પ્રકાશલક્ષી અતિસંવેદિતા (photosensitivity)

February, 1999

પ્રકાશલક્ષી અતિસંવેદિતા (photosensitivity)

પ્રકાશની હાજરીમાં ઉદભવતા ચામડીના વિવિધ વિકારો. સૂર્યના પ્રકાશના રંગપટમાંનાં પારજાંબલી (ultraviolet) કિરણો ચામડીના વિકારો સર્જે છે. તેને કારણે સૂર્યદાહ (sunburns), ચામડીનું અકાળ વૃદ્ધત્વ, ચામડીનું કૅન્સર વગેરે વિવિધ રોગો ઉદભવે છે.

સૂર્યપ્રકાશ : સૂર્યપ્રકાશ આનંદદાયક, જીવનરક્ષક, સૂક્ષ્મજીવનાશક તથા પર્યાવરણરક્ષક છે. તેથી દરેકને માટે તેનું સાહજિક રીતે જ આકર્ષણ હોય છે. આ ઉપરાંત તે ગરમી આપે છે તથા વિટામિન-ડી જેવા પોષક- દ્રવ્યના ઉત્પાદનમાં પણ ભાગ ભજવે છે. જોકે ક્યારેક તે ચામડીના વિકારો સર્જે છે. રોગોની સામે ચોક્કસ રીતે લડવાની ક્ષમતાને રોગપ્રતિકારક ક્ષમતા અથવા પ્રતિરક્ષા (immunity) કહે છે. તેને લગતા વિકારને પ્રતિરક્ષાલક્ષી (immunological) વિકારો કહે છે. સૂર્યપ્રકાશ આવા પ્રતિરક્ષાલક્ષી વિકારો પણ સર્જે છે, જેને કારણે શરીરની રોગોની પ્રતિકાર કરવાની ક્ષમતા ઘટે છે.

સૂર્યપ્રકાશમાં 10–2 માઇક્રોમીટરથી માંડીને 107 માઇક્રોમીટરની તરંગલંબાઈવાળાં કિરણો નીકળે છે; પરંતુ પૃથ્વી પર તેમાંનો થોડો ભાગ એટલે કે પારજાંબલી (ultraviolet) કિરણો, ર્દશ્યમાન પ્રકાશ અને થોડા ભાગનાં અધોરક્ત (infrared) કિરણો જ આવે છે. તેમાંનાં પારજાંબલી કિરણોની તરંગલંબાઈ 290 નૅનોમીટરથી 400 નૅનોમીટર હોય છે. તેનાથી ઓછી તરંગલંબાઈવાળાં કિરણો પૃથ્વી પર આવતાં નથી, કેમ કે તે પૃથ્વીની આસપાસ ઓઝોનના બનેલા આવરણમાંથી પસાર થઈ શકતાં નથી. પૃથ્વીની આસપાસ આવેલાં આવરણોને સ્તરગોલકો અથવા સ્તરાવરણો (stratospheres) કહે છે. પૃથ્વીની આસપાસ ઓઝોનના સ્તર(પડ)નું એક આવરણ બનેલું હોય છે. તેને ઓઝોનનું સ્તરગોલક કહે છે. આવા આવરણ બનાવતા ઓઝોનના પડને સ્તરગોલકીય અથવા સ્તરાવરણીય ઓઝોન (stratospheric ozone) કહે છે. આ સ્તરગોલકો અથવા આવરણોને કારણે અતિશય ગરમીવાળાં અને જીવનને જોખમી એવાં કિરણો પૃથ્વી પર આવતાં અટકી જાય છે. કેટલાક ઉદ્યોગો કલૉરોફ્યુરોકાર્બનના જૂથનાં રસાયણોનું હવામાં પ્રદૂષણ ફેલાવે છે. તે ઓઝોનના સ્તરગોલકમાં કાણાં પાડે છે. આવાં કાણાંમાંથી જીવનને જોખમી એવાં પારજાંબલી કિરણો આપણા પર આવી શકે છે. તેથી વૈશ્ર્વિક સ્તરે આ પ્રકારના પ્રદૂષણને રોકવા માટે એક સમજૂતી પણ કરાયેલી છે. જેમ જેમ ઊંચાઈ પર જઈએ (ઊંચાઈમાં દર 300 મીટરના વધારાએ 4%નો વધારો) કે જેમ જેમ ઉત્તર કે દક્ષિણ ધ્રુવની નજીક જઈએ તેમ તેમ પારજાંબલી કિરણોના પ્રમાણમાં વધારો થાય છે. વાદળ, ધુમ્મસ તથા હવાનું પ્રદૂષણ તેનું પ્રમાણ ઘટાડે છે.

