પ્રકાશપ્રેમી (જ. 16 ઑગસ્ટ 1943, કસૂરી, જિ. ઉધમપુર, જમ્મુ-કાશ્મીર) : ડોગરી સાહિત્યસર્જક. તેમની કૃતિ ‘બેદ્દન ધરતી દી’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના વતનના ગામમાં તથા રામનગરમાં થયું હતું. અને ઉચ્ચ શિક્ષણ તેમણે જમ્મુમાં લીધું હતું. જમ્મુ યુનિવર્સિટીમાંથી તેમણે હિંદી, સંસ્કૃત તથા ડોગરી ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. 1967માં શિક્ષણની કારકિર્દી અપનાવતાં પહેલાં તેમણે અનેક વ્યવસાયો અજમાવી જોયા હતા.
તેમના પર પં. દીનુભાઈ પંત તથા જયશંકર પ્રસાદ જેવા અગ્રણી સાહિત્યકારોની કૃતિઓનો પ્રભાવ છે. તેમણે 1966માં કવિતા લખવાનો પ્રારંભ કર્યો અને તેમનાં કાવ્યો અનેક સાહિત્યિક સામયિકોમાં પ્રગટ થયાં. ‘હરિસંદેશ’ નામના સાપ્તાહિકમાં તેમણે ‘પ્રભાકર માનવ’ના ઉપનામથી કટાક્ષ-લેખો પ્રગટ કર્યા. તેમનાં પ્રગટ થયેલાં પુસ્તકોમાં હાસ્ય તથા વ્યંગ્યલેખોનો સંગ્રહ ‘ત્રુંબન’ તથા ‘એક કોઠા દશ દુઆર’ નામના વાર્તાસંગ્રહનો સમાવેશ થાય છે. તેઓ હિંદીમાં પણ લખે છે સંખ્યાબંધ સાહિત્યિક સામયિકોમાં તેમનાં હિંદીમાં લખાયેલાં કાવ્યો તથા લેખો પ્રગટ થયાં છે.
પુરસ્કૃત કૃતિ ‘રામાયણ’ના સુખ્યાત વિષય-વસ્તુ પર આધારિત 11 સર્ગોનું ‘મહાકાવ્ય’ છે. કૃતિનું મહાકાવ્યાત્મક રચનાવિધાન તથા તેના ભક્તિપૂર્ણ પ્રભાવ બદલ તે સાંપ્રત ડોગરી સાહિત્યમાં મહત્વપૂર્ણ પ્રદાન ગણાયું છે.
મહેશ ચોકસી