે. પરંપરા પ્રમાણે, દ્યુતિને માત્રાના તફાવત (Δmy) અથવા પરિવર્તનશીલ તારા (V) અને સરખામણી માટે ધ્યાનમાં લીધેલા નજીકના તારા(XY)ની દ્યુતિના તફાવત V–Cy પ્રમાણે આલેખ તૈયાર કરવામાં આવે છે.

માનનો માપક્રમ લઘુગણકીય (logarithmic) છે. તેમ કરવાનું કારણ એ છે કે દ્યુતિના ઘણા મોટા ફેરફારોને નાની સંખ્યા વડે દર્શાવી શકાય છે. કોઈ એક તારાની દ્યુતિ બીજા તારાની દ્યુતિ કરતાં 5 માન વધારે છે. તેનો અર્થ એ થાય છે કે પ્રથમ તારો બીજા તારા કરતાં 100 ગણો વધારે પ્રકાશ ઉત્સર્જિત કરે છે.

આકૃતિ 2 : પરિવર્તનશીલ તારા લિયોનિસ(Leonis)નો પ્રકાશ આલેખ. ઉપરનાં અવલોકનો પ્રકાશ આલેખ અને નીચેનાં અવલોકનો વર્ણ-આલેખ (colour curve) દર્શાવે છે. તેમાં પ્રકાશના પરિવર્તન દરમિયાન રંગોમાં થતો ફેરફાર સૂચવે છે.

પ્રકાશ-આલેખનો વિનિયોગ : પ્રકાશ-આલેખનો અભ્યાસ ઘણી રીતે ઉપયોગી છે. ગ્રહણશીલ તારાઓના અભ્યાસનું વિગતવાર વિશ્લેષણ કરી તેની સાથે વર્ણપટ-આલેખીય (spectrographic) માહિતીને જોડી દેતાં તારાનાં કદ, દળ અને ઘનતાની જાણકારી મેળવવાનું શક્ય બને છે. પ્રકાશ-આલેખના આકારની મદદથી સ્પંદન કરતા (pulsating) પરિવર્તનશીલ તારા(જેમ કે, સિફાઇડ અથવા આર. આર. લિટે તારા)ને ઓળખી કાઢવામાં આવ્યા છે. તારાની સ્વકીય દ્યુતિ એટલે કે પ્રકાશના વાસ્તવિક ઉત્સર્જનની માહિતી આવર્તકાળ આપે છે. દેખીતી (apparent) દ્યુતિના માપનને સ્વકીય દ્યુતિ સાથે જોડી દેવાથી તારાના અંતરની ગણતરી કરી શકાય છે. નિકટતમ બાહ્ય ગૅલેક્સીનું અંતર તેની અંદર રહેલા પરિવર્તનશીલ તારાના અંતરને આધારે નક્કી કરી શકાય છે.

આકૃતિઓ 3 અને 4

પ્રકાશ-આલેખનો ચોક્કસ દેખાવ કયા રંગના વિસ્તારમાં અવલોકન કરવામાં આવે છે, તેના ઉપર આધારિત છે. ગ્રહણશીલ તારાઓમાં જ્યારે ગરમ તારો ઠંડા તારાની પાછળથી પસાર થાય છે ત્યારે ઓછી તરંગલંબાઈવાળા વિસ્તારના પ્રકાશનો અભ્યાસ કરતાં પ્રકાશનો ઘણો મોટો હિસ્સો ગુમાવતો હોય એવું માલૂમ પડે છે. એટલે કે ઓછી તરંગલંબાઈવાળો પારજાંબલી અથવા વાદળી પ્રકાશ વધુ ગુમાવાય છે; જ્યારે વધુ તરંગલંબાઈવાળો પ્રકાશ ઓછો ગુમાવાય છે. એટલે કે વધુ તરંગલંબાઈ ધરાવતો નારંગી અથવા લાલ પ્રકાશ ઓછો ગુમાવાય છે. ઠંડો તારો ગરમ તારાની પાછળથી પસાર થાય ત્યારે આથી ઊલટું બને છે.

પરિવર્તનશીલ અને માપન માટે લીધેલ અચળ પ્રકાશવાળા નજીકના તારાના માન વચ્ચેના તફાવતને આધારે પ્રકાશ-આલેખ તૈયાર કરવામાં આવે છે. આમ કરવાનું કારણ એ છે કે પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાં થઈને પસાર થાય છે ત્યારે તેનો કેટલોક હિસ્સો શોષાય છે. પ્રકાશનું વિલોપન (extinction) તારાના સમક્ષિતિજ કોણીય અંતર અને વાતાવરણની પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે.

પ્રકાશના ફેરફારો નિયમિત રીતે ન થતા હોય તો કલાની ગણતરી થઈ શકતી નથી. તેવા સંજોગોમાં દ્યુતિને અવલોકનના દિન અને સમય સાથે આલેખવામાં આવે છે. પરિવર્તનશીલ લાલ અને વિસ્ફોટક તારાઓની બાબતે આમ કરવાનું રહે છે.

પ્રકાશ-આલેખ ત્રણ રીતે તૈયાર કરવામાં આવે છે : (1) ર્દશ્ય પદ્ધતિથી, (2) ફોટોગ્રાફિક પદ્ધતિથી અને (3) ફોટો-ઇલેક્ટ્રિક પદ્ધતિથી. ખગોળનો અભ્યાસ શરૂ કરનાર શિખાઉઓ ખાસ કરીને ર્દશ્ય પદ્ધતિનો ઉપયોગ કરે છે. લાંબા આવર્તકાળ બાદ તારાઓનું પરિવર્તન થતું હોય તેવા તારાઓના અભ્યાસ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. આ સાથે તારાઓનું સતત અવલોકન કરવા માટે ધંધાદારી ખગોળવેત્તાઓ મળતા નથી. આથી ફોટોગ્રાફિક પદ્ધતિ વડે પરિવર્તનશીલ તારાઓની ખોજ કરીને તેમનું વર્ગીકરણ કરી શકાય છે. ફોટો-ઇલેક્ટ્રિક અભ્યાસ કરી શકાય છે.

પ્રહલાદ છ. પટેલ