પ્રકાશજૈવિક અસર : 290થી 700 નૅનોમીટરની તરંગલંબાઈનાં પ્રકાશનાં કિરણો જીવનને અસર કરે છે. તેને પ્રકાશજૈવિક અસર (photobiological effect) કહે છે. 700 નૅનોમીટરથી વધુ તરંગલંબાઈનાં કિરણો ગરમી ઉત્પન્ન કરીને આ પ્રકારની પ્રકાશજૈવિક અસરને વધારે છે. પારજાંબલી કિરણોના 3 ભાગ પડાય છે : 290 નૅનોમીટરથી ઓછી તરંગલંબાઈનાં કિરણોને પારજાંબલી-સી (UV-C), 290થી 320 નૅનોમીટરની તરંગલંબાઈનાં કિરણોને પારજાંબલી-બી (UV-B) તથા 320થી 400 નૅનોમીટરની તરંગલંબાઈનાં કિરણોને પારજાંબલી-એ (UV-A) કહે છે. પારજાંબલી-સી પ્રકારનાં કિરણો ઓઝોનના સ્તરમાં શોષાઈ જાય છે, જ્યારે પારજાંબલી-બી અને પારજાંબલી-એ કિરણો આપણા સુધી પહોંચે છે. પારજાંબલી-બીને કારણે સૂર્યદાહ, ચામડીનું અકાળ વૃદ્ધત્વ, ચામડીની કમાવવાની ક્રિયા (tanning) તથા કૅન્સર થાય છે. પારજાંબલી-એ ચામડીને લાલ અને ગાઢા રંગની કરે છે, પરંતુ તે માટે તેને પારજાંબલી-બીના પ્રમાણમાં લગભગ 1,000ગણી વધારે ઊર્જા(શક્તિ)ની જરૂર પડે છે. બારીના કાચમાંથી આવતો પ્રકાશ પણ પારજાંબલી કિરણો લાવીને વિકાર સર્જે છે.

કેટલાંક રસાયણોની હાજરીમાં પ્રકાશસંવેદિતા ઉદભવે છે. તેમને પ્રકાશસંવેદિતાસર્જક અથવા પ્રકાશસંવેદક (photosensitizer) રસાયણો કહે છે. તેઓ પારજાંબલી-એ કિરણોની હાજરીમાં ચામડીના વિકારો કરે છે. તેમાં ક્યારેક ચામડી લાલ કે ગાઢા રંગની બને છે. આવી લાલ રંગની બનેલી ચામડીને રક્તિમાયુક્ત (erythrogenic) તથા ગાઢા રંગની ચામડીને કૃષ્ણવર્ણિત (melanogenic) ચામડી કહે છે (સારણી 1).

સારણી 1 : પારજાંબલી કિરણોના પ્રકારો અને તેમની જૈવિક અસરો
કિરણનો પ્રકાર તરંગલંબાઈ પ્રકાશજૈવિક અસર અંગેની નોંધ
પારજાંબલી-સી 010–290 નૅનોમીટર સૂર્યનાં આ પ્રકારનાં કિરણો પૃથ્વી પર

આવી શકતાં નથી, પરંતુ ઉદ્યોગોમાં

તે સૂક્ષ્મજીવનાશક તરીકે વપરાય છે.

પારજાંબલી-બી 290–320 નૅનોમીટર ચામડીમાં લાલાશ (રક્તિમા) તથા

સૂર્યદાહ કરે છે.

પારજાંબલી-એ 320–400 નૅનોમીટર ચામડીમાં લાલાશ (રક્તિમા) કરવામાં

1,000ગણાં ઓછાં અસરકારક.

શ્યમાન પ્રકાશના કિરણની તરંગલંબાઈ 400થી 700 નૅનોમીટર છે. તે જ્યારે ત્રિપાર્શ્વકાચ(prism)માંથી પસાર થાય ત્યારે તેમાંથી 7 રંગનો રંગપટ અથવા વર્ણપટ (spectrum) બને છે. જો કોઈ પ્રકાશસંવેદિતાકારી રસાયણની હાજરી ન હોય તો આ સાદો પ્રકાશ ચામડીમાં કોઈ ખાસ વિકાર સર્જતો નથી. ર્દશ્યમાન પ્રકાશની ઊર્જા અથવા શક્તિ પ્રકાશકણ (photon) રૂપે વહે છે. પ્રકાશકણ જ્યારે કોઈ સપાટી પર પડે છે ત્યારે તે કાં તો તેમાં પૂરેપૂરો અવશોષાઈ જાય છે. અથવા તો તે સહેજ પણ અવશોષાતો નથી. તેને શૂન્ય-વા-સર્વનો નિયમ (all-or-none law) કહે છે. પ્રકાશના કણ સાથે ઊર્જા અવશોષાય છે. તેને કારણે ક્યારેક પ્રકાશસંવેદિતાનો વિકાર સર્જાય છે. પ્રકાશકણને અવશોષતા રસાયણને પ્રકાશગ્રાહી વર્ણકપિંડિકા અથવા વર્ણકપિંડિકા (chromophore) કહે છે. ચામડીમાંની વર્ણકપિંડિકા પ્રકાશની અવશોષાયેલી ઊર્જાથી ઉત્તેજિત થાય છે. તે અવશોષાયેલી ઊર્જાને ચામડીમાંની વિવિધ સંરચનાઓ કે ઑક્સિજનને આપી દે છે, જે ગરમી (ઉષ્મા) અને દમકશીલતા (flourescence)ના રૂપે અન્યત્ર વહી જાય છે.

