પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852)
February, 1999
પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852) : ગૉથિક સ્થાપત્યના હિમાયતી આંગ્લ સ્થપતિ. ઓગણીસમી સદીમાં ખ્રિસ્તી સ્થાપત્યમાંથી તેમણે પ્રશિષ્ટ શૈલીના ગૉથિક સ્થાપત્યને પ્રચલિત કર્યું અને દેવળોના ભવનની યથાર્થ અભિવ્યક્તિ રૂપે તેને રજૂ કર્યું. બ્રિટનના રાષ્ટ્રીય સ્મારકરૂપ ધ ન્યૂ પૅલિસ ઑવ્ વેસ્ટમિન્સ્ટર અથવા હાઉસ ઑવ્ પાર્લમેન્ટ(1836–68)ની સ્થાપત્યરચનામાં સર ચાર્લ્સ બેરીકૃત પ્યૂજિનની ગૉથિક વિગતોનો વિનિયોગ કર્યો અને તેથી આજે પણ સ્થાપત્યના ઇતિહાસમાં આ ઇમારત એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
તેમણે 1836માં ગૉથિક સ્થાપત્ય વિશે ‘કૉન્ટ્રાસ્ટ્સ’ લખીને ગૉથિક શૈલીની પ્રબળ હિમાયત કરી. તેની પ્રેરણા હેઠળ ઘણાં ઉત્કૃષ્ટ ગૉથિક સ્થાપત્યો રચાયાં. તેમનાં અન્ય પુસ્તકોમાં ‘પ્રિન્સિપલ્સ’ (1841) અને ‘અપૉલજી’ (1843) ઉલ્લેખનીય છે. ગૉથિક સ્થાપત્ય-શૈલી પરત્વેની વૈચારિક ઝુંબેશનું સાતત્ય જાળવવામાં તેમનું નામ-કામ મહત્વનું છે.
રૂપલ ચૌહાણ