ચામડી પર આવતાં કિરણોનો કેટલોક અંશ તેમાં અવશોષાય છે. વર્ણપટનો વિવિધ તરંગલંબાઈવાળો જે ભાગ અવશોષાય છે તે ભાગને અવશોષણ-વર્ણપટ (absorption-spectrum) કહે છે અને જે તરંગલંબાઈનાં કિરણો ચામડીમાં સક્રિયતા સર્જે છે તેને ક્રિયાલક્ષી વર્ણપટ (action-spectrum) કહે છે. બંને પ્રકારના વર્ણપટોનો જેટલો ભાગ સમાન (common) હોય તેટલા ભાગનાં કિરણો પ્રકાશલક્ષી અતિસંવેદિતા સર્જે છે.

ચામડીના બંને સ્તરોમાં બહારથી આવતાં કિરણોનું પરાવર્તન, વક્રીભવન, અવશોષણ તથા પારગમન થાય છે. પારજાંબલી-બી કિરણોનો મોટોભાગ ચામડીના શૃંગીસ્તર(stratum corneum)માં અવરોધાય છે. સામાન્ય ચામડીની તલીય કલા (basement membrane) સુધી 300 નૅનોમીટર તરંગલંબાઈવાળાં કિરણોના ફક્ત 3%, 360 નૅનોમીટર તરંગલંબાઈવાળાં કિરણોના ફક્ત 20% અને ર્દશ્યમાન પ્રકાશના ટૂંકી તરંગલંબાઈવાળાં કિરણોના ફક્ત 33% કિરણો પહોંચી શકે છે. ત્યાં પહોચેલાં કિરણોમાંથી માંડ 10% જેટલાં કિરણો અંદર પ્રવેશી શકે છે. ચામડીમાંના પ્રોટીન અને ન્યૂક્લીઇક ઍસિડના અણુઓ મોટાભાગનાં પારજાંબલી-બી કિરણોને અવશોષે છે, જ્યારે પારજાંબલી-એ પ્રકારનાં કિરણો અધિત્વચા(epidermis)માંથી પસાર થઈને ચામડીમાં ઊંડે સુધી એટલે કે ત્વચા (dermis) સુધી પહોંચે છે. ચામડીમાં 2 પડ આવેલાં છે : (1) અધિત્વચા અને (2) ત્વચા.

સારણી 2 : પ્રકાશલક્ષી અતિસંવેદિતા સર્જતા વિકારો
              રોગના પ્રકારો                  ઉદાહરણો
જનીનીય વિકારો genetic disorders પૉરફિરિનતા

ત્વકીય અવર્ણકતા

અતિવર્ણકીય રુક્ષત્વચા

ફિનાયલકીટોનુરિયા

Porphyria

albinism

xeroderma pignemtoza

phenylketonuria

ચયાપચયી વિકારો metabolic disorders પૉરફિરિનતા

ક્વૉશિયોરકર

રુક્ષત્વચાવિકાર

કૅન્સરાભ ગાંઠ

porphyria

kwashiorkar

Pellagra

carcinoid tumour

પ્રકાશજન્ય વિષાક્તતાકારી રસાયણો phototoxic

chemicals

દવાઓ

ખોરાક

વનસ્પતિ

drugs

diet

plants

પ્રકાશલક્ષી

ઍલર્જીજન્ય વિકારો

photo-allergy

disorders

સૂર્યલક્ષી શીળસ

ઔષધીય પ્રકાશલક્ષી વિષમોર્જા

સતત પ્રકાશલક્ષી પ્રતિક્રિયા

solar urticaria

drug photoallergy

persistent light reaction

દુર્જનનલક્ષી

વિકારો

degenerative

disorders

પ્રકાશલક્ષી જરા અથવા

વૃદ્ધાવસ્થા બોવેનનો રોગ દુર્વિકસનીય ત્વકીય તલનો સંલક્ષણ ગ્રંથિલકારી શૃંગીસ્તરરુગ્ણતાઓ

photoaging

Bowen’s disease

dysplastic naevus syndrome

acinitic keratoses

ગાંઠ કે કૅન્સર benign gland or cancer તલકોષીય કૅન્સર

લાદીસમ  અધિચ્છદીય કૅન્સર

કૃષ્ણાર્બુદ

basal cell cancer sqaumous cell cancer melanoma
અજ્ઞાતમૂલ વિકાર ideopathic disorder પ્રકાશજન્ય બહુરૂપી પ્રતિક્રિયા polymorphous light reaction
પ્રકાશજન્ય વર્ધિત વિકાર photo-aggrevated disorder વ્યાપક રક્તકોષભક્ષિતા ત્વક્સ્નાયુશોથ

પોપડીકારી ત્વકીય ફોલ્લારોગ

બરો મૂતરવો-ના વિષાણુનો ચેપ

ખીલ

ઍલર્જીજન્ય ત્વચાશોથ

systemic lupus erythematosus

dermatomyositis

pemphigus foliaceus

herpes simplex

acne vulgaris

atopic dermatitis

ત્વચામાં પહોંચીને તે ત્યાંનાં પ્રોટીન અને અન્ય સંરચનાઓમાં ફેરફાર આણે છે. તે ખાસ કરીને શ્વેત ચામડીમાં ફેરફારો સર્જે છે. અધિત્વચામાં અવશોષાયેલાં કિરણો ડી.એન.એ.માંના થાયામીનના દ્વિરૂપ (dimer) દ્રવ્યનું ઉત્પાદન કરે છે. તેવું પારજાંબલીબી તથા અમુક અંશે પારજાંબલી-એ કિરણોને કારણે થાય છે. જોકે કોષની અંદરની સમારકામ કરતી પ્રક્રિયાઓ આ વધારાના દ્વિરૂપ દ્રવ્યને દૂર કરીને મૂળ દ્રવ્ય મૂકે છે. જો આ પ્રકારની સમારકામ-પ્રક્રિયા ન થાય તો ત્યાં ચામડીનું કૅન્સર ઉદભવવાનો ભય રહે છે. અતિવર્ણકીય રુક્ષત્વચા (xeroderma pigmentosa) નામનો એક વારસાગત રોગ છે. તે દેહસૂત્રી પ્રચ્છન્ન (autosomal recessive) પ્રકારના વારસા વડે ઉદભવે છે. તેઓમાં આવી સમારકામની પ્રક્રિયા થતી નથી. તેને કારણે તેમની ચામડી વહેલી ઘરડી થયેલી હોય તેવી લાગે છે. તેને પ્રકાશજન્ય જરા (photoaging) કહે છે. વળી તેને કારણે ક્યારેક તલકોષી કર્કાર્બુદ (basal cell cancer) કે લાદીસમ કોષીય કર્કાર્બુદ (squamous cell cancer) નામનાં કૅન્સર થવાની સંભાવના વધે છે. વિવિધ પ્રકારના રોગોમાં પ્રકાશલક્ષી વિકાર સર્જાય છે. (જુઓ સારણી 2).

વર્ણકપિંડિકા : પ્રકાશકણને અવશોષી લેતાં વર્ણકપિંડિકા (chromophore) નામનાં રસાયણો ચામડીની અંદર બને છે અથવા તો તે બહારથી આવેલાં હોય છે. તે બે પ્રકારનાં હોય છે : (1) સ્થાનિક કોષીય દ્રવ્યો જેવાં કે ન્યૂક્લીઇક ઍસિડ, પ્રોટીન, મેદદ્રવ્ય (lipids), કોલેસ્ટેરૉલમાંથી ઉદભવેલાં દ્રવ્ય; જેમ કે, વિટામિન-ડીનાં પૂર્વદ્રવ્યો (precursors) વગેરે તથા (2) અન્યસ્થાની દ્રવ્યો; જેવાં કે, પૉરફાયરિન. આ દ્રવ્યો પ્રકાશનાં કિરણોને અવશોષીને ચામડીમાં વિકાર સર્જે છે. પૉરફાયરિન ર્દશ્યમાન પ્રકારનાં લાલ રંગવાળાં કિરણો તથા અન્ય ર્દશ્યમાન ટૂંકી તરંગલંબાઈવાળાં કિરણોને અવશોષીને ચામડીને લાલ કરે છે. તેને ત્વકીય રક્તિમા અથવા રક્તિમા (erythema) કહે છે. આ ઉપરાંત ચામડીમાં સોજો આવે છે, શીળસ (urticaria) નીકળે છે તથા ફોલ્લા (blister) પડે છે. વિવિધ પ્રકારની દવાઓ પણ ચામડીમાં પ્રકાશલક્ષી અતિસંવેદિતા સર્જે છે (સારણી 3).

સારણી 3 : પ્રકાશલક્ષી અતિસંવેદિતા સર્જતાં રસાયણો અને ઔષધો
પ્રકાશ સંવેદી ઔષધો કે રસાયણો સ્થાનિક વિકાર દેહવ્યાપી વિકાર
જૂથ ઉદાહરણ
કોલસી-ડામરમાંથી ઉપાર્જિત દ્રવ્યો ઍક્રિડિન, ઍન્થ્રાસીન, ફિનેન્થ્રિન હા ના
પ્રતિજૈવ ઔષધો (antibiotics) સલ્ફોનામાઇડ્ઝ ના હા
પ્રતિફૂગ ઔષધો (antifungals) ફૅન્ટિક્લોર, જૅડિટ, મલ્ટિફંગિન હા ના
મૂત્રવર્ધકો (diuretics) થાયેઝાઇડ ના હા
પીડાશામકો (analgesics) પિરૉક્સિકામ હા ના
ફિનોથાયેઝાઇન્સ ક્લૉરપ્રૉમેઝિન, પ્રૉમેથેઝિન, ના હા
કેટલીક અન્ય દવાઓ 5-ફલ્યુરોયુરૅસિલ, સોલૅરિન્સ, રૅટિનૉઇડ્ઝ હા ના
ઍમિડેરૉન, ડેકાર્બાઝિન, નૅલિડિક્સિક ઍસિડ, ટેટ્રાસાઇક્લીન, વિન્બ્લાસ્ટિન, ફ્યુરોસેમાઇડ, સલ્ફોનાઇલયુરિયા ના હા
રંગો ઍન્થ્રાક્વિનૉન, ઇયોસિન, મિથિલીન બ્લ્યૂ, રોઝ બૅન્ગાલ ના હા
સુગંધિત દ્રવ્ય (fragrances) મસ્ક ઍમ્બ્રિટ (musk ambrette), 6-મિથાયલ કુમૅરિન, વનસ્પતિજન્ય ઑલિયોરેઝિન્સ હા ના
તાપરક્ષકો (sunscreens) પી-એમીનોબેન્ઝૉઇક ઍસિડ અને તેના એસ્ટર્સ હા ના
પ્રકીર્ણ શ્ર્વેતકારી દ્રવ્ય (whitening agent), સ્ટિલ્બેન્સ (stilbenes), હેલોજિનેટેડ સૅલિસિનલેનિલાઇડ્ઝ હા ના

સૂર્યપ્રકાશની હાનિકારક અસરો : સૂર્યપ્રકાશની હાનિકારક અસરોને મુખ્યત્વે 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. તેનાથી ઉદભવતા વિકારોને પ્રકાશલક્ષી અતિસંવેદિતાના વિકારો કહે છે (સારણી 4). સૂર્યપ્રકાશની મુખ્ય અસરો કાં તો ઉગ્ર અથવા ટૂંકા ગાળાની કે દીર્ઘકાલીન અથવા લાંબા સમયની હોય છે. વળી તે ક્યારેક પ્રતિરક્ષાલક્ષી (immunological) હોય છે. પ્રકાશલક્ષી અતિસંવેદિતાજન્ય વિકારોને સારણી 2માં દર્શાવેલા છે.

વ્યક્તિની ચામડીની કાળાશ તેમાંના કાળા રંગના દ્રવ્યને કારણે છે. તેને કૃષ્ણવર્ણક (melanin) કહે છે. તે જેટલું વધારે તેટલી સૂર્યદાહ થવાની સંભાવના ઓછી. કૃષ્ણવર્ણકમાં પારજાંબલી કિરણોને અવશોષવાની ઘણી ક્ષમતા રહેલી છે. તે કૃષ્ણકોષ (melanocyte) નામના કોષમાં ઉત્પન્ન થાય છે, ત્યારબાદ તેને કૃષ્ણકાય(melano-some)માં એકઠું કરીને ચામડીના શૃંગીકોષો(keratinocytes)માં પહોંચાડવામાં આવે છે.

સારણી 4 : સૂર્યપ્રકાશની મુખ્ય અસરો અને તેનાથી સર્જાતા વિકારો

ક્રમ

પ્રકાર

1. સૂર્યપ્રકાશની ઉગ્ર (acute) અસરો
2. સૂર્યપ્રકાશની દીર્ઘકાલીન (chronic) અસરો
3. સૂર્યપ્રકાશની પ્રતિરક્ષાલક્ષી (immunological) અસરો
4. સૂર્યપ્રકાશલક્ષી અતિસંવેદિતાજન્ય વિકારો
ક.  પ્રકાશજન્ય બહુવિરૂપી સ્ફોટ (polymorphus light erruptions)
ખ.  પ્રકાશજન્ય વિષાક્તતા (phototoxicity) અને પ્રકાશલક્ષી વિષમોર્જા (photoallergy)
ગ.  પૉરફિરિનતા (porphyria)

સૂર્યપ્રકાશની ઉગ્ર આડઅસરમાં સૂર્યદાહ (sunburn) અને વિટામિન-ડીના ચામડીમાંના ઉત્પાદનમાં થતા વિકારનો સમાવેશ થાય છે. પ્રકાશના સંસર્ગ વડે ચામડીમાં દાહ ઉદભવે કે ચામડી કાળી પડે (કમાય, tanning) તેને આધારે ચામડીના 6 પ્રકારો પાડવામાં આવે છે (સારણી 5).

સારણી 5 : સૂર્યપ્રકાશમાં ચામડી કાળી પડે કે ચામડી દાઝી જાય તેના આધારે કરાતું ચામડીનું વર્ગીકરણ

પ્રકાર ત્વચાદાહ ત્વચાનું કમાવવું (tanning)
1. હંમેશ કદી નહિ
2. હંમેશ ક્યારેક
3. ક્યારેક હંમેશ
4. ક્યારેક હંમેશ
5. કદી નહિ હંમેશ, વધુ ગાઢો રંગ
6. કદી નહિ હંમેશ, સૌથી ગાઢો રંગ

સામાન્ય રીતે સૂર્યપ્રકાશના સંસર્ગ પછી 4થી 12 કલાકે સૂર્યદાહનો વિકાર દેખા દે છે. તે થવાની પ્રક્રિયા સમજાવવા માટે 2 પ્રકારની સંકલ્પનાઓ કરવામાં આવેલી છે. એક સંકલ્પના પ્રમાણે ચામડીના ઉપલા અધિચ્છદ (epidermis) નામના પડમાંની વર્ણકપિંડિકાઓમાંથી કેટલાંક નસો પર અસર કરતાં વાહિનીસક્રિયક (vasoactive) દ્રવ્યો છૂટાં પડે છે, જે નીચે ત્વચામાં સરકીને ત્યાંની નસોને ઉત્તેજે છે. તેને કારણે લોહીનું પરિભ્રમણ વધે છે અને તે ભાગ લાલ દેખાય છે. બીજી સંકલ્પના પ્રમાણે 10% જેટલાં કિરણો ત્વચામાં ઊંડે સુધી જઈને નસોને સીધેસીધી ઉત્તેજે છે અને તેથી ત્યાંની ચામડી લાલ થઈ જાય છે. તેને સૂર્યદાહની ત્વકીય રક્તિમા કહે છે. તેમાં પારજાંબલી-બી તથા એ – એમ બંને પ્રકારનાં કિરણો કારણરૂપ હોય છે. બી પ્રકારનાં કિરણો લગભગ 1000ગણાં વધુ અસરકારક હોય છે. પીડાકારક સોજાને શોથ (inflammation) કહે છે. આવા શોથને ઘટાડતી અને પીડાશામક દવાઓને બિનસ્ટિરૉઇડી પ્રતિશોથ પીડાશામકો (nonsteroidal anti-inflammatory analgesics) કહે છે; દા.ત., ઍસ્પિરિન. તે સૂર્યદાહની લાલાશને ઘટાડે છે. સૂર્યદાહથી બચવા તાપરક્ષક રસાયણોનો ઉપયોગ કરાય છે.

સૂર્યપ્રકાશ વડે ચામડીમાં વિટામિન-ડીનું ઉત્પાદન થાય છે. જો મોટી ઉંમરની કોઈ વ્યક્તિ તેનાથી બચવા સૂર્યતાપરક્ષક (sunscreen) જૂથનાં રસાયણોનો વધુ પડતો ઉપયોગ કરે તો તેને વિટામિન-ડીની ઊણપ થઈ આવે છે.

લાંબા સમય સુધી સૂર્યપ્રકાશથી ઈજા પામેલી ચામડી કરચલીઓવાળી, ફોગાયેલી હોય એવી (bloachiness), પહોળી થયેલી નસોવાળી અથવા સૂક્ષ્મવિસ્ફારી વાહિનિતા(telangectasis)વાળી અને ખરબચડી થાય છે. તેને પ્રકાશજન્ય વૃદ્ધત્વ (photoaging) કહે છે. તેને કારણે તે કમાયેલા ચામડા જેવી અને ફોગાઈ ગઈ હોય તેવા રંગની થઈ જાય છે. ત્વચામાંના તંતુઓ ઘટ્ટ બને છે. તેને કારણે તેમાં કરચલીઓ પડે છે. આવી લાંબા ગાળાના સૂર્યપ્રકાશ વડે નુકસાન પામેલી ચામડીની કુમાશ પાછી મેળવવા માટે વિટામિન-એ અને રૅટિનોઇડ્ઝ વપરાય છે પરંતુ તેમની અસરકારકતા કે લાંબા ગાળાના ઉપયોગની સુરક્ષિતતા વિશે ખાસ ખાતરી નથી.

સૂર્યપ્રકાશ સાથેના લાંબા ગાળાના વિકારકારી સંસર્ગથી 2 પ્રકારનાં કૅન્સર ઉદભવે છે : (1) તલકોષી કર્કાર્બુદ (basal cell carcinoma) અને (2) લાદીસમકોષી કર્કાર્બુદ (squamous cell carcinoma). કૅન્સર કરતા પરિબળને કૅન્સરજન (carcinogen) કહે છે. તેના મુખ્ય 2 પ્રકાર છે : (1) પ્રારંભક (initiator) અને (2) પ્રબલક (promoter). પારજાંબલી-બી કિરણો બંને પ્રકારનું કાર્ય કરે છે. લાંબા સમય સુધી વારંવાર સૂર્યપ્રકાશનો સંસર્ગ થાય તો જ કૅન્સર ઉદભવે છે. સૌપ્રથમ એક સૌમ્ય પ્રકારની ગાંઠ થાય છે. તેને અંકુરાર્બુદ (papilloma) કહે છે. જનીનીય વિરચનાઓ (genetic alterations) હોય તો પાછળથી તેમાં લાદીસમકોષી કૅન્સર ઉદભવે છે. તલકોષી કર્કાર્બુદ અને લાદીસમકોષી કૅન્સર શરીરના ખુલ્લા રહેતા ભાગો (મોં, ગળું અને હાથ) પર જોવા મળે છે. સહુથી વધુ તે નાક અને ગાલ પર જોવા મળે છે. બહાર પ્રકાશમાં કામ કરતા શ્વેત ચામડીવાળા પુરુષોમાં તે વધુ જોવા મળે છે. ઘરમાં રહેતી સ્ત્રીઓમાં અને ઘઉંવર્ણી વ્યક્તિઓમાં તે ઓછું જોવા મળે છે. સહુથી ઓછું પ્રમાણ હબસીઓમાં હોય છે. તેને કારણે એવું સરળતાથી માની શકાય કે સૂર્યપ્રકાશના સીધા સંસર્ગને કારણે શ્વેત ચામડીની વ્યક્તિઓમાં ચામડીનું કૅન્સર થાય છે. અમેરિકામાં દર વર્ષે આશરે 4થી 5 લાખ વ્યક્તિઓને ચામડીમાં તલકોષી કર્કાર્બુદ અને લાદીસમકોષી કર્કાર્બુદ પ્રકારનાં કૅન્સર થાય છે. એવું ગણી કાઢવામાં આવ્યું છે કે 15% શ્ર્વેત વ્યક્તિઓને જીવનમાં ક્યારે ને ક્યારે તો ચામડીનું કૅન્સર થાય છે.

ચામડીમાં 3જા એક પ્રકારનું કૅન્સર પણ થાય છે. તેને કૃષ્ણકોષી કૅન્સર (melanoma) કહે છે. પરંતુ કૃષ્ણકોષી કૅન્સર થવામાં સૂર્યપ્રકાશનો કેટલો હિસ્સો છે તેની કોઈ સીધી માહિતી ઉપલબ્ધ નથી. જીવનનાં શરૂઆતનાં વર્ષો કૃષ્ણકોષી કૅન્સર જ્યાં વધુ થાય છે તેવા સૂર્યપ્રકાશવાળા વિસ્તારોમાં ગાળવામાં આવેલાં હોય તો તેનું પ્રમાણ વધુ થયેલું જોવા મળે છે. આમ બિનકૃષ્ણકોષી કૅન્સરનું પ્રમાણ જીવનમાં કુલ કેટલા સમય સુધી સૂર્યપ્રકાશનો સંસર્ગ રહ્યો તેના પર નિર્ભર છે, જ્યારે કૃષ્ણકોષી કૅન્સરનું પ્રમાણ બાળપણમાં કેટલો સંસર્ગ રહ્યો છે તેના પર નિર્ભર રહે છે. ચામડી પર ફોલ્લા પડે તેવા પ્રકારનો સૂર્યદાહ થયેલો હોય તો કૃષ્ણકોષી કૅન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે.

સારણી 6 : જુદાં જુદાં તાપરક્ષકો(sunscreens)ના ક્ષમતાંક અને ચામડીમાં ટકી રહેવાની ક્ષમતા

જુદા જુદા વ્યાપારી તાપરક્ષકોના દ્રવ્યઘટકોનું પ્રમાણ તાપરક્ષક ઘટકનો ક્ષમતાંક ચામડીમાં ટકી રહેવાની ક્ષમતા
પૅરાએમીનોબેન્ઝૉઇક ઍસિડ + 5% ઇથેનૉલ વધુ (10–12) ઘણી સારી
પૅરાએમીનોબેન્ઝૉઇક ઍસ્ટર્સ સામાન્ય (4–6) ઓછી સારી
પૅરાએમીનોબેન્ઝૉઇક ઍસિડ + એસ્ટર્સ મધ્યમ (9) મધ્યમ રીતે સારી
2-હાઇડ્રૉક્સિ-4-મિથૉક્સિ બેન્ઝોફીનોન વધુ (10–12) ઘણી સારી
ટિટેનિયમ ડાયૉક્સાઇડ + મિથાયલ ઍન્થ્રાનિલેટ સામાન્ય (4–6) ઓછી સારી

પ્રતિરક્ષાલક્ષી અસરો : પારજાંબલી-બી કિરણો ચામડીના અધિત્વચા નામના સ્તરમાં આવેલા લાંગહાન્સના કોષો તથા લોહીમાં ફરતા ટી પ્રકારના લસિકાકોષો સાથે આંતરક્રિયા કરીને પ્રતિરક્ષાલક્ષી અસરો ઉત્પન્ન કરે છે. તેથી આવી અસરો સ્થાનિક તેમજ દેહવ્યાપી પણ હોય છે. પ્રતિરક્ષાલક્ષી ક્રિયાઓનું અવદાબન થાય છે. તેથી વ્યક્તિની રસાયણો તરફની ઍલર્જી એટલે કે વિષમોર્જા (allergy) ઘટે છે. તેને લીધે ચેપ લાગી જવાની સંભાવના વધે છે કે નહિ તે હજુ સ્પષ્ટ નથી.

પ્રકાશલક્ષી અતિસંવેદિતાને કારણે થતા રોગો અને તેની સામે રક્ષણ : સારણી 2 અને 4માં તેમનો ઉલ્લેખ કર્યો છે. તેવી રીતે સારણી 3માં પ્રકાશલક્ષી ઔષધોની ઝેરી (toxic) અને વિષમોર્જાલક્ષી (allergic) અસર દર્શાવી છે. પ્રકાશસંસર્ગને કારણે આ બધા વિકારો થતા હોવાથી પ્રકાશનો સંસર્ગ ઘટાડવાથી તેમને થતા અટકાવી શકાય. ચામડીમાંનું કૃષ્ણવર્ણક અને શૃંગિન (keratin) નામનું દ્રવ્ય કુદરતી રક્ષણ આપે છે. અંગ ઢાંકતાં, લાંબી બાંયવાળાં, ઝીણા વણાટવાળાં કપડાં તથા હૅટ, મોજાં વગેરે પણ ચામડીનું રક્ષણ કરે છે. કેટલાંક રસાયણો પારજાંબલી કિરણોને અવશોષી લે છે. તેમને તાપરક્ષક (sunscreen) રસાયણો કહે છે. સારણી 6માં જુદા જુદા તાપરક્ષકોનાં ક્ષમતાંક અને ચામડીમાં ટકી રહેવાની ક્ષમતા દર્શાવ્યાં છે.

ચામડીના શૃંગીસ્તર તથા વિવિધ પ્રકારનાં તાપરક્ષક વડે કરાતું સૂર્યપ્રકાશનાં કિરણોનું અવશોષણ

પારજાંબલી કિરણોનો સારવારલક્ષી ઉપયોગ : સોરિયાસિસ નામના રોગમાં ‘બી’ પ્રકારનાં કિરણોનો ઉપયોગ કરાય છે. ચામડી પર સફેદ ડાઘ પાડતા કોઢના રોગમાં સોરાલેન્સ નામની દવા સાથે ‘એ’ પ્રકારનાં કિરણો વાપરીને સારવાર કરાય છે. જોકે આ પ્રકારની લાંબા ગાળાની સારવાર ચામડીને કઠણ અને સુક્કી કરે છે અને તેમાં ક્યારેક પાછળથી કૅન્સર પણ ઉદભવે છે.

દીપા ભટ્ટ

શિલીન નં. શુક્લ